ગતાંકથી આગળ…

ચિત્તશુદ્ધિ અને ઈશ્વરપ્રાપ્તિ

ઈશ્વરદર્શન માટે શુદ્ધદૃષ્ટિ અને શુદ્ધબુદ્ધિ જરૂરી છે. જેમની બુદ્ધિ શુદ્ધ નથી તેવા લોકો કહેવાના કે માનવને બહેકાવવા માટે ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. એમનો મત એવો છે કે જે વિજ્ઞાન દ્વારા પ્રમાણિત ન થઈ શકે તેના અસ્તિત્વમાં આપણે શા માટે માનવું? વળી બધા વૈજ્ઞાનિકો આવું જ કહે છે એવું નથી. આ યુગમાં કેટલાક વૈજ્ઞાનિકોએ ઈશ્વરના અસ્તિત્વ પરનું ચિંતન આરંભ્યંુ છે. વળી કેટલાકે આ વિષયને પોતાના અધિકારક્ષેત્રની બહાર રાખ્યો છે.

શાસ્ત્રોએ પણ ઈશ્વર વિશે આમ કહ્યું છે, ‘યન્મનસા ન મનુતે (કેન. ૧.૫)’ વળી કઠ ૨.૨.૧૧માં આમ કહ્યું છે, ‘મનસા એવ ઇદમ્ આપ્તવ્યમ્’ આવી વિરોધી વાતોનું સામંજસ્ય કેવી રીતે થઈ શકે? એક સ્થળે અશુદ્ધ મનની વાત કરી છે અને બીજે સ્થળે રાગદ્વેષમુક્ત શુદ્ધ સંસ્કારી, વાસનારહિત મન એવો અર્થ થાય છે. મન સિવાય બીજા કોઈ માધ્યમથી એ જાણી શકાય ખરો? મન શુદ્ધ થઈ જાય પછી જ જ્ઞાનમાં જ્ઞાન થાય છે; જેના દ્વારા આપણે એમને જાણીશું અને જેને આપણે જાણીશું એ બંને એક જ બની જાય છે. એનું જ નામ છે જ્ઞાનમાં જ્ઞાન થવું.

શુદ્ધ બુદ્ધિ જ શુદ્ધ આત્મા છે. શુદ્ધ બુદ્ધિથી શુદ્ધ આત્માનું મિલન થવું, બધો ભેદ દૂર થઈને ‘તદાકાર-આકારિત’ બની જવું. આ એકીકરણ થવાથી જ ‘એને’ જાણ્યા એમ કહે છે. આચાર, અનુષ્ઠાન, વિચાર દ્વારા આ જ્ઞાન કે અનુભૂતિ સંભવ નથી. કેવળ ચિત્તને બધાં દ્વંદ્વોથી મુક્ત કરીને એના જ દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર સંભવ છે. એક વખતે ચિત્તશુદ્ધિ થઈ જાય પછી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. શ્રીરામકૃષ્ણ કહે છે તેમ ‘હજાર વર્ષોથી અંધારો ઓરડો છે, પણ એમાં એક દીવાસળીની જ્યોત પ્રગટાવતાં જ એ પ્રકાશિત થઈ જાય છે.’

