‘મા, મારે વિદ્યા મેળવવા ગુરુના આશ્રમે જવું છે.’

‘બેટા, એ તો બહુ જ સારી વાત છે. વિદ્યા એ જ સાચું ધન છે. તું જરૂર જા, મારા આશીર્વાદ છે. તું ખૂબ વિદ્યા ભણજે.’ પોતાના પુત્રની વિદ્યાભ્યાસ કરવાની ઉત્કટ ઇચ્છા જોઈને માતા ખુશ થઈ ગઈ. તેણે પુત્રને આશ્રમમાં મોકલવા માટેની તૈયારી પણ કરી દીધી. જતી વખતે પુત્રને યાદ આવ્યું કે ગુરુજી વંશ-ગોત્ર એ બધું પૂછશે તો મને તો એ ખબર નથી. આથી તેણે માતાને પૂછ્યું; ‘મા, આપણું ગોત્ર ક્યું? મેં તો મારા પિતાને જોયા પણ નથી, પણ એમનું કુળ ક્યું હતું?’

આ સાંભળીને એક ક્ષણ તો માતા વિચારમાં પડી ગઈ પણ પછી બોલી, ‘બેટા, તારું ક્યું કુળ છે, એ તો હું પણ જાણતી નથી. મારી યુવાનીમાં ભરણપોષણ કરવા માટે દાસીપણું કરતાં કરતાં હું તને પામી.

‘પણ તો પછી ગુરુદેવ મને ગોત્ર વિષે પૂછે તો હું તેમને શું કહું?’ નિર્દોષ બાળકે માને પૂછ્યું.

‘ગુરુદેવને પ્રણામ કરીને તું આ વાત કહી દેજે અને એ પણ કહેજે કે મારી માતાએ કહ્યું છે કે તેનું નામ જાબાલ છે, અને હું તેનો પુત્ર સત્યકામ છું.’

‘ભલે મા, હું ગુરુદેવને એમ જ કહીશ.’

માતાના આશીર્વાદ લઈને બાળક ગુરુના આશ્રમે જવા ચાલી નીકળ્યો.

સુકોમળ નિર્દોષ ચહેરો, આંખોમાં વિદ્યાપ્રાપ્તિની અભીપ્સા, હાથમાં નાનકડો દંડ, મસ્તક પર ચોટલી, કપાળે ભસ્મ લગાવેલો આ બાળક ગૌતમ ઋષિના આશ્રમે આવી પહોંચ્યો. અને ઋષિ પાસે જઈને પ્રણામ કરી બોલ્યો: ‘ભગવન્, હું આપની પાસે વિદ્યાભ્યાસ કરવા આવ્યો છું. આપ મારો સ્વીકાર કરો.’ તેને મસ્તકથી પગ સુધી નીરખીને ગૌતમ ઋષિએ કહ્યું:

‘તું દેખાય છે તો સૌમ્ય. જરૂર વિદ્યા પ્રાપ્ત કરી શકીશ. પણ તારું ગોત્ર ક્યું?’ અપાત્રે વિદ્યા ન અપાઈ જાય એ માટે ઋષિઓ તે સમયે કુળ-ગોત્ર પરથી પ્રથમ  જાણી લેતા કે તેને શિષ્ય તરીકે સ્વીકારવો કે નહીં. યોગ્ય કુળ-ગોત્ર હોય તો પછી આગળ તેનાં વાણી-વર્તન જોતા. પછી તેને કઈ રીતે વિદ્યાભ્યાસ કરાવવો તે નક્કી કરતા. આથી પોતાની સામે ઊભેલા બાળકના નિર્દોષ ચહેરાને જોઈને ગૌતમ ઋષિએ પ્રશ્ન પૂછ્યો.

