ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ-કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા. ગોપીઓને ઘણું અભિમાન થયું. ભગવાન આવ્યા તો ખરા પણ આટલાં દુઃખ-કષ્ટ આપીને આવ્યા. એટલે એમણે કહ્યું, ‘મનુષ્યોમાં અનેક પ્રકારના પરસ્પરના સંબંધ હોય છે. કેટલાક પ્રેમ મેળવીને બદલામાં પ્રેમ આપે છે; કેટલાક એવા છે કે જે પ્રેમ મેળવીને પણ પ્રેમ કરતા નથી; અને વળી કેટલાક એવા પણ છે જે પ્રેમ પામીને પ્રેમ આપે છે અને ન મેળવે તોય આપે છે.’ ભગવાન ગોપીઓની આ વાતને સમજી ગયા. તેમણે કહ્યું, ‘પણ હું આમાંથી કોઈ એકેય શ્રેણીમાં આવતો નથી.’ એમણે પ્રેમની વ્યાખ્યા આપતાં કહ્યું, ‘જ્યાં પ્રેમ મેળવીને, પ્રેમ કરે છે ત્યાં પ્રેમ નામની કોઈ વસ્તુ જ નથી; એ તો કેવળ દુકાનદારી જેવું છે. વળી જે પ્રેમ પામીને બદલામાં પ્રેમ આપતો નથી તે કૃતઘ્ન છે. જે પ્રેમ પામીને પ્રેમ કરે છે અને ન પામે તો ય પ્રેમ કરે છે તે ધન્ય છે કે આત્મારામ છે. હું દુકાનદાર નથી, કૃતઘ્ન પણ નથી અને યોગી પણ નથી.’

ગોપીઓએ પૂછ્યું, ‘તો પછી અમને આટલાં બધાં દુઃખકષ્ટ શા માટે આપ્યાં?’

ભગવાને કહ્યું, ‘તમારી વ્યાકુળતા વધારવા હું અંતર્ધાન થઈ ગયો હતો.’

જ્ઞાનપથ

વિચારનો પથ, જ્ઞાનયોગનો પથ- એવા કોઈ પથનો શ્રીઠાકુર અસ્વીકાર ન કરતા. તેઓ કહે છે, ‘આ પથ ઘણો કઠિન છે, કાંટાથી હાથમાં છિદ્રો પડી જાય છે અને લોહી વહેવા માંડે છે. આમ છતાં પણ હું કહેતો રહું છું કે મારા હાથમાં કાંટો વાગ્યો નથી. હું સારો સાજો છું.’ જ્યાં સુધી જ્ઞાનાગ્નિમાં કાંટો બળી ન જાય ત્યાં સુધી આ વાત કરવી શોભતી નથી. આ માર્ગ એટલા માટે કઠિન છે કે મનુષ્ય જે વાતને મનબુદ્ધિ દ્વારા સમજી લે છે તેને હૃદયથી ગ્રહણ કરી શકાતી નથી. અને હૃદયની ભાવપ્રબળતા સામે બુદ્ધિગમ્ય વિષય તુચ્છ બની જાય છે. આ આપણે હમેશાં જાણીએ, સમજીએ છીએ. શાસ્ત્રો કહે છે, ‘જ્ઞાનયોગી થતાં પહેલાં કામનાઓ છોડવી પડે.’

શ્રીઠાકુર કહે છે, ‘સામાન્ય જન માટે ભક્તિપથ દ્વારા ભગવાનને મેળવવા સંભવ છે.’ વિષયો પર તીવ્ર વૈરાગ્ય ન આવે તો વિચારપથ કે જ્ઞાનપથ કામમાં નથી આવતો. એટલે વિવેક વૈરાગ્ય વિનાના પંડિતો શ્રીઠાકુરને ડાળીડાંખળાં જેવા તુચ્છ લાગે છે. જે પાંડિત્યમાં કેવળ વાણીનો આડંબર, શબ્દજાળનો વિસ્તાર કે અનેક બાબતોની જાણકારી જ હોય, તે મનને પ્રભાવિત કરી ન શકે. એવી વાતો જીવનમાં ઓતપ્રોત થતી નથી, જીવનને પ્રભાવિત કરી શકતી નથી. બે દિવસ પછી વિદ્યાનો વિલય થઈ જાય છે અને બૃદ્ધિભ્રષ્ટ થઈને મન પાછું વિષયોમાં આસક્ત બની જશે. પરિણામે વળી પાછી જૂની અવસ્થા આવી જશે. પાંડિત્ય આવી રીતે નિષ્ફળ જાય છે. એનાથી જીવનમાં કોઈ ભલીવાર થતી નથી.