આ દીવાસળી પ્રગટાવવી જ કઠિન છે. આપણે દીવાસળી ઘસતા જઈએ છીએ, પણ એ સળગતી નથી. એને પ્રગટાવવાની એક પ્રક્રિયા પણ છે. પરંતુ મનુષ્યમાં એ ધીરજ, સહિષ્ણુતા અને તિતિક્ષા નથી. એના માટે પ્રયત્ન કરવો પડે. વૈજ્ઞાનિકો કહે છે કે તેઓ પોતાના દ્વારા સંશોધિત, પરીક્ષિત બધાં સત્ય કોઈ પણ વ્યક્તિને સમજાવવા સક્ષમ છે. પરંતુ જેમ કોઈ વ્યક્તિને વિજ્ઞાન વિશે કોઈપણ પ્રકારનું પાયાનું જ્ઞાન જ નથી એને પ્રયોગશાળામાં બેસાડી દેવાથી પણ તે કંઈ સમજી શકવાનો નથી. એવી જ રીતે આધ્યાત્મિક વિદ્યાના ક્ષેત્રમાં પણ માનસિક તૈયારીની આવશ્યકતા છે. તત્ત્વ જાણવાની ક્ષમતા બધામાં છે પરંતુ એ જાણવા માટે જે સાધનાની આવશ્યકતા છે તે બીજી બધી સાધનાઓથી પણ વધારે કઠિન છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટે એક પૂર્વ તૈયારીની જરૂર રહે છે. દુરૂહતમ આત્મવસ્તુનું જ્ઞાન મેળવવા માટે પણ તૈયારી તો નિશ્ચિત રીતે વધારે કઠિન છે. એના પર ચિંતન મનન કર્યા વિના આપણે એમ કહીએ છીએ કે જો બધા લોકો ઈશ્વરને ન જાણી શકે તો પછી એના અસ્તિત્વને આપણે કેવી રીતે માની લેવું? પણ આ ભાવ બરાબર નથી. બધા લોકો જાણવાના અધિકારી છે, પરંતુ બધંુ જ્ઞાન સાધન સાપેક્ષ છે.

શ્રીરામકૃષ્ણ દેવની ઉપદેશ પ્રણાલી

શ્રીરામકૃષ્ણ ડાૅક્ટર સરકારને કહે છે, ‘સંન્યાસી માટે કામિની કાંચનનો ત્યાગ કરવો આવશ્યક છે.’ પરંતુ તેઓ જેમને કહી રહ્યા હતા તેઓ સંન્યાસી ન હતા. તેઓ તો સંસારી છે. એમને માટે એ બંનેનો સંપૂર્ણ ત્યાગ સંભવ નથી. એટલે તેમણે સાવધાનીપૂર્વક કહ્યું છે, ‘પરંતુ એ આપ જેવા (સંસારી)લોકો માટે નથી. સંન્યાસીઓ માટે છે. આપના જેવા લોકો શક્ય બને તેટલા પ્રમાણમાં સ્ત્રીઓ સાથે અનાસક્તભાવે રહેવું જોઈએ.’ કેવળ અનાસક્ત રહેવાનો ઉપદેશ આપીને તેઓ ચૂપ ન થયા પણ અનાસક્તિની સાધનાનો ઉપાય પણ બતાવતાં કહ્યું, ‘વચ્ચે વચ્ચે નિર્જનમાં જઇને ઈશ્વરચિંતન કરો. ત્યાં તેઓ ન રહે!’ એ વાત સાચી છે કે તેઓ સ્ત્રીસંગથી દૂર રહેવા કહે છે પણ એનો અર્થ એ નથી કે તેઓ એમની ઘૃણા કરે છે. સંપૂર્ણ સ્ત્રીજાતિ પ્રત્ય માતૃભાવ જ શ્રેષ્ઠ ભાવ છે. આ વાતનું તેમણે વારંવાર સ્મરણ કરાવ્યું છે. માની સાથે સંતાનનો સંબંધ મધુર અને પવિત્ર પણ છે એટલે એમણે એ વિષય પર ભાર દીધો છે.

યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ :

તે સર્વભૂતોમાં માતૃરૂપે વિરાજે છે. એટલે ઘૃણા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. ઘૃણા કરીને કોઈને દૂર ન રાખી શકાય. ભક્તકવિ મુકુંદદાસે એક પદમાં કહ્યું છે :

જારે તુઈ કરબિ ઘૃણા, રાખબિ દૂરે દૂરે
સેઇ તોરે ટાનબે નીચે, રાખબે પીછે,
રબે સારા હૃદય જુડે-

અર્થાત્ જેનાથી તું ઘૃણા કરીશ અને તારી જાતને દૂર રાખીશ તે જ તને નીચે ખેંચશે. પાછળ રાખશે અને પૂરેપૂરા હૃદયમાં છવાઇ જશે.

ઘૃણા કરવાથી ઘૃણિત વસ્તુ આખા હૃદયમાં સમાઇ રહે છે. એટલા માટે ઘૃણા નહીં પરંતુ હૃદયમાં એક પવિત્ર શુદ્ધ ભાવ રાખવાથી કોઈ બીજો ભય રહેતો નથી.

