માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો ઠાકુર પાસે ગયા. ઠાકુરે કહ્યું: ‘તમે સ્વતંત્ર ઇચ્છાશક્તિની વાત શા માટે કરો છો? બધું ઈશ્વરેચ્છા પર જ અવલંબે છે. આપણી ઇચ્છા એની ઇચ્છા સાથે બંધાયેલી છે. ગાયને રાશથી ખીલે બાંધી હોય તેના જેવું જ એ છે. ગાયને છે તેમ આપણને થોડીક સ્વતંત્રતા છે ખરી જ. એટલે માણસને લાગે છે કે એની ઇચ્છાશક્તિ સ્વતંત્ર છે. પણ એ ઈશ્વરની ઇચ્છાશક્તિ પર જ આધારિત છે એ નક્કી જાણજો.’

શિષ્યો: ‘તો શું જપતપધ્યાનની કશી જ આવશ્યકતા નથી? એક ખૂણે બેસીને માણસ કહી શકે. બધું જ ઈશ્વરની ઇચ્છા છે; જે કંઈ બને છે તે એની ઇચ્છાથી જ.’

શ્રીરામકૃષ્ણ: ‘તમે માત્ર આમ બોલો તેની અસર શી છે? મોઢેથી તમે કાંટાની ગમે તેટલી ના પાડો પણ તેથી, કાંટા પર હાથ પડ્યો તો, એ અંદર ઘોંચાવાના જ ને પીડા કરવાના. એની ઇચ્છા અનુસાર, મનુષ્ય સાધના કરતો હોત તો, દરેકે તેમ કર્યું જ હોત. પણ નહીં; દરેક એમ કરી શકતું નથી, ને શા માટે? પણ એક બાબત છે. એણે આપેલી શક્તિનો તમે પૂરેપૂરો ઉપયોગ ન કરો તો, એ કદી વધારે આપતો નથી. માટે સ્વપ્રયત્ન આવશ્યક છે. ને તેથી જ તો, ઈશ્વરની કૃપાને પાત્ર બનવા માટે, સૌએ મથવું પડે છે. આવી મથામણથી અને એની કૃપાથી અનેક જન્મોની પીડા એક જન્મમાં ધોવાઈ જાય છે. પરંતુ થોડોક સ્વપ્રયત્ન જરૂરી છે. એક વાર્તા સાંભળો:

ગોલોકના સ્વામી વિષ્ણુએ એક વાર નારદને શાપ આપી કહ્યું કે, ‘તમને નરકમાં નાખવામાં આવશે.’ આથી નારદ ખૂબ વ્યથા પામ્યા અને, ભજનો ગાતા એ પ્રભુને પ્રાર્થવા લાગ્યા કે, ‘નરક ક્યાં છે અને ત્યાં કેવી રીતે જવાય તે કહો.’ ચાકનો કટકો લઈ વિષ્ણુએ વિશ્વનો નકશો દોર્યો અને તેમાં સ્વર્ગ નરકનાં સ્થાન બરાબર બતાવ્યાં. પછી ‘નરક’ તરીકે દર્શાવેલા ભાગને ચીંધી નારદ બોલ્યા: ‘આ નરક છે ને?’ એટલું બોલી એ ત્યાં આળોટવા મંડ્યા અને બોલ્યા: ‘લો, ત્યારે હું નરકની બધી યાતના ભોગવી આવ્યો.’ હસતાં હસતાં વિષ્ણુએ પૂછ્યું, ‘એ કેમ બન્યું?’ નારદે જવાબ આપ્યો: ‘પ્રભુ, સ્વર્ગ અને નરક શું આપનાં જ કરેલાં નથી? વિશ્વનો નકશો દોરી આપે તેમાં મને નરક બતાવ્યું તો એ ખરે જ નરક બની ગયું. ને હું તેમાં આળોટ્યો ત્યારે મારી પીડા અસહ્ય હતી. એટલે જ હું કહું છું કે, મેં નરકની યાતના ભોગવી છે.’ નારદે આ બધું નિખાલસતાથી કહ્યું અને વિષ્ણુને એથી સંતોષ થયો.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.