પ્રેમ જ પરમ આનંદ છે

નિયંત્રણ અને સંયમનું જીવન જીવીને જ વ્યક્તિ વાસનાઓની મોહજાળમાંથી મુક્ત થઈને પોતાના વ્યક્તિત્વને ઉચ્ચતર શિખરે પહોંચાડી શકે છે. ત્યારે જ ચારિત્રિક ઉન્નયન અને સામાજિક કલ્યાણ એક વાસ્તવિકતા બની શકે.

કોઈ પતિપત્ની વૃદ્ધ થાય ત્યારે એમનામાં શારીરિક આકર્ષણ કે વાસનાઓ નહીં પણ, પોતાની વચ્ચેના પરસ્પરનો વિકસિત અને ઉન્નત પ્રેમ જ એમને જોડી રાખે છે. હવે એમનો પ્રેમ ભાવનાત્મક ઉત્તેજનાઓના પ્રબળ બળથી જરાય કલુષિત થતો નથી. હવે એમનામાં ક્રોધ, ઘૃણા અને અવગણનાનો ભાવ પ્રબળ રહેતો નથી. એને બદલે એમના જીવનમાં શાંતિ અને સંતોષ આવી જાય છે.

પ્રેમની પ્રેરણા દ્વારા જ પત્ની પતિની સજગ ભાવે સેવા કરશે. આવી પત્ની અને માતા વચ્ચે કોઈ ભેદ નથી રહેતો. જો આપણે આધ્યાત્મિક જીવનના આદર્શોને અપનાવી લઈએ તો સામાન્ય જીવનમાં જે બાબતો એની મેળે થતી રહે છે એમને પ્રયાસપૂર્વક આપણે વિકસિત અને ઉન્નત કરી શકીએ.

પતિપત્ની વચ્ચેનો કેવળ આધ્યાત્મિક સંબંધ જ પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો પતિ અને પત્ની બંને આધ્યાત્મિક જીવન વીતાવે ત્યારે જ એમની વચ્ચે પૂર્ણ સમજદારી, અરસપરસનો પ્રેમ અને આદરભાવ કાયમી બને. આ જ ઉપાયથી શાંતિ અને સામંજસ્યપૂર્વક રહેવું, જીવવું સંભવ છે. આમ ન બને તો પતિપત્ની એકબીજા પર દોષારોપણ જ કરતાં રહે અને એમને કલહ અને કટુતાનો સામનો કરવો પડે.

‘પ્રેમ આંધળો છે’ એવી એક પ્રચલિત કહેવત છે. એનો અર્થ એ થાય છે કે પ્રેમમાં કોઈ અંતર કે ભેદ હોતા નથી. પણ ક્યારેક ક્યારેક લોકો વાસનાને જ પ્રેમ સમજીને પોતાનો વિવેક ગુમાવી બેસે છે અને આંખો મીચીને શારીરિક પ્રેમનાં જ ગુણગાન કરતા રહે છે અને બધા નૈતિક પ્રતિબંધો તેમજ મર્યાદાઓની અવગણના કરવા માંડે છે. નવવિવાહિત દંપતીની વચ્ચે સાચા પ્રેમને બદલે વિષય વાસના વધારે હોઈ શકે. આમ છતાં પણ અધ્યાત્મપથ પર આગળ વધીને આ વાસનાનું ઉદાત્તીકરણ કરીને એને ક્રમશઃ સાચા પ્રેમમાં પરિવર્તિત કરી શકાય છે. પતિએ ઈશ્વર પ્રત્યે નિષ્ઠા, ભક્તિ અને શરણાગતિના ભાવનો આશ્રય લઈને ધર્મ-સાધના કરવી જોઈએ. પત્ની માટે પતિ એ જ ઈશ્વર બની જાય છે અને પતિની સેવા એ જ એની સાધના બની જાય છે.

જીવનમાં એમનો હેતુ રેલગાડીના ડબ્બા જેમ એના એન્જિનની પાછળ-પાછળ દોડે છે તેમ પોતાના પતિનાં પદચિહ્નોનું અનુસરણ કરવાનું સ્વાભાવિક બની જાય છે. પત્ની સાચા અર્થમાં પતિની અર્ધાંગિની બનીને, એના લક્ષ્યમાં સહગામિની બનીને સુખ અને દુઃખમાં એને સાથ આપે છે. પત્ની સહિષ્ણુતા અને ધૈર્યની ખાણ છે. સાથે ને સાથે પ્રેમની જીવંત મૂર્તિ બનીને પોતાનાં દૈનંદિન ઘરેલુ કાર્યોને ઈશ્વરની ઉપાસના માને છે. તે સેવા અને ત્યાગમાં જ આનંદ મેળવે છે. આ સદ્ગુણોનો વિકાસ થતાં દૈહિક વાસનાઓ ક્રમશઃ શમતી જાય છે. પ્રેમ પરિપક્વ બની જાય એટલે તેમને અપાર આનંદનો અનુભવ થાય છે.

આધુનિકતાની ચમક-દમક

આજની શિક્ષણ પ્રણાલીમાં મહાન વ્યક્તિઓ કે સત્પુરુષોનાં આદર્શ જીવન પ્રત્યે બાળકો આકર્ષિત થાય એવી કોઈ વ્યવસ્થા નથી. જીવનના આદર્શો વિશે ફેલાયેલું અજ્ઞાન જ એનું મુખ્ય કારણ છે. પાણી અને હવાની જેમ નિતાંત આવશ્યક, જીવનમાં સુખ-શાંતિ અને સંતોષ આપનારા મૂળભૂત આદર્શોને આજના યુવાનો સામે કોણ રજૂ કરશે?

