સર્વોપરી સમસ્યા

આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્ય રૂપે રહેલી છે. જ્યારે વિશ્વના બધા ધર્મોએ જીવના પશ્ચાદ્ભાવ કે અમરત્વને સ્વીકાર્યું છે. ‘પુનર્જન્મ’ નામના પોતાના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘બધા દેશો અને બધા યુગોમાં મનુષ્યની બુદ્ધિને ચકરાવે ચડાવનાર અનેક સમસ્યાઓમાં સૌથી અત્યંત મુશ્કેલ સમસ્યા માનવ પોતે જ છે. ઇતિહાસના ઉષાકાળથી જે લાખો રહસ્યોને પ્રકાશમાં લાવવામાં માનવે પોતાની મોટા ભાગની શક્તિઓ ખર્ચી નાખી છે, એ બધામાં સૌથી વધારે રહસ્યમય છે સ્વયં માનવની પોતાની પ્રકૃતિ. આ કેવળ અસાધ્ય સમસ્યા જ નથી પરંતુ બીજી બધી સમસ્યાઓની મૂળ સમસ્યા પણ છે. આપણે જે કંઈ જાણીએ છીએ, અનુભવ કરીએ છીએ અને કાર્ય કરીએ છીએ, એ બધામાં માનવ પ્રકૃતિ જ પ્રસ્થાનબિંદુ અને એનો મુખ્ય ભંડાર હોવાને લીધે ક્યારેય પણ એવો સમય રહ્યો નથી કે એવું ભવિષ્યમાં પણ નહિ બને કે જ્યારે માનવ પ્રકૃતિ મનુષ્યના સર્વોત્તમ અને સર્વોપરી ચિંતનનો વિષય ન રહ્યો હોય, કે એવું બનવાનું પણ નથી.’

પ્રત્યેક પેઢી પોતાની પછીની પેઢીને જીવનું સ્વરૂપ અને એની નિયતિની આ સમસ્યાને, જીવન અને મરણની આ મહાન સમસ્યાને સોંપતી જાય છે. આમ છતાં પણ સદ્ભાગ્યે સર્વદા કેટલાક એવા સાહસિક અને નિષ્ઠાવાન લોકો હોય છે કે જે આત્મસાક્ષાત્કાર દ્વારા આ સમસ્યાને ઉકેલવાનો અને તેના રહસ્યને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે સૌએ આ મહાપુરુષોના પગલે પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે પૂરો પ્રયાસ કરીશું તો આપણે પણ આ સમસ્યાને પોતે ઉકેલી શકીશું.

હેરિયેટ બિચર સ્ટોવના એક પુસ્તક ‘ટોમ કાકાની કુટિર’માં ટોપ્સી નામની એક નાની બાલિકાને એક પ્રશ્ન પૂછાયો: ‘તને કોણે બનાવી છે એ તું જાણે છે?’ એ બાલિકા થોડું હસી અને જવાબ આપ્યો: ‘હું જાણું છું, તે મુજબ કોઈએ નહિ.’ અને વળી એણે વધુ કહ્યું: ‘હું એમ ધારું છું કે હું કેવળ વધવા લાગી છું. મને કોઈએ બનાવી છે, એમ હું વિચારતી નથી.’ શું આપણે પણ આવું જ વિચારીએ છીએ? આપણા આ વિચિત્ર જગતમાં ઘણા ઉંમરવાન લોકો છે. એમને આ સમસ્યામાં જરાય રસરુચિ નથી. પરંતુ એવા લોકો પણ છે કે તેઓ આવો પ્રશ્ન પૂછ્યા વગર રહેતા નથી: ‘આપણે ક્યાંથી આવીએ છીએ? શું આપણે આપણી આસપાસની ચીજવસ્તુઓની જેમ ઉદ્ભવેલા છીએ? શું આપણે આ સંસારમાં જન્મતા પહેલાં પણ હતા અને મૃત્યુ પછી પણ હોઈશું?’ આ રીતે સદીઓથી આ પ્રશ્ન વારંવાર ઊઠતો રહ્યો છે. વોલ્ટ વ્હીટમેન પોતાના ‘લીવ્ઝ ઓફ ધ ગ્રાસ’ નામના કાવ્યમાં કહે છે: 

