નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના એકાંત અવરની ઓળખાણ કરાવી આપે. અંધારાં ઉલેચતી આંખોની તીક્ષ્ણ દૃષ્ટિમાં એક માનવ-ઓળો દેખાયો. અમરેલી ગામની ભાગોળે મૂળદાસજીની જગ્યાનાં મંડાણ, બહાર એની સામે આવેલ વખંભર કૂવા તરફ માનવ આકૃતિ સરકતી રહી. થોડામાં ઝાઝું સમજનાર સંત મૂળદાસે સાબદાઈ કરી ઓળાનું પગેરું દબાવ્યું. ઘડી બે ઘડીમાં દબાતા પગે અડોઅડ પો’ગી ગયા. વાતનો તાળો મેળવતાં વાર ન લાગી. જગતનું પાપ અને આળ અંધારાં શોષી લેતાં હોય છે.

એક બાઈ માણહની વ્યથાએ સંતને વ્હેરી નાખ્યા. બાઈ ધરતીને નમતી હોય એમ નીચે નમી, જેવો કાઢમીંઢ પથ્થરનો ખોળો વાળ્યો, પેટનો ને પાણાનો ભાર બેવડાઈ ગયો, કૂવાના પગથારે પહોંચી, આજુબાજુ નજર કરી, આકાશના ખાલીપાને હાથ જોડ્યા, ધરતીની દીકરીએ ધુબાકો દેવા પગ ઉપાડ્યો.

વાલ્મીકિ કે કણ્વ જેવા કરમી બાપના કસાયેલા કાંડાએ બાઈનું બાવડું પકડી લીધું. હેબતાઈ ગયેલી બાઈએ કાંડું છોડાવવા ઉધામા કર્યા, કરગરી, બાપુ! મું અભાગણીને મરવા દ્યો! મારું મોં જોયે કે મુને અડકીને બાપુ તારકનાં પોટલાં કાં બાંધો?

મા! દીકરી! બોન! વધુ તો કે’વાની આ વેળા નથી, ઈશ્વર અને સંત તારવા માટે બાવડાં પકડે, ડૂબાડવા કે મારવા માટે નહિ, મા! પાછી વળ!

બાળોતિયાની બળેલ બાઈએ મૂળદાસના બોલમાં માની મમતા ભાળી, વર્ષોના વિતરક, દૂભાયેલા હૈયાએ સંઘરી રાખેલા જાકારા, ગળે અટકી ગયેલા ડૂમા અને રૂંગા હાલી નીકળ્યા. ધબ્બ થઈને કૂવાના પડથારે બાઈ બેસી ગઈ.

દુઃખિયારી દીકરીના માથા ઉપર શાતા આપતો સંતનો હાથ પ્રસરતો રહ્યો.

રોઈ લે મા! આજ કંઈ બાકી ન રાખીશ! હળવી થઈ જા દીકરી! મરી જવાય? ધરતી તો સહન કરે!

મૂળદાસની વાણીએ બાઈનાં હીબકાં અને અનરાધાર આંસુએ ડૂકેલ કૂવે જાણે સરવાણી ફૂટી હતી.

સ્વસ્થતા મેળવી બાઈ ઊભી થઈ, મૂળદાસજીના આદેશે એ પાછી વળી,

દીકરી! ફૂટેલ ઠામ કંસારે ન જાય તો ક્યાં જાય! જગ્યામાં રહેજે, ઈશ્વર પર ભરોસો રાખ, બધાં સારાંવાનાં થશે.

બાપુ! મલક તમને ફાડી ખાશે! બાઈના દબાતા અવાજમાં દહેશત હતી. દીકરી! સાધુ થ્યા પહેલાં આ શરીર લુહારનું હતું. લોઢાને આગમાં નાખીએ, ધમાવીએ, ટીપીએ, એરણે ચડાવીએ ત્યારે એને ઘાટ મળે, બેટા જોયું જાશે.

મોતિડાં એરણે મંડાય,
માથે ઘણ કેરા ઘાવ,
ફૂટે ઈ તો ફટકીયા કેવાય,
ખરાની ખરે ખબરૂ થાય.

