આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક આસક્તિઓ અને વાસનાઓના નાશક આ દિવ્ય અસંતોષનો ઉદય ન કરીએ ત્યાં સુધી આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે આપણામાં સાચી વ્યાકુળતા ઉત્પન્ન થઈ શકતી નથી. સંસારમાં વાસ્તવિક શાંતિ ક્યારેય હોઈ શકતી નથી. આમ છતાં પણ આપણે પોતાની ભૂમિકા યથાસંભવ ઘણી સારી રીતે નિભાવવી જોઈએ. આપણા પ્રયાસોમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન ચાલે; આપણી બદ્ધ અવસ્થા પ્રત્યે કોઈ પણ પ્રકારના સંતોષનો ભાવ ક્યારેય થવો ન જોઈએ. આવો સંતોષ બધા સાધકો માટે ઘણો હાનિકારક છે. આપણે સચેતન રૂપે ઉચ્ચ જીવન પ્રત્યે લાલસા અને વ્યાકુળતાનો અગ્નિ પ્રજ્વલિત રાખવો જોઈએ. આપણી શક્તિઓને કોઈ નિમ્ન હેતુ માટે ક્યારેય નિરર્થક વેડફી ન નાખવી જોઈએ. આધ્યાત્મિક ઉપલબ્ધિ માટે બેચેનીની સરખામણીમાં અકર્મણ્યતાની શાંતિને ક્યારેય પસંદ ન કરવી જોઈએ.

પરમલક્ષ્ય તરફ ઠીક ઠીક અંતર સુધી આગળ વધ્યા વિના કોઈપણ પ્રકારની સુરક્ષા મળી શકતી નથી. આત્મ સાક્ષાત્કાર ન થયો હોય ત્યાં સુધી કોઈ પણ ભક્તને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ક્યારેક કોઈ પણ પળે તેનું ગર્હિત પતન પણ થઈ શકે છે. એટલે આપણે પૂરેપૂરી પ્રગતિ કરી લઈએ ત્યાં સુધી પોતાની શક્તિ પર વધુ પડતો ભરોસો રાખીને મોટો ખતરો વહોરી ન લેવો જોઈએ.

સાધના અને પ્રાર્થનામાં તીવ્રતા લાવવી જોઈએ. રાતદિવસ સતત પ્રાર્થના, ધ્યાન, નિરંતર ઉચ્ચતર વિચારોના ચિંતનથી આપણને ઘણો લાભ મળે છે. પ્રારંભિક સાધકે પોતાના મનને ભગવદ્‌ વિચારોમાં નિરંતર લગાડી રાખવું જોઈએ, જેનાથી એને એવી ટેવ પડી જાય છે. ઉપયુક્ત શુદ્ધ આદત પડી ગયા પછી પથ સરળ બની જાય છે. અને સાધકના જીવનમાં વધારે માનસિક તણાવ ઊભો થતો નથી.

આપણે પણ મનના એક અંશ જ નહિ પરંતુ સમગ્ર મનને ભગવાનમાં લગાડી દેવું જોઈએ. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘જો મારે એક રૂપિયાની કીમતનું કપડું ખરીદવું હોય તો મારે એક રૂપિયો પૂરો આપવો પડે, એક પૈસો પણ ઓછો નહિ. ઓછું દેવાથી કપડું મળે નહિ.’ આધ્યાત્મિક જીવનમાં પણ આ જ વાત છે. જો તમે પૂરો મનોયોગ ન કરો તો તમને કંઈ મળવાનું નથી. જો બેદરકારીપૂર્વક થોડાં મહિના કે વર્ષો સુધી ધ્યાનનો અભ્યાસ કર્યા પછી તમને કોઈ આધ્યાત્મિક લાભ ન મળે તો (તમારા સિવાય) એને માટે કોઈ બીજું દોષી નથી. આપણા માટે અધ્યવસાયની આવશ્યકતા છે. દૃઢતાપૂર્વક નિરંતર સાધના કરવી જોઈએ. દેહ અને મનને પવિત્ર બનાવી રાખવા માટે સંઘર્ષમાં હાર માનવી એના કરતાં મરી જવું શ્રેયષ્કર છે. અને આપણે મરી જઈએ તોયે શું? મહત્ત્વની વાત તો એ છે કે આપણે સત્યનો સાક્ષાત્કાર કરીએ, પોતાના વાસ્તવિક સ્વરૂપનો પૂર્ણ વિકાસ કરીએ. જો આપણે પોતાનો પૂરેપૂરો પ્રયાસ  કરી શકીએ, પૂરેપૂરો સંઘર્ષ કરી શકીએ તો માની લો કે આપણે પોતાનું કર્તવ્ય કરી લીધું છે. ત્યાર પછી બાકીનું કામ પરમાત્મા પર છોડી દેવું જોઈએ. અહીં જ સાચી ભગવદ્‌ શરણાગતિ અને આત્મસમર્પણની ઉપયોગીતા સ્પષ્ટ થાય છે. કઠોપનિષદ (૧.૩.૯)માં કહેવામાં આવ્યું છે :

विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः ।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥ 

જે મનુષ્યની બુદ્ધિ સારા સારથિ જેવી અને તેથી એને સાચા માર્ગે લઈ જનારી હોય છે, અને જેનું મન એની એવી બુદ્ધિના તાબામાં હોય છે, વળી જેે આવી જાતનાં મન-બુદ્ધિના સુયોગને પરિણામે પોતાની ઈંદ્રિયોને પોતાને ઠીક લાગે તેમ સારી રીતે ઇચ્છા પ્રમાણે વાળી શકે છે તે આ જગતની સામે પાર જાય છે. ત્યાં તે જીવનનું ઉચ્ચતમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે – વિશ્વાત્મા સાથેનું અદ્વૈત પ્રાપ્ત કરે છે.

આપણે એમ વિચારીને ક્યારેય સંતોષ માની ન લેવો જોઈએ અથવા એ વિશે નિશ્ચિંત થઈ જવું ન જોઈએ કે આપણે આપણો પોતાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ સમય માટે એ આપણો સર્વોત્તમ પ્રયાસ હોઈ શકે છે, પરંતુ આપણે પરમાત્મા પાસે વધારે ને વધારે શક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ, જેને લીધે આપણે વધુ પ્રમાણમાં પ્રયાસ કરી શકીએ. આજે હું કેવળ દસ કિલો વજન ઉપાડી શકું છું, પણ હું સો કિલો ઉપાડવાની શક્તિ માટે પ્રાર્થના કરી શકું છું. હું મારો સર્વોત્તમ પ્રયાસ કરી ચૂક્યો છું કે કરી રહ્યો છું, આમ માનતા હોવા છતાં પણ મારી ક્ષમતા વધારી શકાય છે કારણ કે આ સર્વોત્તમની કોઈ નિશ્ચિત માત્રા નથી.

સંતોનું દૃષ્ટાંત

સંતો અને ઋષિઓના જીવનમાં જોવા મળતી અનવરત અને અટલ ભગવદ્‌ પિપાસા જેવી વ્યાકુળતાની વૃદ્ધિ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી ચૈતન્ય યૌવનકાળમાં મહાન પંડિત હતા. યુવાવસ્થામાં એમનામાં અચાનક એક પરિવર્તન આવ્યું અને તેઓ  પ્રભુના અનન્ય ભક્ત બની ગયા. એમનો ભગવદ્‌ પ્રેમ એટલો તીવ્ર હતો કે તેઓ એક પલભર માટે પણ ઈશ્વરને ભૂલી ન શકતા. એમનું સમગ્ર જીવન આધ્યાત્મિક ઉન્માદમાં પસાર થયું. એમનો આ આધ્યાત્મિક પ્રેમોન્માદ એમણે રચેલી એક નાની કવિતામાં વ્યક્ત થાય છે. એમાં તેઓ કહે છે :

નયનં ગલદશ્રુધારયા વદં ગદ્‌ગદરુદ્ધયા ગિરા । પુલકૈર્નિચિતં વપુ: કદા તવ નામગ્રહણે ભવિષ્યતિ । યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ્‌ । શૂન્યાયિતં જગત્સર્વં ગોવિંદવિરહેણ મે । આશ્લિષ્ય વા પાદરતાં પિનષ્ટુ મામ્‌ અદર્શનાન્મર્મહતાં કરોતુ વા । યથા તથા વા વિદધાતુ લંપટો મત્પ્રાણનાથસ્તુ સ એવ નાપર: । (શ્રી ચૈતન્યકૃત શિક્ષાષ્ટકમ્‌ – ૬.૭.૮)

અર્થાત્‌, ‘એ દિવસ ક્યારે આવશે, જ્યારે તમારું નામ લેતાં જ મારાં નેત્રોમાંથી અશ્રુધારા વહેવા માંડે, કંઠ ગદ્‌ગદ્‌ થઈ જાય અને શરીરમાં રોમાંચ થવા લાગે?’

