આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે-

गंगा पापं शशी तापं दैन्यं कल्पतरुस्तथा।
पापं तापं च दैन्यं च घ्नन्ति सन्तो महाशयाः ।।

ગંગા પાપ હરે છે, ચંદ્ર તાપ હરે છે ને કલ્પતરુ દરિદ્રતાનું હરણ કરે છે, પણ વિશાળ અંતઃકરણવાળા સંતપુરુષોની વિશિષ્ટતા તો એ છે કે એ પાપ, તાપ ને દરિદ્રતા – ત્રણેયનું હરણ કરે છે.

સંતોનો સમાગમ એ જીવન તારી દે છે. આવા જ એક સંત પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીને ગણી શકાય.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી સંપર્ક. ઉષાબહેનને તો શાળાકક્ષાએથી જ સંપર્ક. તેઓ આશ્રમ સામે આવેલ જાગનાથ પ્લોટમાં રહેતાં હતાં.

એ સમયે પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ આશ્રમના અધ્યક્ષ હતા. તેઓની બેલુર મઠમાં બદલી થઈ. તેમની જગ્યાએ ૧૯૬૬માં પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી આવ્યા. થોડા જ દિવસોમાં તેમનો પરિચય થતાં પ્રભાવિત થઈ જવાયું. આંખોની ચમક, માણસોને માપવાની શક્તિ, ઝડપી ચાલ, મોહક વ્યક્તિત્વથી ટૂંક સમયમાં ચાહકોનું મોટું વર્તુળ રચાઈ ગયું.

એક દિવસ સ્વામીજીએ મને બોલાવીને કહ્યું, ‘પ્રોફેસર, કોલેજના વિદ્યાર્થીઓને આશ્રમમાં લાવો. આપણે એક અભ્યાસ વર્તુળ ચલાવીએ.’ થોડા જ દિવસમાં દસ-પંદર વિદ્યાર્થીઓને આશ્રમમાં લઈ જવાનું શરૂ કર્યું. દર રવિવારે સવારના ૧૦-૦૦ વાગ્યે મળવાનું. સ્વામીજી પોતે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપે. સ્વામી વિવેકાનંદના વિચારો, શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમાશારદાદેવીની વિચારાધારા વગેરે વાતો થતી. મેં મહારાજને કહ્યું, ‘વિદ્યાર્થીઓ કહે છે કે અમને ફક્ત ઉપદેશ કરતાં સેવાનાં કાર્યો કરવામાં રસ છે.’ મહારાજ કહે, ‘અરે ! વાહ ! એ જ તો હું ઇચ્છતો હતો.’ અને એ પછી આશ્રમ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ હોંશભેર કામ કરવા લાગ્યા.

મહારાજે એક દિવસ અમને બોલાવીને કહ્યું, ‘રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રાજકોટ આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે. હું ઇચ્છું છું કે તમે બન્ને તેમના હસ્તે દીક્ષા ગ્રહણ કરો.’ અમે કહ્યું, ‘અમે એવા ક્રિયાકાંડમાં નથી માનતા. દીક્ષા લીધા વિના પણ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદામણિ તથા સ્વામી વિવેકાનંદનું કાર્ય તો કરી જ શકાય.’ તેઓએ ખૂબ સમજાવ્યું કે આ કોઈ ક્રિયાકાંડ નથી, આસ્થા છે અને તમને ગમે તેમનું નામસ્મરણ કરી શકો છો. પછી કહે, ‘પ્રોફેસર, બુદ્ધિની નહીં, હૃદયની વાત માનો.’ એમના આગ્રહથી અમે મા શારદામણિના શિષ્ય એવા પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના હસ્તે દીક્ષા લીધી. એ પછી અમારાં બન્ને સંતાનો – પુત્રી વિભાવરી અને પુત્ર આનંદે પણ દીક્ષા લીધી.

તેઓએ મને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિમાં સભ્ય થવા આમંત્રણ આપ્યું. એ સમયે એ સમિતિમાં રાજકોટના અગ્રગણ્ય મહાજનો- શ્રી ગજાનનભાઈ જોશી, શ્રી પ્રાણભાઈ જોશી, શ્રી ઉમાકાંતભાઈ પંડિત, શ્રી પુરુષોત્તમભાઈ તથા શ્રીમતી વિજયાબહેન ગાંધી, શ્રી વાય. જી. મારુ વગેરે હતાં. આજે તેમના ભત્રીજા વિખ્યાત આર્કિટેક્ટ શ્રી ગિરીશભાઈ મારુ સમિતિના મંત્રી તરીકે સેવા આપે છે. તેમની વિદ્વત્તા અને જ્ઞાનનો લાભ મને મળ્યો.

મહારાજ સાથે જેમ જેમ નિકટ આવવાનું બન્યું તેમ તેમ તેમની વહીવટી શક્તિ, વિશાળ દૃષ્ટિ, અને કાર્યક્ષમતાનો પરિચય થયો.