શ્રીરામકૃષ્ણદેવે જ્યારે પણ કોઈ ઉપદેશ આપ્યો છે તો એની સાથે જ એને કાર્યાન્વિત કરવાની પ્રણાલી પણ બતાવી છે. વિશેષ અધિકારી માટે તેઓ વિશેષ ઉપદેશ આપતા. છતાં પણ સર્વસાધારણ સામે એમણે જ્યારે પણ કંઇ કહ્યું છે ત્યારે ઘણી સાવધાની સાથે કહ્યું છે. અતિ ઉચ્ચ અને મુશ્કેલ આદર્શને સામાન્ય લોકો સમક્ષ રાખવો ન જોઈએ, કારણ કે એનું પાલન ન કરવાથી મનમાં હતાશા કે હીનતાની ભાવના આવી શકે છે.

ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જ્ઞાનયોગ અને ભક્તિયોગ એ બંને સારા છે પરંતુ કર્મયોગ શ્રેષ્ઠતર છે. એનું કારણ એ છે કે આ રસ્તે બધા લોકો આગળ વધી શકે છે. અને જે લોકો આગળ વધી ચૂક્યા છે, કર્મયોગ દ્વારા જેમનું ચિત્ત શુદ્ધ થઇ ચૂક્યું છે, જેમનું મન થોડું ઘણું સંયમિત થઇ ગયું છે, એમને માટે જ્ઞાનયોગ ઉપયોગી છે. મનની આ તૈયારી કર્યા વિના જ્ઞાનયોગની ચર્ચા કરવાથી હાનિ જ થાય છે. એટલે શ્રીરામકૃષ્ણ દેવ એક બીજે સ્થળે કહે છે, ‘બધું થઇ રહ્યું છે છતાં પણ ‘હું જ બ્રહ્મ છું’ એ કહેવું યોગ્ય નથી.’ જેમણે પ્રવૃત્તિઓ પર અધિકાર મેળવી લીધો છે, જેમનું અભિમાન લગભગ ચાલ્યું ગયું છે. એકમાત્ર એવા જ લોકો, ‘હું બ્રહ્મ છું’ એમ કહી શકે. એને માટે એ એક ઉપયોગી સાધન છે. પરંતુ જે વ્યક્તિ પોતાની જાતને ઇંદ્રિયોની અધિનતામાંથી મુક્ત કરી શકી નથી તે જો ‘હું બ્રહ્મ છું’ એમ કહે તો તેની અધોગતિ થવાનો ભય રહે છે.

એટલા માટે કેવળ બહુ મોટો આદર્શ જ સામે રાખવાથી થઇ જતું નથી. પરંતુ ઉપદેશ પામેલ વ્યક્તિ એ આદર્શનો અધિકારી છે કે નહીં એનો વિચાર કરીને આદર્શ એની સામે રાખવો જોઈએ. ‘અધિકારીણમાશાસ્તે ફલસિદ્ધિ-વિશેષત : જે અધિકારી છે તે જ એ આદર્શ પર ચાલીને ફળપ્રાપ્તિ કરે છે.’ અનધિકારી વ્યક્તિ એનું અનુસરણ કરવા જાય તો તેનો સર્વનાશ થઇ જાય છે. ભાગવતમાં કહ્યું છે- ભગવાનનો ઉપદેશ સાંભળવો, એમની લીલાકથાનું સ્મરણ કરવું, પણ ઈશ્વર જે કરે છે એ કરવાનો પ્રયત્ન ન કરવો. જે એમના સ્વરૂપમાં રહેલા છે તેઓ જ માત્ર એમના જેવું કાર્ય કરી શકે, બીજા નહીં. એટલે શાસ્ત્રના કેટલાક નિર્દેશોનું પાલન કરવાની ચેષ્ટા કરવી એ કેટલીય વાર અનર્થકારી બને છે. એનું કારણ એ છે કે આપણે અધિકારીત્વનો વિચાર કરતા નથી. શાસ્ત્રના નિર્દેશનું એક ઉપરીતાત્પર્ય હોય છે છતાં ભિન્ન ભિન્ન પ્રકારના અધિકારીઓ માટે તેનું રૂપ ભિન્ન ભિન્ન હોય છે.

