એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ બ્રાહ્મણને કપડાના ટુકડાની જરૂર પડી. પોતાના શિષ્ય પાસે જઈ એણે એવા ટુકડા કાપડની માગણી કરી. પણ પેલો વેપારી બોલ્યો : ‘ખૂબ દિલગીર છું, મહારાજ. થોડાક કલાક પહેલાં તમે આ કહ્યું હોત તો તમને એવો ટુકડો આપત. તમને કામમાં આવે એવો ટુકડો મારી પાસે હાલમાં નથી. પણ હું આ બાબત ધ્યાનમાં રાખીશ પરંતુ, કૃપા કરી અવારનવાર મને યાદ અપાવજો. ગુરુ અને એના મોંઘેરા શિષ્યની વાત એ શિષ્યની પત્નીએ પડદા પાછળથી સાંભળી હતી. એ બ્રાહ્મણની પાછળ એણે એક માણસ દોડાવ્યો અને, એને ઘરની અંદરના ભાગમાં બોલાવી પૂછ્યું, ‘બાબાજી, શેઠ પાસેથી આપ શું માગતા હતા?’ બન્યું હતું તે તે બ્રાહ્મણે કહી સંભળાવ્યું. શેઠાણી બોલી : ‘આપ નિરાંતે ઘેર પધારો. આવતી કાલે સવારે એ તમને મળી જશે.’ અને વેપારી ઘરમાં ગયો ત્યારે એની પત્નીએ પૂછ્યું : ‘તમે શું દુકાન વધાવી દીધી?’ વેપારીએ કહ્યું, ‘હા. શું કામ છે?’ પત્ની બોલી, ‘તરત પાછા જાઓ અને દુકાનમાંથી ઉત્તમ કાપડના બે નંગ લઈ આવો.’ પતિ કહે, ‘અત્યારે એવી ઉતાવળ શી છે? કાલ સવારે તારી પાસે બે સરસ નંગ હાજર કરી દઈશ.’ પણ પત્નીએ જિદ કરી; ‘ના, મારે અટાણે જ જોઈએ, નહીં તો જોઈતા જ નથી.’ વેપારી બિચારો શું કરે? જેની સાથે એ અત્યારે વાત કરતો હતો તે કંઈ એના ધર્મગુરુ ન હતા કે એને ઉડાઉ વચન આપી પાછા કાઢી શકાય; એ હતા ‘ઘૂંઘટ ગુરુ’ અને એની ઇચ્છા તરત જ સંતોષવી જોઈએ નહીં તો ઘરની શાંતિ જોખમાઈ જાય. આખરે, એ મોડી રાતે, એ વેપારીએ રાજીખુશીથી દુકાન ખોલી અને પત્નીએ મંગાવેલાં કપડાં એણે લીધાં. બીજે દહાડે, વહેલી સવારે, એ સન્નારીએ ગુરુને કાપડ મોકલાવી આપ્યું અને કહેવડાવ્યું : ‘આપને ભવિષ્યમાં અમારી પાસેથી કંઈ જોઈતું હોય તો મને કહેશો ને તે આપને મળી જશે.’

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.