શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રી ગુલાબભાઇ જાની જાણીતા કેળવણીકાર છે.

આજના યુગને આપણે વિજ્ઞાનનો યુગ કહીએ છીએ. અનેકવિધ વૈજ્ઞાનિક સંશોધનોએ દુનિયાને ભૌતિક રીતે પલટાવી નાખી છે. સાથોસાથ વિચારોની દુનિયામાં, મનુષ્યની આસ્થામાં, ધર્મ અને અધ્યાત્મની વિચારસરણીમાં પણ જબરજસ્ત પરિવર્તનો એના કારણે આવ્યા છે. એવા સમયે એક સમર્થ અધ્યાત્મશાસ્ત્રના વૈજ્ઞાનિક એવા સ્વામી વિવેકાનંદના કાર્યને મૂલવવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે કારણ કે કોઈ વ્યક્તિત્વના જ્યારે અનેકવિધ પાસાઓ હોય ત્યારે તેમને કઈ રીતે અંજલિ અર્પવી? સ્વામીજી ફક્ત સંત હોત, સમાજસુધારક હોત કે રાષ્ટ્રીય પુરુષ હોત તો તેમને માટે અંજલિ આપવાનું એટલું મુશ્કેલ ન બનત, પરંતુ તેમનું વ્યક્તિત્વ તો આ બધાથી પણ સવિશેષ હતું.

ભારતીય પંરપરામાં વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું. આધ્યાત્મિક ઊંચાઈએ આંબેલા અનેક ઋષિમુનિઓની સિદ્ધિને આપણે જાણીએ છીએ, પરંતુ સહુ પ્રથમ ધર્મને સંકુચિત વાડામાંથી મુક્ત કરી વ્યાપક બનાવવાનું કાર્ય સ્વામી દયાનંદ સરસ્વતી વગેરેએ કર્યું, પરંતુ એ ધર્મને જનસમાજને સમજાવવાનું રાષ્ટ્રના દરિદ્રનારાયણની સેવાના સંકલ્પરૂપે મૂકવાનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું.

ભારતીય સમાજવાદનો યુગ સ્વામી વિવેકાનંદના સમયથી શરૂ થાય છે. તેમણે પશ્ચિમના ભૌતિક સમાજવાદની અભ્યાસ કર્યો અને ભારતમાં આવી એ સમાજવાદને આધ્યાત્મિક ઓપ આપી અને ભારતીય સમાજવાદનું ઘડતર કર્યું. એ પ્રથમ એવા સાધુ હતા કે જેમણે પોકારીને કહ્યું કે ઘોર તમસમાં પડેલી પ્રજાનો પ્રથમ રાજકીય અને આર્થિક ઉદ્ધાર કરો તો જ પછી સત્ત્વમાં લઈ જઈ શકશો. એટલા માટે જ તેમણે આમજનતા પ્રત્યે ફક્ત કુમળું હૃદય ન રાખ્યું, પરંતુ તેના અધિકારની વાત પણ કહી. સાથોસાથ તેમણે એ પણ બતાવ્યું કે, ફક્ત ભૌતિક સુખોથી સાચો સમાજવાદ નહીં આવે. ભૌતિક સંપત્તિની સમાન વહેંચણી સાથોસાથ આધ્યાત્મિક મૂલ્યાંકનોનો પણ જનસમાજમાં પ્રચાર કરવો પડશે. સ્વામીજી આ રીતે આર્ષદૃષ્ટા હતા. તેમણે જોયું કે માત્ર સાધન-સંપત્તિ વધે તે પૂરતું નથી. ફક્ત ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરીને યુરોપની પ્રજાને જે પ્રશ્નો સહન કરવા પડ્યા છે તે ભારતીય પ્રજાને સહન ન કરવા પડે તે માટે તેમણે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ બતાવ્યો. આમ યુરોપના ભૌતિકવાદ અને પૂર્વના અધ્યાત્મવાદનો સુભગ સમન્વય સ્થાપનાર તેઓ બની ગયા.

