શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णानि
अन्यानि संयाति नवानि देही ।।2।।

‘દેહધારી જેમ જૂનાં થઈ ગયેલાં વસ્ત્રોને તજી દઈ નવાં ધારણ કરે છે તેમ, દેહી જીર્ણ દેહને તજી દઈ નવો દેહ ધારણ કરે છે. પહેરવાનું વસ્ત્ર જૂનું થતાં એને શાંતિથી તજી દે છે’, जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरः अपराणि, ‘એ નવું વસ્ત્ર પહેરે છે.’ સામાન્ય માનવી પોતાનાં કપડાંનો વ્યવહાર એ રીતે કરે છે. तथा, ‘તે રીતે’, બરાબર તેમજ, દેહી, ‘દેહ ધારણ કરનાર’, शरीराणि विहाय जीर्णानि ‘જીર્ણ, જીવનહેતુ માટે નકામા થઈ ગયેલા શરીરને મનુષ્ય ‘શાંતિથી તજી દે છે’ અને, अन्यानि संयाति ‘નવો દેહ ધારણ કરે છે, અર્થાત્, પોતાના ભાગ્યની સિદ્ધિ માટે એ નવા શરીરમાં પ્રવેશે છે.

વેદાંતમાં મૃત્યુ અને પુનર્જન્મનો આ અદ્‌ભુત વિચાર છે. હું મારો દેહ તજી દઉં છું, આપણામાં હજીયે એ ખ્યાલ રહે છે કે, હું દેહ હતો, હવે મારો દેહ નાશ પામ્યો છે. આ વલણ સામાન્ય છે. આમ આપણે સૌ દેહના દૃષ્ટિબિંદુને સમજીએ છીએ. પરંતુ જે લોકો આધ્યાત્મિક દૃષ્ટિએ આગળ વધેલા છે તેઓ સમજે છે કે આ દેહ જીર્ણ વસ્ત્ર જેવો છે જેને ફેંકી દઈ આપણે નવું ધારણ કરીએ છીએ. ૧૯૦૨ની ૪થી જુલાઈના રોજ, રાતે ૯ પછી થોડી વારે સ્વામી વિવેકાનંદનો દેહ પડયો તે રાતે, દૂર મદ્રાસમાં પૂર્વકાળના શશી એવા સ્વામી રામકૃષ્ણાનંદને સ્વપ્ન આવ્યું. એમણે વિવેકાનંદને કહેતા સાંભળ્યાઃ ‘શશી, શશી, મારું શરીર મેં થૂંકી નાખ્યું છે.’ અને બીજે જ દિવસે વિવેકાનંદના દેહાવસાનનો તાર કોલકાતાથી આવ્યો. એમના જેવાં સ્ત્રીપુરુષો કહી શકે કે, ‘મેં મારું શરીર થૂંકી નાખ્યું છે.’ અનેક લોકોને આધ્યાત્મિક જ્ઞાન કે અનુભવ નથી. એ લોકો માને છે કે પોતે શરીર છે. એ ખોતાં એમને ખેદ થાય છે. એટલે પોતે સનાતન આત્મા છે એ વિચાર હજી તેમને ઊગ્યો નથી. પણ થોડી જાગૃતિ થઈ છે. ને એ થોડી જાગૃતિ સમસ્ત હિન્દુ, બૌદ્ધ અને જૈન સમાજમાં વ્યાપ્ત છે. આપણે મૃત્યુ વિશે શું કહીએ છીએ? ‘શરીર છોડી દીધું.’ આમ જનતાની ભાષા પણ ભારતમાં ‘શરીર છોડ દિયા’ જ છે. પશ્ચિમમાં આથી જુદું છે. શરીર જ સર્વસ્વ છે તેમ એમને શીખવવામાં આવતું હોઈ, એમના મૃત્યુ સમયે અંગ્રેજીમાં બોલે છે, ‘એણે આત્મા ગુમાવ્યો.’ એટલે એ લોકો દેહને રાખે છે. ભારતમાં આપણે દેહને રાખતા નથી, એને બાળી નાખીએ છીએ; જેટલું જલદી તેટલું વધારે સારું. બીજા સૌ દેહને રાખે છે અને એ દેહની સાથે સારી સારી ચીજવસ્તુઓ પણ મૂકે છે. પ્રાચીન મિસરના ધર્મ અનુસાર, મૃત્યુ પામનારને ખાસ કરીને રાજાઓને આવશ્યક ગણાતી બધી જણસો કબરમાં મૂકાતી. પણ આપણે દેહને બાળી નાખીએ છીએ. भस्मान्तम् शरीरम्, એમ ઈશ ઉપનિષદમાં ઋષિએ કહ્યું છે; મારા જીવનહેતુ માટે સારી રસાયણ પ્રયોગશાળા તરીકે ઉપયોગી થનાર શરીર, જીર્ણ અને નકામું થઈ જતાં, ‘એને બાળીને ભસ્મ થવા દો.’ એનાં વિવિધ ઘટકો પોતાનાં મૂળ તત્ત્વો સાથે ભલે ભળી જાય, એમ ઈશ ઉપનિષદ કહે છે. ૧૫મા અઘ્યાયના ૧૦મા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહેવાના છે;