ઈ. સ. ૧૯૬૭ના વર્ષમાં એક દિવસ મહારાજે અમને બન્નેને બોલાવ્યાં. તેમણે કહ્યું, ‘આ વર્ષ સિસ્ટર નિવેદિતાનું જન્મશતાબ્દી વર્ષ છે. આ વિદુષી બહેને ભારત પર જે ઉપકાર કર્યા છે તે ભૂલી શકાય તેમ નથી. સ્વામી વિવેકાનંદના આદેશથી ઇંગ્લેન્ડથી ભારત આવી પોતાનું સર્વસ્વ અર્પણ કરી, બાળકો તથા બહેનો માટે તેમણે કરેલ ત્યાગ અદ્વિતીય છે. તમે આ વર્ષ દરમિયાન એમના કાર્યને અંજલિ અર્પવા, વર્ષ દરમિયાન કેટલાક કાર્યક્રમો રાજકોટમાં યોજોે.’ તેમણે ‘Complete Works of Sister Nivedita’નાં પુસ્તકોનો સેટ વાંચવા આપ્યો. એ વાંચીને ખૂબ જ પ્રભાવિત થયા અને મહારાજના માર્ગદર્શન નીચે કેટલાક કાર્યક્રમો કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે યોજ્યા. વર્ષના અંતે ફરી બોલાવી અમને બન્નેને આશીર્વાદ આપતાં કહ્યું, ‘સરસ કામ કર્યું. ધન્યવાદ. પણ મારે તમને બન્નેને એક બીજી વાત કહેવી છે.’ અમે કહ્યું, ‘જરૂર કહો.’ તેમણે કહ્યું, ‘You are doing a very good job at P.G. level, but now you should do at K.G. level as Sister Nivedita has done.’

અમે કહ્યું, ‘મહારાજ, કોલેજ સવારના સમયે હોય છે. આપની આજ્ઞા અનુસાર એ પછી જરૂર પાયાથી કામ કરવા તૈયાર છીએ.’

તેમણે હસતાં હસતાં કહ્યું, ‘એમ નહીં. કોલેજની નોકરી છોડી દો. બાલમંદિર શરૂ કરી કામની શરૂઆત કરો. મનુષ્યઘડતરનો પાયો બાલમંદિર અને પ્રાથમિક શાળા છે. પાયો મજબૂત હશે તો ઇમારત ટકશે.’ આ અમારા માટે નવી વાત હતી. પ્રાધ્યાપકની પ્રતિષ્ઠાભરી નોકરી, નિશ્ચિત આવક, સમાજમાં પ્રતિષ્ઠા- એ બધું છોડી નવું શરૂ કરવાનું અઘરું હતું. પણ મહારાજની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીની અસરથી હિંમત કરી. અમે ૧૯૬૮ના જૂનમાં સિસ્ટર નિવેદિતા બાલમંદિરની સ્થાપના કરી કાર્યનો પ્રારંભ કર્યાે. અમારા જીવનનો એ Turning Point હતો. અમે મહારાજને કહ્યું, ‘આપ કહો છો તેમ નોકરી છોડી દઈએ. પણ અમારી પાસે પૈસા નથી. સંસ્થા માટે પણ પૈસા જોઈએ.’ ત્યારે તેમણે હિંમત આપતાં કહ્યું, ‘Thakur will take care of you’. એમના એ શબ્દોના સથવારે અમે નવપ્રયાણ કર્યું. સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. હમણાં જ ૫૦ વર્ષ પૂરાં થયાં. સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ આજે અનેકવિધ સંસ્થાઓ ચલાવે છે, જેવી કે-

