પ્રતીક ઉપાસનાઓ

દેવતા હૃદયમાં જ છે એવો મત છે, પરંતુ હૃદયમાં હોવા છતાં પણ ત્યાં પરિપૂર્ણરૂપે આપણે એમની પૂજા કરી શકતા નથી. એનું કારણ એ છે કે ત્યાં આપણું મન સ્થિર નથી હોતું. આપણે બધા પ્રયાસ કરીએ છીએ અને સમજી શકીએ છીએ કે હૃદયમાં એમની ભાવના કરવી કેટલી કઠિન છે ? એટલે જ એક અવલંબનની આવશ્યકતા રહે છે. એમાં મનને એકાગ્ર કરી શકાય. મૂર્તિ જ એ બાહ્ય અવલંબન છે. પૂજાનું પાત્ર તે નથી, બાહ્ય પૂજાનું પાત્ર તો એનું પ્રતીક છે. જ્યારે આપણે એમની પૂજા અર્ચના કરીએ છીએ ત્યારે આપણું મન ક્રમશઃ એ સ્થૂળ વસ્તુનો આશ્રય લઈને ચિન્મય સત્તામાં જવાનો પ્રયાસ કરે છે. આવું કરતાં કરતાં એમાં ભગવત્સત્તા અભિવ્યક્ત થશે. આ જ અભિવ્યક્તિ મનનું લક્ષ્ય છે. આવી જ રીતે શ્રીઠાકુરે ભક્ત મહિલા દ્વારા પોતાના ભત્રીજા પર ગોપાલની સત્તાનું આરોપણ કરીને તેને પોતાનો પ્રેમ અર્પિત કરવા કહ્યું. શ્રીઠાકુરનું જ કથન છે : ‘લાકડા પથ્થ૨માં ભગવાનની પૂજા થાય છે, તો મનુષ્યમાં ન થાય ?’ મનુષ્યમાં પણ પૂજા થાય છે. એટલે તો દુર્ગાપૂજાના સમયે કુમારીની પૂજા થાય છે. એ બાલિકાને ન તો દસ હાથ છે અને તે સિંહવાહિની પણ નથી. આમ છતાં પણ તેની ભીતર દશભૂજાના આવિર્ભાવની કલ્પના કરીને પૂજા કરાય છે. એટલે જ જ્યાં સુધી મન સ્થૂળ છે ત્યાં સુધી સ્થૂળ આશ્રય કે આધારની આવશ્યકતા રહે છે. એને લીધે સ્થૂળ મન એને પકડી શકે, સમજી શકે અને એની મદદ લઈને ક્રમશઃ એકાગ્ર થઈ શકે.

કેવળ મૂર્તિ જ નહિ, શબ્દ પણ પ્રતીક બને છે. જ્યારે ૐકારને ભગવાનનું પ્રતીક સમજીને ઉપાસના કરે છે ત્યારે આપણે એ શબ્દને બ્રહ્મ નહિ પરંતુ એમાં બ્રહ્મના સ્વરૂપની કલ્પના કરીને ઉપાસના કરીએ છીએ. આવી રીતે ભગવાનનું ધ્યાન કરતી વખતે આપણે એમની જે મનોમય મૂર્તિનું ચિંતન કરીએ છીએ તે પણ પ્રતીક છે. સાક્ષાત્ એમના હોવાનો આટલો પ્રયાસ કરીને મનને લગાડી રાખવાની આવશ્યકતા રહેતી નથી. આ રીતે એમની અનેક પ્રકારની પ્રતિમાઓ તથા પ્રતીક હોઈ શકે. એમનો સહારો લઈને આપણે એમનું ચિંતન કરીએ છીએ. પ્રતીકોને એમનાથી અલગ કરીને ચિંતન કરતા નથી. વિષયાસક્ત મનને કોઈ એક પ્રતીકમાં કેન્દ્રિત કરવાથી ધીરે ધીરે મનમાં સ્થિરતા આવે છે અને ભક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે ભાગવતમાં મૂર્તિ ઉપાસનાને સાધનાનું પ્રથમ ચરણ કહ્યું છે. ત્યાં જે ત્રિવિધ ભક્તોની વાત કરવામાં આવી છે એમાં મૂર્તિપૂજક પ્રારંભિક તબક્કાનો ભક્ત છે.