બે પુરાતન સદા સંયુક્ત સમસ્યાઓ
નિકટ, વર્તમાન, સુદૂર, પેચીદી સમસ્યાઓ,
પ્રત્યેક પેઢીએ સમાધાન શોધવા
કર્યા અનેક પ્રયાસો, પણ
સમસ્યાઓ તો એમ ને એમ રહી,
જે મળી આપણને વારસામાં
અને ભાવિ પેઢીને પણ આપણે
દઈશું એ જ વારસામાં.

જૈવિક સમાધાન

પાશ્ચાત્ય જીવવિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રત્યેક બહુકોશી પ્રાણીને, પછી ભલે એ માખી, પશુ, પક્ષી કે માનવ હોય, પાંચ અવસ્થાઓમાં વહેંચે છે. સંસેચન – એટલે કે ગર્ભાધાન દ્વારા પ્રાણીનું નિર્માણ; વિકાસનો કાળ; પ્રૌઢ – સ્થિરતાનો કાળ; વૃદ્ધાવસ્થા અને એ ક્રમની અંતિમ ઘટના એટલે મૃત્યુ. મોટા ભાગના જીવ વિજ્ઞાનીઓના મત પ્રમાણે જીવ પોતાની બધી વિશેષતાઓ સાથે આનુવંશિક સંચરણને કારણે જન્મે છે. એમના મતે વંશપરંપરા અથવા પ્રજા દ્વારા અમરત્વ પ્રાપ્ત કરવા સિવાય બીજી વ્યક્તિગત અમરત્વની સંભાવના નથી. જે પ્રાણી સંતતિ ઉત્પન્ન નથી કરતાં તે બધાં અંતે અસ્તિત્વ-વિહીન થઈ જાય છે.

અમરત્વ વિશે હિંદુ ધારણા

પુરાતન હિંદુ આધ્યાત્મિક આચાર્યોએ ઉપર્યુક્ત માન્યતાથી બિલકુલ ભિન્ન હોય એવો એક બીજો સિદ્ધાંત આપણી સમક્ષ મૂક્યો છે. એમના મત પ્રમાણે પ્રત્યેક પ્રાણીનું ભૌતિક જીવન છ પરિવર્તન ક્રમમાંથી પસાર થાય છે – જન્મ, અવસ્થિતિ, વૃદ્ધિ, પરિવર્તન, અપક્ષય અને વિનાશ. (ગીતા.૨.૨૦) વિનાશનો અર્થ દેહના આકારનો નાશ છે. મૃત્યુનો અર્થ એ છે કે પ્રાણી સ્થૂળ દેહના સ્તર પર નથી રહેતો પરંતુ એ અસ્તિત્વ વિહીન બનતો નથી, એનું જીવન આદિકારણની વધુ નજીક સૂક્ષ્મતર સ્તરે બની રહે છે. થોડા સમય પછી જીવ એક નવા શરીરમાં ફરીથી જન્મ લે છે. જીવ કે આત્મા ક્યારેય નાશ પામતો નથી. પરંતુ એનો ભૌતિક આધાર એટલે કે દેહ ક્રમિક પરિવર્તનમાંથી પસાર થાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘મનુષ્યે પોતાના વિશે જેટલા સિદ્ધાંતો રચ્યા છે, એ બધામાં સર્વાધિક પ્રચલિત સિદ્ધાંત, શરીરથી ભિન્ન અસ્તિત્વવાળા અને અમર આત્માનો છે અને એવા આત્મામાં માનનારામાંથી મોટા ભાગના વિચારવાન લોકો સદા તેના પૂર્વ અસ્તિત્વમાં પણ શ્રદ્ધા વિશ્વાસ કરતા આવ્યા છે.’

