ગતાંકથી ચાલુ…

રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી ઈંટો, કાચના મણકાઓ, ધાતુઓનાં મિશ્રણ, દવાઓ વગેરે ઉપલબ્ધ વસ્તુઓ તત્કાલીન લોકોના પ્રાયોગિક ધોરણે ઉપયોગી રસાયણ સંબંધી જ્ઞાનનો પુરાવો રજૂ કરે છે.

ન્યાય વૈશેષિકોએ પરમાણુવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. આ પરમાણુઓના ફેલાવા અને પરસ્પર મિલનથી છેવટે સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે.

સિન્ધુખીણની સંસ્કૃતિના લોકોની (ઈ.પૂ. ૨૫૦૦) રાસાયણિક પ્રક્રિયાઓની લાંબી પહોંચ હતી. અને એના ઉપયોગનું કૌશલ પણ હતું. હરપ્પા અને મોહન-જો-દડોના ખોદકામમાંથી મળેલી વસ્તુઓ, માટીના ઘડા, માટીનાં વાસણો-નમૂના, માટીકામ (ચિનાઈ પણ), ઝવેરાતનું કામ અને મુદ્રાઓ આપણી ધારણાનું પ્રમાણ છે.

વૈદિક ગ્રંથોમાં ચામડાં કમાવવાની, કુદરતી વનસ્પતિથી બનાવેલા રંગોથી કપડાં રંગવાની અને સ્વાદિષ્ટ પીણાંઓની વાતો આવે છે. તે બધું ગમે તેટલું પ્રાથમિક હોય, તો પણ રસાયણશાસ્ત્રના વિકાસ તરફ દોરી જાય છે. ઈ.સ. ૪૦૦માં તો રાસાયણિક પ્રક્રિયાથી ગરમ અને ઠંડી ઉત્પન્ન કરવાનું એ જાણતા એ હકીકત છે.

ઈ.પૂ. ૩૦૦નું કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ઈ.સ. ૩૦૦ની ચરકસંહિતા તેમજ ઈ.સ. ૫૦૦ની સુશ્રુત સંહિતા રસાયણજ્ઞાનની માહિતીથી ભરપૂર છે. ધાતુપૃથક્કરણ વિદ્યા અને ઔષધશાસ્ત્રના તો એ ગ્રંથો છે જ! સોનું, રૂપું, તાંબું, સીસું વગેરે ધાતુઓની શુદ્ધીકરણની પ્રક્રિયાઓ અને ધાતુને ગાળવાની પ્રક્રિયાઓ, વિવિધ પ્રકારની મદિરાઓમાં આથો લાવવાની રીતો, વગેરે ઘણું ઘણું ઉપર્યુક્ત ગં્રથોમાં જણાવાયું છે.

માનવના ખોરાક પચનની પ્રક્રિયા પૂર્ણ રીતે ચરકસંહિતામાં વર્ણવેલી છે અને વાગ્ભટ્ટના અષ્ટાંગ હૃદયમાં પણ (ઈ.સ. ૬૫૦) વર્ણવી છે.

અત્યારે પાકિસ્તાનમાં આવેલ તક્ષશિલાના ખોદકામમાંથી ઈ.પૂ. ૬૦૦ની કાચને સ્વચ્છ કરવાની અને એને રંગવાની પદ્ધતિ સાંપડી છે. કાચ પર ચિત્રકામ કરવાની અને એને શણગારવાની, ચકચકિત કરવાની કળા તો ઈ. પૂ. ૩૦૦માં પણ પ્રચલિત હતી. ગળી, લાખ, ગેરુ, હળદર, ગુંદર વગેરેનો પણ વપરાશ થતો.

મધ્યયુગમાં (૬૦૦-૧૫૦૦માં) તાંત્રિક સંપ્રદાયોનો ઉદય થતાં નશીલાં પીણાં વધુ વિકસ્યાં અને એની બનાવટનાં સ્થાનો, પદ્ધતિઓ, સાધનો બધું વધ્યું. નશીલા જીવનનું પ્રમાણ પણ વધ્યું. હલકી ધાતુઓનું સોનામાં રૂપાંતર કરવાની પદ્ધતિ પણ વિકસી.

બારમી સદીમાં લખાયેલો ‘રસાર્ણવ’ ગ્રંથ, આઠમી સદીનો ‘ધૌતવાદ’ ગ્રંથ અને તેરમી સદીનો ‘રસેન્દ્રચૂડામણિ’ ગ્રંથ વગેરેમાં તાંબાનું નિષ્કર્ષણ, પારાનું શુદ્ધીકરણ, ગંધકના ઉપયોગો વગેરે વર્ણન મળી આવે છે.

જો કે આ તત્કાલીન રસાયણવિજ્ઞાનનો વિકાસ મૂળે તો સ્વાસ્થ્યવિજ્ઞાન, ખનિજવિદ્યા અને ધાતુવિદ્યાની આડપેદાશ રૂપે જ થયો છે. છતાં પ્રાચીન ભારતનો આ ક્ષેત્રે વિકાસ પણ મહત્ત્વપૂર્ણ છે.