ભારતીય સાધુપ્રથાને નવા સ્વરૂપે સેવાકાર્ય માટે પ્રયોજી સ્વામીજીએ સાધુપ્રથાને સમાજના શ્રેય માટે પુન :જીવિત કરી છે. તેઓ આધ્યાત્મિક ઉન્નતિ અને જનસેવાના સમીકરણ દ્વારા ભારતનું પુનરુત્થાન કરવા માગતા હતા. સમગ્ર ભારતનું પરિભ્રમણ કરી જ્યારે કન્યાકુમારીના એ સાગર ત્રિવેણી સંગમ મધ્યે શિલા પર બેસી ધ્યાન કર્યું ત્યારે એકાએક એમને પ્રકાશ થયો કે ફક્ત પરિભ્રમણ કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધવી એ તો અંગત સ્વાર્થ થયો. ભારતના કરોડો દરિદ્રનારાયણો માટે સાધુએ સેવા આપવી પડશે. કરુણામય પ્રભુનું સાચું દર્શન તેમણે આ દરિદ્રનારાયણમાં કર્યું અને પછીના તેમના કાર્યનો ઇતિહાસ તો જાણીતો છે.

સ્વામી વિવેકાનંદ પ્રથમ એવા સાધુ હતા કે જેમણે દરિદ્ર દેવો ભવ :, મૂર્ખ દેવો ભવ : કહી દરિદ્રનારાયણની સેવા કરવા અનુરોધ કર્યો. મહાત્મા ગાંધીજીએ એ શબ્દને ચરિતાર્થ કરવા જીવન અર્પણ કર્યું તે આપણે જાણીએ છીએ.

સ્વામીજી કહેતા કે ‘ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા પહેલાં મનુષ્યમાં શ્રદ્ધા ધરાવતા શીખો. જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુઓ લૂછી ના શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મૂકી ના શકે એવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રદ્ધામાં નથી.’ આમ કહી ધર્મનું ખરું સ્વરૂપ બતાવ્યંુ. સર્વધર્મ સમન્વયની વાત કહી વિશ્વધર્મનો વિશાળ દૃષ્ટિકોણ રજૂ કર્યો અને દરિદ્રનારાયણ તરફ પ્રેમ અને કરુણા દાખવી સાચા સેવાધર્મનો ઉપદેશ આપ્યો અને જીવનમાં આચરી બતાવ્યું. મિસ મેક્લાઉનને જવાબ આપતાં તેઓ જે કહે છે તે કેટલું બધું સાચું છે. ‘સાચું નેતૃત્વ અનાસક્તિના પાયા પર જ સંભવે.’

સ્વામી વિવેકાનંદ સમગ્ર જગતમાં ફરીને એ જોઈ શક્યા હતા કે નવી માનવતા કેટલી ઉજ્જવળ અને બળવાન છે. તેની સરખામણીમાં ભારતના લોકો નિરાશામય, દુર્બળ અને બીમાર લાગ્યા. તેથી તેઓએ શારીરિક ઉન્નતિ, સાહસ, સેવા અને કર્મની મહત્તા ભારતના લોકોને બતાવી. ભારતવર્ષને તેઓ ગુફાબદ્ધ સંન્યાસીઓનો દેશ બનાવવા નહોતા માગતા. સ્વામીજી વારંવાર કહેતા કે, ભારતનું કલ્યાણ શક્તિની સાધનામાં છે. વ્યક્તિ-વ્યક્તિમાં જે શક્તિ છુપાયેલી પડી છે તે બહાર લાવવાની જરૂર છે. લોકોમાં વીરતા, નિર્ભયતા અને બલિદાનની ભાવના જાગૃત કરવા તરફ સ્વામીજીએ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ માટે દેશવિદેશમાં વ્યાપક પ્રવાસ કર્યા. યુરોપ, અમેરિકાનો પ્રવાસ કરી હિંદુધર્મનું હાર્દ પશ્ચિમની પ્રજાને સમજાવ્યું અને વેદાન્તનું સર્વગ્રાહ્ય અર્થઘટન કરી ધર્મની વ્યાપક દૃષ્ટિનો ખ્યાલ આપ્યો.

સ્વામી વિવેકાનંદના મતે જે નિયમો માત્ર સંન્યાસી માટેના જ છે તેમનાથી સૌ કોઈને બાંધવા એ એક બહુ મોટી ભૂલ થઈ છે. એ જો ન થયું હોત તો ભારતમાં તમે જે મોટા પ્રમાણમાં દારિદ્રય, દુ :ખ દેખી રહ્યા છો એ આવ્યા જ ન હોત. બિચારા ગરીબ માણસનું જીવન એને માટેની બિનજરૂરી અને ભારેખમ એવા આધ્યાત્મિક અને નૈતિક નિયમોમાં બંધનથી ઘેરાઈ પડ્યું છે, જકડાઈ રહ્યું છે. એમને છૂટ આપો! બાપડા ગરીબને જરીક આનંદ કરવા દો! આ બાબતમાં કદાચ પાશ્ચાત્ય લોકો પાસેથી આપણે થોડુંક શીખીએ.

