ભગિની નિવેદિતાના અંગ્રેજી ગ્રંથ ‘માસ્ટર એસ આઇ સો હિમ’નો ગુજરાતી અનુવાદ ક્રમશ : અહીં પ્રસ્તુત છે. સં.

બૌદ્ધ સંઘના સમાપનથી લઇને જે દિવસે સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ મહાસભાના મંચ પર ૧૮૯૩ માં ઉપસ્થિત થયા એ સમય ગાળા દરમિયાન હિંદુ ધર્મેે પોતાને પ્રચારાત્મક ધર્મ માન્યો નહોતો. એના વ્યાવસાયિક ઉપદેશક – શિક્ષક બ્રાહ્મણો ગૃહસ્થ હોવાને કારણે હિંદુ સમાજના અંગ સ્વરૂપ હતા. સમાજના નિયમ અનુસાર એમને સમુદ્ર પાર કરવાનો નિષેધ હતો. જેવી રીતે એક અવતાર કે સંત પુરુષ કોઈ પંડિત કે પૂજારી કરતાં વધારે ઊંચું અધિકારત્વ ધરાવે છે, તેવી રીતે આ સમાજના શ્રેષ્ઠ પરિવ્રાજક સાધુઓ જન્મજાત બ્રાહ્મણ કરતાં વધારે ઊંચું અધિકારત્વ ધરાવે છે. છતાં પણ તેમણે ક્યારેય પોતાના અધિકારનો ઉપયોગ ભારતની બહાર પ્રચાર કરવા માટે કર્યો નહિ.

સ્વામી વિવેકાનંદ શિકાગોના દ્વારે કોઈ પણ ઓળખપત્ર વગર ઉપસ્થિત થયા હતા. કેટલાક ઉત્સાહી અને શ્રદ્ધાવાન મદ્રાસી શિષ્યોએ જાણે કે તેઓ ભારતના એક ગામથી બીજા ગામ પરિભ્રમણ કરતા હોય, તેમ સ્વામીજીને પ્રશાંત મહાસાગરની પાર મોકલ્યા હતા. પરંતુ અમેરિકન અતિથિ સત્કાર અને નિખાલસતાએ તેમને ખુલ્લા હૃદયે આવકાર્યા અને તેમને બોલવાની તક પણ આપી.

જેમનાં પદતલે તેઓ બેઠા હતા અને જેમના સાન્નિધ્યમાં તેઓ ઘણાં વર્ષો સુુધી રહ્યા હતા, એવા સ્વામીજીના ગુરુનું વિરાટ વ્યકિતત્વ બૌદ્ધ પ્રચારકોની જેમ જ તેમને વિદેશમાં આગળ ધપાવતી શકિત બની રહી. પરંતુ પશ્ચિમમાં તેઓ ન તો પોતાના ગુરુ વિશે બોલ્યા કે ના કોઈ એક સંકુચિત સંપ્રદાય વિશે બોલ્યા. શિકાગોમાં તેમનો વિષય હતો ‘હિંદુઓના આધ્યાત્મિક વિચારો’. શિકાગો પછીના સમયમાં સનાતન હિંદુ ધર્મના બધા સંપ્રદાયો વચ્ચે જે સામાન્ય લાક્ષણિકતાઓ હતી એ જ એમનો કેન્દ્રવર્તી ઉપદેશ બન્યો. આ રીતે હિંદુ ધર્મના ઈતિહાસમાં સર્વ પ્રથમ હિંદુ ધર્મ પોતે એક સર્વોત્તમ કક્ષાના હિંદુ મન દ્વારા ચિંતનનો વિષય બન્યો.

સ્વામીજી ઓગસ્ટ ૧૮૯પ સુુધી અમેરિકામાં રહ્યા અને ત્યાર બાદ તેઓ પ્રથમ વાર યુરોપમાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં તેઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા અને એક મહિના પછી તેમણે લંડનમાં ઉપદેશ આપવાની શરૂઆત કરી.

લંડનમાં સ્વામી વિવેકાનંદ – ૧૮૯પ

વાત આશ્ચર્યકારક છે તો પણ એ મારું મોટું સદ્ભાગ્ય છે કે મેં સ્વામીજીની ૧૮૯પ અને ૧૮૯૬ની લંડનની બન્ને મુલાકાત વખતે તેમના ઉપદેશ સાંભળ્યા હતા. હું ૧૮૯૮ ની શરૂઆતમાં ભારત આવી એ પહેલાં એમના વ્યકિતગત જીવન વિશે લગભગ અજાણ હતી. તેમાં સ્વામીજી વિશેની મારી અનુભૂતિનો અભાવ હતો પરંતુ ભારતીય પશ્ચાદ્ભૂમિમાં એમના વ્યક્તિત્વનો આત્મ- પ્રકાશ મારા મન પર ધીરે ધીરે પથરાતો ગયો.

સુદૂર લંડનમાં પણ જ્યારે મેં એમને પ્રથમવાર જોયા હતા એ પ્રસંગે ભારતમાં સૂર્યની રોશનીથી ચમકતી ધરાની સાથે સંકળાયેલ અનેક ઘટનાઓની યાદ સ્વામીજીના મનસપટલ પર આવી હશે તેનો આભાસ હવે મને થાય છે.

