શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા છે. અનુભવના આધારે લખાયેલ આ લેખ અન્ય શાળાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. – સં.

બાળક એ શક્તિનો પુંજ છે, દરેક બાળકમાં ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલી હોય છે. આ શક્તિનો યથાયોગ્ય વિકાસ કરી બાળકનો વિકાસ કરવો એ શાળાનો મૂળ હેતુ છે.

આજના માનવમાં દૃઢ મનોબળ સ્થાપવા, સર્વાંગી વિકાસ સાધવા, નેતાગીરીની તાલીમ પૂરી પાડવા, રાષ્ટ્રીય કાર્યોમાં સહભાગી બનવા, ઉચ્ચ આદર્શોના અવતરણ માટે વ્યક્તિગત વ્યવસાયિક તૃપ્તિ માટે શિક્ષણ આવશ્યક છે. પણ ફક્ત અભ્યાસક્રમ આ શિક્ષણ માટે પૂરતો નથી. તે માટે અભ્યાસક્રમની સાથે કેટલીક વિશિષ્ટ અને પાયાની સહઅભ્યાસિક પ્રવૃત્તિ અભ્યાસક્રમને પોષે છે અને જીવંત બનાવે છે.

સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે શું?

સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે સુયોગ્ય સંબંધ ધરાવે તેવી પ્રવૃત્તિઓ કે કાર્યક્રમ, અભ્યાસક્રમને પોષે, સુદૃઢ બનાવે તેવી પ્રવૃત્તિ. વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય, નેતાગીરીની તાલીમ મળે, જ્ઞાન કૌશલ્યો કેળવાય, અભિવ્યક્તિની ખીલવણી થાય અને શિક્ષણના ઉદ્દેશો વિદ્યાર્થીમાં આદર્શમય બને તેવી પ્રવૃત્તિઓ.

માતાપિતાની પૂજા કરતાં બાળકો

સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના હેતુઓ :

(૧) વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવો.

(૨) પાયાના કૌશલ્યનો વિકાસ સાધવો.

(૩) અભ્યાસક્રમનો સુદૃઢ વિકાસ કરવો.

(૪) નવા અનુભવો, વલણો, ગર્ભિત શક્તિઓનો વિકાસ કરવો.

(૫) શિક્ષણના ઉદ્દેશો પૂર્ણ કરવા.

(૬) વિદ્યાર્થીઓમાં નિરીક્ષણ શક્તિની ખીલવણી કરવી.

(૭) ફુરસદના સમયનો સદુપયોગ કરવો.

(૮) વિદ્યાર્થીઓને માનસિક રીતે સજાગ અને પ્રવૃત્ત રાખવા.

(૯) નેતાગીરીની તાલીમ અને બૌદ્ધિક વિકાસ સાધવો.

(૧૦) વિદ્યાર્થીઓમાં સદ્ગુણો, આદર્શો, મૂલ્યોનું સંવર્ધન કરવું.

(૧૧) વ્યવસાય પ્રત્યે સજ્જતા કેળવવી.

(૧૨) ચારિત્ર્ય અને વ્યક્તિત્વની ખીલવણી કરવી.

(૧૩) પોતાની જવાબદારી પ્રત્યે સભાનતા કેળવવી.

(૧૪) સૌંદર્યદૃષ્ટિ, આત્મનિર્ભરતા ખીલવવી તથા લોકશાહીનો જુસ્સો પેદા કરવો.

(૧૫) પરિવર્તન પામતા સમાજની સાથે કદમ મિલાવે તેવી શક્તિ પેદા કરવી.

(૧૬) રચનાત્મક અને સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય.

(૧૭) લઘુતા-સંકુચિત ભાવના દૂર થાય અને સમાનતાની ભાવના દૃઢ બને.

(૧૮) વિદ્યાર્થીઓનું જીવન ઉત્તમ, પ્રગતિમય અને શ્રમ સેવા તથા સહકારથી સમન્વયયુક્ત બને.