તેના ઉત્તરમાં સત્યકામે કહ્યું; ‘ભગવન્, મારું ગોત્ર ક્યું છે, તે હું જાણતો નથી. જ્યારે મેં મારી માતાને ગોત્ર વિષે વાત કરી તો તેમણે મને આ પ્રમાણે કહ્યું હતું, એમ કહી તેણે તેની માતાએ કહેલી સઘળી વાત ગુરુદેવને કરી અને પછી કહ્યું; હે ભગવન્ મારી માતાના કહેવા પ્રમાણે હું જાબાલનો પુત્ર સત્યકામ છું.’

સત્યકામની વાત સાંભળીને ગુરુ વિચારમાં પડી ગયા કે ખરેખર આનું ગોત્ર ક્યું હશે? એના પિતા કોણ હશે? પણ પછી બીજી જ ક્ષણે એમના મનમાં થયું કે ભલે આ જન્મથી બ્રાહ્મણ ન હોય તો પણ તેનામાં કેવી સરળતા, સૌમ્યતા અને સચ્ચાઈ રહેલાં છે. જે હંમેશા સત્યનું પાલન કરે એ જ સાચો બ્રાહ્મણ. પછી ભલેને તેનું ગોત્ર ગમે તે હોય! આમ વિચારીને તેમણે પ્રેમપૂર્વક કહ્યું; ‘બેટા, તું સાચું બોલ્યો છે, તેં કંઈ છૂપાવ્યું નહીં, એટલે તું બ્રાહ્મણ છે અને બ્રહ્મવિદ્યાનો અધિકારી છે. હું તને શિષ્ય તરીકે સ્વીકારું છું. આજથી તું સત્યકામ જાબાલ તરીકે ઓળખાઈશ. તું સમિધા લઈ આવ. હું તને ઉપનયન સંસ્કાર આપીને વિદ્યા ભણાવીશ.’ આમ કહીને ગૌતમ ઋષિએ સત્યકામને પોતાના આશ્રમમાં અંતેવાસી તરીકે સ્થાન આપી દીધું.

છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયમાં આવેલી આ કથા એ દર્શાવે છે કે જાતિ, કુળ અને ગોત્રની શ્રેષ્ઠતા કરતાં પણ સત્ય આચરણ શ્રેષ્ઠ છે. જે સત્યનું આચરણ કરે છે, એ ગમે તે ગોત્રનો હોવા છતાં બ્રાહ્મણ જ છે, અને વિદ્યાનો અધિકારી છે.

સત્યકામની વિદ્યાપ્રાપ્તિ

ગુરુ ગૌતમના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા આવેલા સત્યકામને એક દિવસ ગુુરુએ દુબળી, પાતળી, અશક્ત એવી ચારસો ગાયો આપીને કહ્યું: ‘બેટા સત્યકામ, આ ગાયોને તું વનમાં લઈ જા. ત્યાં તેને સાચવજે, તેનું પાલન પોષણ કરજે અને જ્યારે આ ગાયોની સંખ્યા એક હજારની થાય ત્યારે તેને લઈને આશ્રમમાં આવજે, ત્યારે હું તને બ્રહ્મવિદ્યા ભણાવીશ.’

‘ભલે ગુરુદેવ, આપની આજ્ઞા પ્રમાણે એક હજાર ગાયો થશે, ત્યારે પાછો આવીશ.’ આમ કહીને ગુરુને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈને સત્યકામ ગાયોને લઈને વનમાં જવા ચાલી નીકળ્યો. ત્યારે એના મનમાં કોઈ જાતનો એવો વિચાર સુધ્ધાં ન આવ્યો કે હું તો વિદ્યાભ્યાસ કરવા આશ્રમમાં આવ્યો છું અને ગુરુદેવ તો મને આશ્રમની બહાર જંગલમાં મોકલી રહ્યા છે.’ ગુરુની આજ્ઞા, પછી તે ગમે તેવી હોય એનું પાલન કરવું એ એનો ધર્મ હતો. એટલે આવા કોઈ પણ વિચાર એના મનમાં આવ્યા જ નહીં અને એ આનંદપૂર્વક ચાલી નીકળ્યો.

