શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ 

પરમકલ્યાણી,

કલકત્તા ૨૫/૨/૨૭

તારો પત્ર મળ્યો. તું ૯ મા ધોરણમાં ભણે છે. ઘણી સારી વાત. ડરવાની જરુર નથી. શ્રીશ્રીઠાકુરની કૃપાથી બધું સારું થઇ જશે. ભયથી માથું ફરી જાય અને ભૂલ થવાની શરૂઆત થાય છે. તું શ્રીશ્રીઠાકુર અને શ્રીશ્રીમાનું સંતાન છે. એમના રાજીપા માટે જ અભ્યાસ કરે છે, એટલે તારું ભલું થાય એવું તેઓ કરશે જ. એમના પર આધાર રાખીને તું કાળજીપૂર્વક ભણવામાં લાગી જા. અત્યારે વધારે ધ્યાન જપ ન કરી શકે તો કાંઇ વાંધો નથી, એ પાછળથી કરવાથી પણ થાય. ભણવાનું ય તું પોતાના માટે નથી કરતી પણ એમના સંતોષ માટે, એમની વધારે સારી સેવા કરવા અને એમનો ભાવ વધારે સારી રીતે સમજવા કરે છે, એમ જ વિચાર. હું મારા અંતરના ઊંડાણમાંથી આશીર્વાદ આપું છું કે તું પરીક્ષામાં ખૂબ જ સારી રીતે પાસ થાય.

તારાં પિતાજી, માતાજી અને ભાઇ-બહેન બધાંને મારાં આશીર્વાદ અને શુભેચ્છાઓ આપજે.

શુભાકાંક્ષી
શ્રી સારદાનંદ

 શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ 

પરમકલ્યાણી,                                                                                                                                                                  કલકત્તા ૪/૯/૨૪

તારો પત્ર વાંચીને ખુશ થયો. દીદીની સાથે જ્યારે પણ ઝઘડો કરવાની ઇચ્છા થાય ત્યારે શ્રીઠાકુરને અને શ્રીશ્રીમાને પ્રાર્થના કરવી અને મનોમન જપ કરવા, એટલે ઝઘડો નહિ થાય. તારા પિતાજી પાસે રોજ થોડો થોડો અભ્યાસ કરજે, એમ કરવાથી ભણવાનું ખૂબ સારું થશે.

શુભાકાંક્ષી
શ્રી સારદાનંદ

 શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્ 

પરમકલ્યાણી,                                                                                                                                                                    કલકત્તા

તારો પત્ર મળ્યો, હું ખૂબ રાજી થયો. ‘મ’ ની મોટી બહેનની બિમારીમાં અને એના દેહાંત પછી તમે સૌએ એમની જે કાળજી લીધી અને મદદ કરી એ એક અત્યંત આનંદની વાત છે. એ રીતે આપણે પોતાની જાતને ભૂલીને બીજાને જેટલી સહાય કરી શકીએ એટલું જ આપણા માટે વધારે કલ્યાણકારી છે. તમે બધાં દુ :ખીમાંદાંને શ્રીઠાકુરની પ્રતિમૂર્તિ જાણીને, રાગ-દ્વેષથી પર થઈને બધાની એવી જ રીતે સેવા કરવા માટે સમર્થ થાઓ એ જ મારી પ્રાર્થના છે.

આ વખતે જન્મતિથિ પૂજાના દિવસે તમે શ્રીશ્રીમાની ઇચ્છાથી આવી શકશો નહિ એ વાત સાચી, પરંતુ કૃપા કરીને તેઓ તમારા અને અમારા મનને એવી રીતે એક સૂરથી બાંધીને રાખશે કે શરીર દૂર રહેવા છતાં અંતરમાં એક આનંદનો પ્રવાહ વહેતો રહેશે. બધી જ શ્રીશ્રીમાની ઇચ્છા છે, એમ માનીને તન-મન-ધનથી એમના શરણાગત થઈને પડી રહેવા જેવી વધારે શાંતિ બીજા કશામાં નથી, એ યાદ રાખજે.

શ્રીઠાકુરની સામે સ્વામીજીને અનેક વાર આ ગીત ગાતા મેં સાંભળ્યા છે-

જ્યાં જેમ રાખીશ મા તું મને,
મારું એ જ મંગળ, જો હું ન ભૂલું તને.

શુભાકાંક્ષી
શ્રી સારદાનંદ

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.