આ ધ્યેયોને કેન્દ્રમાં રાખીને શાળામાં નીચે પ્રમાણેની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ કરી શકાય :

માતાપિતાની વંદના કરતાં બાળકો

૧. વિવિધ સ્પર્ધાઓ :

(૧) વકતૃત્વ સ્પર્ધા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં)

(૨) મુખપાઠ સ્પર્ધા

(૩) નિબંધ સ્પર્ધા

(૪) સામયિક સ્મૃતિ કસોટી

(૫) રાખડી સ્પર્ધા

(૬) બાલદિન ચિત્ર સ્પર્ધા

(૭) શંકર્સ વિકલી ચિત્ર સ્પર્ધા

(૮) સુઘડ પુસ્તક સ્પર્ધા

(૯) ગણવેશ સ્પર્ધા

(૧૦) પતંગ સ્પર્ધા

(૧૧) સંસ્કૃત શ્લોક, એકોક્તિ, વકતૃત્વ સ્પર્ધા

(૧૨) વર્ગ સુશોભન સ્પર્ધા

વેશભૂષા સ્પર્ધામાં વિદ્યાર્થીઓ

૨. હસ્તલિખિત અંક :

બાળકોની લેખિત અભિરુચિ અને મૌલિક સર્જનાત્મક શક્તિ ખીલે તે માટે હસ્તલિખિત અંકો તૈયાર કરાવવા જોઈએ. આ માટે જેમનું જન્મશતાબ્દી વર્ષ ચાલતું હોય તેવી વ્યક્તિઓ લઇ શકાય. દા.ત. શ્રી મોરારજીભાઇ દેસાઇ, શ્રી સુભાષચંદ્ર બોઝ, જે. કૃષ્ણમૂર્તિ જેવા મહાનુભાવો ૫૨ હસ્તલિખિત અંકો તૈયાર કરાવી શકાય.

૩. દીવાલપત્રો :

સાહિત્યની અભિરુચિવાળા વિદ્યાર્થીઓની સંપાદન સમિતિ રચી વિવિધ દીવાલપત્રો તૈયાર કરાવી શકાય, જેમાં સાહિત્ય, વિજ્ઞાન, રમત જગત વગેરે વિષયોને લગતા જુદા જુદા દીવાલપત્રો મૂકી શકાય.

૪. વિવિધ પરીક્ષાઓ :

વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં પ્રાવિણ્ય પ્રાપ્ત કરે તે માટે તેમને નીચે આપેલ પરીક્ષાઓમાં બેસાડી શકાય.

(૧) સુલેખન પ્રવેશ, પરિચય, રત્ન તથા પ્રવીણ પરીક્ષા.

(૨) સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ આયોજિત બાળપોથી, પહલી, દૂસરી, તીસરી તથા વિનિત પરીક્ષા અથવા રાષ્ટ્ર ભાષા પ્રચાર સમિતિ દ્વારા લેવાતી હિન્દીની પરીક્ષાઓ.

(૩) વડોદરા વિભાગીય પુસ્તકાલય મંડળ દ્વારા લેવાતી શિષ્ટવાચન પરીક્ષા.

(૪) ગુજરાત ટૅકનિકલ ઍજ્યુકેશન બૉર્ડ દ્વારા લેવાતી એલીમૅન્ટ્રી તથા ઇન્ટરમિડિયેટ ડ્રોઇંગ પરીક્ષા.

(૫) યુનાઇટેડ સ્કૂલ્સ ઑર્ગેનાઇઝેશન, ન્યુ દિલ્હીના ઉપક્રમે યોજાતી જનરલ નૉલેજ ટેસ્ટ, જુનિયર, પ્રી. સિનિયર પરીક્ષા અથવા વિકાસ વર્તુળ, ભાવનગર દ્વારા લેવાતી સામાન્ય જ્ઞાન કસોટી.

(૬) ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી ગાંધી વિચાર પ્રવેશ તથા પરિચય પરીક્ષા.

