એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ બની ગયા. 

ઠાકુરે એક દિવસ માસ્ટર મહાશયને કહ્યું હતું: ‘તમારી અંદર આ સ્થળ માટે આટલું આકર્ષણ કેમ? કોલકાતામાં તો અસંખ્ય માણસો રહે છે. એમનામાંથી કોઈને પ્રીતિ ન થઈ અને તમારી કેમ થઈ? એનું કારણ છે – જન્માન્તરના સંસ્કાર.’ બીજા  કોઈ સમયે તેમણે કહ્યું હતું: ‘જુઓ, તમારું ઘર, તમે કોણ છો? તમારી અંદર અને બહાર શું છે? તમારો ભૂતકાળ શું છે અને ભાવિ શું હશે, તે બધું હું જાણું છું.’ બીજા કોઈ સમયે વધુ સ્પષ્ટતા કરતાં એમણે કહ્યું હતું: ‘ખુલ્લી આંખોએ મેં ગૌરાંગના સાંગોપાંગ આદિને જોયા હતા. એમાંથી કદાચ તમને પણ જોયા હતા… તમારું ચૈતન્ય – ભાગવતનું વાચન સાંભળીને હું તમને ઓળખી ગયો છું. તમે તો પોતાના માણસ છો; એક સત્તા છે. જાણે પિતા અને પુત્ર.’

મહેન્દ્રનાથ ઠાકુરની પાસે જવા લાગ્યા. તેઓ ચૂપચાપ બધું સાંભળતા અને જોતા રહ્યા. તથા બધી વાતો અને ત્યાંના વાતાવરણને સ્મૃતિમાં મુદ્રિત કરીને ઘરમાં પાછા આવીને પહેલાંની ટેવ પ્રમાણે રોજનીશીમાં કયારેક સંક્ષેપમાં અને કયારેક વિસ્તારથી બધું લખતા રહ્યા. આ રીતે સમય આવતાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ગ્રંથ તૈયાર થયો હતો.

આ બાજુ સાધના અને આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે શ્રીરામકૃષ્ણ વિષે માસ્ટર મહાશયની ધારણા ઉચ્ચ ને ઉચ્ચ થવા લાગી. ઈ.સ. ૧૮૮૨ના માર્ચ મહિનામાં  જે માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણના સંબંધમાં કહ્યું હતું: ‘આવા જ્ઞાન, પ્રેમ, ભક્તિ, વિશ્વાસ, વૈરાગ્ય અને ઉદારભાવ મેં કયારેય કોઈનામાં કયાંય જોયા ન હતા.’ 

પછી તેમણે જ ઈ.સ. ૧૮૮૩ના જુલાઈમાં સ્વીકાર્યું: ‘આપને ઈશ્વરે સ્વયં પોતાના હાથે બનાવ્યા છે. અને બીજા મનુષ્યોને તેમણે યંત્રમાં નાંખીને બનાવ્યા છે – જેમકે કાયદા મુજબ આખી સૃષ્ટિ બની છે.’ અને એમણે જ ઈ.સ. ૧૮૮૫ના જુલાઈમાં જણાવ્યું હતું: ‘મને એવું લાગે છે કે ઈસામસીહ, ગૌરાંગદેવ અને આપ એક જ છો.’ ઠાકુરના એક ઉપદેશની આવૃત્તિ કરીને માસ્ટરે જ્યારે કહ્યું: ‘અવતાર જાણે એક મોટું છિદ્ર. એની અંદરથી અનંત ઈશ્વરને જોઈ શકાય છે. એ પરથી ઠાકુરે પૂછ્યું: ‘બોલો તો, તે છિદ્ર કોણ છે?’ માસ્ટરે ઉત્તર આપ્યો: ‘તે છિદ્ર આપ છો.’ તુરત ઠાકુરે એમના પીઠ પર શાબાશી આપતાં કહ્યું: ‘તમે એ બરાબર જાણી લીધું – સારું થયું.’