‘એ દિવસ ક્યારે આવે કે જ્યારે ગોવિંદનો ક્ષણભરનો વિરહ મને યુગસમો ભાસે, પ્રભુના વિરહમાં મારાં નયનોમાંથી આંસુનો વરસાદ વરસવા લાગે અને જગત શૂન્ય શૂન્ય ભાસે?’

‘ભગવાનનાં ચરણોમાં રત એવા મને તેઓ આલિંગન કરે કે ચરણો વડે આઘાત કરે; અદર્શન દ્વારા મને મર્માહાત કરે; ભક્ત ચિત્તચોર એવા તેઓ મારી સાથે ગમે તેવો વ્યવહાર રાખે પણ મારા પ્રાણનાથ તો એક માત્ર તેઓ જ છે.’

પ્રહલાદનું પુરાણ પ્રસિદ્ધ ઉદાહરણ છે. બાલ્યકાળથી જ એમનામાં ભગવાન વિષ્ણુ પ્રત્યે તીવ્ર ભક્તિ હતી. એમના અસુર પિતાએ પુત્રને સાંસારિક પથ પર લાવવા બધા પ્રયાસ કર્યા. આમ છતાં પણ નાના બાળકે એ બધા નિષ્ઠુર અત્યાચારોનો વીરતાપૂર્વક સામનો કર્યો અને એ ભગવાનની ભાવપૂર્ણ સ્તુતિઓ કરતો રહ્યો. જ્યારે ભગવાને એની સામે આવિર્ભૂત થઈને વરદાન માગવા કહ્યું ત્યારે પ્રહલાદે (પ્રપન્ન ગીતા ૪૨) કહ્યું:

યા પ્રીતિરવિવેકાનાં વિષયેષ્વ નપાયિની ।
ત્વામનુસ્મરત: સા મે હૃદયાન્માપસર્પતુ ॥

વિષયોમાં અવિવેકી લોકોની જેવી દૃઢ પ્રીતિ હોય છે, હું એવી જ પ્રીતિ સહિત તમારું સ્મરણ કરું અને તે પ્રેમ મારા હૃદયમાંથી ક્યારેય દૂર ન થાય.

નાથ યોનિસહસ્રેષુ યેષુ યેષુ વ્રજામ્યહમ્‌ ।
તેષુ તેષુરચલાભક્તિ: અચ્યુતાઽસ્તુ સદા ત્વયિ ॥

હે પ્રભુ! જો મારે હજારોવાર જન્મ લેવા પડે તો પણ મારી તમારામાં અતૂટ ભક્તિ સદૈવ બની રહે.

આધુનિક કાળમાં ભગવાન પ્રત્યે તીવ્ર વ્યાકુળતા માટે શ્રીરામકૃષ્ણનું ઉદાહરણ અદ્વિતીય છે. ભગવાનનાં બધાં રૂપોનાં દર્શનની એમની વ્યાકુળતા એટલી તીવ્ર હતી કે તેઓ છ વર્ષ સુધી સૂતા પણ નહિ. તેઓ દિવસ રાત વિભિન્ન આધ્યાત્મિક ભાવોમાં વિભોર રહ્યા કરતા. આ ભાવ એટલો તીવ્ર હતો કે લોકો એમને પાગલ જ ગણતા. ખરેખર એમને દિવ્યોન્માદ થઈ ગયો હતો. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નામના એમના વાર્તાલાપો અને ઉપદેશોના સંકલનમાં ભગવાન માટે વ્યાકુળતા પર વધુ ભાર દેવામાં આવ્યો છે. વસ્તુત:  આપણે એમ કહી શકીએ કે બધા સાધકો માટે શ્રીરામકૃષ્ણે એક મુખ્ય સાધનનો ઉપદેશ આપ્યો છે. અહીં આપેલા કેટલાક ઉદ્‌ગારો એનું ઉદાહરણ છે.