उत्क्रामन्तं स्थितं वापि भुंजानं वा गुणान्वितम्। विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः।।

विमूढाः, ‘મૂર્ખ, ટૂંકીબુદ્ધિના, ઈન્દ્રિયોથી મર્યાદિત જીવન જીવનારા’ અને, ज्ञानचक्षुषः, ‘જેમની પાસે જ્ઞાનરૂપી દૃષ્ટિ(ચક્ષુ) છે તેવા’, એમ બે પ્રકારના લોકો ભિન્ન રીતે જુએ છે. એ શું છે? તમે દેહમાં જીવો છો ત્યારે, તમે વિવિધ દૈહિક આનંદો માણો છો ત્યારે અથવા, તમે અંતે દેહ છોડી જતા હો છો ત્યારે, અહીંના બધા પદાર્થાેને અનુભવનાર કોઈ કર્તા જેવું કશુંક હોય છે; એ સત્યને માત્ર ज्ञानचक्षुषः, સૂક્ષ્મ દર્શનવાળા લોકો જ જાણી શકે છે. उत्क्रामन्त એટલે, ‘દેહની બહાર નીકળવું તે; स्थितं वापि એટલે, ‘દેહમાં એ કાર્યરત હોય ત્યારે.’ भुंजानं वा गुणान्वितम्, ‘સવ, રજસ્ અને તમસ્ દ્વારા અનુભવાતું હોય ત્યારે.’ નિત્ય ઉપસ્થિત એવા આ આત્માને विमूढा नानुपश्यन्ति, ‘મૂર્ખ લોકો કદી જોઈ સમજી શકતા નથી,’ पश्यन्ति ज्ञानचक्षुषा, ‘જેમની પાસે જ્ઞાનચક્ષુ છે તે આ સત્યને જોઈ શકે છે. આપણા અદ્‌ભુત દેશમાં જ આ કેન્દ્રસ્થ બોધ છે. જૈન, બૌદ્ધ અને હિન્દુ ધર્માે દ્વારા જુદા જુદા દેશોમાં આ બોધ ફેલાયો. અને અન્ય ધર્મી અનેક રહસ્યવાદીઓ અગાઉના સમયમાં આ બોધથી આકર્ષાયા હતા. અને આજે આ વિચાર જંગલના દવની જેમ સમગ્ર પાશ્ચાત્ય જગતમાં ને, ખાસ કરીને યુએસએમાં, ફેલાઈ રહ્યો છે તે માત્ર એક જ કારણે કે, આના વિકલ્પમાં સેતાનનો અશાસ્ત્રીય ખ્યાલ છે. જગતનાં બધાં અનિષ્ટનું ઉદ્ભવ સ્થાન સેતાન છે. અને અર્વાચીન વિચારશીલ લોકોને સેતાનનો એ ખ્યાલ ગમતો નથી. સેતાનની હકાલપટ્ટી કર્યા પછી એનું સ્થાન લેનાર કોઈ જોઈએ. એનું સ્થાન લેનાર કર્મ અને પુનર્જન્મ છે; પાશ્ચાત્ય ધાર્મિક વિચારણાના તદૃન અશાસ્ત્રીય સેતાનનું સ્થાન આ બંને સિદ્ધાંતો સાથે લે છે. સેતાનનો ખ્યાલ જાય છે અને, વધારે તર્કયુક્ત લાગતો આ વિચાર જગતમાં ચોમેર પ્રસરતો જાય છે, ભલે એનું નિદર્શન અશક્ય છે. ભારતના ઋષિમુનિઓને માટે એ પરમ સંતોષપ્રદ છે. આ બાબત શ્રીરામકૃષ્ણનો પોતાનો દાખલો ઘણો સુંદર છે.’ નાળિયેરના બે પ્રકાર છે; લીલું અને સૂકું. લીલા નાળિયેરમાં ગર્ભ છાલને ચોંટેલો હોય છે. તમે થોડોક ગર્ભ ખોતરો તો કાચલું – છાલ – પણ થોડુંક સાથે આવે. આપણા ચિત્તની સામાન્ય દશા એવી છે. આપણે શરીર સાથે જોડાયેલા છીએ. શરીરને કંઈ પણ થાય તો આત્મા પર તેની અસર પડવાની જ અને, એથી ઉલટું પણ થવાનું જ. પણ પાકું નાળિયેર લો. એને હલાવતાં અંદરના કોપરાનો ખડખડ અવાજ સંભળાશે. ગર્ભ કાચલાથી છૂટો પડી ગયો છે. આધ્યાત્મિક સાક્ષાત્કારનું એ દૃષ્ટાંત છે.

Total Views: 451

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.