(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૪, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)

ભય મનની એક વિચિત્ર વૃત્તિ છે. એ વ્યક્તિને નિર્બળ બનાવી દે છે. આપણા મનમાં કોણ જાણે કેટલાય ભય હોય છે. એનું વિશ્લેષણ કરીને જોઈએ તો મોટા ભાગના પ્રસંગોમાં આપણો ભય નિરાધાર સાબિત થાય છે.

કેટલાક લોકો ભૂતથી ડરે છે. મેં અત્યાર સુધી ભૂતના ભયની ૫૦ જેટલી ઘટનાઓ જોઈ છે. પણ હું છાતી પર હાથ મૂકીને કહી શકું કે આ બધી ઘટનાઓ નિરાધાર છે અને કાલ્પનિક પણ ખરી. વાસ્તવિક રીતે વ્યક્તિને કલ્પનાનું ભૂત સતાવે છે. જ્યારે આપણે કોઈ અંધારિયા સ્થાનેથી એકલા પસાર થઈએ ત્યારે કોઈ અજ્ઞાત ભયને લીધે આપણું હૃદય થડકવા માંડે. ચાલતાં ચાલતાં વૃક્ષ કે છોડ આપણને ભૂત જેવું દેખાય છે. આપણા મનમાં નાનપણથી પાડી દીધેલા ભયના સંસ્કારને કારણે આવું થાય છે.

જ્યારે મા નાનાં બાળકોને કોઈ કામ કે પ્રવૃત્તિથી રોકવા ઇચ્છતી હોય ત્યારે ‘હાઉ’નો ભય બતાવે છે. આ હાઉનો ભય આપણા મનમાં એટલો ઘર કરી જાય છે કે કાલાંતરે આપણા મહાન ભયનું કારણ બને છે. આપણે જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે સતત જંગલી પશુઓનો ભય આપણા પર સવાર રહે છે. સામાન્ય દૃષ્ટિએ આવો ભય સાવ સ્વાભાવિક લાગે છે અને એમ પણ કહી શકાય કે કયા જંગલમાં કોને જંગલી પશુઓનો ડર નથી લાગતો? પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ડર આપણને નિર્બળ બનાવી દે છે? ભયનો સૌથી મોટો દોષ એ છે કે તે માનવને શક્તિહીન કરી નાખે છે. જે વ્યક્તિ સિંહ જેવું પરાક્રમ પ્રગટ કરી શકતો હતો, તે જ ભયભીત થઈને એક શિયાળિયાની જેમ આચરણ કરવા લાગે છે.

એકવાર હું લોનાવાલામાં નહેરની પાળ ઉપર ચાલતો હતો. આ પાળ ૧૮ ઈંચ પહોળી અને સિમેન્ટ કોંક્રેટની હતી. જમીનથી ૩-૪ ફૂટ ઊંચી હતી. હું થોડુંક અંતર તો નિરાંતે કાપી ગયો પણ થોડેક અંતરે એક નાળું આવ્યું ત્યાં આ પાળ ૨૫-૩૦ ફૂટ ઊંચી હતી. મારા પગ થરથરવા લાગ્યા. હું ચાલી ન શક્યો. કદાચ પડીયે જઉં એવુંયે લાગ્યું. એ ૫૦ ફૂટનું અંતર મેં ઘણી મુશ્કેલીથી બેસી બેસીને પાર કર્યું. આ શું હતું? આટલી જ પહોળી પાળ પર હું ભય વિના ચાલતો હતો અને થોડા સમય પછી હું ચાલી ન શક્યો કે માંડ માંડ ચાલ્યો. આ હતો ભય; અને એ પડવાનો ભય. એણે મારી આત્મશ્રદ્ધા હરી લીધી અને મારી શક્તિ દબાઈ ગઈ. એકવાર હું વંડીપુરના વનમાં પર્યટન વિભાગની જીપમાં ફરવા નીકળ્યો. એટલામાં લગભગ ૨૦૦ ફૂટના અંતરે એક જંગલી હાથી જોયો. અમને જોતાં વેંત એણે તો સૂંઢ ઊંચી કરીને અમારી તરફ દોડવાનું શરૂ કર્યું. જીપનો ડ્રાઈવર ગભરાઈ ગયો અને સંતુલન ગુમાવી બેઠો. અમારી જીપ એક શીલા પર ટકરાતાં રહી ગઈ. આ ભય છે, જે આપણું સંતુલન હરી લે છે. હાથી તો પછીથી મારવાનો હતો પણ ચાલકનો ભય પહેલાં તો અમારો જ કાળ બનતો હતો. શું આવા ભય પર વિજય મેળવી શકાય ખરો? હું ત્યારે સ્વર્ગાશ્રમ, ઋષિકેશથી લગભગ ૧૫ માઈલ ઉપર વશિષ્ઠમાં રહેતો હતો. ત્યારે ત્યાં ગાઢ જંગલ હતું. દિવસે પણ જંગલી પશુઓ નજરે ચડતાં. મને ખૂબ ડર લાગતો. એને લીધે મારી સાધના પણ ઓછી થતી. 

એ વખતે ત્યાંના એક તપોનિષ્ઠ સંન્યાસીએ મને કહ્યું: ‘જુઓ ભાઈ, તમે શા માટે ડરો છો? એ વાત મને કહો.’ હું કંઈ એનો જવાબ ન આપી શક્યો, એટલે પોતે જ કહ્યું: ‘તમારા મનમાં મૃત્યુનો ડર છે. તમને એમ લાગે છે કે આ જંગલી જાનવર ક્યાંક તમને મારી તો નહિ નાખે ને?’ મારી ભીતર વીજળી ચમકી ઊઠી. મેં એમને કહ્યું: ‘તમારી વાત સાચી. ડરનું કારણ તો મૃત્યુ જ હોય છે.’ તેમણે કહ્યું: ‘મોત જો આવા જંગલી પ્રાણીઓના હાથે લખ્યું હોય તો એને કોઈ રોકી શકવાનું નથી અને જો એમ ન થવાનું હોય તો તમારો વાળેય વાંકો થવાનો નથી, એવું તમે કેમ નથી વિચારતા? આવું વારંવાર વિચારશો અને એના તર્કને મનમાં બરાબર ભરી દેશો તો દિવસમાં કેટલીયે વાર ડરને કારણે તમે મરવાનો ભય સેવો છો એવા ભયના વિચારથી તમારું રક્ષણ થશે અને તમે બચી જશો.’

વાત તો સાવ સીધી સાદી અને સરળ હતી. પણ એમના તર્કને લીધે મેં મારા ભયને ધીમે ધીમે જીતી લીધો.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.