ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું આજે ચોરે મંડરાઈ ગયું છે. આ મનેખમાં ગામનો કરશન સાવલિયા શાખનો કણબી, શ્રદ્ધાનાં નેજવાં માંડીને સાધુને દૂરથી વંદી રહ્યો છે. આંગળીએ બારેક વર્ષનો દૂધે નાહ્યેલો દીકરો ‘દૂધાધારી ભોજો’ પણ બાપને અનુસરી રહ્યો છે. રામેતવનજીની નજર આ દિવ્ય બાળક પર નોંધાણી, ઈશારો કરીને કરશનને પાસે બોલાવ્યો. સાધુની અડોઅડ બાપ-દીકરો આવીને ઊભા રહ્યા. પૂર્વેના યોગીની ઓળખ રામેતવનજીને થઈ ચૂકી હતી. દૂધાધારીના નામથી ઓળખાતા ભોજાએ બાર વર્ષથી અન્નનો દાણોય મોંમાં નહોતો નાખ્યો, માત્ર દૂધ પર ઊછરેલા દેવકીગાલોલના બાળયોગીને ગામે જ ‘દૂધાધારી’ નામ દીધું હતું.

સાધુ રામેતવનજીનો હાથ આશીર્વાદ દેવા માટે ભોજાના મસ્તક પર મૂકાયો. ચૈતન્યના બંધ કપાટ એ સ્પર્શે ખૂલી ગયા. મૂશળધાર વરસાદની જળશિકરો, સૌરઊર્જાની લબકારા લેતી જ્વાળાઓ, ક્ષિતિજોના અસીમ સીમાડાઓ, અનાહત નાદની ખંજરી, સર્પાકારે ઊઠેલી કુંડલિનીના ફુત્કાર, ષટ્ચક્રોને વીંધીને પદ્મદલના આસને આવીને અટક્યા. ભોળું મનેખ આ ઘટનાનું સાક્ષી બન્યું. બાળયોગી ભોજાને ચેતવીને વળતે દિવસે રામેતવનજીએ શેષાવનની વાટ લીધી.

દેવકીગાલોલ ગામ ભોજાને ભાવથી ભોજાભગત કહીને બોલાવતું થયું. ઉંમરનાં ૨૫ વર્ષના પડાવ સુધી પરિવાર સાથે ભગત દેવકીગાલોલ ગામે જ રહ્યા.

દેશી રજવાડાઓની મનમાની અને બદલાતી ઠકરાતો, ત્રણ ભાગ રાજને આપીને હથેળી જેવડું પેટ ભરવા પૂરતું ધાન ખેડૂના ટૂંકા નસીબે આવતું. આવી જ ઝડોઝડ કઠણાઈએ દેવકીગાલોલ ગામ ભગતના કુટુંબે મૂક્યું.

ગાયકવાડના કાબેલ સૂબાઓએ અમરેલી પંથકને ભર્યાેભાદર્યાે કર્યાે હતો. સંતાપના આખા રોટલા કરતાં શાંતિનો ફડશ રોટલો પણ મીઠો લાગતાં, સાવલિયા કુટુંબનાં ગાડાં અમરેલી પાસેના ચક્કરગઢ ગામે છૂટ્યાં. થોડા દિ’ ચક્કરગઢ ગામે રહ્યા પણ ભોજાભગતને ગામ ગોઠ્યું નહિ. એકાંતવાસ અને સાધના માટે વસતીથી આઘા રહેવાનું મુનાસીબ માન્યું. અમરેલીની દખણાદી દશ્યે ફતેહપુરિયા ટીંબે જઈને ભગતે ઉતારા કર્યા. જમીનમાંથી ઝાડીઝાંખરા જાત મહેનતથી દૂર કરી આશ્રમની ઝૂંપડી બાંધી. ટીંબો વસવા લાગ્યો. ભગતનાં સત્સંગ અને નવી દૃષ્ટિથી લોકોના વહેમો ટળવા લાગ્યા. અંધશ્રદ્ધાના ઓછાયા દૂર કરી શ્રદ્ધાનાં બીજ ભગતે વાવી દીધાં. લોક બોલીમાં અભણનેય ઉકલે અને હૈયે રહી જાય તેવાં ભજનો ભગતે રચ્યાં. નામાચરણમાં ‘ગુરુ પ્રતાપે ભોજો બોલ્યા’ માંડીને ગુરુ રામેતવનજી પ્રત્યેની અવિચળ ભક્તિ કાયમ રાખી.