(૧) સિસ્ટર નિવેદિતા સ્કૂલ – સિસ્ટર નિવેદિતા બાલમંદિર, જ્ઞાનદીપ પ્રાથમિક શાળા, સિસ્ટર નિવેદિતા માધ્યમિક શાળા, સિસ્ટર નિવેદિતા ઉચ્ચતર માધ્યમિક શાળા, (ર) સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ, (૩) પ્રિન્સિપાલ ડી.પી. જોશી પબ્લિક લાઈબ્રેરી, (૪) સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર- કમ્પ્યૂટર સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમ મેનેજમેન્ટ, ઇન્સ્ટિટયૂટ ઓફ ગાર્મેન્ટ મેકિંગ, ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ડિઝાઈન, ટૂંકા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો, ગ્રીષ્મ તાલીમવર્ગાે, (૫) પૂર્વ-પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર, (૬) હોબી સેન્ટર, (૭) સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન, (૮) ‘સમુદ્ગાર’ ત્રૈમાસિક, (૯) સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકો માટે, (૧૦) જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તથા ઉચ્ચ અભ્યાસ માટે વ્યાજમુક્ત લોન, (૧૧) ધન્વન્તરી ઔષધિય ઉપવન, (૧૨) ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશન – રોટરી ગ્રેટર કમ્પ્યૂટર સેન્ટર-એજ્યુકેશનલ વિડિયો લાઇબ્રેરી એન્ડ રિસોર્સ સેન્ટર, શ્રીમતી કોકિલાબહેન અને શ્રી બંસીલાલ મોહનલાલ શાહ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કમ લેંગ્વેજ લેબોરેટરી, એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, એકેડેમી ઓફ સ્પોર્ટ્સ, વિદ્યાર્થી માટે વાલીઓને ઉપયોગી થાય એવું સલાહકેન્દ્ર, કન્યાઓ અને માતાઓ માટે સ્વાસ્થ્ય અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન, શિક્ષકો માટે લાંબા ગાળાના તથા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો, સમર ટ્રેઈનિંગ ક્લાસ, શૈક્ષણિક તથા વ્યાવસાયિક માર્ગદર્શન, તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશ્યલ સાયન્સીઝ-બેચલર ઓફ વોકેશનલ ડીગ્રી કોર્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, ફાઈનાન્સ અને ટેક્સેશનના તાલીમ વર્ગાે, ઓનલાઈન ડિપ્લોમા

કોર્સીસ, એકેડેમી ઓફ યોગ એન્ડ મેડિટેશન, સેન્ટર ફોર ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ લર્નિંગ ડિસેબિલીટી.

આ બધાનો યશ સ્વામી આત્મસ્થાનંદજીને જાય છે. નરસિંહ મહેતાની જેમ અમારી હૂંડી પણ સ્વીકારાઈ છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે સરસ્વતીપૂજા વસંતપંચમીના દિવસે કરવામાં આવે છે. બંગાળથી કલાકારો આવી સરસ્વતીની સુંદર મૂર્તિ બનાવે. તેનું પૂજન થાય. દર વર્ષે અમે વિદ્યાર્થીઓને લઈ જઈ ઉત્સવમાં ભાગ લઈએ.

એક વખતે મેં મહારાજને વિનંતી કરી કે આવી સરસ મૂર્તિને જળમાં પધરાવી વિસર્જન કરીએ છીએ તેને બદલે આવી મૂર્તિ શાળા-કોલેજેમાં આપીએ તો અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. મહારાજ કહે, ‘પણ વર્ષાેથી આ રિવાજ છે.’ મેં કહ્યું, ‘મહારાજ ! રામકૃષ્ણ આશ્રમ આવી રૂઢિમાંથી બહાર ન નીકળી શકે?’ તેમણે કહ્યું, ‘વિચારીને કહીશ.’ બે-ત્રણ દિવસ પછી બોલાવીને કહે, ‘તમારી વાત સાચી લાગે છે.’ મેં કહ્યું, ‘આ મૂર્તિ પહેલાં અમને જ આપો.’ તેમણે તરત જ હા પાડી. અમે વાજતેગાજતે શાળામાં મૂર્તિ લઈ આવ્યા. આશ્રમના બે સ્વામીજી પણ આવ્યા. સારા લાકડામાંથી બનાવેલ ત્રણ બાજુએ કાચવાળો કબાટ કરી તેમાં રાખી. ત્યાર પછી ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓને આ મૂર્તિ અપાય છે.

મહારાજ પ્રગતિશીલ વિચારસરણીના હતા. તેઓ આશ્રમના કાર્યક્રમોમાં પ્રાર્થના વગેરે માટે શાળાના વિદ્યાર્થીઓને આમંત્રણ આપતા. આ દ્વારા યુવાપેઢીમાં સંસ્કારઘડતરનું કામ થતું રહેતું.

૧૯૭૫માં મહારાજની બેલુર મઠમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બદલી થઈ. તેમનું એક સ્વપ્ન હતું કે પશ્ચિમ ભારતમાં શ્રીરામકૃષ્ણદેવનું ભવ્ય મંદિર રાજકોટમાં બંધાય. તે માટે તેઓએ અથાક પ્રયત્નો કર્યા. શરૂઆતમાં અમારા જેવા ઘણા ભક્તોએ મંદિરનો વિરોધ કર્યાે હતો- ‘નાના મંદિરથી પણ ચાલે, મુખ્ય તો સેવાકાર્યો છે.’ પણ અમને બધાને મંદિર માટે સમજાવ્યા અને બધા જ ફંડ માટે કાર્યમાં લાગી ગયા. સમગ્ર રામકૃષ્ણ મઠ અને મિશનમાં બેલુર મઠ પછી એ જ કક્ષાનું આ બીજા સ્થાને આવતું મંદિર છે. તેનો સઘળો યશ સ્વામી આત્મસ્થાનંદજીને જાય છે.

