દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી.

ભલો આવકારો આપીને ઈશરદાસજીએ માંડણ ભગતને બથમાં લીધા. મનવાર કરીને ભગતને રોક્યા.

સચાણાની સીમમાં પગ મૂક્યો ત્યારથી મરેલા માછલાની ગંધે માંડણ ભગતને મૂંઝવી દીધા હતા. દરિયાના કાંઠે પથરાયેલી વાઘેર માછીમારોની બેસુમાર વસ્તી જોઈને ભગતના મનમાં અરેરાટી થઈ. અસંખ્ય જીવહિંસા થતી હોય ત્યાં ઈશરદાસ જેવો પરમવૈષ્ણવ રહે એ વાત ભગતને કેમેય કરીને ગળે ન ઊતરી, મન મૂંઝારે ચડ્યું.

માંડણ ભગતનો કચવાટ ઈશરદાસની દૃષ્ટિથી બહાર ન હતો. આઠે પહોર આનંદમાં રહેનાર આ ઓલિયા આદમીના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

‘ભગત! તનના થાક કરતાં મનનો થાક ભૂંડો! મન મોકળું કરીને હળવા થાવ.’

ઈશરદાસે કરેલા ઈંગિત ઈશારાથી માંડણ ભગતની ભક્તિ ઘવાણી. સાત્ત્વિકપણાની રાખ નીચે ઢબૂરાયેલો અહંકારનો અગ્નિ પ્રજ્વલી ઊઠ્યો.

ઈશરદાસ! ‘એ તો સંગ એવો રંગ’. માછલાં અને માછીમારની ગંધ તમને હવે કોઠે પડી ગઈ હશે પણ અવળી મતિ મને સૂઝી કે તમારે આંગણે આવીને મારી જાત અને જાત્રા અભડાવી.

‘ઠીક લ્યો, જે દ્વારકાધીશ’

આટલું કહીને માંડણ ભગતે ખડિયો ખંભે નાખીને વાળી મૂકી.

ઈશરદાસે અનેક મનામણાં કર્યાં, પણ માંડણ કવિ પાછા ન વળ્યા. પોતાના આંગણે એક ભગતને દૂભવ્યાનો અજંપો ઈશરદાસને ઘેરી વળ્યો.

ત્રીજે દિવસે સાયં આરતી ટાણે ભગતે જગતમંદિરમાં પગ મૂક્યો. જદૂરાયને જોવા તલસતી નજરુંએ નિજ મંદિરમાં હડી કાઢી પણ શઠ માણસ જેમ ગરીબના હાથને હડસેલો મારે એમ માંડણ ભગતની આંખો નિજ મંદિરનો ફંફેરો કરી પાછી વળી.

મૂર્તિનાં દર્શન ન થયાં. તો પછી આટલું મનેખ કોને નમે છે! બાજુમાં ઊભેલ બીજા ભગતને માંડણ ભગત આશંકાથી પૂછી બેઠા.

‘મૂર્તિ આડે કોઈ આવરણ તો નથી ને?’

‘ભગત! આંખે ઓછું ભાળતા લાગો છો! એ એને જુઓ, કેશરીયા વાઘા, સોનેરી પાઘ, કાને કુંડળ- એમાંથી તમે કાંઈ નથી ભાળતા? આંખે ઝામર તો નથી ને?’

યાત્રિકે એક સામટા કરેલા સવાલો અને સંદેહે માંડણ કવિના પગતળેની ધરતી વ્હેંત એક નીચે ઉતારી દીધી. ઈશરદાસની અખિલાઈનો અંદેશો આવી ગયો. ‘હા ભાઈ! આંખે ઝામરના નહીં પણ અભેમાનના પડળ ચડ્યા’તા!’ ધમણ જેવડો નિઃસાસો નાખીને થાંભલીને ટેકે દેવીપુત્ર બેસી ગયો.

ઈશરદાસ જેવા પ્રતાપી પુરુષને ન કહેવાનાં વેણ કહ્યાનો વસવસો માંડણ કવિને કોરી ખાતો હતો. મારો નાથ રૂઠ્યો! પશ્ચાત્તાપનાં બોરબોર આંસુ જગતમંદિરને ભીંજવતાં રહ્યાં. થાકીને લોથ થઈ ગયેલો ચારણ પરસાળમાં સૂઈ ગયો.

બીજા દિવસે મંગળા આરતીનો શંખ ફૂંકાયો, ભગત ઝબકીને જાગી ગયા.

આંખોનું અભિમાન નિચોવાઈ ગયું હતું. ધ્રૂજતા પગે અને થડકતા હૈયે સ્ફટિક જેવી નિર્મળ આંખો ગર્ભદ્વાર પર મંડાણી.

યદાદિત્યગતં તેજો જગદ્ભાષયતેઽખિલમ્ ।

તેજપુંજ સમી ઝળાંહળાં દ્વારકેશની પ્રતિમા ભગતને આંજી ગઈ. ભઠ્ઠીમાંથી તવાઈને શુદ્ધ થયેલ સુવર્ણર્ જેવો ચારણ ગોમતીમાં ડૂબકી મારીને સચાણા જવા અથરો થયો. તેજીને ટકોરો થઈ ચૂક્યો હતો. આખે માર્ગે ઈશરદાસની બિરદાવળી ગાતા આવતા માંડણ ભગતને સચાણા દૂર લાગતું હતું.