ભારતના ઉચ્ચ વર્ગાે! શું તમે એમ માનો છો કે તમે જીવતા છો? તમે તો માત્ર ૧૦,૦૦૦ વર્ષ પુરાણા સચવાયેલા હાડપિંજર છો. તમારી જગ્યાએ નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતાં ખેડૂતોની ઝુંપડીમાંથી… માછીમારો, ચમારો અને ઝાડૂવાળાની ઝુંપડીઓમાંથી એને જાણવા દો. કારખાના અને બજારોમાંથી એને બહાર નીકળવા દો. રચનાત્મક વિચાર કેળવો. તમારા શાસ્ત્રોને ગંગા નદીમાં ફેંકી દો. આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને દંભ ફેલાઈ રહ્યા છે. પ્રથમ આ દેશના લોકોને પાશ્ચાત્ય વિજ્ઞાનની મદદથી સારો ખોરાક, સારા કપડા અને ભોગના પુષ્કણ સાધનો મેળવતા શીખવો. પછી જ આ ભોગના બંધનોમાંથી કેમ છૂટવું એનો અદ્વૈતવાદી ઉપદેશ તેમને કહો.

ભારતમાં આપણે ગરીબો અને નીચલા વર્ગના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી ! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક, છૂટવાનો આરો કે ઉપર આવવાનો રસ્તો મળતો નથી. ભારતમાં ગરીબો, નીચલા થરના લોકો તેમ જ પતિતોને મિત્રો કે મદદ મળતા નથી. ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેઓ ઊંચે ચડી શકતા નથી. તેઓ દિનપ્રતિદિન નીચે ને નીચે ઊતરતા જાય છે. ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમને લાગે છે, પણ એ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્યો છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે!

પોતાના મહાન વિચારોના ધસમસતાં પ્રવાહને જો એમ ને એમ સ્વામીજીએ વહી જવા દીધો હોત તો એમના જીવનકાર્યની શી કિંમત રહેત? અને આવા મૌલિક વિચારોનો લાભ પણ ભાવિ પેઢીને શી રીતે મળી શકત? સ્વામી વિવેકાનંદ એક વ્યક્તિ નહીં, પણ સંસ્થા હતા. એક સાધારણ માનવ નહીં, પણ એક અસાધારણ ઘટના હતા. ભારતમાં આવ્યા પછી એમણે પોતાના ગુરુભાઈઓને કહ્યું ‘મારા જીવનનું કાર્ય એ છે કે, ભારતમાં નવીન પ્રકારના સંન્યાસીઓ ઊભા કરવા. એવા સંન્યાસીઓ જગતના લોકોને સહાય આપશે અને એમનાં દુ :ખો દૂર કરવા માટે જીવન સમર્પણ કરશે.’ આ વિચારોને મૂર્તસ્વરૂપ આપવા ૧૮૯૭ના મે માસમાં ધી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને આમ સંન્યાસધર્મને નવું જ રૂપ આપ્યું. રામકૃષ્ણ મિશન દ્વારા વિદ્યાલયો સ્થાપ્યાં. જે દ્વારા અજ્ઞાનતા ફેડવાનો પ્રયાસ કર્યો. પુસ્તકાલયો દ્વારા દિવ્યજ્ઞાનની ભૂખ સંતોષી. તબીબીસેવા દ્વારા જનતાના શારીરિક રોગો દૂર કરી ઉત્તમ સ્વાસ્થ્ય બક્ષવાનો પ્રયાસ શરૂ કર્યો. આમ વિવિધ કાર્યો દ્વારા ભારતની પ્રજામાં પ્રવેશી ચૂકેલા તમસને દૂર કરવાનો ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો. ‘રામકૃષ્ણ મિશન’ની પરંપરાએ ભારતની પ્રજા સમક્ષ અને સાધુઓ સમક્ષ એક નવો આદર્શ મૂક્યો. દરિદ્રોમાં નારાયણના દર્શન કરવાનો અને તેમની સેવા કરવાનો. ધ્યાનની સાથે કર્મનો સુંદર સુમેળ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના દ્વારા આપ્યો. સાધુ સમાજરૂપી ગ્રંથના પૂર્વાર્ધ આપણે આદિ શંકરાચાર્યને ગણીએ તો ઉત્તરાર્ધ સ્વામી વિવેકાનંદ છે.