એ પછી મહારાજને ઉત્તરોત્તર વધુ જવાબદારીઓ મળતી ગઈ. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ થયા.

મહારાજ બેલુર મઠ ગયા, પણ તેમનો સંપર્ક પત્ર દ્વારા, ફોન દ્વારા ચાલુ જ રહ્યો. જ્યારે પણ રાજકોટ આવે ત્યારે તેમની અનેક વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી સંસ્થામાં પધારે, સંસ્થાની પ્રગતિ જોઈ ખૂબ રાજી થાય.

અમારી પુત્રી વિભાવરી નાની હતી ત્યારથી આશ્રમમાં અમારી સાથે આવે. મહારાજની પાસે જઈ ઊભી રહે.

મહારાજ પેંડો આપે પછી પ્રણામ કરે. મહારાજ એ જોઈ હસે. તેમણે એનું નામ ‘મિસ પેંડો’ પાડયું હતું. મોટી થઈ આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનર બની અમેરિકા ગઈ. ત્યાંની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા થઈ. મહારાજને ત્યાંથી પત્ર લખે. સ્વામીજી તેની પ્રગતિ જોઈ ખૂબ ખુશ થાય. પત્રનો જવાબ લખે ત્યારે સંબોધન કરે, ‘My dear Miss Pando’. વિભાએ એ પત્ર હજુ સાચવી રાખ્યો છે.

અમારો પુત્ર આનંદ આશ્રમના પ્રાંગણમાં રમીને જ ઊછર્યાે. મહારાજ તેને ખૂબ વહાલ કરે. નાનો હતો ત્યારે તેને તેડીને બગીચામાં ફેરવે. આનંદે એ ફોટો આજે પણ સાચવી રાખ્યો છે. આનંદ તેનાં પત્ની કાનન તથા પુત્ર આર્નવ સાથે અમેરિકાથી ભારત આવ્યો ત્યારે આનંદ કહે, ‘કોલકાતા જઈ બેલુર મઠમાં સ્વામી આત્મસ્થાનંદજીના દર્શનાર્થે જવું છે.’ અમે સ્વામીજીને ફોનથી જણાવ્યું અને કહ્યું, ‘આનંદ ઈચ્છે છે કે આપ થોડો સમય એમના માટે ફાળવી, કુટુંબને આશીર્વાદ આપો.’ તેમનો તરત જવાબ આવ્યો કે, ‘જરૂર આવો. હું જુદો સમય ફાળવીશ.’ અમે બેલુર મઠ ગયા. તેઓએ ખાસ અર્ધાે કલાક અમારા માટે ફાળવ્યો. ઘણી વાતો કરી. આનંદના પુત્રને તેડીને કહે, ‘અસલ તારા જેવો જ છે.’ અમને કામારપુકુર, જયરામવાટી જવાની વ્યવસ્થા કરી આપવા તેમના સેક્રેટરીને જણાવ્યું અને શારદા મઠમાં જમવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી. આવો નિર્વ્યાજ પ્રેમ ક્યાં મળે ?

અમારી શાળાના એક વિદ્યાર્થી સંકેત દવેએ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં સંન્યાસી તરીકે દીક્ષા લીધી. મહારાજ ખૂબ રાજી થયા અને કહે, ‘આ તમારું પ્રદાન કહેવાય.’ એ જ રીતે અમારાં એક શિક્ષિકાબહેન – નંદિનીબહેન દેસાઈ શારદા મઠમાં સંન્યાસિની તરીકે જોડાયાં. અમે એમનાથી ધન્ય થયાં છીએ.

અમારી સંસ્થાએ પચાસ વર્ષ પૂરાં કર્યાં તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું. સુવર્ણજયંતી વર્ષની ઉજવણીના પ્રારંભનો પ્રથમ કાર્યક્રમ યોજયો ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી સર્વસ્થાનંદજી અધ્યક્ષસ્થાને પધાર્યા હતા.

તેમણે કહ્યું કે હું આ કાર્યક્રમની વાત પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીને પહોંચાડીશ. સ્વામી આત્મસ્થાનંદજી ઘણા સમયથી બીમાર હતા. ઘણી વાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા, પણ ક્યારેક થોડા સ્વસ્થ થતા હતા. પરંતુ સ્વામી સર્વસ્થાનંદજીની એ ઇચ્છા ન ફળી. થોડા સમયમાં મહારાજની તબિયત વધારે ખરાબ થઈ અને પછી બ્રહ્મલીન થયા.

અમે આજે પણ એમના આશીર્વાદ અમારા પર છે તેવું અનુભવી રહ્યાં છીએ. સંત પરમ હિતકારી જગ મેં – એવા સંતના સત્સંગથી અમારા જીવનમાં અમને એક નવી દિશા મળી, જીવન સભર થયું- એમને અમારાં કોટિ કોટિ વંદન.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.