‘શ્રીરામકૃષ્ણ (બંકીમ વગેરેને) – ‘‘પરંતુ બાળક જેમ માને ન જુએ તો આંધળું ભીંત થઈ જાય; પેંડો, મીઠાઈ તેના હાથમાં આપી ભુલાવવા જાઓ તોય એ કંઈ લે નહિ, કશાથીયે ભૂલે નહિ; અને કહે કે ‘ના, મારે બા આગળ જાવું છે;’ એવી વ્યાકુળતા ઈશ્વરને માટે જોઈએ. આહા! શી અવસ્થા! બાળક જેમ ‘મા’ ‘મા’ કહીને આતુર થાય, કશાથીયે ભૂલે નહિ! જેને સંસારમાં આ બધો ‘સુખ’નો ભોગ ફિક્કો લાગે; જેને બીજું કંઈ જ ગમે નહિ; પૈસોટકો, માન-પ્રતિષ્ઠા, દેહનું સુખ, ઇન્દ્રિયોનાં સુખ જેને જરાય ગમે નહિ, એ જ અંતરથી ‘મા, મા’ કરીને આતુર થાય. એને જ માટે માને બધાં કામ પડતાં મૂકીને દોડી આવવું પડે!’’

‘‘આવી આતુરતા (જોઈએ). પછી ગમે તે રસ્તેથી જાઓ, હિંદુ, મુસલમાન, ખ્ર્રિસ્તી, શાક્ત, બ્રાહ્મ-સમાજી – ગમે તે માર્ગે જાઓ, આ આતુરતા જ ખરી વસ્તુ. ઈશ્વર તો અંતર્યામી. કદાચ ભૂલભરેલે રસ્તે જઈ પડો તોય વાંધો નહિ. જો આતુરતા હોય તો ઈશ્વર જ પાછા સાચે રસ્તે વાળી દે.’’

‘‘અને કંઈક ને કંઈક ભૂલ બધાય પંથોમાં છે. સૌ માને કે મારી ઘડિયાળ બરાબર છે, પરંતુ કોઈની ઘડિયાળ બરાબર નથી હોતી. પણ એથી કંઈ કોઈનું કામ અટકતું નથી. અંતરમાં આતુરતા હોય તો સાધુસંગ મળી આવે. સાધુસંગથી પોતાની ઘડિયાળ મેળવીને ઘણી ખરી બરાબર કરી લેવાય.’’

બંકિમ (ઠાકુરને) – મહાશય, ભક્તિ કેમ કરીને આવે?

શ્રીરામકૃષ્ણ- આતુરતા જોઈએ. છોકરું જેમ માને માટે, માને ન જુએ તો, આંધળું ભીંત થઈને રડે, એવી રીતે આતુર થઈને ઈશ્વરને માટે રડો તો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય.

‘અરુણોદય થાય એટલે પૂર્વ-દિશા લાલ થાય. ત્યારે સમજી શકાય કે, સૂર્યોદયને હવે વાર નથી. તે પ્રમાણે જો કોઈનો જીવ ઈશ્વરને માટે આકુળવ્યાકુળ થયો છે એમ જોઈ શકાય તો પછી સારી રીતે સમજી શકાય કે એ વ્યક્તિને ઈશ્વર-પ્રાપ્તિમાં હવે ઝાઝી વાર નથી.’

શ્રીરામકૃષ્ણના બધા અંતરંગ શિષ્યોમાં ઈશ્વર પ્રત્યે આવો જ્વલંત અનુરાગ હતો. બલરામ એમાંના એક હતા. શ્રીરામકૃષ્ણ સાથેની એમની પ્રથમ મુલાકાતમાંથી આપણને ઘણું જાણવા મળે છે :