વેદાંતના આચાર્યો પોતાના વ્યક્તિગત અને પ્રત્યક્ષ થયેલા અનુભવોના આધારે આપણને કહે છે કે આધ્યાત્મિક એકમ આત્મા જે અનેકવાર દેહ ધારણ કરે છે તે પોતે અમર છે. એ ‘જન્મ’ પહેલાં પણ હતો અને જન્મ મૃત્યુનાં અનેક ચક્રો વીત્યા પછી પણ અનંતકાળ સુધી રહેશે. જો આપણે આધુનિક ઉદાહરણ આપીએ તો                     આલોક એટલે કે પ્રકાશ. એ વર્ણછટામાં કેવળ દેખાતા પ્રકાશના વર્ણ જ નથી હોતા; પરંતુ એમાં એવા વર્ણ પણ હોય છે કે જે જાંબલી કે લાલ કિરણથી પણ પર છે.

એવી જ રીતે આત્માના પણ અનંત ભૂત અને અનંત ભવિષ્ય છે. માનવનો આત્મા એક એવા અનંત અસ્તિત્વનો અંશ છે કે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જોડે છે; સાથે ને સાથે દેશ અને કાળ બંનેથી પર પણ છે. આત્માના ભૂત અને ભવિષ્યના જીવન વિશે આપણને જાણ નથી. આમ છતાં પણ વાસ્તવિક વાત એ છે કે એક નિરવચ્છિન્ન અસ્તિત્વ બની રહે છે. કોઈ પણ પોતાના અસ્તિત્વને નકારી શકતું નથી; પરંતુ તેના વાસ્તવિક સ્વરૂપને ઉચ્ચતર પ્રજ્ઞાની શક્તિ દ્વારા જ સમજી શકાય છે. કઠોપનિષદ ૨.૩.૯માં કહ્યું છે: ‘આ આત્માને ભૌતિક નેત્રો દ્વારા જોઈ શકાતો નથી. કારણ કે તે સ્થૂળ રૂપવાળો નથી. આમ છતાં પણ તે શુદ્ધ હૃદયના ઊંડાણમાં જાણી શકાય છે. જે એને જાણે છે તે અમર બની જાય છે.’

કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મવાદ એવા સિદ્ધાંતો બદ્ધ જીવો પર પણ લાગુ પડે છે, જેમને દેહ, ઈંદ્રિયો, મન તથા અહંકારની સાથે તાદાત્મ્ય હોય છે, આવા જીવ ફરી ફરીને જન્મ ધારણ કરે છે. જેમનામાં એક નવી ઉચ્ચતર ચેતનાનો ઉદય થઈ ગયો છે, તેઓ મિથ્યા તાદાત્મ્યથી મુક્ત થઈ જાય છે અને પોતાના વાસ્તવિક અનંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને જન્મમરણના ચક્રમાંથી મુક્તિ પામે છે. તેઓ અમર બની જાય છે.

સૂક્ષ્મ શરીર નવાં સ્થૂળ શરીરોમાં ફરી ફરી જન્મ ગ્રહણ કરે છે તથા નવા અનુભવ પણ મેળવે છે. જ્યાં સુધી તેના પુનર્જન્મનો સમય નજીક ન આવી જાય ત્યાં સુધી પ્રત્યેક સ્થૂળ મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર કેટલાક સૂક્ષ્મતર લોકોમાં એ સમય સુધી રહી શકે છે. (ગીતા – ૨.૨૨, ૮.૧૬) આ બધી વાતો આધ્યાત્મિક જીવનના અજ્ઞાત નિયમો પ્રમાણે થાય છે.

જ્યાં સુધી જીવ પોતાના વાસ્તવિક, પરમ, અવ્યય સ્વપ્રકાશ, ચૈતન્ય સ્વરૂપનો સાક્ષાત્કાર ન કરી લે ત્યાં સુધી પ્રત્યેક જીવને આ જન્મમરણના ચક્રમાંથી પસાર થવું પડે છે. શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતા (૨.૨૦)માં કહ્યું છે: न जायते म्रियते वा कदाचि नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे॥ આ આત્મા કદીય જન્મતો નથી કે મરતોય નથી. અથવા  પહેલાં હોય અને ફરી પછી નહિ હોય એવું ય નથી. તે અજન્મા, નિત્ય, શાશ્વત અને સનાતન છે. શરીરનો નાશ થવા છતાં પણ તેનો નાશ થતો નથી.