અમરેલીની ગાદીએ ગાયકવાડી દીવાન વિઠ્ઠલરાવની આણ વરતાતી હતી. ખાટ સવાદિયાએ દીવાનને આડે પાટે ચડાવીને ભોજાભગતની ખટપટ કરી કે આ ભગતડો રાજની વિરુદ્ધ માણસોને ભરમાવે છે. સત્તા અને સજાને બેવડી રાશે રાજ ચલાવતા આ મરાઠા દીવાનનાં ભવાઁ ખેંચાયાં. રાજના આદેશે છૂટેલા ઘોડેસ્વાર સિપાહીઓએ ઊગતા દિ’એ ભોજાભગતને ફતેહપુરથી અમરેલીની કચેરીમાં હાજર કર્યા.

કૂડા કામદારો અને જીહજૂરિયાથી ઊભરાતી કચેરીમાં આજે ભગતનાં પારખાં થાવાનાં હતાં. રેશમી અંગરખામાંથી ઊભરાતી ફાંદ અને તંબોલી પાનની પિચકારી થૂંકદાનીમાં કરતાં કરતાં વિઠ્ઠલરાવ બોલ્યોઃ ‘ભગત! જાદુ કરીને તમે લોકોને ભોળવો છો, તો એકાદ બે કરામત ભલેને આજ અમરેલીયે જુએ…’ ખંધા હાસ્યના દીવાનના ઠહાકામાં કચેરીના બીજા લોકોનું ‘ખી… ખી… ખી..’ ભળી ગયું.

સ્થિતપ્રજ્ઞતા યોગીની પહેલી શરત છે. તલવારની ધાર પર સૂરતાના ઘૂઘરા વગાડી શકે, સમતોલ અને અનાસક્ત ધારા વચ્ચે વહેતી ઇડા અને પિંગલાને જે નાથી શકે, એ યોગીના ઊંડા શ્વાસોચ્છ્વાસની હરદમ હાલતી ધમણ, ખડકાળ ખોળિયામાંથી ગળાઈને આવતો દૈવી અવાજ દીવાન વિઠ્ઠલરાવે આજ પહેલીવાર સાંભળ્યો’તો.

‘દીવાન વિઠ્ઠલરાવ! જગતનો મોટો જાદુગર તો જદુરાય છે. આપણે બધા તો એના દા’ડિયા. સૂરજ, ચાંદો, નિહારિકાઓના અનોખા ખેલ, અગમનિગમના ભેદ, કીડીને કણ અને હાથીને મણ પુરનારાની હયાતીમાં તમારું અને મારું શું ગજું?’ ભગતના એક વેણે જ વિઠ્ઠલરાવને એક પંગતે બેસાડી દીધો.

અને સાંભળ! ‘હાથીને મણ આપવાનું મારું ગજું નહોતું તે બાપ! કીડીયારા પૂરીને મન મનાવું છું. પંખીના કૂંડિયા અને મુઠ્ઠી એક ચણની મારી રળિયાત, મારી મૂડીમાં મારો બેરખો અને હરિનું નામ. જગતમાં ઈશ્વરથી કોઈ મોટું નથી, એમ મલકને કે’તો ફરું છું. દોરા-ધાગા, મંત્રેલા માદળિયા અને પાણી, ડાકલા ને ધૂણવાના ધતીંગ મને નથી આવડતા; એમાં મારો શું વાંક? ઈશ્વરનું નામ લેતાં પ્રહલાદનેય આગે ચડવું પડે તો હું તો મગતરું! જો હરિનું નામ લેવાની અને છાશ રોટલાનું સદાવ્રત આપવાની ગાયકવાડી રાજમાં સજા થતી હોય તો કચેરી ફેંસલો કરે.

ભોજાભગતના હાથમાં ચાબખો નહોતો, પણ શબ્દ રૂપી ચાબખે વિઠ્ઠલરાવ ઉતરડાઈ ગયો. એની અમીરાત, માનમોભો અને હકૂમતના લીરેલીરા આ પાણકોરું પહેરેલ કણબી ભગતે કરી નાખ્યા.