ઈશાણંદ ઉગા, ચરણ ઘર ચારણતણે,

પ્રથી જસ પૂગા સોરભરૂપે સૂરાઉત

અર્થાત્ઃ દેવજાતિમાં ઊગેલ ચંદનરૂપ હે ઈશરદાસ! તારી કીર્તિની સુવાસ પૃથ્વીમાં પ્રસરી ચૂકી છે.

પશ્ચિમે આસન લગાવીને બેઠેલા આદિત્યના ચરણોમાં અરબી સમુદ્ર આળોટી રહ્યો છે. વિશ્વનિયંતાના અજબ તમાશાને જોતા ઈશરદાસજી ઢળતી સંધ્યામાં જીવનનું અનુસંધાન શોધતા હતા.

અબાધિત જળરાશિના ઊછળતા લોઢના ઘેરા અવાજમાં ડૂબેલા તેમના કાને દૂરથી અવાજ સંભળાયો ‘અલખ પુરુષ આદેશ!!’

‘અરે, આ તો માંડણ ભગત! પાછા કેમ આવ્યા હશે?’

દોડી આવતા ભગતને જોઈને સામે લેવા ઈશરદાસજી ઉતાવળા થયા.

પાળ તોડીને વહી નીકળેલા વહેણ જેવા માંડણ ભગત ઈશરદાસની ડોકે વળગી પડ્યા. ખળખળ વહેતી પ્રાયશ્ચિતની ભાગીરથી વહી નીકળી.

‘હં હં ભગત! મોળા બાપ! આટલા રુંગા તમને શોભે!’

ધરપતની પોટલી જેવી ઈશર બારહટ્ટની હથેળી માંડણ વરસડાના વાંહામાં ફરતી હતી.

‘ઈશરદાસ! મારો ગુનો મોટો, મું તારા પગનું પગરખું.’

ભગતના ગળામાંથી શંખલાની જેમ શબ્દો તૂટતા રહ્યા.

ઓજપાયેલા આ દેવીપુત્રની હડપચી ઊંચી કરીને પશ્ચિમે ઢળતા સૂરજ તરફ આંગળી ચીંધતાં ઈશરદાસજીની જીભેથી વિરાટ પુરુષનું વર્ણન અસ્ખલિત રૂપે વહેવા લાગ્યું.

‘જુઓ ભગત! વિરાટના હિંડોળે ઝૂલતી આ ધરતી, આ સમંદર, આ આકાશ, આ બધુ નોહતું, ત્યારે પણ એ હતો. ભગત, વિરાટના સ્વરૂપને તમે કેમ વિસરી ગયા?’

યથા પ્રદીપ્તં જ્વલનં પતંગા

વિશન્તિ નાશાય સમુદ્રવેગાઃ

કરાલ કાળની દાઢમાં હોમાતા આ અસંખ્ય જીવોને ગણીને કેમ ગાંઠે બાંધવા? નિમિત્તને દોષ શા માટે આપવો? જીવનું ભક્ષણ જીવ કરે. ભગત, ગંધ અને સુગંધ તો મનનાં કારણ. ધારણા ધણીની કરો, શાંત થાઓ. ઈશરદાસનાં વચનામૃતથી સમુદ્રના ફીણ જેવી હળવાશ ભગતનાં તનમનમાં વ્યાપી ગઈ. બે પુનિત આત્માના સંગમનું દર્શન કરીને ભગવાન આદિત્ય ધન્ય બની ગયા.

ગૂંચવાયેલા દોરાના ફાળકાનો એકાદ છેડો પણ હાથમાં આવે તો માણસ ગૂંચ ઉકેલવા પ્રયત્ન કરે, પરંતુ આ તોઃ

‘કર વછૂટ્યું વેરડા મચ્છ મહાજળ માય’ હાથમાંથી છટકેલ માછલાનો મહાસાગરમાં ક્યાં પત્તો મેળવવો?

આજના સર્જકને પોતાના નામ ઠામનાં અભરખાં હોય છે. તે સમયે તેવું નહોતું. હંમેશાં પોતાની બાદબાકી કરીને પશ્ચાદ્ ભૂમિકામાં જીવેલા સર્જકને આજે આપણે દંતકથાના આધારે શોધવો પડે છે. પાછલાં ચારસો વર્ષમાં ગારદ થયેલ માંડણ વરસડાનું પણ એમ જ જાણવું.

વિ.સં. ૧૫૧૫ થી વિ.સં. ૧૬૨૨ સુધીના ઈશરદાસજીના જીવનકાળને ધ્યાનમાં રાખીને માંડણ કવિને તેમના સમકાલીન કહી શકાય.

માંડણ કવિના નામે મળી આવતી કૃતિઓમાં ‘બાળલીલા’, ‘રામનામ દ્રવિ રોકડે’, ‘પ્રભુપદરજનું ગીત’ મુખ્ય છે.

કાળ સરિતાને પેલી પાર બેઠેલા ભક્તસર્જકોને આહ્‌વાન આપતી વેળાએ કાશ! તેઓ સ્થળના સીમાડા ઓળંગીને આપણને પ્રેરણા આપવા આવતા હોય તો અક્ષરશઃ એના જીવનને આપણે ઉતારી શકત.

Total Views: 746

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.