દિ’ ઊગ્યો, જગ્યામાં આવનારે કૌતુક જોયું. એક બેજીવસોતી બાઈ મૂળદાસની જગ્યામાં! એક કાનથી બીજે કાન, અમરેલી આખીને આ વાતે ભરડો લીધો, સનેપાતિયા સળવળ્યા, ગોકીરો થયો, બાવાએ પાપ પોકાર્યું, હાલી મળ્યા’તા બગભગત માળા! ઈ અમને તો ખબર જ હતી! ખાઈ ખાઈને ખૂંટિયો થયો હતો. આ તો અમરેલી આખીનું પાપ! ટોળાને ક્યાં નોતરાં દેવાં પડે છે. બપોર સુધીમાં તો ફિટકારના વાવટા ફરકી ગયા. અમરેલીની માલીપા ધૂળ, ઢેખારા, ઠીંકરાં અને હાથ આવ્યું એ લઈને એક ટોળું જગ્યાની દૃશ્યે દેકારો કરતું, કાનના કીડા ખરે એવી રમરમતી ચોપડાવતું ચડી આવ્યું. બાપુ મને રેઢી મેલી દ્યો! આ તમને રેં’હી નાખશે. ગાડર જેમ ફફડતી બાઈએ બાપુના પગ પકડી લીધા.

બેટા! અંદરના ઓરડાના આગળા વાસીને બેસી જા. વાવાઝોડાં ઝાઝીવાર ન ટકે બેટા! ઊઠ ઊભી થા!

સમયને ઓળખીને બાઈ અંદર ચાલી ગઈ. જગ્યાના ભીડવેલા દરવાજાની બહાર જ ટોળું ઊભું રહી ગયું, લક્ષ્મણ જતીની રેખા અંકાઈ ચૂકી હતી.

કોઈ અકરમીના હાથથી છૂટેલો પથ્થર મૂળદાસજીના કપાળે લાગ્યો, લોહીથી ખરડાયેલી કંથાનો ભગવો આજ વધુ ભવ્ય લાગતો હતો.

સમય એનું કામ કરતો હતો. ધીરે ધીરે વમળો સમી ગયા. એ અભાગી બાઈ ગામની જ દીકરી હતી. રતનબાઈ એનું નામ. કોઈએ ભોળવી ને છોડી દીધી. જતે દિવસે બાઈએ એક દીકરીને જનમ દીધો. મૂળદાસજીએ એને રાધા નામ દીધું.

બેટા! રતનબાઈ! બેરખો ફેરવતા મૂળદાસજીએ સાદ દીધો.

આવી બાપુ! નવજાત દીકરીને પેટ ભરાવતાં રતનબાઈએ જવાબ દીધો.

હાં બાપુ!

જો બેટા રતનબાઈ! મારું મન દ્વારકા જવાનું થયું છે. હવે અહીં કોઈ ચિંતા જેવું નથી, તું કહે તો જઈ આવું. નવા અવતારે આવેલી રતનબાઈનો આત્મવિશ્વાસ સંતના સધિયારે જાગી ગયો હતો. તનમનથી સ્વસ્થતા ધારણ કરીને આપ બળુકી બની ગઈ હતી.

તમ તમારે જઈ આવો બાપુ! હું બેઠી છું ને બાપુ! જગ્યા અને ગાયોને સાચવીશ, પણ બાપુ! રતનબાઈ કોચવાણી.

મારો બાપલિયો! પણ બોલ્ય બેટા બોલ્ય!

બાપુ! ઝટ આવતા રહેજો હોં! બાપુ! મને રેઢી મૂકીને ત્યાં રોકાઈ તો નહિ જાવ ને!

ના, મારા બાપ! આમ કોચવાઈશ નહિ. દ્વારકાધીશનાં દર્શન કરીને પાછો આવીશ બસ, એમાં બોર બોર જેવાં આંસુ પડાય! બાપ-દીકરીના નિર્મળ હેતને દેવળની ધજા વંદી રહી.