વેદાંત પ્રમાણે અજ્ઞાન કે મૂળ અવિદ્યા સ્વરૂપત: નિત્ય મુક્ત આત્મામાં બંધનનો ભ્રમ ઊભો કરે છે. આત્મા અને અનાત્માનો આ પરસ્પર અભ્યાસ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. જ્યાં સુધી તે એમ ને એમ રહેશે ત્યાં સુધી આત્મા સસીમ, વ્યષ્ટિજીવ અથવા અહંકાર બની રહેશે. અને ફરી ફરીને જન્મ ગ્રહણ કરતો રહેશે. અજ્ઞાનના પ્રભાવને લીધે મનુષ્ય પોતાના દિવ્ય સ્વરૂપને ભૂલી જાય છે. આમ છતાં પણ પ્રત્યેક મનુષ્યના જીવનમાં એક સમય આવે છે કે જ્યારે તે પ્રારંભમાં જ અસ્પષ્ટરૂપે પોતાના આધ્યાત્મિક સ્વરૂપ વિશે થોડો થોડો અનુભવ કરવા લાગે છે. મનુષ્યનો આત્મા ચિર નિદ્રામાંથી જાણે કે જાગી ઊઠે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે સંઘર્ષ કરવા લાગે છે. અંતે ઉચ્ચતર ચેતનાનો ઉદય થતાં વાસ્તવિક આધ્યાત્મિકતાના જાગરણ સાથે પોતાના આધ્યાત્મિક સ્વરૂપનો સાક્ષાત્કાર અને પરમાત્મા સાથે પોતાના અભિન્નપણાનો અનુભવ થવાથી તે બધાં કર્મોમાંથી નિવૃત્ત થઈ જાય છે. જન્મ-મરણનું ચક્ર બંધ થઈ જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે એમ આપણે પણ કહી શકીએ: ‘મારો ખેલ થયો છે ખલાસ.’

ભારતીય દર્શનમાં કર્મનો સિદ્ધાંત

પુનર્જન્મનો સિદ્ધાંત કર્મના સિદ્ધાંતનો જ વિસ્તાર છે. કર્મ એ શબ્દનો અર્થ કેવળ શારીરિક કે માનસિક ક્રિયા જ નહિ પણ પ્રતિક્રિયા-બાહ્ય સંવેદનાઓની માનસિક પ્રતિક્રિયા પણ. કર્મ દ્વારા ઉત્પન્ન શુભ-અશુભ શક્તિઓનાં શુભાશુભ પરિણામ આવે છે. એ કર્તાને અર્થાત્ અહંકારપૂર્વક ફળની આકાંક્ષા સહિત કર્મ કરનારને પ્રભાવિત કરે છે. અત: કર્મ સિદ્ધાંત વસ્તુત: કાર્યકારણ વાદ છે. તે એક મહાન નૈતિક વિધાન છે કે જે પોતાના વ્યક્તિગત તેમજ સામૂહિક પક્ષોમાં વ્યક્તિઓ અને સમાજની નિયતિને નિર્ધારિત કરે છે.