ચારસો માંદલી ગાયોમાંથી એક હજાર ગાયો ક્યારે બને? એમાં તો વરસો વીતી ગયાં. પણ ગાયોની સેવા કરતાં કરતાં અનેક પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન એને સહજપણે થવા લાગ્યું. હિંસક પ્રાણીઓથી ગાયોનું રક્ષણ કરવા એને વાડો કરવો પડ્યો. પોતાની કુટિયા બનાવવી પડી. સ્થાપત્ય વિદ્યા આવડી ગઈ. પશુસંરક્ષણ, સંવર્ધન અને ચિકિત્સાનું જ્ઞાન મેળવવું પડ્યું. એમાં વનૌષધિઓની પરખ થઈ. વનવાસીઓ સાથે આત્મીયતા કેળવવી પડી, મનુષ્ય પ્રકૃતિનું જ્ઞાન થયું. ઠંડી, ગરમી, થાક, ભૂખ, તરસ બધાં ઉપર કાબૂ મેળવવો પડ્યો અને જાતે પરિશ્રમ કરવો પડતો એટલે શરીર ખડતલ અને કસાયેલું બન્યું. પ્રકૃતિના સાન્નિધ્યમાં જ સતત રહેવાનું હોવાથી પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા સધાઈ. આકાશના તારાઓ, નક્ષત્રો, ગ્રહોનું નિરીક્ષણ કરતાં કરતાં ખગોળનું જ્ઞાન મળ્યું. પશુ- પક્ષીઓ, વૃક્ષો, નદી, ઝરણાં – આ બધાં તેના નિત્યના સાથીદારો બન્યાં. ગાયોને સાચવતાં સાચવતાં બધાંમાં વ્યાપ્ત એવા પરમતત્ત્વનું ચિંતન પણ તેના મનમાં સહજ રીતે થવા લાગ્યું. આમ ગુરુના આશ્રમમાં રહીને જે વિદ્યા તેણે મેળવવાની હતી, વિદ્યા ઉપરાંત બીજી અનેક વિદ્યાઓ તેણે ગાયોનું ધ્યાન રાખતાં રાખતાં પ્રાપ્ત કરી લીધી. જ્યારે ગાયોની સંખ્યા એક હજારની થઈ ત્યારે તો તે અનેક વિદ્યાઓથી સંપન્ન એવો યુવાન બની ગયો હતો.

એક દિવસ જેમાં વાયુદેવનો પ્રવેશ થયો હતો એવા એક ઋષભે તેને કહ્યું; ‘હે પ્રિયદર્શન, હવે અમે સહસ્ત્ર થઈ ગયાં છીએ, એટલે તું અમને ગુરુના આશ્રમે લઈ જા.’ અને પછી એ ઋષભે તેને ચતુષ્પાદ બ્રહ્મનો એક પાદ સમજાવતાં કહ્યું: ‘બ્રહ્મને સમજવાના ચાર પાયા છે. એમાંનો એક હું તને સમજાવું છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ સૃષ્ટિની ચારે ય દિશાઓમાં બધે જ બ્રહ્મ રહેલું છે. તેમ છતાં આ બ્રહ્મ પૂર્ણ નથી. એ તો પૂર્ણબ્રહ્મનો માત્ર એક ભાગ છે. એને જ પ્રકાશમાન્ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. જેઓ આ રીતે પ્રકાશમાન બ્રહ્મને જાણે છે, અને તેની ઉપાસના કરે છે, તેઓ આ લોકમાં તો પ્રખ્યાત થાય છે, અને મૃત્યુ પછી પણ પ્રકાશવાળા લોકને – દેવોના લોકને પામે છે. આ બ્રહ્મનો એક પાદ મેં તને કહ્યો હવે તું આશ્રમ ભણી પ્રયાણ કર. બ્રહ્મનો બીજો પાદ પછી તને અગ્નિ કહેશે.’ આમ કહીને ઋષભની વાણી શમી ગઈ.

