ગતાંકથી આગળ…

અવતાર અને ઈશ્વરત્વ

ડૉ. મહેન્દ્રલાલ સરકારમાં જે અપૂર્ણતા છે તેને દૂર કરવા શ્રીરામકૃષ્ણ ઈશાનને એમની સાથે ચર્ચામાં લગાડી દે છે. ડૉ. ઘણા સરળ અને બુદ્ધિમાન હતા. હૃદય પણ સાફ અને પવિત્ર. છતાંપણ જે વાત એમની બુદ્ધિ ન સ્વીકારે તેના પર તે શ્રદ્ધા રાખતા નહીં. ડૉ. મહેન્દ્રલાલ એ સમયના શ્રેષ્ઠ ચિકિત્સકોમાંના એક હતા. જુદાંજુદાં સ્થળેથી રોગી એમની પાસે આવતા અને પ્રત્યેક રોગીના રોગને ગ્રંથ સાથે સરખાવી જોતા. એને લીધે દરેક રોગીને જોવામાં એમને ઘણો સમય લાગતો. પરંતુ શ્રીરામકૃષ્ણ સાથે મુલાકાત થયા પછી તેઓ એમના વિશે જ વિચારતા. આ વિશે એક દિવસ તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું, ‘તમારે પનારે પડીને મારું તો બધું ગયું! રાતથી જ પરમહંસનું ચિંતન ચાલ્યા કરે!’ રોગી જેમને અડધા કલાક માટે પણ ન મળી શકતા તેઓ જ શ્રીરામકૃષ્ણ પ્રત્યે એટલા આકર્ષાયા હતા કે તેમની પાસે પાંચ પાંચ કલાક બેઠા રહેતા. પરંતુ આ જ કારણે શ્રીરામકૃષ્ણની વાતોને વિચાર કર્યા વિના માની લે અને એમની સામે આત્મસમર્પણ કરી લે, એવા એ માણસ ન હતા. શ્રીરામકૃષ્ણ પણ એમને આમ છોડી દેનાર ન હતા. એમણે ડોક્ટરમાં જે જે ખામીઓ જોઈ એ બધી ખામીઓને એમણે દૂર કરવા ઈચ્છ્યું. ડાૅક્ટર અવતારમાં માનતા નહીં. એટલે શ્રીરામકૃષ્ણના ભક્તો સાથે એમનો પ્રેમ સંબંધ હતો ખરો પણ આ વિશે તેઓ એ લોકો સાથે ઉગ્ર ચર્ચા કરતાં કહેતા, ‘તમે બધા આ ભલા માણસનું મગજ ખાઓ છો, માણસ શું ક્યાંય ક્યારે અવતાર હોઈ શકે ખરો?’ બીજે કોઈક દિવસે તો શ્રીરામકૃષ્ણ આ વાતને હસવામાં ઉડાવી દેતા, પણ આજે કોણ જાણે એમના મનમાં શું આવ્યું કે એમણે ઈશાનને અવતાર વિશે બોલવા કહ્યું. અવતારમાં માનવું એ કોઈ બુદ્ધિહીનતા નથી, આ વાત ડાૅક્ટરને સમજાવવાનો એમનો હેતુ હતો. શરૂ શરૂમાં તો ઈશાને જરા આનાકાની કરી એટલે શ્રીરામકૃષ્ણે નારાજ થઈને કહ્યું, ‘કેમ ભાઈ યથાર્થ વાત પણ નહીં કરો?’ એની પહેલાં શ્રીરામકૃષ્ણના ભક્તોએ અવતારના રૂપે એમનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે એક વખત એમણે અત્યંત નારાજ થઈને કહ્યું હતું, ‘કેટલા મોટા મોટા પંડિતો મને અવતાર કહી ગયા છે અને આજે આ ડોક્ટર અને અભિનેતાઓ મારો પ્રચાર શું કરવાના? અવતાર એ શબ્દ સાંભળી સાંભળીને હવે મને ઘૃણા આવે છે.’ જેમણે પહેલાં આવી વાત કહી છે તેઓ જ આજે ઈશાનને અવતાર વિશે કંઈક બોલવા આદેશ આપી રહ્યા છે. એની પાછળ એમનો મત કે વિચાર આત્મપ્રચારનો તો ન જ હોઈ શકે. તેઓ જેમને ચાહતા અને જેઓ તેમનેે ચાહે છે, એવા આ ડાૅક્ટરની અપૂર્ણતા કે મિથ્યાધારણાને દૂર કરવાનો એમનો હેતુ છે એટલે તેઓ ઈશાનની વાતને આગળ વધારતાં કહે છે કે ઈશ્વરના સ્વરૂપને સમજવું મનુષ્ય માટે સાધ્ય કે શક્ય નથી. ગીતામાં (૯.૧૧) કહ્યું છે :

अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्र्ा्रितम्।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम्।।

મૂઢ વ્યક્તિ તેના મૂળ સ્વરૂપને ન સમજી શકવાથી તેને મનુષ્ય માને છે અને અવગણના કરે છે. તો શું મનુષ્ય માટે તેને સમજવો ક્યારેય સંભવ છે ખરો?

