નૈતિક મર્યાદાઓનો વિનાશ

વિશેષજ્ઞો, સંશોધનકારો, વિદેશોમાં સામાજિક સ્વાસ્થ્યના સંરક્ષકો નૈતિક મૂલ્યોના હ્રાસનાં ભયંકર પરિણામો તથા વ્યક્તિગત સ્વતંત્રતાના નામે વધતા જતા સ્વેચ્છાચારના વિશે લોકોને ચેતવણી આપે છે. તેઓ તથ્યો અને આંકડાના આધારે એવું બતાવે છે કે પુરુષ અને મહિલાઓ વધારેને વધારે સ્વાર્થી બનતાં જાય છે.

સ્વતંત્રતા અને નૈસર્ગિકતાના આધારે વધારે ને વધારે કામોપભોગનો પક્ષ લેવાય છે. ગર્ભનિરોધકના ઉપાયો કે પ્રયોગો જેને વાસ્તવિક રીતે દુરુપયોગ જ કહેવાય એ વધતા જાય છે. ગર્ભપાતની સંખ્યા વધી રહી છે અને છૂટાછેડાની સંખ્યામાં થતી વૃદ્ધિ ક્રમશઃ પરિવારોની સંરચનાને નિર્મૂળ કરી રહી છે. યૌનરોગોની ઘટનાઓ પણ વધતી જાય છે.

વિજ્ઞાનનાં વરદાનોનું ગુણગાન કરનારા અને નૈતિકમૂલ્યોના મહત્ત્વની અવગણના કરનારા લોકોએ પોતાની આંખો ખોલવી જોઈએ અને આ ચેતવણીઓ પર ધ્યાન આપવું જોઈએ. શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ અને દરેક ક્ષેત્રમાં પશ્ચિમનું અનુકરણ કરનારા શિક્ષિત લોકોએ શાંતભાવે આ નૈતિક પતનનાં કારણો પર ચિંતન કરવું જોઈએ.

પાશ્ચાત્ય જગતમાં વિજ્ઞાનની પ્રગતિ સાથે જ ધાર્મિક ઉત્સાહ નબળો પડવા લાગ્યો છે. મનોવિશ્લેષણના જનક સિગ્મન્ડ ફ્રોઈડ નૈતિક સંહિતાઓના માધ્યમથી મન પર કોઈ પ્રકારનાં નિયંત્રણ સ્થાપિત કરવાની આવશ્યકતાનો ઈન્કાર કરે છે. આને લીધે પછીથી તેના જ પોતાના બાળકના જીવનમાં પથભ્રષ્ટતાની શરૂઆત થાય છે.

ફ્રોઈડે કહ્યું છે, ‘એક બાળક અસહાય હોવાથી માતપિતાના સંરક્ષણ અને આશ્રય હેઠળ ઊછરે છે. આવા ઊછેર સમયે તેને કાલ્પનિક સંરક્ષણ અને સંરક્ષણ શક્તિઓની આવશ્યકતા રહે છે. ઈશ્વર અને ધર્મ એવાં જ કાલ્પનિક આલંબન છે. વ્યક્તિ પરિપક્વ તથા તર્કબુદ્ધિવાળો બની જાય પછી ઈશ્વરમાં પોતાની શ્રદ્ધા ગુમાવીને ધાર્મિક પ્રતિબંધોની કોઈ પરવા કરતો નથી.’

ફ્રોઈડનો મત છે કે માનવજીવનમાં કામેચ્છા જ એક માત્ર પ્રેરણાશક્તિ છે. માણસને સંયમના નિયમોનું પાલન કરીને માંદા પડી જવાની જરૂર નથી. પૂરાવાના આધારે સમાજવૈજ્ઞાનિક સોરોકિન કહે છે કે ફ્રોઈડના ભ્રામક સિદ્ધાંતોએ અનિયંત્રિત કામભાવનાને વધુ પડતું મહત્ત્વ આપીને પશ્ચિમના જગતમાં વ્યક્તિ અને સમાજ બંનેને ઘણી હાનિ પહોંચાડી છે અને એના નૈતિક આધારનો કેવી રીતે વિનાશ કર્યાે છે એ પણ બતાવે છે. તેઓ કહે છે કે ફ્રોઈડના યૌનસ્વછંદતાના અતિરેકને અપનાવીને સમાજ એક અસાધ્ય રોગથી ઘેરાઈ ગયો છે. એમના જ શબ્દોમાં કહીએ તો,‘માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે સમસ્ત સહજ સંવેગોની સંતુષ્ટિની સલાહ દેનાર મનોવિશ્લેષણની પદ્ધતિ અનિવાર્યપણે અવૈજ્ઞાનિક છે તથા નૈતિક અને સામાજિક બંને રીતે ભયંકર છે. એનો વ્યાવહારિક પ્રયોગ માનસિક વિક્ષોભોનો હ્રાસ જ નહિ પરંતુ એની વૃદ્ધિ જ કરે છે.’

