ગતાંકથી ચાલુ…

હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને અન્ય રાજાઓએ ચલાવેલા ઢાળેલા અને ઉપસાવેલા તાંબાના સિક્કાઓનો ઉલ્લેખ તો મળે જ છે! તક્ષશિલા પાસેથી ઈ.પૂ. ત્રીજી સદીનીયે પહેલાં કાંસું અને તાંબું અને ધાતુ ગાળવાની કળા સુવિદિત હતી.

તિરુનેલવેલી અથવા તિન્નેવેલી (તમિલનાડુ)માં શસ્ત્રાસ્ત્રોની વિવિધ જાતો અને લોઢાનાં ઓજારો બહોળા પ્રમાણમાં મળી આવ્યાં છે. અને એનો સમય ઈ. પૂ.ની ચોથી સદી નક્કી કરવામાં આવ્યો છે. દિલ્હી નજીક ઉત્તરપ્રદેશમાં કરાયેલા પુરાતત્ત્વીય ખોદકામમાં મળી આવેલા નમૂનાઓનું રેડિયો-કાર્બનથી કાલમાન કરતાં એનો સમય ઈ. પૂ. ૧૦૨૫ થી ૫૩૭ ઈ.પૂ. સુધીનો આંકવામાં આવે છે.

કહેવાય છે કે પૌરસ રાજાએ સિકંદરને ૧૩.૬ કિલોગ્રામનો લોઢાનો ટુકડો ભેટ આપ્યો હતો. સુશ્રુતસંહિતાના ઉલ્લેખ મુજબ શસ્ત્રક્રિયાનાં ઘણાં ઉપકરણો લોઢાનાં બનાવેલાં હતાં. ઈ.સ.ની પહેલી સદીમાં પણ ભારતીય લોઢાંની નિકાસ વિદેશોમાં થતી. અને એ લોઢુ સુવિખ્યાત દમાસ્કસની તલવારો બનાવવામાં વપરાતું. વારાહ મિહિરે (આઠમી સદી) પોતાની બૃહત્સંહિતામાં પોલાદને પાણીદાર બનાવવાની રીત લખી છે. એટલે આપણે આસાનીથી કહી શકીએ કે કેવળ કાચી ધાતુને ઓગાળી અલગ કરવાનું જ નહિ પણ એમાંથી વિવિધ ધાતુઓની ઉપયોગી વસ્તુઓ બનાવવાનું પણ તત્કાલીન (પ્રાચીન અને મધ્યયુગીન) ભારતીયો જાણતા હતા.

પશુચિકિત્સા વિજ્ઞાન પણ સહજ વિકસ્યું હતું. કારણ કે ત્યારના લોકો ખાસ કરીને ગાય, બળદ અને ગોવંશી પ્રાણીઓ ઉપર જ નિર્ભર રહેતા. રાજાઓને પણ પોતાના સૈન્ય માટે ઘોડાઓ અને હાથીઓની જરૂર પડતી, એટલે આ ત્રણ પ્રાણીઓ પર લોકોનું ધ્યાન વધુ ખેંચાતું. અને સમય જતાં એ ત્રણને કેન્દ્રમાં રાખીને પશુચિકિત્સાશાસ્ત્ર વિકાસ પામ્યું. એટલે એને ‘ગવાયુર્વેદ’ એવું સાર્થક નામ અપાયું. આ ‘ગવાયુર્વેદ’રચવાનું શ્રેય ઋષિ ગૌતમને જાય છે. મધ્યયુગ સુધી ગૌતમનો ‘ગવાયુર્વેદ’ ગ્રંથ પ્રમાણભૂત ગ્રંથ રહ્યો હતો. એમાં પશુઓના રોગો ઉપરાંત ચિકિત્સા, ખોરાકની જાણકારી, પોષણ, વાછરુનો ઉછેર, દૂધ ઉત્પાદન, જાળવણી વગેરે વિષયો નિરૂપાયા છે.