પ્રત્યેક કર્મનાં બે પ્રકારનાં પરિણામ હોય છે. પ્રથમ વિશ્વજનીન પરિણામ છે. એ આપણા ભાવિ સુખ અથવા દુ:ખના અનુભવોને નિર્ધારિત કરે છે. કર્મનું બીજું પરિણામ છે વૈયક્તિક. પ્રત્યેક કર્મ મન પર એક પ્રભાવ મૂકીને જાય છે. જેને આપણે સંસ્કાર કહીએ છીએ. આવા હજારો સંસ્કાર આપણા મનમાં સંચિત થાય છે. એ બધા પછીથી વાસનાઓ કે પ્રવૃત્તિઓના રૂપે ફરીથી જાગ્રત થાય છે. આ સૂક્ષ્મ સંસ્કાર આપણા ભાવિજન્મોની દિશા નિર્ધારિત કરે છે. જેટલું આપણે ધારીએ છીએ કે વિચારીએ છીએ એટલું એ રહસ્યમય નથી. જો આપણે પોતાના મનનું વિશ્લેષણ કરીએ તો આપણને જોવા મળશે કે આપણા અનેક વર્તમાન વિચારોનો પ્રારંભ બાલ્યકાળમાં જ થયો હતો. બાલ્યકાળમાં ઉદ્ભવેલ અનેક વિચાર અને અનુભવ આપણા મન પર ઘેરી છાપ છોડી જાય છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણા મનની ફિલ્મનું ચિત્ર ઊભરવા માંડે છે. સાથે ને સાથે આપણને એ જાણીને આશ્ચર્ય થાય છે કે કેટલી બધી માત્રામાં આપણા મનમાં વિચાર અને ચિત્ર ભર્યાં પડ્યાં છે! જાણે કે એક ટેપરેકોર્ડરને ફરીથી વગાડવા જેવું છે. પ્રાય: આપણે પોતાની કેટલીક પ્રવૃત્તિઓનાં મૂળ કારણોને ભૂલી જઈએ છીએ. આમ છતાં પણ આત્મ-નિરીક્ષણ દ્વારા આપણે એમને પોતાના બાલ્યકાળમાં અને આપણાં પૂર્વ જન્મ સુધી પણ શોધી શકીએ છીએ. આપણા કેટલાક સ્વપ્નોનું વિશ્લેષણ કરવાથી આપણા ભૂતકાળની ઘણી બધી જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. કેટલીયે વાર તે પૂર્વ જન્મના અનુભવોનો સંકેત પણ કરે છે.

કર્મના સિદ્ધાંતના બે પક્ષ છે. એક છે બંધનમાં નાખનારો અને બીજો છે મુક્તિ આપનારો. અહંકારપૂર્વક અને આસક્તિયુક્ત કર્મ જીવને વધારે ને વધારે બંધનમાં નાખે છે. ઈંદ્રિય ભોગોની પુનરાવૃત્તિ પૂર્વ સંસ્કારોને વધુ દૃઢ બનાવે છે અને વ્યક્તિને જન્મમૃત્યુના ચકરાવામાં નાખી દે છે. આમ છતાં પણ અનાસક્ત બનીને કરેલ કર્મ, ભગવદ્ સેવાના રૂપે કરેલ કર્મ કે કેવળ બીજાના કલ્યાણના હેતુથી જે કર્મ થાય તે જીવને મુક્તિ આપે છે. અનાસક્તિનો અભ્યાસ સતત આત્મવિશ્લેષણ અને સજગતા કે નિરંતર ભગવદ્ શરણાગતિ દ્વારા જ કરી શકાય છે. આવું કરીએ તો નવા સંસ્કાર ઉદ્ભવતા નથી અને જૂના સંસ્કાર દૃઢ થતા નથી. ક્રમશ: મનના બધા પૂર્વ સંસ્કારોનું આપણા પરનું પ્રભુત્વ સમાપ્ત થઈ જાય છે, એને ચિત્ત શુદ્ધિ કહે છે. એ કર્મ દ્વારા થાય છે. એટલે જ કર્મ પોતાની રીતે ખરાબ નથી. તે આપણા માટે બંધનનું કારણ બનશે કે નહિ, એનો આધાર આપણે જે પ્રકારે કરીએ છીએ તેના પર રહે છે.