ગણિત- યજ્ઞસંસ્કૃતિમાં યજ્ઞાનુષ્ઠાન કરવા માટે ભૂમિતિ અને ખગોળ વિદ્યાની અનિવાર્ય આવશ્યકતા હતી. પ્રથમ વિજ્ઞાન વેદિરચના માટે અને બીજું વિજ્ઞાન યજ્ઞનું મુહૂર્ત શોધવા માટે. એ પહેલાં શુલ્વસૂત્રો જન્મ્યાં અને પછી જ્યોતિષ જન્મ્યું. આંકડાઓ, સરવાળાઓ, પરાર્ધ સુધીની સંખ્યાની ગણતરીઓ, દશાંશ પદ્ધતિ, શૂન્યની શોધ, ક્ષેત્રફળ, પ્રમેય સમીકરણો વગેરે બધું આ કાળના લોકોને સુપરિચિત હતું.

એક બીજી અનન્ય શોધ ભારતીયોની આ વિષયમાં શબ્દસંખ્યાની હતી. જેમ કે ‘ખ’ એટલે ‘શૂન્ય’ તેમજ ‘ક્ષિતિ’ એટલે ‘એક’ વગેરે. એનાથી કવિતામાં ગણિતરચના કરવી સહેલી થઈ પડી હતી.

સંકલિત સંખ્યાઓમાંથી વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની પદ્ધતિ તો ઠેઠ આર્યભટ્ટ (ઈ.સ. ૪૯૯) અને બ્રહ્મગુપ્ત (ઈ.સ. સાતમી સદી)થી ચાલી આવી છે. આ અંકગણિતની વાત થઈ.

બીજગણિત:- યજ્ઞવેદીમાં ઈંટોની વ્યવસ્થા ગોઠવણી કરવામાં વૈદિક આર્યોને કેટલીક સમસ્યાઓ નડી હતી. એને ઉકેલવા એમણે બીજગણિતનો માર્ગ શોધ્યો. આપસ્તંબનાં શુલ્વસૂત્રો (ઈ. પૂ. ૪૦૦) બૌધાયન (ઈ.પૂ. ૬૦૦), કાત્યાયન (ઈ.સ. ૪૦૦) અને અન્યોએ એનો રૈખિક, વર્તુળસમ્બન્ધી, ચતુષ્કોણીય સમાન્તર અને અનિશ્ચિત સમીકરણોનો પણ ઉકેલ આપ્યો છે.

બીજગણિતને પહેલાં ‘કુટ્ટકગણિત’ કહેવામાં આવતું. આજનું ‘બીજગણિત’ નામ તો પૃથૂદક સ્વામીએ (ઈ.સ. ૮૬૦) શરૂ કર્યું. સ્થાનાંગસૂત્ર (ઈ.પૂ. ૧૦૦)માં સાધારણ ગોઠવાયેલાં ચોકઠાંઓ અને નળાકારનું સમીકરણ બનાવાયું છે.

ભૂમિતિની વાત કરીએ તો એનું મૂળ પણ યજ્ઞવેદીઓ માટેની યજ્ઞશાળાઓમાં પડ્યું છે. પાયથાગોરસનું અત્યારે કહેવાતું સમીકરણ બોધાયનમાં (ઈ.પૂ.૬૦૦) ક્યારનુંય પ્રચલિત થઈ ચૂક્યું હતું. ચતુષ્કોણના ક્ષેત્રફળ અથવા ગોઠવાયેલા ચતુષ્કોણના કર્ણ જેવી સમસ્યાઓનો ઉકેલ સફળતા- પૂર્વક બ્રહ્મગુપ્તે પોતાના ‘બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત’નામના ગ્રંથમાં કર્યો છે.

ત્રિકોણમિતિ ખગોળવિજ્ઞાનના આંતરિક ભાગ તરીકે વિકસી હતી. ‘જયા’ અથવા ‘કોજયા’ અથવા ‘કોટિજયા’ની કામગીરીનું પ્રાથમિક નિરૂપણ આપ્યું છે. જેમકે- જયા (૯૦-૦), કોજયા ૦; જયા ૨૦=ણ જયા કોજયા ૦. બ્રહ્મગુપ્ત અને ભાસ્કર બીજામાં (ઈ.સ. ૧૧૫૦)સમાહારગણિત-આવર્તગણન (સંકલન) તથા શૂન્યલબ્ધિ-ચલન (કલન)ના કાચાપાકા વિચારો મળે છે. આ રીતે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીયો ગણિતવિજ્ઞાનની લગભગ બધી જ શાખાઓથી પરિચિત હતા. કોઈકમાં વધુ તો કોઈકમાં ઓછા પણ જ્ઞાતાઓ તો હતા જ.

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.