કોલકાતા પહોંચ્યા પછીના બીજા દિવસે તેઓ દક્ષિણેશ્વર જવા રવાના થયા. કેશવચંદ્ર સેન અને એમના ‘બ્રાહ્મ’અનુયાયીઓની ઉપસ્થિતિને કારણે મંદિરના પ્રાંગણમાં ઘણી ભીડ જામી હતી. બલરામ એક ખૂણામાં બેઠા રહ્યા અને જ્યારે લોકો ભોજન માટે ચાલ્યા ગયા ત્યારે શ્રીરામકૃષ્ણે બલરામને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે તેઓ શું પૂછવા ઇચ્છે છે? બલરામે કહ્યું: ‘મહાશય, શું ઈશ્વર ખરેખર છે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો: ‘અવશ્ય.’ બલરામે વળી પૂછ્યું: ‘શું એમનાં દર્શન થઈ શકે ખરા?’ શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘હા. જે ભક્ત એમને પોતાના નિકટતમ અને પ્રિયતમ માને છે તેને તેઓ દર્શન આપે છે. એકવાર પોકારવાથી તમને કંઈ ઉત્તર નહિ મળે, એનાથી એમ ન સમજવું કે તેઓ નથી.’ બલરામે પૂછ્યું: ‘પરંતુ આટલું બધું પોકારવા છતાં હું એનાં દર્શન કેમ કરી શકતો નથી?’ શ્રીરામકૃષ્ણે હસતાં હસતાં કહ્યું: ‘તમારાં સંતાનોની જેમ તમે એમને પોતાના સમજો છો? શું ખરેખર ભગવાનને પણ એવી જ રીતે પોતાના માનો છો?’ બલરામે કહ્યું: ‘ના, મહાશય.’ થોડીવાર કશું બોલ્યા નહિ અને પછી એમણે ઉમેરીને કહ્યું: ‘મેં ક્યારેય એમને પોતાના નિકટ આત્મીય નથી માન્યા.’ શ્રીરામકૃષ્ણે ભારપૂર્વક કહ્યું: ‘ભગવાનને પોતાના આત્માથી પણ અધિક પ્રિય માનીને એમની પ્રાર્થના કરો. હું નિશ્ચિત રૂપે કહું છું કે એમને પોતાના ભક્તો પ્રત્યે પ્રેમ છે. તેઓ પોતાની જાતને પ્રગટ કર્યા વિના રહી જ ન શકે. તેઓ માનવ પાસે શોધ્યા પહેલાં જ આવી જાય છે. ભગવાન કરતાં વધારે આત્મીય અને સ્નેહ કરનાર બીજું કોઈ નથી.’ બલરામને આ શબ્દોને લીધે એક નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. એમણે મનમાં ને મનમાં વિચાર્યું કે એમનો પ્રત્યેક શબ્દ સત્ય છે. આજ સુધી કોઈએ પણ ભગવાન વિશે આટલી દૃઢતાપૂર્વક વાત નથી કરી.

સાધનાનો પ્રારંભ સત્વરે કરો

એવા ઘણા લોકો છે કે જે વિચારે છે કે તેઓ સંસારનાં બધાં ફળ ભોગવીને વૃદ્ધાવસ્થામાં ધર્મનું આચરણ કરશે. ધર્માચરણ માટે એમને ક્યારેય સમય મળતો નથી, કારણ કે પોતાની શક્તિનો મોટો ભાગ ભૌતિક સુખોમાં જ વીતી જાય છે. ત્યાર પછી કઠોર સાધના માટે વધારે શક્તિ પણ બચતી નથી. મોટા ભાગના લોકો આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરવામાં એટલું મોડું કરે છે કે એનાથી એમને અધિક લાભ પણ મળતો નથી. ઘણા લોકોને મોડે મોડે અનુભવ થાય છે કે એમનું જીવન તો વ્યર્થ ગયું. પરંતુ તેઓ આવા વૃદ્ધ મૂર્ખથી વધારે સારા છે કે જેઓ પોતાને રંગીલા યુવક સમજીને વૃદ્ધાવસ્થામાં પણ સાંસારિક ભોગો તરફ દોડતા રહે છે. પાશ્ચાત્ય દેશોમાં આવા અનેક હતભાગી લોકો જોવા મળે છે.

આધ્યાત્મિક જીવનનો પ્રારંભ જેટલો જલદી થાય તેટલો કરવો જોઈએ. આધ્યાત્મિકતાના બીજને જીવનના પ્રારંભમાં વાવ્યા વિના પછીથી આધ્યાત્મિક મનોભાવ બનાવવો સંભવ નથી. શ્રીરામકૃષ્ણે એક દિવસ પોતાના પ્રિય યુવાન શિષ્ય નરેન્દ્રને બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર અભિનેતા ગિરીશચંદ્ર ઘોષનો સંગ કરવા વિશે સાવધાન કરતાં કહ્યું.