બાળપણની જેમ યૌવનમાં પણ માસ્ટર મહાશય પ્રાકૃતિક સૌંદર્ય, ગાંભીર્ય અને અસીમતાની અંદર ભગવાનના ગુપ્ત હસ્તનો આભાસ જોતા હતા. ઠાકુરના લીલાકાળમાં તેઓ એક વખત કાંચનજંઘા શિખરે ગયેલા ત્યાં આનંદથી તરબોળ અને ભક્તિથી પુલકિત બની ગયા હતા. પાછા આવ્યા ત્યારે ઠાકુરે પૂછયું: ‘કેમ રે, હિમાલયનું દર્શન કરતાં ઈશ્વરનું સ્મરણ થયું હતું?’

દક્ષિણેશ્વરમાં ઠાકુર નરેન્દ્ર સાથે માસ્ટરને દલીલ, તર્ક વિ.માં પ્રયોજીને આનંદ કરતા હતા. એ વખતે સ્વભાવે શરમાળ માસ્ટરના મુખે વાત જ નીકળતી નહીં. એ કારણે ઠાકુરે એક વખત કહ્યું હતું: ‘(પરીક્ષાઓ) પાસ કરવાથી શું થાય? માસ્ટરનો સ્ત્રી ભાવ છે. વાત કહેતાં આવડતી નથી.’ બીજા એક દિવસે તેમને ગીત ગાવાનું કહેતાં માસ્ટર સંકોચના માર્યા ગાઈ જ ન શકયા ત્યારે ઠાકુરે કહ્યું: ‘તે નિશાળમાં દાંતિયા કાઢશે અને અહીં ગીત ગાવામાં શરમાળ છે!’ કયારેક કહેતા: ‘આનો સખી ભાવ છે.’

આ નમ્ર્ર સ્વભાવવાળા માસ્ટરની સાથે પુરુષ સિંહ નરેન્દ્રની પ્રગાઢ પ્રીતિનો સંબંધ સ્થાપિત થવામાં કોઈ વિઘ્ન ન નડયું. પિતાના સ્વર્ગવાસ બાદ નરેન્દ્રને આર્થિક વિટંબણાઓ ઊભી થતાં માસ્ટર મહાશયે એમને મેટ્રોપોલિટન વિદ્યાલયમાં શિક્ષકનું કામ સોંપ્યું હતું. એક વખત તેમણે નરેન્દ્રના ઘરનો ત્રણ મહિનાનો ખર્ચ ચલાવવા માટે સો રૂપિયા આપ્યા હતા. એ ઉપરાંત નરેન્દ્રનાં માતાના હાથમાં છાની રીતે રૂપિયા આપીને તેઓ કહેતા નરેન્દ્રને આની જાણ ન થાય. નહીં તો, એ પાછા આપી જશે.

શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી જ્યારે યુવાન ભક્તો સહાય સંપત્તિ વગરના થઈ ગયા ત્યારે એ સમયે બે-ચાર ગૃહસ્થ ભક્તોની સાથે માસ્ટર મહાશય એ લોકોની સહાયમાં ઊભા રહ્યા અને તેમને આર્થિક સહાય અને ઉપયોગી સલાહ આપીને વરાહનગર મઠના સંગઠન અને સંરક્ષણમાં સહયોગ આપ્યો હતો. રજાના દિવસોમાં તેઓ ઘણીવાર મઠમાં રાત રોકાતા. એ વાતોનું સ્મરણ કરીને સ્વામી વિવેકાનંદજીએ એક પત્રમાં લખ્યું હતું: ‘રાખાલ, ઠાકુરના શરીર ત્યાગ પછી તમને યાદ હશે કે બધાંએ આપણને છોડી દીધા હતા – ગરીબ છોકરાઓ સમજીને, ફક્ત બલરામ, (સુરેન્દ્ર મિત્ર) સુરેશ, માસ્ટર અને ચુનીબાબુ – આ લોકો જ મુશ્કેલીના સમયે આપણા મિત્ર હતા. આ લોકોનું ઋણ આપણે કયારેય ચૂકવી નહીં શકીએ.’

ઠાકુરના લીલાસંવરણ પછી સાંસારિક દૃષ્ટિએ વિચ્છિન્ન બની ગયેલા માસ્ટર મહાશય તીર્થદર્શન, સાધુસંગ અને તપસ્યામાં લાગી ગયા. એ સમયે તેઓ પુરી, કાશી, વૃંદાવન, પ્રયાગ, અયોધ્યા, હરિદ્વાર વગેરે તીર્થોનાં દર્શન કરીને તેમજ ત્રૈલંગ સ્વામી, ભાસ્કરાનંદ સ્વામી અને રઘુનાથદાસ બાબાજીનાં દર્શન કરીને ધન્ય બન્યા. એમની સાધનાનો ઇતિહાસ ખૂબ જ અદ્ભુત છે. એક વખત તેઓ દક્ષિણેશ્વરમાં પંચવટીની કુટિરમાં તપસ્યામાં રત રહ્યા હતા. 

