ગુરુતત્ત્વ પર વિચાર

માતપિતા તથા ગુરુ પ્રત્યેની ભક્તિ વિશે ઠાકુર કહે છે કે માતપિતા સારાં હોય કે ખરાબ, પણ એમના પ્રત્યે સમાન ભાવે ભાવભક્તિ રાખવાં જોઈએ. ગિરીન્દ્રનાથના પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુર કહે છે કે જો માતપિતા પણ કોઈ મોટી ભૂલ કે મોટો અપરાધ કરી બેસે તો પણ એમનો ત્યાગ ન કરવો. તેઓ કહે છે, ‘એક ભજનમાં એવું આવે છે કે ગુરુ કલાલની દુકાને જાય છે છતાં પણ મારા ગુરુ નિત્યાનંદરાય અર્થાત્ સાક્ષાત્ ભગવાન છે.’ આ વાતને સમજવી ઘણી કઠિન છે. જો કોઈ વ્યક્તિને બીજી વ્યક્તિમાં અગાધ વિશ્વાસ હોય તો તે કોઈ પણ વ્યક્તિરૂપી આધારના માધ્યમથી ભગવાનની કૃપા મેળવી શકે છે. આપણે એકલવ્યની વાત જાણીએ છીએ. એણે માટીમાંથી દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને સાધના દ્વારા એ મૂર્તિને ચૈતન્યમય કરી દીધી. એટલે આવા અસાધારણ વિષયોમાં ગુરુના આધાર પર વિચાર કરવાની આવશ્યકતા નથી હોતી.

પરંતુ હવે પ્રશ્ન આવો ઊભો થાય કે શું તમે ગુરુ વિશે કંઈ વિચાર જ નહીં કરો? ઠાકુર આ વિશે અનેક શિષ્યોને નિર્દેશ આપતાં કહે છે, ‘હું જે કંઈ કહું એને બરાબર પછાડી ખખડાવીને લેજો.’ સ્વામી યોગાનંદને એમણે કહ્યું, ‘ભાઈ, સાધુને દિવસે જુઓ, રાત્રે જુઓ અને પછી વિશ્વાસ કરો.’ આમ છતાં પણ એ સાચું છે કે આધાર ગમે તેવો હોય પણ શ્રદ્ધા કે વિશ્વાસ જ સાચી વાત છે. એટલે જ ગુરુ વિશેના વિચારમાં ભૂલ હોવા છતાં પણ દૃઢ વિશ્વાસના બળે ચાલવાથી સાધકને કોઈ હાનિ થતી નથી. એ ચૈતન્યના પ્રકાશનો અનુભવ કરી શકે છે. શ્રીઠાકુર કહે છે, ‘એક સચ્ચિદાનંદ જ ગુરુ છે’, તેઓ આપણી ભીતર જ છે. આમ છતાં પણ આપણે એમને શોધી શકતા નથી. એટલે બહારની કોઈ વ્યક્તિને માધ્યમ બનાવીને એમનું ચિંતન કરીએ છીએ. ગુરુ અનાદિ અનંત છે. ગુરુરૂપી દેહ એની પ્રતિમા છે. આપણે મૂર્તિમાં જ શ્રીમા દુર્ગાની પૂજા કરીએ છીએ. આ પ્રતિમા તો ધૂળમાટીની બનેલી છે. આપણે એ માટીની કે પથ્થરની પૂજા કરતા નથી પણ એના માધ્યમ દ્વારા ચિન્મય માની પૂજા કરીએ છીએ. પ્રતિમા વિસર્જનનો અર્થ માનું વિસર્જન એવું નથી, પરંતુ એના દ્વારા માને અંતરમાં ગ્રહણ કરવાનાં છે. ગુરુનું પણ મૃત્યુ થતું નથી, તેઓ અંતઃકરણમાં ચિરકાળ સુધી ગુરુરૂપે વિરાજમાન રહે છે.