એક બાજુએ આજના શિક્ષણમાં પરીક્ષામાં સફળ કરાવવા વિદ્યાર્થીઓના મગજમાં કેટકેટલાં જ્ઞાન-માહિતી ઠાંસીઠાંસીને ભરી દેવાય છે અને વિજ્ઞાનનાં મહિમાગાન ગવાય છે. બીજી બાજુએ પ્રચાર-પ્રસારનાં જાહેર સંચાર માધ્યમો દ્વારા નબળી ભાવુકતા, યૌનઉત્તેજના, ચોરી-હિંસાની અતિરંજિત રજૂઆતો બાળકોના કોમળ, સંવેદનશીલ અને ભોળામનને અવળે માર્ગે દોરી જાય છે. નવાઈની વાત તો એ છે કે શિક્ષણક્ષેત્રમાં પડેલા લોકો પણ આની ચિંતા કરતા નથી. એટલું જ નહિ પણ કહેવાતા બુદ્ધિજીવીઓ પરોક્ષ કે અપરોક્ષ રીતે એવું સમજાવે છે કે આવી માનવીય દુર્બળતાઓ સ્વાભાવિક છે અને કોઈ આદર્શ માટે તત્પર બનીને સંઘર્ષ કરતા રહેવું એક મૂર્ખતા છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને બુદ્ધિવાદને નામે આજે આપણા સમાજમાં સ્વેચ્છાચાર, ભોગપરાયણતા અને અસંયમનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યાપક પ્રચાર-પ્રસાર થાય છે. એક મંત્રીએ એક જાહેર સભામાં કહ્યુ હતું કે અમુક હદ સુધી રેગીંગ નુકસાનકારક નથી. એ સાંભળીને ત્યાં હાજર યુવકોએ પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ કરીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

પશ્ચિમના દેશોમાં જોવા મળતી સ્વછંદતાએ ભારતના યુવાનોનાં અત્યંત સંવેદનશીલ મનને પ્રભાવિત કરી દીધાં છે. વળી પશ્ચિમના લોકોનાં દેશભક્તિ, ઉદ્યમશીલતા, કર્તવ્યનિષ્ઠા અને કઠોર પરિશ્રમને અપનાવવાના બદલે ભારતના યુવાનો એમનું આંધળું અનુકરણ કરીને એ પ્રજાના દોષો અને દુર્બળતાઓને ગ્રહણ કરે છે. ૧૯૬૪માં ભારતની યાત્રાએ આવેલ લંડન વિશ્વવિદ્યાલયના પ્રખ્યાત ઈતિહાસકાર પ્રો. એ.એલ બાશમે પ્રેસની એક રૂબરૂ મુલાકાતમાં આમ કહ્યું હતુંઃ ‘પાશ્ચાત્ય જગતનાં ચિત્રપટ, સાહિત્ય, નૃત્ય અને સંગીતે ભારતના યુવાનોને મંત્રમુગ્ધ કરી દીધા છે અને તેઓ પણ યુરોપના યુવકોને મળતી સ્વછંદતા મેળવવા ઇચ્છા અને આશા રાખે છે.

આ સ્વછંદતા યુરોપના યુવાનોને સાચું સુખ આપી શકી નથી. આમ છતાં પણ ભારતના યુવાનો આવી સ્વછંદતાથી સુખ મેળવવાની આશા રાખે છે. એવંુ બની શકે કે બે-એક પેઢીમાં તેઓ ખરેખર આવી સ્વછંદતા મેળવી પણ લે.

પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે વધુ પડતા મેળમિલાપ અને પારસ્પરિક વિવાહપ્રથા પરના પ્રતિબંધને લીધે ભારતનાં કુટુંબોમાં સ્થિરતા જોવા મળે છે. પરંતુ પાશ્ચાત્ય દેશોની સ્વચ્છંદતા પતિત થઈને સ્વેચ્છાચારમાં પરિવર્તન પામે છે. પરિણામે પરિવાર અને કુટુંબો તૂટી રહ્યાં છે. બાળકો પણ ઘરથી, કુટુંબથી અલગ થઈને અનાથાશ્રમોમાં ઊછરે છે.’

જો ભારતવાસી પણ પાશ્ચાત્ય દેશોના પારિવારિક જીવનનો નાશ કરનાર વાસનાજન્ય સ્વેચ્છાચારને અપનાવે તો એના દ્વારા આપણા દેશને થનારી ભયંકર હાનિનું આપણે સહજ અનુમાન કરી શકીએ છીએ. પાશ્ચાત્ય લોકોને ધીમેધીમે પોતાની મૂર્ખતાનો અહેસાસ થઈ રહ્યો છે અને વિચિત્રતાની વાત તો એ છે કે આપણા યુવકો આપણી જ સંસ્કૃતિની અવગણના કરીને પશ્ચિમની કહેવાતી સભ્યતાનું આંધળું અનુકરણ કરવાના પ્રયાસમાં મગ્ન છે! (ક્રમશઃ)

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.