ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. – સં.

સ્વામી વિરજાનંદજી કથિત

૧૯૯૧ની સાલની શરૂઆતમાં એક બપોરે કોલેજમાંથી ભાગીને હું પહેલી વાર વરાહનગર મઠમાં ગયો હતો. સાથે હતા મારા કેટલાક મિત્રો અને સહપાઠીઓ. અમે સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ) ને મળ્યા હતા. એમણે અને શ્રીરામકૃષ્ણના કેટલાક સાક્ષાત્ શિષ્યોએ અમને આદરપૂર્વક આવકાર્યા. અમને આવા અનેક પ્રશ્ન પૂછયા, ‘ક્યાંથી આવો છો? શું કરો છો? મઠ વિશે ક્યાંથી જાણવા મળ્યું?’ અમારી વાતો સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા અને અમને ઉત્સાહિત કર્યા. એમને જોઇને મને એક નવો અનુભવ થયો. મને થવા લાગ્યું કે આ દુનિયા છોડીને કોઈ બીજે જ સ્થળે ક્યાંક આવી પહોંચ્યા છીએ. બપોરે ચાર વાગે મંદિર ખૂલ્યા પછી પ્રણામ કર્યા અને પ્રસાદ લઇને અમે વિદાય લીધી. તેમણે કહ્યું, ‘વચ્ચે વચ્ચે અહીં આવતા રહેજો.’

ત્યારથી માંડીને રજા મળતાં જ અમે વચ્ચે વચ્ચે વરાહનગર જવા લાગ્યા. શશી મહારાજને જોઇને ડર લાગતો. જાણે કે હમેશાં ભાવમાં ડૂબ્યા રહેતા. થોડા વધુ કઠોર પણ ખરા. અમને અભ્યાસ વિષે પૂછતા. અભ્યાસથી ડરીને એનાથી બચવા તો અમે મઠમાં નથી આવતાને, એ પણ ચકાસી જોતા. જ્યારે અમે એમના પ્રશ્નોનો સાચો જવાબ કે એમના આપેલા ગણિતના દાખલાનો સાચો ઉત્તર ન આપી શકતા તો અમને વઢતા ને કહેતા, ‘ભણતરની ઉપેક્ષા કરવી ઉચિત નથી.’ એટલા માટે જ અમને એમનો ભય લાગતો.

મેં પહેલેથી જ એમને કહી રાખ્યું હતું: ‘બધા વિષયો વિશે મને પૂછજો પણ ગણિતના દાખલા ના પૂછતા, એમાં હું ઘણો કાચો છું.’ શશી મહારાજે કહ્યું, ‘તું ઉનાળાની રજાઓમાં અહીં આવીને રહેજે. હું તને એવું પાકું ગણિત શીખવાડી દઈશ કે નાપાસ થવાનો કોઈ ડર નહીં રહે.’ મેં કહ્યું, ‘પિતાજીની રજા લઈને આવીશ.’ પિતાજીને પૂછ્યું એટલે તેમણે રાજી થઈને કહ્યું, ‘ખૂબ સારું, જા.’

ઉનાળાની રજાઓ પડતાં જ હું દફ્તરમાં પુસ્તકો લઈને મઠમાં હાજર થયો. બધા ખૂબ ખુશ થઈ ગયા. પણ મઠમાં જઈને ભણવાનું સાવ ભુલાઈ ગયું. શ્રીઠાકુર મંદિરનું કામ અને સાધુઓની સેવા કરવામાં જ રત રહ્યો. ત્યારે નોકર-ચાકર હતા નહીં. હું એમને બધા જ કામમાં મદદ કરતો. તળાવમાંથી પાણી લાવવું, ફૂલ ચૂંટવાં, વાસણ ઘસવાં વગેરે કામોમાં વહેલી સવારથી માંડીને રાત દસ વાગ્યા સુધી કેવા તન્મયભાવે દિવસ પસાર થઈ જતો! જાણે કે એક ઉચ્ચ આનંદના નશામાં દોઢ મહિનો પસાર થઈ ગયો. ‘અરે, તારાં પુસ્તકો તો બતાવ!’ એમ શશી મહારાજે કોઈ દિવસ પણ પૂછ્યું નહીં. મને પણ કોઈ હોંશ નહોતી! (ક્રમશ:)

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.