આમ છતાં પણ જેમ કોઈ કદરૂપી પ્રતિમામાં સાધકનું મન લાગતું નથી અને એ પ્રતિમામાં શ્રીમાની પૂજા પણ બરાબર થતી નથી. એવી જ રીતે જે ગુરુ પાસેથી ઉપદેશ લેવાનો છે, એમણે પણ શુદ્ધ રહેવું જોઈએ, નહીં તો એવા ગુરુ શિષ્યને શુદ્ધ પથ પર કેવી રીતે ચલાવી શકે? એટલે ગુરુ કરતાં પહેલાં પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ. મન શુદ્ધ થઈ જાય પછી આવી બધી બાબતોની આવશ્યકતા નથી હોતી. શ્રીઠાકુર કહે છે, ‘અંતે તો મન જ ગુરુ બની જાય છે.’ આ બધું સાધનાના પરિણામે આવે છે. ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળે છે કે ગુરુ તો ગોળ જ રહી ગયા અને ચેલો ખાંડ બની ગયો.

એક બીજી વાત, કુળગુરુની પરંપરાથી આપણા સમાજને ઘણું નુકશાન થયું છે. એનું કારણ એ છે કે ડોક્ટરનો દીકરો હંમેશાં ડોક્ટર જ બને, એ જરૂરી નથી. આવા ડોક્ટર પાસેથી દવા લેવાથી શું રોગ દૂર થઈ શકે? એવી જ રીતે ગુરુવંશ અને શિષ્યવંશ સાથે બરાબર મેળ જામતો નથી. એટલે જ કેવળ કુળગુરુની પ્રથાને જાળવી રાખવામાં કોઈ ઔચિત્ય નથી. સ્વામી બ્રહ્માનંદજી કહેતા કે ગુરુ બનાવતા પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરીને શક્ય બને તેટલું બરાબર જોઈ સાંભળી લેવું, વિચાર કરી લીધા પછી પણ કોઈ સંશય ન રહેવો જોઈએ. ત્યારે જ મન-પ્રાણથી વિશ્વાસ કરવો. એનો અર્થ એ થયો કે પહેલાં નિઃસંશય થવું, ત્યારપછી પૂરેપૂરી રીતે મનપ્રાણ સમર્પિત કરી દેવાં. સંશયયુક્ત રહેવાથી કોઈ વસ્તુને સત્ય માનીને ગ્રહણ કરી ન શકાય અને એવું થાય તો સંશયાત્મા વિનશ્યતિ જેવી હાલત થાય.

નવવિધાનની વાત નીકળી. કેશવસેને એ નામે એક નવો સંપ્રદાય રચ્યો હતો. કેટલાય લોકો એ સંસ્થાના કાર્યકલાપને લીધે એની નિંદા કરતા હતા. રામબાબુ કહે છે કે કેશવની ભીતર સાર વસ્તુ નથી, નહીં તો શું એમના શિષ્યોની આવી દશા થાય? પરંતુ શ્રીઠાકુર એની સાથે સહમત નથી. તેઓ કહે છે, ‘થોડો ઘણો તો સાર છે જ, નહીં તો આટલા લોકો કેશવને કેમ માને? પરંતુ સંસાર ત્યાગ કર્યા વિના આચાર્ય કે ગુરુનું કામ થતું નથી. લોકો માનતા નથી, કહે છે કે આ સંસારી માણસ છે. પોતે છાનોમાનો કામિનીકાંચનનો ઉપભોગ કરે છે અને આપણને કહે છે ‘ઈશ્વર જ સત્ય છે, સંસાર સ્વપ્નવત્ અનિત્ય છે’. સર્વત્યાગી થયા વિના એની વાત બધા લોકો ન માને.’

એવી વાત નથી કે ભગવાનના પથ પર જવા માટે બધાંયે સંસારત્યાગી જ બનવું પડે. આવી વાત શ્રીઠાકુરે અનેક સ્થળે કહી છે. જે લોકો સંસારમાં છે એમણે આંતરિક ત્યાગ કરવાનો છે. પરંતુ આચાર્યે આંતરબાહ્ય બંને પ્રકારના ત્યાગી બનવું પડે. એટલે જ સંસારીઓ માટે આચાર્ય કે ગુરુ થવું કઠિન છે.

Total Views: 618

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.