નિરાડંબરી યોગી માસ્ટર મહાશયની તપોનિષ્ઠા જુદી જુદી ગુપ્ત ધારાઓમાંથી પ્રવાહિત થતી હતી. ઋષિઓનો ભાવ પોતાનામાં આરોપવા માટે તેઓ કયારેક હવિષ્યાન્ન ભોજન લેતા અને પર્ણકુટિમાં રહેતા. કયારેક કોઈ મોટા વૃક્ષ નીચે એકલા બેસી રહેતા અને વિશાળ આકાશ, ગગનચુંબી પર્વત, અપાર સમુદ્ર, પ્રકાશિત તારામંડળ દિગંત સુધી પ્રસરેલાં મેદાનો, સુંદર અને ગાઢ વનરાજી, સુકોમળ સુગંધિત પુષ્પો વગેરે સઘળું તેમના ચિત્તમાં ઈશ્વરીય ચિંતન જગાડતું અને તેમને વારંવાર ઋષિઓની તપોભૂમિમાં લઈ જતું. તક મળતાં જ તેમના અંતરમાં રહેલી સાધનાની અભિપ્સા પ્રજ્જવલિત થઈ ઊઠતી. 

આ રીતે તેઓ ઈ.સ. ૧૯૨૩માં મિહિજામમાં પોતાનું પાકું મકાન હોવા છતાં પણ તેઓ નવ મહિના સુધી ઝૂંપડામાં રહ્યા હતા. ઈ.સ. ૧૯૨૫ના અંતમાં પુરીક્ષેત્રમાં ચાર મહિના સુધી એકાંતમાં રહીને એમણે સાધન-ભજન કર્યાં હતાં. એ દિવસોમાં એમનું મન ઉચ્ચ ભાવોમાં બંધાયેલું હતું. પ્રાત:કાળે સૂર્યોદયનાં દર્શન કરતાં જ એમના મનમાં દિવ્યભાવ જાગતો અને મુખેથી ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ થવા લાગતું. આ રીતે હંમેશા પ્રાચીન ચિંતનધારાઓમાં ડૂબેલા રહેતા માસ્ટર મહાશયના શરીર-મનમાં વાર્ધકયની એક સ્પષ્ટ છાપ પડી ગઈ હતી. એ કારણે જ્યારે તેઓ એકાગ્રચિત્તે ઉપનિષદના કોઈ મંત્રની વ્યાખ્યા કરતા ત્યારે લોકોને એવું લાગતું કે જાણે હિમાલય જેવા શુભ્ર, દેદીપ્યમાન લલાટ, સૌમ્યવપુ, પ્રશાંત વૃદ્ધ વૈદિક ઋષિ આ મૃત્યુધામમાં ઊતરી આવ્યા છે. 

અંતિમ જીવનમાં જે લોકોએ માસ્ટર મહાશયનું દર્શન કર્યું હતું તેઓ જાણે છે કે એમનું નિવાસસ્થાન જાણે પ્રાચીન ઋષિઓની તપોભૂમિમાં ફેરવાઈ ગયું હતું. સંસારના પ્રબળ તરંગોથી આંદોલિત જીવનપ્રવાહ નીચેની બાજુએ વહે છે અને રાજમાર્ગના કોલાહલથી બહુ જ ઊંચે હિમાલયની નીરવતા વિરાજિત છે! જ્યારે કોઈ જતું ત્યારે માસ્ટર મહાશય ફક્ત જ્ઞાન અને ભક્તિની ચર્ચામાં મગ્ન જોવા મળતા. ભક્તો અને સાધુઓના સત્સંગથી તેમને અસીમ આનંદ મળતો. 