બીજે દિ’ સવારે દ્વારકાના મારગે મૂળદાસજીએ ડગ દીધાં. જે મૂળદાસજીની આગળ ભક્તોની ઝીક બોલતી, આગળ પાછળ મેદની માતી નહિ, એ આજ એના પડછાયાથી પણ આઘા ભાગે છે.

ઈ.સ. ૧૬૭૫માં ઉના પાસેના આમોદરા ગામમાં સોરઠિયા લુહારના ખોરડે એનો જનમ. બાપનું નામ કૃષ્ણજી અને મા ગંગાબાઈ. ગુરુ જીવણદાસ લોહલંગરીએ મૂળદાસના માહ્યલાને જગાડ્યો હતો. અમરેલી ગોઠ્યું અને ધરમની ધજા ફરકાવી. સૌરાષ્ટ્રની ધરતીએ આપેલા સંતોની માળાનો મૂળદાસજી મેળ.

મૂળદાસજીને આજ મારગ અણોહરો લાગ્યો! સોય જીતવા! માણહને માપવાનાં માપ પણ કે’વાં! હોય મૂળદાસ! કો’ક દિ મેડીએ તો કો’ક દિ શૂળીએ! અને તું ક્યાં પહેલો પરથમ છે. ઘી અને સોનું તપાવ્યે સારું! વગડાનાં ઝાડવાં સાથે વાતુ કરતા એ નવાનગરને (જામનગર) પાધર પોંગ્યા.

નવાનગરના જામે જેની કંઠી બાંધી હોય તો એવી જગ્યાનાં તપ અને ઐશ્વર્ય કેવાં હશે? જામ તો રાજા કહેવાય! એ કંઈ સૌની હારે થોડો બેહે? લાવને બે ઘડી સત્સંગ કરતો જાઉં! મનોમન વાતુ કરતા મૂળદાસજી જામની કચેરીએ વળ્યા.

આ એ જ મૂળદાસજી છે કે જેની સામે કંઈક આંટાળી પાઘડિયું પગે પડતી, એના આગમને અછોવાનાં થતાં. પાલખી અને ત્રંબાળુ ઢોલે એનાં સામૈયાં થતાં. પણ કાકીડાના બદલાતા રંગ જેવા અને સર્પની કાંચળીની જેમ ઊતરતાં સંસારી સ્નેહ અને સગપણો આજ મોઢું ફેરવીને બેઠાં હતાં.

નવાનગરના જૂના દરબારગઢે આજ કંઈક ઉત્સવ જેવું હતું. અમરેલીની ઘટના પછી જામસાહેબે મૂળદાસજીની કંઠી તોડીને ફગાવી દીધી હતી. અને આજે નવા ગુરુ કરવા નીકળ્યા હતા.

હકડેઠઠ્ઠ કચેરીમાં દરબારીઓ, કારભારી, ભાયાતો, સાધુઓ પોતપોતાનામાં મસ્ત હતા. જામની ગાદીથી પણ વેંત એક ઊંચા આસને જરકસી જામા પહેરેલ ધર્મગુરુની ગાદી હતી. એષણા અને અહોભાવના ઓળિયા એના ચહેરા ઉપર લિંપાયેલા હતા.

મુખ્ય દરવાજા તરફ ધીરે પગલે આવી રહેલા મૂળદાસજીને દરવાને જોયા. દરબારી દરવાન હતો. ઘટનાથી વાકેફ હતો. એ કંઈ સમજે એ પહેલાં મૂળદાસજી કચેરીની લગોલગ પહોંચી ગયા હતા.

જય દ્વારકાધીશ! મોતિયુંવાળા જામ!

સોહમ્ સોહમ્‌ના રિયાઝથી ઘૂંટાયેલા મૂળદાસજીનો અવાજ કચેરીમાં એક એકના કાને ‘જય દ્વારકાધીશ’ કહીને પાછો વળ્યો.

અચાનક ધરતીમાંથી ઊગ્યા હોય એવા મૂળદાસજીને સમજે કરે એ પહેલાં આખી કચેરીના પ્રાણ હરાઈ ગયા હોય એમ લાગ્યું.

મૂળદાસજી હજી કચેરીના પહેલા પગથિયે પગ માંડે છે ત્યાં એક ધુબાકો સંભળાયો.