‘અશ્વાયુર્વેદ’નો મુખ્ય વિષય ‘શાલીહોત્ર સંહિતા’માં છે. એનો રચનાકાળ મળતો નથી. આ ગ્રંથના ફકરાઓ અગ્નિપુરાણમાં મળે છે. કુલ્હણનો ‘શાલીહોત્રસમુચ્ચય’ (બારમી સદી), એ આ સંહિતાનો પુનરુદ્વાર લાગે છે. આ એક દળદાર ગ્રંથ છે અને તે ઘોડાનાં શરીરરચના, શરીર વિજ્ઞાન, રોગનિદાન, જરૂરી ઔષધીય કે શસ્ત્રક્રિયા સંબંધી બીજી બાબતો વગેરે બધાં જ પાસાંને ચર્ચે છે. સાથોસાથ એનાં પોષણ, જાતીયવૃત્તિ અને ઉંમરની પણ ચર્ચા કરે છે.

પાલાકાવ્ય ઋષિને નામે ચડેલી ‘પાલાકાવ્ય સંહિતા’ એ હસ્ત્યાયુર્વેદનો એક આકારગ્રંથ છે. એ ગુરુશિષ્યના પ્રશ્નોત્તરરૂપે લખાયેલ છે. શિષ્ય રોમપાદ છે. આ ગ્રંથમાં હાથીની શરીરરચના, શરીરવિજ્ઞાન, રોગનિદાન, મોટા અને નાના રોગો, એના ઔષધીય અને શસ્ત્રક્રિયાના ઉપાયો, દવાઓ અને ખોરાક વગેરે વર્ણવેલ છે. આ વિશેનું એક બીજું પુસ્તક નીલકંઠાચાર્યનું ‘માતંગલીલા’છે. આ બંને ગ્રંથોનો રચનાકાળ જાણી શકાયો નથી.

વૈદિક વાઙ્મય ઉછેરાતાં પ્રાણીઓને ભેગાં કરી તેનું સામાન્ય વર્ગીકરણ કરવા પૂરતું મર્યાદિત રહ્યું. ચરકસંહિતા અને સુશ્રુતસંહિતામાં ચારપગવાળાં પ્રાણીઓ અને પક્ષીઓ, માંસાહારી તેમજ નિરામિષાહારી પ્રાણીઓ જણાવ્યાં છે. સિંહ, વાઘ, રીંછ, ઊંટ, હાથી, કૂતરો, વરુ, ગધેડો, ઘુવડ, બાજપક્ષી, મત્સ્યભોગી શકરો વગેરે એમાં છે. જે બીજાં પ્રાણીઓ એમાં ઉલ્લેખ્યાં છે તે દેડકો, ગરોળીઓ, વિવિધ પ્રકારનાં સરીસૃપો, તેમજ હંસ, બતક, બગલા, વેગીલું પક્ષી વગેરે છે. કબૂતર, હોલાં, કલકલિયો, અને અન્ય જીવજંતુઓનો પણ ત્યાં સમાવેશ કર્યો છે.કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ.પૂ. ૩૦૦) કેટલાંય માછલાંઓ તેમજ ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઘોડા અને હાથીઓના ઉછેરની વાત લખી છે. જેમ ગરુડ પુરાણ (ઈ. ૯૦૦)માં ઘોડા અને હાથી જેવાં કેટલાંક પ્રાણીઓના રોગો વિશે લખ્યું છે, તેમ દલ્બણના નિબંધસંગ્રહમાં (૧૦મી સદી)નવાઈ લાગે તેવી રીતે વિસ્તારથી કેટલાંક પ્રાણીઓ અને પક્ષીઓ અને જંતુઓનાં સ્પષ્ટ વર્ણનો છે.

આમ પોતાની આસપાસની કુદરત સાથે સંવાદ સાધીને તત્કાલીન પ્રાચીન-મધ્યયુગીન ભારતીયોએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. એને પરિણામે જે વાઙ્મય આપણી પાસે આજે મોજૂદ છે, તે ખરેખર જ ખૂબ ઉપયોગી છે.

Total Views: 670

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.