આ વિષયમાં એક ઉદાહરણ છે :

એક વાર દેવતાઓ તરફથી ઇંદ્ર અને અસુરોની તરફથી વિરોચન બ્રહ્માજીની પાસે ઉપદેશ મેળવવા ગયા. હવે સદ્ગુરુ ક્યારેય પક્ષપાત કરીને ભિન્ન ભિન્ન ઉપદેશ આપતા નથી. એટલે બ્રહ્માએ બન્નેને એક જ ઉપદેશ આપ્યો. પરંતુ અધિકારી ભેદને કારણે ઇંદ્રે એનો એક અર્થ તારવ્યો અને વિરોચને એનો બીજો અર્થ કર્યો. એમનો પ્રશ્ન હતો- આત્મા શું છે? એ સમયે દેવાસુર સંગ્રામ ચાલતો હતો અને એ સંગ્રામમાં વિજયી થવા માટે અમરત્વ પ્રાપ્ત કરવું આવશ્યક હતું. એમણે સાંભળ્યું હતું કે આત્માને જાણી લેવાથી જ અમર બની શકાય છે. એ આત્મજ્ઞાનનો ઉપાય જાણવા માટે જ એ બંને બ્રહ્માજી પાસે ઉપદેશ લેવા ગયા. બ્રહ્માજીએ એમને ૩૨ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કર્યા પછી એક કટોરો પાણી ભરીને લાવવાનું કહ્યું. પાણી ભરીને લાવ્યા પછી એ બંનેને બ્રહ્માજીએ પૂછ્યું, ‘આ કટોરાના જળમાં તમને શું દેખાય છે? જેને તમે જુઓ છો તે જ આત્મા છે.’ બંનેએ જળમાં પોતપોતાનું પ્રતિબિંબ જોયું હતું. હવે વિરોચને એનો અર્થ શું તારવ્યો? એણે સીધેસીધુ સમજી લીધું કે દેહ એ જ આત્મા છે. અને એ જ જળમાં દેખાય છે. આ દેહને પુષ્ટ કરો, સ્વસ્થ-સબળ રાખો અને યુદ્ધમાં અવશ્ય વિજય મળશે. એ તો રાજી થઇને ચાલ્યા ગયા. ઇંદ્ર પણ આવી જ રીતે પહેલાં તો પાછા ફરતા હતા પરંતુ જતાં જતાં એમના મનમાં એક પ્રશ્ન ઊઠ્યો કે અલંકાર રહિત આ દેહ અત્યારે એક પ્રકારે દેખાય છે. અને અલંકાર ભૂષિત અવસ્થામાં આ દેહ બીજી જ રીતે દેખાશે. તો પછી શું દેહનાં ભિન્ન ભિન્ન રૂપોના પરિણામરૂપે આત્મા પણ ભિન્ન ભિન્ન હોય છે? એમના મનમાં આ પ્રશ્ન ઊભો થયો કે આત્મા નિત્ય હોવાથી તેને એક સ્થાયી રૂપ હોવું જોઈએ. પરિવર્તિત હોવાથી તે નિત્ય કેવી રીતે બને, સત્ કેવી રીતે બને? તો પછી આ અનિત્ય અને અસત્ દેહને જાણી લેવાથી અમર કેવી રીતે બની શકાય? એટલે તેઓ બ્રહ્મા પાસે પાછા આવ્યા અને મનનો સંશય તેમની સામે મૂક્યો. પ્રશ્ન સાંભળીને બ્રહ્મા પ્રસન્ન થયા. એમણે વળી બીજા ૩૨ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરવાનો આદેશ આપ્યો. આવી રીતે ઉપદેશ અને બ્રહ્મચર્ય પાલનનો ક્રમ ૧૦૦ વર્ષ સુધી ચાલતો રહ્યો. ત્યાર પછી ઈંદ્રે આત્માનું સ્વરૂપ જાણી લીધું.

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.