મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત કહી શકીએ. એ લોકો બીજાંઓના હિતાર્થે જ સંસારમાં વસે છે તે લોકોને આધ્યાત્મિક સત્ય સમજાવે છે. સંસારબંધનોથી બદ્ઘ બધા જીવો સંસારમાં ડૂબેલા છે અને એમને ઈશ્વરનું સ્મરણ નથી.

મુમુક્ષુઓ – મુક્તિની ઇચ્છા રાખવા વાળાઓ – સંસારની માયામાંથી મુક્તિ ચાહે છે. થોડાક તેમાં સફળ થાય છે, બધા નહીં.

સાધુ મહાત્માઓ જેવા મુક્ત આત્માઓ ‘કામ કાંચન’ની જાળમાં ફસાતા નથી. એમનાં મન સંસારિતાથી મુક્ત છે. ઉપરાંત, એ લોકો નિત્ય પ્રભુનાં ચરણકમળનું ધ્યાન કરે છે.

માછલાં પકડવા માટે એક સરોવરમાં જાળ નાખી છે એમ ધારો. કેટલીક માછલીઓ એવી ચતુર છે કે એ જાળમાં ઝલાતી જ નથી. એ આ નિત્યમુક્તો જેવી. પણ મોટા ભાગની માછલીઓ જાળમાં સપડાઈ જાય છે. એમાંની કેટલીક એમાંથી મુક્ત થવા કોશિશ કરે છે. એ બધી મુમુક્ષુઓ જેવી. પણ બધી કોશિશ કરતી માછલીઓ છટકવામાં સફળ થતી નથી. થોડીક જ જાળની બહાર ઠેકી શકે છે. એટલે માછીમાર બોલી ઊઠે. ‘જો જો, એક મોટો માછલો છટક્યો!’ પરંતુ જાળમાં પકડાયેલી બધી માછલીઓ છટકી શકતી નથી તેમ જ, છટકવાનો પ્રયત્ન પણ કરતી નથી. એથી ઉલટું, એ કાદવમાં ખદબદે છે, જાળને મોઢામાં પકડી રાખે છે અને ત્યાં પડી રહે છે ને વિચારે છે કે, ‘આપણે જરાય ડરવાની જરૂર નથી; આપણે અહીં પૂરી સલામત છીએ.’ એ બચાડા જીવો જાણતા નથી કે માછીમાર જાળની સાથે એમને બહાર ખેંચી કાઢશે. એ સંસારના બદ્ધ જીવો જેવી.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.