એમણે લખ્યું, ‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્મોપદેશ આપ્યા કરીએ. એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા કે ભૂખ્યે પેટે ધર્મ આચરી શકાય નહીં. પેલા દરિદ્ર લોકો પશુના જેવું જીવન જીવી રહ્યાં છે એનું કારણ કેવળ અજ્ઞાન છે. આપણે યુગોથી તેનું શોષણ કરતાં આવ્યાં છીએ અને તેઓને પગ તળે કચડતાં આવ્યાં છીએ. રોગ તો પારખ્યો પણ ઔષધ ક્યાં?’

સ્વામીજીને ઔષધ સૂÈયું : ‘ભારતવર્ષે ત્યાગ અને સેવાનો બેવડો આદર્શ અપનાવવો જોઈએ. આ અધ :પતન માટે જવાબદાર આપણે જ છીએ, ધર્મ નથી.’

દેશભક્તિના માપદંડ તરીકે ગણી શકાય એવા ઉદ્ગાર કાઢતાં એમણે કહેલું : ‘દેશભક્ત થવાનું પહેલું પગલું એ છે કે ભૂખે મરતાં લાખો દેશબંધુઓ માટે લાગણી ધરાવવી.’ એ માટે યુવાનોને એમણે અનુરોધ કર્યો કે, ‘કોઈને માટે ખાસ હક્કની વાત કરવી નહીં. સૌને સમાન તક આપવી. યુવાનોએ સમાજના ઉદ્ધારનો, સમાજની સમાનતાનો સંદેશ આપવો જોઈએ.’ ભારતવર્ષના તત્કાલીન પ્રશ્નોનો એમણે સર્વગ્રાહી અભ્યાસ કર્યો હતો. એમને લાગ્યું હતું કે ‘આપણે એક રાષ્ટ્ર તરીકે આપણું વ્યક્તિત્વ ખોઈ બેઠાં છીએ. ભારતવર્ષની દુર્દશાનું કારણ એ જ છે. આપણે રાષ્ટ્રને એનું લુપ્ત થયેલું વ્યક્તિત્વ પાછું આપવાનું છે અને જનતાનો ઉદ્ધાર કરવાનો છે.’

એમને મન જીવ અને શિવના મિલન માટે કારખાનું કે કાૅલેજ, વાડી કે ખેતર – બધાં જ સાધુની ગુફા કે દેવમંદિરના દ્વાર જેટલાં જ સાચા અને યોગ્ય સ્થળ છે. એમને મન પ્રાણીસેવામાં અને ઈશ્વરની ઉપાસનામાં, મર્દાઈમાં અને શ્રદ્ધામાં, સાચી નીતિમત્તામાં અને આધ્યાત્મિકતામાં કશો જ ભેદ નથી. સ્વામી વિવેકાનંદ ગયા. અનેક યુગો આવશે અને જશે, પરંતુ જ્યારે ભારતને પોતાના ખરા વ્યક્તિત્વના દર્શન કરવા હશે ત્યારે સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને જીવન પ્રત્યે નજર નાખવી જ પડશે.

આજે આ દેશ સમક્ષ જ્યારે ભગીરથ કાર્ય પડ્યું છે, સમાજ જ્યારે તમસમાં અટવાઈ રહ્યો છે. દેશ જ્યારે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્રાંતિના ઉંબરે આવીને ઊભો છે ત્યારે વિવેકાનંદના ઉપદેશ અને માર્ગ આપણને સાચી દિશા સૂઝાડશે.

રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ, ‘અગર કોઈ ભારતને સમજવા માગે તો તેણે વિવેકાનંદનો અભ્યાસ કરવો જ જોઈએ.’

આવા દરિદ્રનારાયણના દેવદૂત સ્વામી વિવેકાનંદને અનુસરી કાર્ય કરીએ તે જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. ·

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.