અવિરામ ભગવત્પ્રસંગમાં લાંબો સમય વ્યતીત કરવાનો અને ભક્તો સાથે વધુમાં વધુ મિલનનો આગ્રહ કોઈ નજરોનજર જોયા સિવાય સમજી શકે નહીં. એ મધુર આલાપનો સ્વાદ લેવા માટે અનેક ધાર્મિક જનો દરરોજ એ આધ્યાત્મિક તીર્થમાં સ્નાન કરવા માટે જતા. અને ત્યાં પહોંચતાં જ જોતા કે કયારેક કોઈ સદ્ગ્રંથનો પાઠ ચાલી રહ્યો છે અને માસ્ટર મહાશય વચમાં વચમાં પોતાનું મંતવ્ય પ્રગટ કરીને મુશ્કેલ ભાગને સરસ અને સરળ બનાવી રહ્યા છે. અથવા તેઓ શ્રીરામકૃષ્ણ જીવન કે વાણી વિશે અવિરત અમૃતધારા વહાવી રહ્યા છે. તથા બાઈબલ, કુરાન, ઉપનિષદ વગેરે ધર્મગ્રંથોમાંથી અવતરણો ટાંકીને અથવા તો ઈસામસીહ, શ્રીગૌરાંગદેવ, શ્રીકૃષ્ણ વગેરેના જીવનની એ પ્રકારની ઘટના બધાંને કહીને બધાને મંત્રમુગ્ધ કરી બેસાડી રાખ્યા છે. જો કોઈ બીજા વિષયનો ઉલ્લેખ કરતું તો તેઓ કુશળતાથી ચર્ચાના પ્રવાહને ભગવાનની તરફ વાળી દેતા. એક દિવસ દક્ષિણેશ્વરમાં માસ્ટર મહાશયને ગૃહસ્થી છોડવાની ચિંતામાં ડૂબેલા જોઈને ઠાકુરે કહ્યું: ‘જેટલા દિવસો સુધી તમે અહીં આવ્યા ન હતા એટલા દિવસ સુધી તમે આત્મવિસ્મૃત રહ્યા. 

હવે તમે પોતાને જાણી શકશો. જે લોકો ભગવાનની વાણીનો પ્રચાર કરશે તેમને તેઓ થોડા દિવસ સુધી થોડા બંધનમાં બાંધીને ગૃહસ્થીમાં રાખે છે. નહીં તો એમની વાત કોણ જણાવશે? એ કારણે માએ તમને ગૃહસ્થીમાં રાખ્યા છે.’ શ્રી જગદંબાના મહિમાના પ્રચાર માટે ઠાકુર જે લોકોને ‘અધિકાર પ્રાપ્ત’ સમજતા હતા માસ્ટર મહાશય તેમનામાંના એક હતા.

શ્રીરામકૃષ્ણનાં ત્યાગી સંતાનો પ્રત્યે માસ્ટર મહાશયના પ્રેમ-સંબંધનો થોડોક પરિચય પહેલાં આપવામાં આવ્યો છે. એમનામાંથી કોઈ કોઈનો ફોટો પોતાના ઘરમાં રાખીને તેઓ સવાર-સાંજ પૂજા કરતા હતા. સ્વામી બ્રહ્માનંદજીની અંતિમ અવસ્થા સમયે તેઓ એમની પથારી પાસે લાંબા સમય સુધી બેસી રહેતા હતા. એમના મૃત્યુ પછી પણ પોતાની પથારીમાં પડયા રહીને એમના વિરહમાં રડયા કરતા હતા.

સ્વયં ભગવત્ કૃપાલાભથી ધન્ય બનેલા તથા શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, કેશવચંદ્ર સેન વગેરેનું ઘનિષ્ઠ સાંનિધ્ય અને સ્નેહ પ્રાપ્ત કરીને કૃતાર્થ બનવા છતાં પણ માસ્ટર મહાશય હંમેશા બીજાની જ સેવા કરવા માટે તૈયાર રહેતા હતા. તેઓ પોતાને બધાના સેવક માનતા હતા. તેઓ કયારેય ગુરુનું આસન સ્વીકારતા નહીં. કોઈનેય દીક્ષા આપતા નહીં. 

એમના પ્રભાવમાં આવીને જે લોકો ઘણા દિવસોથી આવતા હતા, એમના પ્રત્યે પણ તેઓ ઉપદેશકનો વ્યવહાર કરતા નહીં. પોતાનો ઉપદેશ આપતા નહીં. તેઓ ઠાકુરની ભાષા દ્વારા જ પોતાનું વક્તવ્ય પ્રગટ કરતા. 