ભારતની બધી દર્શન પ્રણાલીઓ – પછી ભલે ઈશ્વરવાદી હોય કે નિરીશ્વરવાદી – કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. પણ મુખ્ય પ્રશ્ન આ છે: શું પરમાત્મા કે ઈશ્વરનો આ કર્મ વિધાનના ક્રિયાકલાપ સાથે કોઈ સંબંધ છે ખરો? શું એ સિદ્ધાંતની પાછળ કોઈ ઈશ્વરીય ઇચ્છા કાર્યરત છે?’ વર્તુળાકાર સમસ્વરતા સ્ફિરિકલ હાર્મોનિક્સના સિદ્ધાંતની આધારશિલા રાખનારા ફ્રાંસીસી ખગોળશાસ્ત્રી અને ગણીતજ્ઞ લાપ્લેસ વિશે એક કથાવાર્તા પ્રચલિત છે. જ્યારે એમણે પોતાના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ સેલેસ્ટિયલ મિકેનિઝમ’ને નેપોલિયનને ભેટ આપ્યું ત્યારે સમ્રાટે તેને પોતાની યોજનામાં ભગવાનના સ્થાન વિશે પ્રશ્ન પૂછ્યો. ખગોળશાસ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો: ‘જહાઁપનાહ, મેં એ માન્યતા વિના જ પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો છે.’ અહીં મોટા ભાગના વૈજ્ઞાનિકો માટે ઈશ્વર એક માન્યતા માત્ર જ છે. એને ત્યાગી પણ શકાતી નથી. વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર, જેવાં અનેક ક્ષેત્રોમાં આજકાલ છીછરા વિચારોવાળા એક વર્ગવિશેષ માટે આ અજ્ઞેયવાદ કે નિરીશ્વરવાદનો ઈશ્વરના અસ્તિત્વને ઉપેક્ષિત કે અસ્વીકાર કરવાનું એક પ્રચલન જેવું થઈ ગયું છે. આ સિદ્ધાંતને થોડા ઘમંડ સાથે આધુનિક પણ કહે છે અને ભારતમાં ઘણા નવયુવાનો એનો વધારે ને વધારે સ્વીકાર કરી રહ્યા છે.

હવે જ્યારે આપણે એવા લોકોના મનનું વિશ્લેષણ કરીએ તો જોવા મળે છે કે એ લોકો પરિપક્વ થયા નથી અથવા એમનામાં મનનું ઊંડાણ નથી. એમનામાં આંતરિકતાનો અથવા પોતાના મનના ઊંડાણમાં પેસવાનો કે કોઈ વિષય વિશે ગહનતાથી વિચારવાની ક્ષમતાનો અભાવ છે. વસ્તુત: ગહન-ચિંતન કરવું સરળ નથી. એને માટે એક સુસંયત અનુશાસિત મનની જરૂર છે. મોટા ભાગના કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને એમનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે. આ પ્રસંગે મને એક વાર્તા યાદ આવી જાય છે:

એક શિક્ષિકા નાનાં બાળકોને ગણિત ભણાવતી હતી. તેણે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો: ‘મારી પાસે બાર ઘેટાં છે. છ ઘેટાં કૂદીને ભાગી ગયાં. તો હવે મારી પાસે કેટલાં ઘેટાં રહ્યાં?’ મોટા ભાગના બાળકોએ જવાબ આપ્યો: ‘છ.’ પરંતુ એક ખેડૂતનો છોકરો હતો એણે કહ્યું: ‘એક પણ નહિ હોય.’ જ્યારે શિક્ષિકાએ તેને એનું કારણ પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો: ‘બહેનજી, આપ ગણિત ભલે જાણતાં હો પણ હું ઘેટાનો સ્વભાવ ઓળખું છું.’

આમાં આપણા માટે એક બોધપાઠ છે. આપણે ઘેટાંની જેમ બીજાનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. એક વૈજ્ઞાનિકે કહ્યું છે: ‘મોટા ભાગના લોકો માટે સુષુમ્ણા નાડી જ પર્યાપ્ત છે, મસ્તિષ્ક તો બિનજરૂરી છે.’ એનો અર્થ એ છે કે મોટા ભાગના લોકો સ્વચાલિત, આવેગચાલિત જીવન વીતાવે છે. બહુ ઓછી સંખ્યામાં લોકો ખરેખર વિચારે છે અને સચેતનરૂપે પોતાના જીવનને યોગ્ય દિશા પણ આપે છે.

(ક્રમશ:)

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.