(૭) કવિ ન્હાનાલાલ ગુજરાતી પ્રતિભા શોધ, હિન્દી પ્રતિભા શોધ, શ્રી રામાનુજમ ગણિત પ્રતિભા શોધ અને ભટનાગર વિજ્ઞાન પ્રતિભા શોધ પરીક્ષા.

(૮) ગુજરાત માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા લેવાતી પ્રખરતા શોધ પરીક્ષા.

(૯) એન.સી.ઇ.આર.ટી. શિષ્યવૃત્તિ પરીક્ષા.

(૧૦) પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા.

(૧૧) શ્રીરામકૃષ્ણ આશ્રમ યોજિત ‘શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ વિચાર પ્રચાર’ પરીક્ષા.

(૧૨) શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ, અમદાવાદ દ્વારા લેવાતી સંસ્કૃતની પરીક્ષાઓ પ્રારંભ, પ્રવેશ, પ્રથમા, મધ્યમા, ભૂષણ અને વિશારદ.

૫. સાહિત્યસભા :

બાળકોના જીવન ઘડતરમાં ઉત્તમ સાહિત્ય અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્તમાન સમાજમાં બાળકો રચનાત્મક પ્રકારના સાહિત્યનો સંસર્ગ પ્રત્યક્ષ રીતે કેળવે અને તેના દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં શીખે તે હેતુથી આ કાર્ય શરૂ થઇ શકે.

માતાપિતાનું પૂજન કરતાં વિદ્યાર્થીઓ

હેતુ :

૧. વિદ્યાર્થીઓની મૌલિક અને લેખિત અભિવ્યક્તિ ખીલે.

૨. વાચનની સુટેવનું ઘડતર થાય.

૩. ઉચ્ચ સાહિત્યનો પરિચય કેળવે.

પ્રવૃત્તિ :

૧. દીવાલપત્રનું પ્રકાશન.

૨. સાહિત્યદિને પ્રાર્થના સમયે રજૂઆત.

૩. પુસ્તક પ્રદર્શન.

૪. સાહિત્ય કૃતિઓનો પરિચય.

૫. સાહિત્યકારોનો પરિચય.

૬. સાહિત્યકારો સાથે પત્ર વ્યવહાર.

૭. ‘એમને ઓળખો’ આ શીર્ષક હેઠળ કોઈ એક સાહિત્યકારની સમગ્ર કૃતિઓનું પ્રદર્શન.

૮. હસ્ત લિખિત અંકનું પ્રકાશન.

૯. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા.

૧૦. પુસ્તકાલયની મુલાકાત.

૧૧. સાહિત્યકારોનાં વ્યાખ્યાનોનું આયોજન.

૧૨. વાચન શિબિરનું આયોજન.

૧૩. શહેરમાં યોજાતા સાહિત્યિક કાર્યક્રમમાં ભાગ લેવો.

૧૪. બાળકોની કૃતિઓનું પ્રકાશન.

૧૫. સાહિત્ય સમાચારનું સંકલન કરવું.

૧૬. તળપદા ગુજરાતી શબ્દોની રમત.

૬. વિજ્ઞાન મંડળ :

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવાય અને તેઓ મૌલિક રીતે પ્રયોગો કરતા થાય તે ઉદ્દેશથી આ કાર્ય પ્રારંભ કરી શકાય.

નીચેની પ્રવૃત્તિઓ કરી શકાય :

૧. દીવાલપત્રનું માસિક પ્રકાશન.

૨. કૉમ્યુનિટિ સાયન્સ સૅન્ટર તરફથી પ્રકાશિત થતાં ‘વિજ્ઞાનદૃષ્ટિ’ કે અન્ય પ્રકાશનોની નોટિસ બોર્ડ રજૂઆત.

૩. વિજ્ઞાન મંડળ દ્વારા ચાલતાં પુસ્તકાલયમાંથી વિજ્ઞાન વિષયને સંબંધિત મૅગૅઝિન કે પુસ્તકો આપવાં.

૪. વિજ્ઞાન મેળાના પ્રાથમિક તથા માધ્યમિક વિભાગનું આયોજન.

૫. પ્રશ્નપેટી દ્વારા વિજ્ઞાન પરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવું.