ગઢના ઝરૂખેથી છલાંગ લગાવતાં ચૂકી ગયેલ એક મિંદડી ભડાંગ દઈને ભોં પર પડી. પડી તો પડી પણ પ્રાણ નીકળી ગયા. અપશુકન! આ પાપિયાના પગલે, આજ સંત સમો વિંખાઈ ગયો. પૂતળા અને ઓડાની જેમ કચેરીમાં સ્મશાનની શાંતિ છવાઈ ગઈ. વધુ તો ઝંખવાણા બ્રહ્મસંબંધ આપવા પધારેલા ગાદીપતિ અને નવા શિષ્ય બનવા નીકળેલા જામ. બોલે છે માત્ર એક મૂળદાસ.

મુંને થ્યું કે દ્વારકાની જાત્રાએ જઉં છું તે લાવ બે ઘડી તમને મળતો જાઉં! આપ કેમ કંઈ બોલતા નથી. મું આવ્યે કંઈ વિઘન તો નથી થ્યાંને! પળ, વિપળ, નિમિત્ત અને ઘડીની ગણતરી ઝપકવારમાં કરી લેનાર આ મરમીએ તાગ લઈ લીધો. ઉત્તર-પ્રત્યુત્તર થંભી ગયા છે.

લ્યો ત્યારે સૌને જય દ્વારકાધીશ! મોળો આવકારો પામી ગયેલા મૂળદાસજી આજ એના મૂળ પુરુષની નજીક હતા. આજે ચેતના સળવળીને બેઠી થઈ હતી.

જામ! જો! ગુણગ્રાહી થવું ખોટું નથી. દત્ત મહારાજે ચોવીસ ગુરુ ધાર્યા હતા. એક વાત યાદ રાખવી કે ગુરુ અને ધણી જોઈને ધારવા. બ્રહ્મની હારે નાતા હોય ઈ બ્રહ્મસંબંધ બાંધી આપે. મારો રાજીપો છે બાપ! મારા પામરની કંઠીનાં મૂલ આજે થઈ ગયાં. પધારેલા બાપજીના તારા ઉપર આશીર્વાદ ઊતરે. આર્દ્રતાથી ભરેલા અવાજમાં આજે ખલકની ખુમારી ભળી ગઈ હતી.

ઊંચી ગાદીએ બેઠેલા ગાદીપતિ તરફ નજર નોંધીને મૂળદાસજીએ કહ્યુંઃ

બાપજી! આ શરીર તો દ્વારકાધીશનાં દર્શને નીકળ્યું છે. આપ તો બ્રહ્મને જાણનારા છો. આપનું કહ્યું કિરતાર કરે, મું ગરીબની એક અરજ, મારા અભાગિયાના પગલે આજ ધાવણાં બચલાં મૂકીને આ મિંદડી મરી ગઈ, મારા બાપ, એને બેઠી કરો! આટલું બોલતાં તો મૂળદાસજીની આંખે અરબીસાગર ઊભરાણો.

મૂળદાસજી જામ તરફ નજર નોંધે છે, એ નજરમાં અનેક અકથ્ય સવાલોના જવાબ ભંડારેલા છે. જામસાહેબની નજર ગાદી તરફ, એ નજરમાં આજીજી અને લોકેષણા તરતી હતી અને ગાદીપતિની નજર ધરતીને ખોતરતી હતી. આ ત્રણેયનાં માપ કાઢતી કચેરીની હજારો આંખોમાં પ્રશ્નાર્થ ડોકિયાં કાઢતો હતો.

એક બાજુ મિંદડીનું શબ અને બીજી તરફ શબવત્ કચેરી, મધ્યમાં એક માત્ર ચેતના પુરુષ મૂળદાસજી ઊભા હતા.

મહાપુરુષ! આપના જ્ઞાન વિશે મને કંઈ શંકા નથી. પણ તૂટેલા આયુષ્યને સાંધવા ઉધાર શ્વાસ અને આયખાનાં થોડાં વર્ષો ખતવી દેવાં પડે! છે કોઈ સતનો આધાર અહીં? મૂળદાસજીનો અવાજ બદલાઈ ગયો.

