ગતાંકથી ચાલુ…

તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું સાધન છે, એમ માનવું. એ આત્મા સર્વદા શક્તિશાળી છે. આ મહાન અને ખૂબ ઉપયોગી વિજ્ઞાનનાં બધાં પાસાંઓને જાણવાનું વિજ્ઞાન આયુર્વેદ કહેવાય છે, જે આપણને સર્જનહાર બ્રહ્મા પાસેથી મળ્યું છે. બ્રહ્મા પાસેથી બે અશ્વિનીકુમારોને, એમના દ્વારા ભારદ્વાજ જેવા ઋષિઓને અને એમ પરંપરાથી આપણને મળ્યું છે, એવી ભારતીયોની માન્યતા છે. જો કે આયુર્વેદનાં કેટલાંક સૂત્રો તો ઋગ્વેદમાં પણ પડ્યાં છે અને અથર્વવેદમાં તો એનાં પદ્ધતિસરનાં વર્ણનો પણ મળે છે. ક્ષય, રક્તપિત્ત, કમળો, તેમજ મરડો, કૃત્રિમ અવયવો બનાવવા અને બેસાડવા, આંખના વિવિધરોગોની ચિકિત્સા, આંખના ડોળાનું પ્રત્યારોપણ વગેરે રોગોની ચિકિત્સા પણ મળે છે.

આયુર્વેદના સુવિખ્યાત પ્રશિષ્ટ ગ્રંથો-ચરકસંહિતા (ઈ.સ. ૨૦૦), સુશ્રુતસંહિતા (ઈ.સ. ૪૦૦), વાગ્ભટ્ટનો અષ્ટાંગહૃદય (લગભગ આઠમી સદી) વગેરે છે. આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથો લગભગ આયુર્વેદના આઠ અંગો ચર્ચે છે. તે છે ૧. કાય-ચિકિત્સા, ૨. વાણ્યતંત્ર, ૩. શાલાક્યતંત્ર, ૪. ભૂતવિદ્યા, ૫. કૌમારભૃત્યતંત્ર, ૬. અગદતંત્ર, ૭. રસાયણતંત્ર અને ૮. વાજીકરણતંત્ર.

આ ગ્રંથોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કહેલી કેટલીક વિગતો પણ આ પ્રમાણે છે : વિવિધ પ્રકારનાં હાડકાંનાં વર્ણનો, નાડી (નાળ)નાં વર્ણનો, નાડીઓ, ઔષધ બનાવનારનાં કર્તવ્યો, પરિચારિકાનાં કર્તવ્યો, શસ્ત્રવૈધના નિયમો, તેલ અને મલમ માલિશ કરવાની કેટલીક રીતો, પટ્ટા બાંધવાની રીતો, શસ્ત્રક્રિયાનાં સાધનો અને તેના ઉપયોગની રીતો વગેરે ઘણું ઘણું છે.

મેગેસ્થેનીસ (ઈ.પૂ. ૩૦૨-૨૮૮) અને સ્ટ્રોબો (ઈ.પૂ. ૩૪-૨૪) જેવા વિદેશી યાત્રીઓએ ઘોષણા કરી છે કે ૧. ભારતીયોએ સારા ખોરાક, સારી હવા અને સારી ટેવોથી લાંબી ઉંમર મેળવી છે, ૨. ભારતીય વૈદ્યો અને શલ્યવિદોએ તેમના ક્ષેત્રમાં સમકાલીન ગ્રીસ કરતાં વધુ નિપુણતા મેળવી છે, ૩. સિકંદરે પણ પોતાના લશ્કરનું સ્વાસ્થ્ય તપાસવા ભારતીય વૈદ્યોને રોક્યા હતા, ૪. અશોકે કેવળ મનુષ્યો માટે જ નહિ પ્રાણીઓ માટે પણ હોસ્પિટલો સ્થાપી હતી.
અહીં એ નોંધવું રસપ્રદ થશે કે આ વૈદ્યો અને શલ્યવિદો માટે ઘણા કડક કાયદાઓ બનાવેલ હતા. તે આ પ્રમાણે છે :-

૧. એમણે રોગીઓને પોતાની પૂરી ક્ષમતાથી ચિકિત્સા કરવી જોઈએ કારણ કે તેઓ તેમના ઉપર જીવનનો ભરોસો મૂકીને આવેલા હોય છે, ૨. વૈદ્યે નીતિભ્રષ્ટ રોગીની ચિકિત્સા ન કરવી જોઈએ કારણ કે તેઓ તો સમાજ માટે શાપરૂપ છે, ૩. એણે મરણાસન્ન લોકોની દવા ન કરવી જોઈએ તેમજ અસાધ્ય રોગવાળાની દવા કરવાની પણ ના પાડી દેવી જોઈએ, ૪. એણે જેની દવા કરવાનું માથે લીધું હોય તેની પૂરી સગવડ સાચવીને સહાનુભૂતિ અને નિષ્ઠાથી સુુશ્રૂષા કરવી જોઈએ, ૫. તેણે કોઈ મહિલાની એકાન્તમાં તેના પતિ કે કોઈ સંભાળ રાખનાર વ્યક્તિની ગેરહાજરીમાં ચિકિત્સા કરવી નહીં, ૬. બધી વ્યાવસાયિક માહિતી એણે અત્યંત ગોપનીય રાખવી જોઈએ.