૬. વિજ્ઞાનના વિષયો પર યોજાતી વિજ્ઞાન મેળાની વકતૃત્વ સ્પર્ધાની તૈયારી.

૭. વિજ્ઞાનના વિષયોને લગતા વિવિધ સ્થાનિક તેમજ બહારનાં સ્થળોની મુલાકાતે જવું.

૭. ગાંધી વિચાર મંડળ :

૧. ગાંધીજીના જીવનનો પરિચય.

૨. ગાંધી સાહિત્યનો પરિચય.

૩. ગાંધી સાહિત્યમાંથી વાચન.

૪. ગાંધી સ્મૃતિ, રાષ્ટ્રીયશાળા, કસ્તુરબાધામ, મોહનદાસ ગાંધી વિદ્યાલય, સરદાર સ્મૃતિની મુલાકાત.

૫. ગાંધી જયંતીની ઉજવણી.

૬. ગાંધીજીના અંતેવાસીઓની મુલાકાતો, ચર્ચા.

૭. ગાંધી ચિત્ર પ્રદર્શન.

૮. ગાંધી વિચાર પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડવા.

૯. પોરબંદર, કીર્તિ મંદિરની મુલાકાત, સાબરમતી આશ્રમ, ગામડાની મુલાકાત.

૧૦. ગાંધી જીવન પર આધારિત સામાન્યજ્ઞાન કસોટીનું આયોજન.

૮. પ્રકૃતિ મંડળ :

વર્લ્ડ વાઇલ્ડ લાઇફ મંડળ તથા વનખાતાના સહયોગથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થઇ શકે. વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે તાદામ્યતા કેળવે, વન્ય જીવન તરફ અભિમુખ બને અને કુદરતને માણતાં શીખે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ શકે.

વન ખાતાના સહયોગ અને ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રકૃતિ શિબિર હિંગોળગઢ – ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર તથા જૂનાગઢ યોજવામાં આવે છે. આ ઉપરાંત વર્લ્ડ વાઇલ્ડ ફંડ તરફથી આ અંગેની શિબિરો યોજાય છે. પ્રકૃતિ મંડળના ઉપક્રમે વન ખાતાના સહકારથી સ્કૂલ નર્સરી ઊભી કરી શકાય. આ નર્સરીમાં ઉછેરેલ રોપાઓને વિના પર મૂલ્યે આસપાસની શાળાઓ, સંસ્થાઓ, સોસાયટીઓ તથા વ્યક્તિઓને આપી શકાય.

પર્યાવરણની રક્ષા એ આ દેશની મહત્ત્વની સમસ્યા છે. વળી ગુજરાત રાજ્યને સ્પર્શે છે ત્યાં સુધી સરદાર સરોવરને કારણે ડૂબતાં જતાં વનોને કારણે વિશાળ પાયા પર વનીકરણ કરવાનું ગુજરાત સરકારનું ધ્યેય છે અને એ માટે નર્મદા વનો ઊભાં કરવા શાળા, કૉલેજોને વિનંતી કરવામાં આવી છે. આ સંદર્ભમાં આપની શાળા, ગામ કે શહેરમાં આપણા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરાવવું જોઈએ. આ કાર્યમાં વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે છે અને પ્રકૃતિને સાચા અર્થમાં ઓળખે અને ચાહતાં શીખે છે. વળી એ શ્રમનું મૂલ્ય સમજતા થાય છે અને એક સૌંદર્યશીલ દૃષ્ટિ કેળવાય છે.