વિઠ્ઠલરાવને કળ વળી ત્યારે હુકમ કર્યાે કે ભગતને હેડ્ય (જેલ)માં નાખો! અને વિચિત્ર હુકમ કર્યાે કે એની હોજરી ફાટે ત્યાં સુધી રોજ ત્રણ ટાણા જમાડો. જોઈએ આ યોગીનો જાદુ. કહેવાય છે કે ૧૫ દિવસ સુધી ભોજાભગત યોગબળે એક જ આસન પર અજપાજાપ કરતા ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા રહ્યા. અંધારી કોટડીમાં ભાંગતી રાતે ઊતરી આવતા અજવાળા અને તેજે નીતરતા ભોજાભગતના આભામંડળને જોઈને જેલના સિપાહીઓ પાઘડી ઉતારી લેતા.

શાણા માણસોએ દીવાનને સમજાવ્યા. તમે એક સાચા સંતને સંતાપો છો, તમારું શ્રેય નહિ થાય. સૂરજ મા’રાજના ઘોડાના ડાબા ધરતી પર મંડાય એ પહેલા ખંભાતી તાળા ઉઘડી ગયા. સંતને લેવા દીવાન મોય્ર હાલ્યા. પશ્ચાત્તાપથી પવિત્ર બનેલ વિઠ્ઠલરાવ પોતાના નામને સાર્થક કરવા ભગતને નમ્યો. ભગતના હાથમાં ચાબૂક મૂક્યો, કહ્યું કે ભગત મને એકાવન ચાબખાની સજા કરો. હું ઈશ્વરનો ગુન્હેગાર બન્યો.

બાળક જેવું બોખલું સ્મિત કરતા ભોજાભગતે દીવાનને બથમાં લીધા. કંઈ જ બન્યું નથી તેમ નિર્મળતાથી કહ્યું કે આપે આપનો ધર્મ બજાવ્યો, મેં મારો ધર્મ બજાવ્યો. પણ શબદના ચાબખાથી તમને ચેતવીશ. અને ભગતે એક પછી એક સોળ ઊઠે એવા ૫૧ ચાબખા રચ્યા. એમાંનો એક ઉત્તમ નમૂનોઃ

દુનિયા દીવાની કહેવાશે રે,
ભૂંડી ભીંતોમાં ભટકાશે.
પાપ જ્યારે એનું પ્રકટ થાશે,
ત્યારે ભૂવા-જતિ ઘેર જાશે;
ધૂણીધૂણીને એક ડોક જ દુખશે,
તે લેનારો લઈ ખાશે રે. દુનિયા…..

સ્વર્ગમાં નથી સૂપડું ને,
નથી ખાંડણિયો ને ઘંટી;
દૂધચોખાના જમનારા તમે
કેમ કરી જમશો બંટી રે? દુનિયા…..

ઢોંગ કરી ધૂતવાને આવે,
ત્યારે હાથ બતાવવા સૌ જાશે;
ક્યારે આના કર્મનું પાનું ફરશે;
અને કયારે પુત્ર જ થાશે રે? દુનિયા…..

કીમિયાગર કોઈ આવી મળે,
ત્યાર ધનને વાસ્તે ધાશે;
ભોજાભગત કહે ભ્રમણામાં ભમતાં,
ગાંઠની મૂડી ગમાશે રે. દુનિયા…..

આ ઉપરાંત ભોજાભગતે કીર્તન, ઘોળ, પ્રભાતિયાં, બાવનાક્ષરી, આખ્યાન, હોરી અને ‘ભક્તમાળ’ રચેલ છે. ભોજાભગતના નામે કુલ ૨૦૪ પદો મળી આવે છે. કાચબા-કાચબીનું ભજન, અને કીડીબાઈની જાનમાં સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામેલ રચનાઓ છે. સમાજની વિરોધાભાસવાળી ઘટનાઓના ઉદ્ગાતા અને સ્પષ્ટ વક્તા ભોજાભગત છે. અંધશ્રદ્ધા, નકરા કર્મકાંડ અને ધંધાદારી જમાતો સામેનો બંડ પોકારતી વિદ્રોહી વાણીથી ભોજાભગત એક અનોખા સંતકવિની ઓળખ ઊભી કરે છે. ભોજાભગતની ઉજ્જવળ શિષ્ય પરંપરાઓમાં ગારિયાધારના સંત વાલમરામજી અને વિરપુરના સંત જલારામજી છે. ઇ.સ. ૧૭૮૫ થી ૧૮૫૦ સુધી દીર્ઘ આયુષ્ય ભોગવીને પોતાના અંતરંગ શિષ્ય જલારામજીને ત્યાં વીરપુર મુકામે અંતિમ શ્વાસ લીધા હતા.

Total Views: 708

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.