નવેમ્બરની ઠંડીમાં રવિવારની બપોરનો સમય હતો અને જગ્યા હતી વેસ્ટ એન્ડ(એક જગ્યાનું નામ) માં આવેલ એક બેઠક ઘર. સ્વામીજી શ્રોતા મંડળીની સામે બેઠા હતા. એમની પાછળ તાપણું હતું. તેઓ એક પછી એક પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હતા. પોતાના ઉત્તરને સમજાવવા માટે વચ્ચે વચ્ચે તેઓ સંસ્કૃત શ્લોકોનો પાઠ કરતા હતા. સંધ્યા ધીરે ધીરે રાત્રિમાં વિલીન થઇ રહી હતી. આ દ્રશ્ય સ્વામીજીને ભારતીય ઉપવન અથવા ગામની સીમમાં આવેલ કૂવાની પાસે કે ઝાડની નીચે બેઠેલા સાધુની આસપાસ સંધ્યા કાળે એકત્રિત થયેલ શ્રોતાઓ જેવું જ લાગ્યું હશે.

ઇંગ્લેન્ડમાં સ્વામીજીને ગુરુ રૂપે ફરીથી આટલી સહજ અવસ્થામાં મેં જોયા નથી. ત્યાર બાદ હમેશાં તેમનેે પ્રવચન આપતા કે વિરાટ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાવૃંદ દ્વારા ઔપચારિક રીતે પુછાએલ પ્રશ્નોના ઉત્તર આપતાં જ જોયા છે. આ પ્રથમ સમયે શ્રોતાઓની સંખ્યા પંદર કે સોળ હતી, જેમાં મોટા ભાગના ગાઢ મિત્રો હતા. સ્વામીજી પોતાના ભગવા વસ્ત્ર્ામાં અમારી વચ્ચે બેસી કોઈ સુદૂર દેશના શુભસમાચાર સંભળાવતા હતા. તેમને વચ્ચે વચ્ચે ‘શિવ, શિવ’ બોલવાની ટેવ હતી; સાથે સાથે મૃદુતા અને ઉદાત્તતાનો મિશ્રભાવ તેઓ પોતાના મુખ પર લઇ આવતા હતા. લાંબો સમય ધ્યાનમાં વિતાવનારના ચહેરા ઉપર આ ભાવ દેખાય છે. કદાચ મહાન ચિત્રકાર રાફેલે પણ પોતાના ‘દિવ્ય બાળક’ ના ચહેરા ઉપર આ ભાવ દર્શાવ્યો છે.

દસ વર્ષ પહેલાંના મધ્યાહ્ને થયેલ આ વાતોના કેટલાક અંશો જ યાદ આવે છે. પરંતુ સ્વામીજીએ અદ્‌ભુત પ્રાચ્ય સૂરમાં ગાયેલ સંસ્કૃત શ્લોકો ક્યારેય ભુલાય એમ નથી. આ સૂર આપણાં દેવળોના ગે્રગોરીયન સંગીતની યાદ અપાવતો હોવા છતાં એનાથી વિશિષ્ટ હતો.

સ્વામીજી અંગત પ્રશ્નોના ઉત્તર આપવા તૈયાર હતા. તેઓ શા માટે પશ્ચિમમાં આવ્યા હતા, એ પ્રશ્નના ઉત્તરમાં એમણે સમજાવ્યું કે જેમ બજારમાં વસ્તુઓની આપ લે થાય છે, એમ રાષ્ટ્રોએ પોતાના વિચારોની આપ લે કરવાનો સમય આવી પહોંચ્યો છે. આ મુદ્દા પછી વાર્તાલાપ સહજ બની ગયો. પ્રાચ્યનો સર્વેશ્વરવાદ સમજાવવા તેમણે કહ્યું કે ઈશ્વરનાં વિવિધ સ્વરૂપો એક જ સત્યની વિભિન્ન અભિવ્યકિતઓ છે. ગીતાનો એક શ્લોક ટાંકી એનો અનુવાદ કર્યો ‘માળામાં પરોવાયેલ મોતીઓની જેમ ઈશ્વરનાં વિવિધ સ્વરૂપો મારામાં પરોવાયેલ છે’.

સ્વામીજીએ કહ્યું કે ઈસાઇ ધર્મની જેમ જ હિંદુ ધર્મમાં પ્રેમને સર્વોચ્ચ આધ્યાત્મિક ભાવના રૂપમાં સ્વીકારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ પ્રમાણે શરીર અને મન બન્ને એક ત્રીજા દ્વારા સંચાલિત થાય છે, જે છે આત્મન્. આ વિચારની મારા ઉપર ખૂબ ઊંડી અસર થઇ અને એ વિચાર પછીના શિયાળામાં મને એક નવા જ નિષ્કર્ષ તરફ લઇ ગયો.

સ્વામીજી બૌદ્ધ અને હિંદુ ધર્મના ભેદ વિશે સમજાવી રહ્યા હતા. એમના સૌમ્ય શબ્દો મને યાદ છે, ‘બૌદ્ધો ઇન્દ્રિયોના અસ્તિત્વની વાતને ભ્રમ તરીકે સ્વીકારતા.’ આનો અર્થ એમ કે બૌદ્ધ ધર્મ અને આધુનિક શૂન્યવાદની વચ્ચે મોટો વિરોધાભાસ હોવો જોઈએ. શૂન્યવાદનો મૂળ સિદ્ધાંત – ઇન્દ્રિયોની અવાસ્તવિકતા, અને એના પરિણામે ઈન્દ્રિયગમ્ય વિશ્વની પણ અવાસ્તવિકતા – તેમને હિંદુ ધર્મની નજીક લઇ આવે છે.

મને યાદ છે કે સ્વામીજીએ ‘શ્રદ્ધા’ શબ્દ નકારીને ‘અનુભૂતિ’ શબ્દ ઉપર ભાર મૂકયો હતો. સંપ્રદાયો વિશે ચર્ચાના સમયે એમણે એક હિંદુ કહેવત ટાંકીને કહ્યંુ હતું, ‘દેવળમાં જન્મ થવો સારો છે પરંતુ દેવળમાં મૃત્યુ પામવું ભયાનક છે’.

(ક્રમશ 🙂

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.