સોરોકિન દર્શાવે છે કે જેમ ભૂતકાળના અમેરિકન શિક્ષણશાસ્ત્રીઓ એવું કહેતા કે બાળકોને શારીરિક સજાથી બચાવવાં જોઈએ, એ જ લોકો આજે આંદોલન ચલાવે છે અને ‘બાળકોને ફ્રોઈડના સિદ્ધાંતથી બચાવો’નાં સૂત્રો ગજાવે છે.

પરંતુ આ જાળમાંથી એમને મુક્ત કરવાં સરળ નથી. જ્યારે ગત ૨૦૦ વર્ષથી ‘કામભાવ’ને આટલું બિનજરૂરી મહત્ત્વ અપાઈ ગયું છે ત્યારે એકાએક એનાથી દૂર જવું કે એને દૂર કરવું એ કેવી રીતે થઈ શકે? સોરોકિન કહે છે,‘ગઈ બે સદીઓથી, એમાંય ગત કેટલાક દસકાઓ દરમિયાન આપણી સંસ્કૃતિની પ્રત્યેક શાખા પર પ્રબળ કામવાસનાનું આક્રમણ થયું છે. આપણી સભ્યતા કામુકતામાં એટલી ડૂબી ગઈ છે કે તે જીવનને ખૂણેખૂણે દેખાઈ રહી છે.’

સોરોકિને આ વાતનાં પૂરતાં પ્રમાણો પ્રસ્તુત કર્યાં છે અને દર્શાવ્યું છે કે પ્રબળ કામવાસનાએ સાહિત્ય, કલા, સંગીત, ચલચિત્ર, ટેલિવિઝન, સમાચારપત્રિકાઓ અને જાહેરાતોના દરેક ક્ષેત્રમાં કહી ન શકાય તેટલી હાનિ પહોંચાડી છે.

૧૯૩૦ના એક અધ્યયન પ્રમાણે આ વર્ષ દરમિયાન પ્રદર્શિત સો ફિલ્મોમાંથી ૪૫ ફિલ્મોએ યૌન અને ૨૮ ફિલ્મોએ હત્યા, હિંસા તેમજ યૌનની કથાવસ્તુ રજૂ કરી હતી. ત્યારથી આવી ફિલ્મોનું પ્રમાણ ભયંકર રીતે વધતું રહ્યું છે.

‘ધ સ્ટેટ્સમેન’ સામયિકે એક સર્વેક્ષણને આધારે હાલની આ પ્રવૃત્તિ કેટલી હદે પહોંચી ગઈ છે તે વિશે આમ કહ્યું છેઃ

‘પશ્ચિમ જર્મનીમાં અનેક વર્ષાેથી સંભોગ વિશેની વીડિયોફિલ્મના અનેક શો સમાજમાંથી એક વિશાળ સમુદાયને આકર્ષિત કરી રહ્યા છે, પરંતુ હમણાં હમણાં આવી ફિલ્મોથી પણ સંતોષ વળતો નથી. હવે ત્યાં હિંસક અપરાધ અને બળાત્કારનું ચિત્રણ કરતી અશિષ્ટ, ઉન્મત્તકારી અને અશ્લીલ ફિલ્મો દર્શાવવાની માગ વધી રહી છે.’

૩૦ વર્ષ પહેલાં જ ડાૅ. સોરોકિને પોતાની શોધનું વિવરણ આપ્યું હતંુ. એ વિવરણ ટેલિવિઝનના દુરુપયોગને પ્રમાણિત કરે છે. એમણે પોતાના એક અધ્યયનના નિષ્કર્ષાેને પ્રકાશિત કરાવ્યા. એમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે ટેલિવિઝન જાણી સમજીને જનમાનસને દૂષિત કરી રહ્યું છે- ‘ટેલિવિઝન દ્વારા મદ્યપાન, અપરાધ, ભયંકર ચોરી-લૂંટફાટ, કામુકતાની વિકૃતિવાળી, રાત્રિકાલીન ક્લબો અને ઉત્તેજના ફેલાવતા પોષાકનો પ્રચાર-પ્રસાર થાય છે. ટેલિવિઝન લગભગ સારી સિનેમાને બદલે અશિષ્ટ ફિલ્મો બતાવે છે.

એક વખત આવા દૂષિત કાદવના અભ્યાસુ કે ટેવવાળા થઈ ગયા પછી મોટાભાગના લોકો શારીરિક, માનસિક અને નૈતિક ગંદકીને સાફ કરવામાં અસમર્થ બની જાય છે.

બે-પાંચ લોકો જ આ વાતાવરણમાંથી પોતાની જાતને ઊગારી શકે છે, પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે બાકીના લાખો લોકો નૈતિક સંતુલન જાળવી રાખવાની પોતાની સાહજિક ક્ષમતાને પણ ગુમાવી બેસે છે.’

વિજ્ઞાન ઈંદ્રિયસુખને ઉત્તેજિત કરે છે અને દૈહિક સુખને અતિરંજિત કરીને મનુષ્યને સ્વાર્થી બનાવવાની પોતાની આધુનિક પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત કરે છે.

આ પ્રકારે વિજ્ઞાન મનુષ્યને અનુશાસનહીન બનાવે છે અને અનૈતિકતાના પથે દોરી જઈને અંતે એનો નૈતિક વિનાશ નોતરે છે.

Total Views: 642

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.