સાધારણ મનુષ્યને ભક્તિ મેળવવા પ્રતીકનો સહારો લેવો અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદે પાશ્ચાત્ય દેશોમાં વ્યાખ્યાન આપતાં કહ્યું હતું: ‘અમે લોકો મૂર્તિ પૂજા કરીએ છીએ એટલે તમે લોકો અમારી મજાક-મશ્કરી કરો છો અને કહો છો કે તમે લોકો (પશ્ચિમના લોકો) ઈશ્વરની પૂજા કરો છો. ‘ઈશ્વર’ કહેવાથી એક શબ્દ સિવાય શું કોઈ બીજો ભાવ તમારા મનમાં જાગે છે ખરો ? આ શબ્દ તો એક પ્રતીક છે. એનું અવલંબન કરીને તમે ઈશ્વરની પૂજા કરો છો અને એ પ્રતીક સિવાય ઈશ્વરના સ્વરૂપનું ચિંતન જ કરી શકતા નથી. ક્યારેક તમે ઈશ્વર શબ્દનો, તો વળી ક્યારેક ચર્ચમાં રહેલ મૂર્તિનો કે ક્રોસ ચિહ્નનું ચિંતન કરો છો. આ બધાં તો પ્રતીક છે અને એ મનને કેન્દ્રિત કરવાનાં સ્થૂળ સાધન છે. તો પછી એમાં અલગતા ક્યાં છે?’

એટલે જ્યારે મનુષ્ય મનની શુદ્ધિ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી તે પ્રતીક સિવાય ઈશ્વરનું જરાય ચિંતન કરી શકશે નહિ. અશ્વિનીકુમાર દત્તના ‘ભક્તિયોગ’ પુસ્તકમાં એક કવિતા છેઃ

ઢેકી ભજે જદિ એઈ ભવનદી પાર હતે પારો બંધુ,
લોકે૨ કથાય કિબા આસે જાય પ્રિયસુખે પ્રેમમધુ.

‘જો ઢેકીનું ભજન કરીને આપણે ભગવાનને મેળવી શકીએ, આ ભવસાગરને પાર કરી શકીએ તો પછી લોકો ભલે મૂર્તિપૂજક કહે કે મૂરખ ગણે, એમાં દોષ શું છે?’ જેનાથી બની શકે તે રીતે મનને ઈશ્વર તરફ વાળવાના પ્રયત્ન કરે, શ્રીઠાકુરનો આ ઉપદેશ છે.

ડોક્ટર સ૨કા૨ જ્ઞાનમિશ્ર ભક્તિવાદી છે. રાગાત્મિકા ભક્તિને એટલું સમજતા નથી, એટલે તેઓ કહે છે : ‘કામ, ક્રોધ, વગેરે શત્રુઓને વશમાં કર્યા વિના ભગવાનને પામી ન શકાય.’ શ્રીઠાકુરે એ વાતનો સ્વીકાર કર્યો. ડોક્ટર સરકારના માર્ગને એમણે ખોટો નથી કહ્યો. તેમણે કહ્યું: ‘એને વિચાર માર્ગ કહે છે – જ્ઞાનયોગ.’ પહેલાં શત્રુઓ સાથે સંગ્રામ કરીને વિજય મેળવીને પછી એ વિજેતા મનને ભગવાન તરફ લગાવવું પડે છે. આ વાત સમજમાં તો આવે છે પણ એવું કરવું સરળ નથી. કારણ કે એમાં પહેલાં ચિત્તશુદ્ધિ છે, ત્યાર પછી ભગવાનને મેળવવાનો પ્રયાસ કરાય છે. (ક્રમશઃ)

Total Views: 211

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.