હવે સત્યકામ એક હજાર ઋષ્ટ પુષ્ટ ગાયોને લઈને ગુરુના આશ્રમે જવા નીકળ્યો. આખો દિવસ ચાલતાં રહ્યાં. સાંજે તેણે ગાયોના ધણને રોકીને વિસામો આપ્યો. પોતે નિત્યકર્મ કરીને અગ્નિમાં સમિધા આપી હોમ કર્યો અને આગલા દિવસે બળદે કહેલી વાત ઉપર વિચાર કરવા લાગ્યો. ત્યાં અગ્નિદેવ પ્રગટ થયા અને બોલ્યા: ‘સત્યકામ’, આ ઉદ્બોધન સાંભળીને સત્યકામે ‘ભગવન્’ એમ કહીને નમસ્કાર કર્યા, ત્યારે અગ્નિદેવે તેને કહ્યું: ‘હે સૌમ્ય, તને હું ચતુષ્પાદ બ્રહ્મનો એક પાદ કહું છું તે તું સાંભળ. જો આ બ્રહ્મ સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ અને સમુદ્ર એ બધામાં રહેલું છે. તે સઘળે વ્યાપ્ત છે, તેનો અંત નથી એટલે તે અનંત બ્રહ્મ છે. આ અનંત બ્રહ્મની જે ઉપાસના કરે છે, અને તેને જે જાણે છે તેઓ આ લોકમાં અનંતવાન થઈને મૃત્યુ પછી પણ અક્ષય લોકને પામે છે. હવે પછી બ્રહ્મનું એક પાદ તને હંસ કહેશે.

બીજે દિવસે સવારે નિત્યકર્મ આટોપીને સત્યકામ  ગાયોને લઈને આશ્રમ તરફ આગળ વધ્યો. સાંજ પડી એટલે ફરી તેણે ધણને રોક્યું. સાંધ્ય પૂજા કરી, અગ્નિ પેટાવી, તેમાં આહુતિ આપીને તે અગ્નિદેવે કહેલા બ્રહ્મના પાદનું ચિંતન કરતો હતો, ત્યાં સૂર્યે જેમાં પ્રવેશ કર્યો છે, તેવો એક હંસ ઊડતો ઊડતો તેની પાસે આવ્યો અને બોલ્યો, ‘ઓ સત્યકામ’, ત્યારે ‘ઓ ભગવન્’ એમ કહીને સત્યકામે તેને પ્રણામ કર્યા ત્યારે એ હંસે કહ્યું: ‘હું તને બ્રહ્મનો એક પાદ કહું છું તે તું સાંભળ. અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વીજળીમાં બ્રહ્મ વ્યાપ્ત છે. આ બ્રહ્મને જ્યોતિષ્માન બ્રહ્મ કહેવામાં આવ્યું છે. જેઓ આ બ્રહ્મની ઉપાસના કરે છે, તેને જાણે છે, તેઓ આ લોકમાં પ્રકાશ મેળવે છે, અને મૃત્યુ પછી પણ આદિત્ય, ચંદ્ર વગેરેના પ્રકાશવાળા લોકને પામે છે. હવે પછીનું બ્રહ્મનું ચરણ તને જળકૂકડી કહેશે. એમ કહીને હંસ ઊડી ગયો.

ચોથે દિવસે સવારે સત્યકામે ફરી પ્રયાણ કર્યું. ગાયોને ચારતાં ચારતાં તે આશ્રમ તરફ આગળ વધતો રહ્યો. સાંજ ઢળી, ત્યારે તેણે સુરક્ષિત સ્થળે ધણને રોક્યું. પોતે સાંધ્યપૂજા કરવા લાગ્યો. અગ્નિમાં આહુતિ આપીને તે હંસે કહેલા બ્રહ્મના પાદનો વિચાર કરવા લાગ્યો. ત્યાં જેનામાં પ્રાણતત્ત્વે પ્રવેશ કર્યો છે એવી જળકૂકડી ઊડીને એની પાસે આવીને બોલી : ‘ઓ સત્યકામ, હું તને બ્રહ્મનો એક પાદ કહું છું તે તું સાંભળ.’