તમે જ કરી બતાવોને!! હારેલા સિપાહી જેવા ગાદીપતિએ હથિયાર હેઠાં મૂકી દીધાં.

મરેલી મિંદડીના નિષ્પ્રાણ શરીરને મૂળદાસે ખોળામાં લીધું. આંખો બંધ કરી, સમષ્ટિના હિત માટે સમર્પણનો સેતુ રચાઈ ચૂક્યો. મિંદડીએ આંખો ખોલી, મૂળદાસના પગનાં તળિયાં ચાટતી વ્હાલે વળૂંભી.

મૂળદાસજીની જય હો! મૂળદાસજીની જય હો! કચેરીએ જયજયકાર શરૂ કર્યો.

મૂળદાસજીએ લોકસમક્ષ પાઘડી ઊતારી, શાંત કર્યા. ભાઈયું! મૂળદાસ તો માટીનું મગતરું! બાવન ગજની ધજાવાળા ઠાકરધણીની જય હો!

લે જામ! જય દ્વારકાધીશ!

સમગ્ર જામનગર મૂળદાસજીના માર્ગે આડું ફર્યું, જામ કરગર્યા; સાક્ષાત્કારની, લો-વિલોમની કક્ષાએ પહોંચેલા મૂળદાસ આજે માન-અપમાનથી પર હતા. હરખ કે શોકની હેડકી સ્થિતપ્રજ્ઞતાની શિલાની નીચે દબાઈ ચૂકી હતી.

આ વાત અમરેલી પહોંચી, અમરેલી આખું પસ્તાવાના પાણીમાં ડૂબી ગયું. દ્વારકાથી જાત્રા જુવારીને આવેલા મૂળદાસજીનાં સામૈયાં કરવા ગામ હેલે ચડ્યું.

મૂળદાસજીને મૂળની ઓળખ થઈ ચૂકી હતી. ભાવ-અભાવ, માન-અપમાનનાં વ્યવધાનો વટાવી ચૂક્યા હતા. અબીલ-ગુલાલ અને વાજિંત્રોના અવાજ વચ્ચે એક યુવાન મેદની ચીરીને બહાર આવ્યો.

બાપુ! મને પાપીને સજા કરો! મારા પાપનાં આળ આપે ઓઢ્યાં, બાપુ! સાત ભવેય મને સંતાપ રહેજો, મેં સંતને દુભવ્યા. માથા પછાડતા માણસને લોકોએ ઘેર્યો, સાચી વાત બહાર આવી.

રતનબાઈને દીકરીની જેમ એ યુવક સાથે લગ્ન કરાવીને મોકલી. રતનબાઈની દીકરી રાધા મોટી થઈ. આનંદરામ સરવરિયા બ્રાહ્મણ સાથે તેનાં લગ્ન થયાં. મુકુંદદાસ નામે દીકરો થયો, જે શ્રીજી મહારાજના અનન્ય ભક્ત મુક્તાનંદજી તરીકે પ્રસિદ્ધ થયા.

મૂળદાસજી દીર્ઘ આયુષ્ય ભોગવીને સં. ૧૮૩૫ ચૈત્ર સુદ ૯ના રોજ અમરેલીમાં નિર્વાણ પામ્યા.

તેઓ વિદ્વાન લેખક પણ હતા. તેમની રચનાઓમાં ચોવીસ ગુરુદત્ત લીલા, બારમાસ-હરિનામ લીલા, ગુરુગીતા, મર્કટીનું આખ્યાન, ભાગવતજીનો બીજો સ્કંદ.

મહાપંથની અસર નીચે જ્ઞાન-વૈરાગ્યનાં અનેક ભજનો રચ્યાં.

પ્રીતમવરની ચૂંદડી, ઓઢવાને મહાસંત મળિયા..

અને આવી જ નવલખ ચૂંદડી ઓઢીને મૂળદાસજી મહાપંથે વિસર્યા.
(મો. ૦૯૨૨૮૧૦૬૭૭૫)

Total Views: 443

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.