કસરત કરતાં વિદ્યાર્થીઓ

૯. સ્કાઉટ ગાઇડ :

શિસ્ત, સહકાર, ચારિત્ર્ય ઘડતર અને સેવા ભાવના તેમજ વિશ્વ બંધુત્વની કેળવણી આપતી આંતરરાષ્ટ્રીય યુવક પ્રવૃત્તિ એટલે સ્કાઉટીંગ પ્રવૃત્તિ. ઇંગ્લેન્ડના વતની રૉર્બટ સ્ટીફન્સન બૅડન પૉવેલે આ પ્રવૃત્તિની સ્થાપના કરી. તેઓ બ્રિટિશ લશ્કરના ઉત્તમ સૈનિક હતા. ૧૮૯૯માં દક્ષિણ આફ્રિકામાં મૅફકીંગના યુદ્ધ સમયે કિશોર વયના બાળકોની તેમણે મદદ લીધી. અને તે બાળકોની હિંમત, વફાદારી અને કાર્યદક્ષતા જોઇને ઘણા જ પ્રભાવિત થયા. અને તે ઇંગ્લેન્ડ પાછા આવ્યા ત્યારે તેમણે યુવાનોને બહાદુર, સાહસિક, ચારિત્ર્યશીલ અને સેવાભાવી બનાવવા માટે તેમનામાં રહેલી અનેક શક્તિઓનો વિકાસ થઇ શકે તે માટેની યોગ્ય પ્રવૃત્તિઓનો વિચાર કર્યો. ૧૯૦૭માં બ્રાઉન્સી ટાપુમાં તેમણે પ્રથમ સ્કાઉટ કૅમ્પ કર્યો. આ કૅમ્પને અસાધારણ સફળતા મળી. ૧૯૦૮માં તેમણે ‘સ્કાઉટીંગ ફૉર બૉય્ઝ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું અને સ્કાઉટીંગ પ્રવૃત્તિ માટેનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાનું માળખું તૈયાર કર્યું, તેના આધારે દુનિયામાં સ્કાઉટીંગ પ્રવૃત્તિ શરૂ થઇ. તે પછી તેમની બહેન કુ. ઇંગ્નેશનની મદદથી તેમણે બહેનો માટે ગર્લ્સ – સ્કાઉટ કે ગાઇડની પ્રવૃત્તિ શરૂ કરી. તે પછી આ પ્રવૃત્તિનો ખૂબ જ ફેલાવો થયો અને દુનિયાના દરેક દેશમાં પ્રસરી ગઇ છે.

સ્કાઉટ ગાઇડનાં બાળકો વ્યક્તિત્વને ઘડે છે, તેમનો વિકાસ કરી સારા નાગરિકો બનાવે છે. બાળકોની આ પ્રવૃત્તિ એક શિક્ષણ પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિના ચાર વિકાસલક્ષી મુખ્ય ઉદ્દેશો છે :

૧. બાળકોનાં ચારિત્ર્યનું ઘડતર કરવું.

૨. બાળકોને ઉપયોગી હસ્ત ઉદ્યોગો શીખવી તેનું કૌશલ્ય પ્રાપ્ત કરવું.

૩. બાળકોનું આરોગ્ય વધે તે માટેની પ્રવૃત્તિઓ આપવી.

૪. બીજાને ઉપયોગી થવાની સેવાભાવના કેળવવી.

આ રીતે બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવાનું કામ આ સ્કાઉટીંગ પ્રવૃત્તિ કરે છે.

૧૦. ટિકિટ સંગ્રહ વર્તુળ :

પોસ્ટ ઑફિસના ફિલાટેલિક બ્યુરોના સહયોગથી આ પ્રવૃત્તિમાં જોડાનાર વિદ્યાર્થીઓને દર માસે પ્રગટ થતી ટિકિટો આપી શકાય. તેના વિષે માહિતી પ્રદર્શનો યોજાઇ શકે.

૧૧. રોડ સેફ્ટી પેટ્રોલ :

વિદ્યાર્થીઓને નાગરિકત્વના ગુણોની તાલીમ આપતી આ પ્રવૃત્તિ ગુજરાતના મોટા શહેરોમાં પોલીસ કમિશ્નરના સહયોગથી અને ટ્રાફિક બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ચાલતી હોય છે. આ પ્રવૃત્તિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ પસંદ કરી ટ્રાફિક નિયંત્રણની તાલીમ આપી શકાય અને શહેરના મુખ્ય રોડ વગેરે સ્થળોએ વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયંત્રણનું કાર્ય કરી શકે.