‘ઓ ભગવન્, આપ મને કહો’ એમ કહી સત્યકામે તેને નમસ્કાર કર્યા, ત્યારે જળકૂકડીએ કહ્યું: ‘પ્રાણ, આંખ, કાન અને મન પણ બ્રહ્મનો જ એક ભાગ છે. એ છે તો સૃષ્ટિના પ્રકાશની, અનંતતાની ખબર પડે છે. આ બ્રહ્મને આયતનવાન બ્રહ્મ કહે છે. જેઓ આ આયાતનવાન બ્રહ્મની ઉપાસના કરે છે અને તેને જાણે છે તેઓ આ લોકમાં આશ્રયવાળા બને છે અને મૃત્યુ પછી અવકાશવાળા લોકને પામે છે.’ આમ કહીને જળકૂકડી ઊડી ગઈ. હવે સત્યવાનને બ્રહ્મના ચતુષ્પાદ અને સોળેકળાનું જ્ઞાન થઈ ગયું કે બ્રહ્મ ચારે દિશામાં વ્યાપ્ત છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને વીજળીમાં પ્રકાશ રૂપે રહેલું પ્રકાશમાન તત્ત્વ છે, વળી તે સ્વર્ગ, પૃથ્વી પાતાળ અને જળમાં પણ વ્યાપ્ત છે. એટલું જ નહીં પણ તે મનુષ્યની અંદર પણ વ્યાપ્ત છે. મનુષ્યનાં પ્રાણ, આંખ, કાન અને મનમાં પણ એ જ બ્રહ્મ રહેલું છે. આ રીતે બ્રહ્મ સર્વત્ર છે. બ્રહ્મના આ અનુભવે તેની ચેતના એ પરમતત્ત્વ સાથે એકતાનો અનુભવ કરવા લાગી. તેનું મુખ બ્રહ્મની હાજરીથી દેદીપ્યમાન બની ગયું.

તે બીજે દિવસે સાંજ સુધીમાં ગુરુના આશ્રમે આવી પહોંચ્યો. ત્યારે ગુરુએ તેને છાતીસરસો ચાંપી કહ્યું, ‘બેટા, તારા મુખ પર હું બ્રહ્મનું તેજ જોઈ રહ્યો છું. કહે કોણે તને આ જ્ઞાન આપ્યું?’ ત્યારે વિનમ્ર્રભાવે સત્યકામે કહ્યું; મનુષ્યોએ નહીં, પણ પ્રકૃતિનાં તત્ત્વો દ્વારા દેવોએ મને આ ઉપદેશ આપ્યો. પણ હે ગુરુદેવ જ્યાં સુધી આપની પાસેથી મને આ જ્ઞાન ન મળે ત્યાં સુધી મારી વિદ્યા અપૂર્ણ રહેશે. માટે આપ જ મને બ્રહ્મવિદ્યા આપો.’

છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયમાં આવેલી આ કથા દ્વારા સર્વાંગી શિક્ષણ આપવાની ભારતના ઋષિઓની અનોખી શિક્ષણ પદ્ધતિનાં દર્શન થાય છે. તથા વર્ગમાં પઠન – પાઠન અને અધ્યયન કર્યા વગર પણ કાર્યો કરતાં કરતાં બ્રહ્મવિદ્યાની સાથે સાથે અન્ય અપરાવિદ્યાઓ પણ પ્રાપ્ત કરી શકાય છે, એનું પણ સ્પષ્ટ દર્શન થાય છે.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.