શ્રીરામકૃષ્ણ : ‘શું તું ગિરીશ પાસે બહુ જાય છે? પરંતુ લસણના વાટકાને ભલે ગમે તેટલો ધોઈ નાખો એમાં થોડીઘણી દુર્ગંધ તો રહેશે જ. છોકરા શુદ્ધ આધાર છે, કામિની અને કાંચનનો સ્પર્શ હજી એમણે કર્યો નથી; થોડા દિવસો સુધી કામિની અને કાંચનનો ઉપયોગ કરવાથી લસણની જેમ દુર્ગંધ આવવા માંડે છે. જેમ કાગડાએ ખાધેલી કેરી. દેવને પણ ધરી ન શકાય તેમ આપણા ખાવામાં પણ શંકા. જેમ નવી હાંડી અને દહીં જમાવેલી હાંડી. દહીં જમાવેલ હાંડીમાં દૂધ રાખવામાં ભય છે. એમાં દૂધ બગડી જવાની શક્યતા છે.’ પછીથી ગિરીશે આ વાત સાંભળી અને શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘શું લસણની ગંધ દૂર થશે?’ શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘વાટકાને ધગધગતી આગમાં ગરમ કરવાથી ગંધ ઉડી જાય.’ પોતાની સાહજિક પ્રવૃત્તિઓના ગુલામ બન્યા પછી એના પંજામાંથી પોતાની જાતને મુક્ત કરવી કોઈ પણ વ્યક્તિ માટે ઘણું કઠિન બની જાય છે. એટલે સાહજિક પ્રવૃત્તિઓમાંથી છૂટકારો મેળવવા માટે વૃદ્ધાવસ્થાનો સમય ઘણો ઓછો પડે છે. જો અતિચેતન અનુભૂતિ પ્રાપ્ત કરીને બંધન અને દુ:ખમાંથી મુક્ત થવું, એ તમારું લક્ષ્ય છે તો તેનો આરંભ અત્યારે જ કરવો શ્રેયષ્કર છે.

અને જો લક્ષ્યપ્રાપ્ત કર્યા વિના મરી જઈએ તો? ગીતા (૨.૪૦)ના આ અંશને યાદ રાખો : ‘સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્‌.’ એટલે કે આ ધર્મનું થોડું ઘણું આચરણ પણ મહાન ભયથી આપણી રક્ષા કરે છે. જે લોકોએ પ્રામાણિકતા સાથે આધ્યાત્મિક જીવનમાં સંઘર્ષ કર્યો છે, જેમણે પોતાનું સર્વસ્વ પરમાત્માને સમર્પિત કરી દીધું છે, એમને કોઈ ભય નથી. જીવતાં જીવતાં જો એમણે તીવ્ર આધ્યાત્મિક જીવન જીવ્યું હોય તો તેઓ પોતાના આધ્યાત્મિક પ્રયાસને જીવનના અન્ય સ્તર પર બીજા લોકમાં પણ રાખી શકે છે. ત્યારે વ્યક્તિ એ સ્થાનથી પોતાની સાધનાનો પ્રારંભ કરે છે કે જે એણે એને વચ્ચેથી છોડી હતી. મૃત્યુથી કેવળ પરિવેશનું પરિવર્તન થાય છે. પરંતુ ચેતનાના આપણા કેન્દ્ર અર્થાત્‌ પરમાત્મા સદૈવ આપણી ભીતર જ છે. આપણે ગમે ત્યાં હોઈએ અનંત પરમાત્મા સદૈવ આપણી સાથે જ હોય છે. આ ભાવને અંગિકાર કર્યા પછી મૃત્યુનો ભય રહેતો નથી. આપણે જીવનની અભિલાષા ન કરવી જોઈએ સાથે ને સાથે મૃત્યુની પણ. નિયતિ પોતાની ચાલ ચાલતી રહે છે. પરંતુ આપણું મન સદા પરમાત્મામાં લાગ્યું રહે એ જરૂરી છે. આપણે નિર્ભય અને દૃઢતાપૂર્વક લક્ષ્ય તરફ આગળ વધતાં રહેવું જોઈએ.

આસુપ્તેરામૃતે: કાલં નયેદ્‌વેદાન્તચિંતયા । અર્થાત્‌ નિદ્રાપર્યંત, મૃત્યુપર્યંત વેદાંતચિંતનમાં જ સમય વિતાવતા રહો.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.