જે આપણી આ પૃથ્વીની જેમ કરોડો કરોડો લોકોના સર્જનહાર છે, જેના નિર્દેશથી વિશ્વની પ્રત્યેક વસ્તુ ચાલતી રહે છે, ધૂળના કણ સમો, નગણ્ય માનવ શું ક્યારેય એમને પૂર્ણરૂપે સમજી શકે ખરો? ભગવાન વિશ્વના સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા છે. આ વાત તો સમજાય પણ તેઓ (ઈશ્વર)મનુષ્ય બનીને મનુષ્યની જેમ જે બધા વ્યવહાર કરી રહ્યા છે એ વાતની ધારણા કરવી મનુષ્ય માટે અસંભવ છે. ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરીને સુખદુ :ખ, રોગશોક વગેરે ભોગવે છે. તેઓ મનુષ્યરૂપે પ્રિયમિલન માટે આતુર પણ બને છે અને વિરહમાં રડે પણ ખરા. બધા અવતારોમાં આ લીલા જોવા મળે છે. સામાન્ય મનુષ્ય માટે ઈશ્વરના સુખ-દુ :ખ, રોગ, શોકના ભોગને મનથી માની લેવો કઠિન છે. નજર સામે દેખાતો આ માણસ જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વર છે, એવી કલ્પના શું કોઈ માનવ કરી શકે ખરો? આશ્ચર્યમાં પડીને માતા દેવકી પણ કહે છે, ‘અહો નૃલોકસ્ય વિડમ્બન હિ તત્’ જે અસીમ, અનંત છે તેઓ જ આ સાડાત્રણ હાથના મનુષ્યમાં સમાયેલા છે એવી ધારણા આપણે કેમ કરી શકીએ? એટલે શ્રીરામકૃષ્ણ કહે છે, ‘એક શેરના લોટામાં ચાર શેર દૂધ સમાઈ શકે ખરું?’ ઈશ્વર શું બની શકે અને શું નહીં એની સીમા નિર્ધારિત કરવી મનુષ્ય માટે સંભવિત નથી. એનું કારણ એ છે કે તેઓ જ સ્વરાટ છે, અને તેઓ જ વિરાટ છે અને તેઓ જ ક્ષુદ્રાતિક્ષુદ્ર જીવ છે.

આ વિશે નારદજીની એક કથા યાદમાં રાખવા જેવી છે. તેઓ વૈકુંઠમાંથી પાછા ફરતા હતા. કોઈકે એમને પૂછ્યું, ‘મહારાજ, શું આપ વૈકુંઠમાં ગયા હતા? આપે ભગવાનને શું કરતા જોયા?’ નારદજીએ કહ્યું, ‘તેઓ સોઈના નાકામાંથી હાથીને ઘુસાડતા હતા.’ આ અસંભવ વાતને સાંભળીને પેલો માણસ હસવા લાગ્યો. એને એમ લાગ્યું કે ખરેખર નારદજી વૈકુંઠ ગયા હશે કે કેમ? પરંતુ એક બીજા વ્યક્તિએ નારદજીનો ઉત્તર સાંભળીને કહ્યું, ‘હા, એ અવશ્ય થઈ શકે. એમને માટે કંઈ અસંભવ નથી.’ આ જે વાત કે એમને માટે કંઈ અસંભવ નથી, એની ધારણા કરવી પડે. એટલે શ્રીરામકૃષ્ણ વારંવાર કહે છે કે એમની ‘ઇતિ’ ન કરવી. તેઓ સાકાર છે, નિરાકાર છે, સાકાર-નિરાકારથી પર પણ છે અને આ ઉપરાંત બીજું કોણ જાણે શું શું છે? આ વાત આપણી બુદ્ધિ માટે અગમ્ય છે.

તો પછી એમને સમજવાનો ઉપાય ખરો?

શ્રીરામકૃષ્ણ એનો ઉત્તર આપતાં કહે છે, ‘એટલે જે સાધુ મહાત્માઓએ ઈશ્વરને મેળવ્યા છે એમની વાત પર શ્રદ્ધા રાખવી પડે. આવા સાધુઓ ઈશ્વરચિંતનમાં ડૂબેલા રહે છે, જેમ વકીલ પોતાના મુકદ્દમામાં રચ્યો પચ્યો રહે તેમ.’ જો ભગવાન વિશે કોઈ કંઈ બોલી શકે તો તે સાધુ લોકો જ બોલી શકે. કારણ કે એમનાં મન, પ્રાણ, આત્મા બધું ઈશ્વરમાં જ રત રહે છે. તેઓ પ્રતિક્ષણ ઈશ્વરચિંતન કરે છે એટલે તેઓ ઈશ્વરતત્ત્વ વિશે કંઈ કહેવા સમર્થ છે. એટલે તેમના પર વિશ્વાસ રાખવો પડે.

ભગવાનની ઈતિ કરવી સંભવ નથી. આ વાતને શ્રીરામકૃષ્ણ કાચંડાના રંગ બદલવાની વાર્તા દ્વારા રજૂ કરે છે. ઉપનિષદોમાં પણ બ્રહ્મ વર્ણન કરતાં એમના પર અનેક વિપરિત ગુણો આરોપ્યા છે. એને પરિણામે બ્રહ્મના સ્વરૂપને તો સમજવું દૂર રહ્યું પણ ઊલટાની ભ્રાંતિ વધી જાય છે. એટલે એકવાર એક ઋષિએ પૂછ્યું, ‘જેમ કહીએ છીએ, આ એક ઘોડો છે, ગાય છે, એવી રીતે બ્રહ્મનું વર્ણન કેમ નથી કરતા?’ પણ બ્રહ્મ ચર્મચક્ષુઓનો વિષય નથી એટલે તેને આ રીતે સમજાવી ન શકાય. જેમ અંધને રંગ પારખવો સંભવ નથી તેમ કોઈને જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી અનેક પ્રકારના પ્રયત્ન કરીને પણ ઈશ્વરના તત્ત્વને પૂરેપૂરું સમજવું શક્ય નથી.

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.