ઘણા ભારતીય આયુર્વેદના ગ્રંથનું અરબીમાં ભાષાન્તર થયું છે અને એ દ્વારા આ ઉપરની બધી સૂચનાઓ આરબ ચિકિત્સકો મારફત યુરોપ સુધી પહોંચી ગઈ છે અને અમલમાં મૂકાઈ છે.

ખૂબ પ્રાચીન સમયથી ભારતમાં ભારતના રાજાઓનાં વિવિધ પ્રકારના યુદ્ધો માટેના સૈનિકોની સેનાઓ તો મશહૂર ગણાતી આવી છે. એના પરાક્રમ માટે અને હથિયાર ચલાવવાના કૌશલ માટે પણ એ વખતે યુદ્ધમાં ધનુષ, બાણ, ઢાલ, તલવારો, ભાલાઓ, ત્રિશૂલ વગેરેનો ઉપયોગ થતો. તે બધાં યુદ્ધસાધનો ખાસ મુકાબલો કરવા માટે બનાવાતાં.

રથોનો ઉપયોગ બહુ થતો. યુદ્ધમાં સારથિ બનવાની ખાસ કળા વિકસી અને એનું કૌશલ કેળવાયું હતું. એ જ રીતે ઘોડાઓ અને હાથીઓને તાલીમ આપવાની વિશિષ્ટ કળા પણ વિકસી હતી. હાથીઓનો ઉપયોગ અત્યારની ટેંકોની પેઠે થતો. ‘શતઘ્ની’ (એકી સાથે સો માણસોને મારી નાખનાર) અને ‘સંમોહનાસ્ત્ર’ (માણસોને અભાન બનાવતું શાસ્ત્ર) આ શબ્દોનો પ્રયોગ જોઈને કેટલાક વિદ્વાનો ધારે છે કે કેનોન અને ઝેરી ગેસનો ઉપયોગ પણ તે સમયે થતો હતો.

શસ્ત્રોનું ત્રણ પ્રકારે વર્ગીકરણ થયું હતું :

૧. યંત્રમુક્ત (કોઈ યંત્ર કે મશીન દ્વારા છોડાતાં),

૨. હસ્તમુક્ત- (હાથથી ઘા કરીને છોડાતાં),

૩. મુક્તામુક્ત (હાથથી છોડાતાં કે વપરાતાં).

વજ્ર અને અગ્ન્યસ્ત્ર જેવાં હથિયારોનાં નામો એવી અટકળ કરવા પ્રેરે છે કે તે સમયે અગ્નિવાળાં હથિયારો પણ હશે. પણ એ વિશે કશો ખાસ નિર્ણય બાંધી શકાય તેમ નથી.

આપણાં પુરાણોમાં સેનાની વ્યૂહરચનાઓનાં વર્ણનો આવે છે. એ લાંબાં વર્ણનો ઉપરથી આપણે આપણા પ્રાચીન અને મધ્યકાલીન સૈન્યવિજ્ઞાનના થયેલા વિકાસનો પૂર્ણ વિકાસ કલ્પી શકીએ છીએ અને એ માટે ગૌરવ પણ લઈ શકીએ છીએ.

મેગેસ્થીનીસે મૂલ્યવાન ધાતુ અને મૂલ્યવાન રત્નોને જમીનમાંથી ખોદી કાઢવાની ભારતીય જનોની કળાનાં કરેલાં વખાણ તો સૌને સુવિદિત જ છે. બારાગુંડા (સિંધભૂમ), મોસબાની (સિંઘભૂમ), અગ્નિગુંડલ (આંધ્રપ્રદેશ), અને વ્યાન્ડ (કેરાલા) મોટી અને પુષ્કળ તાંબા અને સોનાની ખાણો શોધી કાઢી છે. વૈદિક આર્યો પણ સોના, રૂપા, તાંબા, સીસું, કથીર, જસત અને લોઢાનો ઉપયોગ કરી જાણતા હતા. આ બધું જાણીને એવું અનુમાન અવશ્ય થાય છે કે તેઓ ખનિજવિદ્યા અને ધાતુવિદ્યાથી સુપરિચિત હશે જ!

કુતુબમિનાર પાસે દિલ્હીમાં આવેલો લોહસ્તંભ ઈ.સ.ની ચોથી સદીમાં બન્યો છે. એ આજે પણ એક અજાયબી ગણાય છે. એ ૨૪ ફૂટ ઊંચો, ૧૬ ઈંચ જાડો-પહોળો અને ૬ ટનના વજનવાળો છે, તદ્ઉપરાંત હજુ કાટ વગરનો અને ચળકતો રહ્યો છે. એ એની પ્રૌદ્યોગિક સંપૂર્ણતા બતાવે છે. એના નિર્માતાઓ કેવા કુશળ હશે? આજેય એ દાદ માગી લે તેવા છે. બિહારના સુલતાન ગંજની પાંચમી સદીની તાંબાની બુદ્ધ પ્રતિમા જે સાડા સાત ફૂટ ઊંચી અને એક ટન વજનવાળી છે તે બીજી અજીબ વસ્તુ છે.

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.