પાંડિત્ય અને ધર્મજીવન

‘ધર્મની પ્રાપ્તિ માટે કેટલાય ગ્રંથો વાંચવા પડે છે.’ મહિમા ચરણનો આ મત સાંભળીને શ્રીઠાકુરે કહ્યું હતું, ‘વાંચીને જ્ઞાન મળી જતું હોય તો વસ્તુલાભ સહજ બની જાય. પણ વાસ્તવમાં એવું નથી. વાંચવા કરતાં સાંભળવું વધારે સારું છે અને સાંભળવા કરતાં નજરે જોવું એનાથી વધારે સારું છે.’ ગ્રંથ તો માત્ર ગ્રંથી છે. એનું કોઈ વ્યક્તિત્વ નથી. જેના વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે એવા કોઈ વ્યક્તિને સાંભળવાથી તે સાંભળવું વાંચવા કરતાં પણ વધુ ઉપયોગી બને છે. પણ વાંચીને અથવા સાંભળીને મેળવેલું જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. એટલે જ કહે છે કે સાંભળ્યા કરતાં નજરે જોયેલું વધારે સારું. એટલે કે સત્યનો સાક્ષાત્કાર કરવો પડે.

આત્મા વા અરે દૃષ્ટવ્યઃ શ્રોતવ્યો મંતવ્યો નિદિધ્યાસિતવ્યઃ (બૃહદ્. ઉપ. ૨.૪.૫)

આત્માનું દર્શન કરવું પડે; એને માટે તેનું શ્રવણ, મનન અને ધ્યાન કરવું પડે. આત્માનો સાક્ષાત્ અનુભવ કરવા માટેના આ જ ત્રણ ઉપાય છે. માત્ર વાંચવું કે સાંભળવું જ નહીં પણ પ્રત્યક્ષ અનુભવ કરવો. આ પ્રત્યક્ષ અનુભૂતિના પ્રભાવથી જન્મજન્માંતરના ઊલટાસીધા સંસ્કાર સમૂળ નાશ પામે છે. શાસ્ત્ર દ્વારા મળેલ જ્ઞાનથી સંશય દૂર થતા નથી. એ પ્રત્યક્ષનો વિરોધી હોય એવું બની જાય છે. ‘તમે બ્રહ્મ છો’ અથવા ‘જગત મિથ્યા છે’ આ વાક્યને વારંવાર સાંભળ્યા પછી પણ આપણે એની ધારણા કરી શકતા નથી. આ માત્ર શબ્દજ્ઞાન છે. એ પ્રત્યક્ષ અજ્ઞાનને દૂર કરી શકતું નથી. એટલા માટે ઉપાય રૂપે તેઓ કહે છે કે પહેલાં સાંભળવું પડશે પછી વિચાર કરવો પડે અને ત્યારે જ સિદ્ધાંતને દૃઢ કરવા ધ્યાન દ્વારા મનને સ્થિર કરવું પડે. આવી રીતે અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનયોગ દ્વારા વસ્તુનો સાક્ષાત્કાર કરવો પડે. એટલે જ શાસ્ત્રની વાતો સાંભળવી, અને સાક્ષાત્ અનુભવ કરવો એ બંને વચ્ચે ઘણો મોટો ભેદ છે.

શાસ્ત્ર અથવા મહાપુરુષની વાતો સાંભળીને પણ જીવનમાં પરિવર્તન ન આવે તો એ પણ અર્થહીન બની જાય છે. આ વિશે ઠાકુરની એક પંડિતની અને હોડીવાળાની કથા યાદ રાખવી જોઈએ. હોડીમાં સવાર થઈને પંડિત નાવિકને પૂછે છે કે એણે કયા કયા વેદ-વેદાંત વગેરે શાસ્ત્ર ગ્રંથ વાંચ્યા છે; નાવિક કહે છે કે હું એ વિશે કંઈ જાણતો નથી. એણે કંઈ વાંચ્યું પણ નથી. પંડિતે કહ્યું, ‘તો તો તારું જીવન બાર આના વ્યર્થ ગયું.’ એ પછી ઓચિંતાની આંધી આવી. નાવિકે કહ્યું, ‘પંડિતજી તમને તરતાં આવડે છે?’ આ વખતે પંડિત પાસે ‘ના’ સિવાય બીજો કોઈ જવાબ ન હતો. નાવિકે કહ્યું, ‘તો હવે તમારું જીવન સોળ આના વ્યર્થ છે.’

આપણે શાસ્ત્ર વગેરે વિશે થોડું ઘણું જાણીએ છીએ. પરંતુ સાચી વાત જાણતા નથી. એટલે આપણું સોળે સોળ આના વ્યર્થ જાય છે. શ્રીઠાકુર કહે છે, ‘શાસ્ત્ર વાક્ય કેવળ બોલવાથી શું થાય? એની સારવસ્તુને જાણવી પડે, સાથે ને સાથે એને જીવનમાં જીવી બતાવું પડે. તેઓ કહેતા સા ચાતુરી ચાતુરી- એ ચતુરાઈ છે કે જેના દ્વારા ભવસાગર તરી શકાય. એવું આપણે ન જાણીએ કે ન કરીએ તો પછી આપણે જાણ્યું શું?’

(ક્રમશઃ)

Total Views: 433

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.