તેઓ કોઈના પર હુકમ કરતા નહીં. એમના ચહેરા ઉપર અલૌકિક જ્યોતિ રહેતી. અને એમની જીભમાં હૃદયના આશીર્વાદ. તેઓ ભક્તોના સત્સંગમાં આનંદ મેળવતા અને કહેતા, ભક્તો સાથે વાતો ન થતી હોત તો જીવન વ્યર્થ હોત. પરંતુ નિરર્થક સ્નેહ પ્રદર્શન કરીને તેઓ પોતાનો શક્તિક્ષય કે અનુરાગીઓને કષ્ટ આપવાનું પસંદ કરતા નહીં.

બધી અવસ્થાઓમાં તેઓ હંમેશાં શાંત રહેતા. સુખ દુ:ખ એમને કયારેય વિચલિત કરી શકતા નહીં. એમનું જીવન સંપૂર્ણપણે આડંબરરહિત હતું. આર્થિક પરિસ્થિતિ વિશેષ ખરાબ ન હોવા છતાં પણ તેઓ આહાર-વિહાર, રહેણી-કરણી, વેષભૂષા વગેરેમાં બહુ જ સાધારણ ભાવે રહેતા. એમના મત પ્રમાણે ઠાકુરનો ઉપદેશ જ એવો હતો કે આડંબર વગરનું જીવન જીવવું રહ્યું. જીવનધારણ માટે અનિવાર્ય થોડું ઘણું ભોજન, લજ્જા નિવારણ માટે મામૂલી વસ્ત્ર ધારણ કરવાને પરિણામે એમના અંતરમાં રહેલ ભગવદ્ ભક્તિ વધારે ઉજ્જવળ થઈને આગંતુક સામે પ્રગટ થતી. ઠાકુરે એક દિવસ એમને કહ્યું: ‘મનમાં ત્યાગ હોવાથી જ થયું. અંત:સંન્યાસ જ સાચો સંન્યાસ છે.’ માસ્ટર મહાશયે તેવી સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

શ્રીમાતાજી પ્રત્યે તેઓ આરંભથી જ અત્યંત ભક્તિ પરાયણ હતા. એ કારણે તેઓ અનેક વખત એમને પોતાને ત્યાં રાખીને એમની સેવા કરી શકયા હતા. તેમણે બીજી રીતે પણ આર્થિક સહાયતા આપીને એમની સેવા કરી હતી. શ્રીરામકૃષ્ણાશ્રિત ભક્તોની સહાયતા માટે અને તપસ્વી સાધુઓની આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે પણ તેઓ ગુપ્ત રીતે આર્થિક સહાયતા આપતા હતા. એ ખર્ચનો હિસાબ અજ્ઞાત રહેવા છતાં પણ અનુમાન થાય છે કે એમના જેવા મધ્યમવર્ગના માણસ માટે એ દાનનું પ્રમાણ સારું એવું હતું.

શ્રીરામકૃષ્ણ દર્શન લાભ પછી લગભગ ૫૦ વર્ષ સુધી સર્વજનહિતકારી શ્રીગુરુમહિમા તથા એમની વાણીનો પ્રચાર કરીને તેઓ ફલહારિણી કાલિકાપૂજાના બીજા દિવસે ઈ.સ. ૧૯૩૨ની ચોથી જૂનના સવારે ૬-૩૦ વાગ્યાના સમયે શ્રીગુરુ ચરણકમલોમાં મળી ગયા. એની આગલી રાતે ૯ વાગ્યા સુધી પાંચમા ભાગનાં પ્રૂફ જોતાં જોતાં જ એમના હાથમાં સ્નાયુશૂલની અસહ્ય પીડા શરૂ થઈ અને બીજા દિવસે સવારે ‘મા, ગુરુદેવ મને ખોળામાં લઈ લો.’ કહેતાં ચિરનિદ્રામાં એમનાં નેત્રો બંધ થઈ ગયાં. શ્રીગુરુની વાણીના પ્રચાર માટે જીવન સમર્પિત કરી દેનાર માસ્ટર મહાશયે અંતિમ ક્ષણ સુધી એ જ કાર્યમાં રત રહીને પોતાના વ્રતનું સમાપન કરી લીધું.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.