એક બ્રાહ્મણ બગીચો બનાવતો હતો. દિવસ રાત એની પાછળ એ લાગ્યો રહેતો. એક દિવસ એક ગાય બગીચામાં ઘૂસી ગઈ અને, બ્રાહ્મણ જેની ખૂબ કાળજી લેતો હતો તે આંબાના રોપને ચાવી ગઈ. પોતાના પ્રિય રોપનો નાશ કરતી ગાયને જોઈ બ્રાહ્મણ ભુરાંટો થઈ ગયો અને ગાયને તેણે એવી મારી કે એને થયેલી ઈજાથી એ મરી ગઈ. પવિત્ર ગાયની બ્રાહ્મણે હત્યા કરી છે એ સમાચાર આગના ભડકાની જેમ ચોમેર પ્રસર્યા. કોઈ એ હત્યાનું પાપ એને શિરે ચડાવી દીધું ત્યારે વેદાન્તી હોવાનો ઢોંગ કરતા એ બ્રાહ્મણ કહેવા લાગ્યો: ‘મેં કંઈ ગાયની હત્યા નથી કરી. મારા હાથે એ કૃત્ય કર્યું છે અને હાથનો દેવતા ઇન્દ્ર છે, એટલે એ પાપ એણે કર્યું છે, મેં નહીં.’ સ્વર્ગમાં ઇન્દ્રે આ સાંભળ્યું. એણે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને પેલા બગીચાના માલીક પાસે જઈ એણે પૂછ્યું: ‘મહાશય, આ બાગ કોનો છે?’

બ્રાહ્મણ બોલ્યો : ‘મારો.’ ઇન્દ્ર : ‘બાગ તો સરસ છે. તમારો માળી કુશળ લાગે છે કારણ કે એણે બધાં વૃક્ષો કેવી સરસ અને કલાત્મક રીતે વાવ્યાં છે?’ બ્રાહ્મણ : ‘અરે, મહાશય, આ બધું મારું કરેલું છે. મારી જાત દેખરેખ નીચે એ બધાં ઝાડ વવાયાં હતાં.’ ઇન્દ્ર : ‘બધું સરસ રીતે થયું છે. આ રસ્તો કોણે કર્યો છે? એ પણ સરસ રીતે વિચારીને તૈયાર કર્યો છે.’ બ્રાહ્મણ : ‘આ સઘળું મારું કરેલું છે.’ પછી હાથ જોડીને ઇન્દ્રે કહ્યું : ‘આ બધું તમારું છે તો અને આ સઘળાં કૃત્યનો ભાર તમે લો છો તો ગાયને મારવા માટે ઇન્દ્રને જવાબદાર ઠેરવવો તે યોગ્ય નથી.’

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.