૧૨. પત્ર મૈત્રી વર્તુળ :

આંતરરાષ્ટ્રીય ભ્રાતૃભાવ કેળવવા પત્ર મૈત્રી વર્તુળ ‘પેન ફ્રેન્ડ સર્કલ’ની પ્રવૃત્તિ શાળામાં રચી શકાય. આ અંગેના પત્ર મિત્રોનાં સરનામાં બધાં મેગેઝિનમાં આવતાં હોય છે તેનો લાભ લઇ શકાય.

૧૩. રીડર્સ ક્લબ :

વિદ્યાર્થીઓ શિષ્ટ વાચન તરફ અભિમુખ બને તે માટે નેશનલ બુક ટ્રસ્ટના માર્ગદર્શનથી રીડર્સ કલબની પ્રવૃત્તિ ચલાવી શકાય જેમાં વિદ્યાર્થીઓની વાચનભૂખ સંતોષવામાં આવે છે.

૧૪. બાલસભા :

વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર આવે, સભા ક્ષોભન દૂર થાય અને તેમનામાં રહેલો કલાકાર જાગૃત થાય તે માટે સપ્તાહમાં એક દિવસ બાલસભાનું આયોજન કરી શકાય, જેમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે વાર્તા, કાવ્ય, નાટક, નૃત્ય, ગીત સંગીત, સામાન્યજ્ઞાન વગેરે માહિતી રજૂ કરી શકે.

ચિત્રસ્પર્ધામાં કાર્યરત વિદ્યાર્થીઓ

૧૫. હૉબી સેન્ટર :

બાળકોમાં અંતરની શક્તિઓને બહાર લાવવા આવું કેન્દ્ર કાર્ય કરી શકે. રુચિ કેન્દ્રમાં ચિત્ર, ક્રાફટ, નૃત્ય, ફોટોગ્રાફી વિગેરે વિષયોની તાલીમ આપી શકાય.

૧૬. કમ્પ્યુટર સેન્ટર :

આજનો યુગ ટૅકનૉલૉજીના વિકાસનો યુગ છે. આપણા વિદ્યાર્થીઓ આધુનિક પ્રવિધિઓથી માહિતગાર થાય તે માટે કમ્પ્યુટરની તાલીમની વ્યવસ્થા જ્યાં શક્ય હોય ત્યાં કરવાની રહે.

૧૭. પ્રવાસ :

પ્રવાસ એ શિક્ષણનું એક મહત્ત્વનું અંગ છે. એ દૃષ્ટિએ આસપાસનાં ઐતિહાસિક તથા ભૌગોલિક સ્થળોની મુલાકાતે વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય.

૧૮. નિરક્ષરતા નિવારણ ઝુંબેશ :

આ દેશની બીજી એક મહા સમસ્યા નિરક્ષરતાને દૂર કરવા શાળાના વિદ્યાર્થીઓ સહભાગી બની શકે. ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠના ઉપક્રમે ગુજરાતમાં સંપૂર્ણ સાક્ષરતાના લક્ષ સાથે કાર્ય થઈ રહ્યું છે. દરેક શાળા પોતાના વિદ્યાર્થીઓને ‘ઈચ વન ટીચ વન’ના કાર્યક્રમમાં સંકલિત કરી શકે અને એ દ્વારા આપણા દેશની સમસ્યાના નિરાકરણમાં યત્કિંચિત ફાળો આપી શકે.

વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલમાં વિદ્યાર્થીઓ

૧૯. વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલ

સ્વામી વિવેકાનંદજીના વિચારોથી પ્રભાવિત યુવાનોનું મંડળ રચી શકાય. દર અઠવાડિયે એક કલાક માટે તેઓ મળે, સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો (યુવાનોને, ભારતીય નારી, કરીએ પુનર્નિર્માણ ભારતનું વગેરે) માંથી થોડું વાચન કર્યા બાદ તે અંગે ચર્ચા વિચારણા કરે અને સ્વામી વિવેકાનંદજીના સંદેશ પ્રમાણે અવારનવાર રચનાત્મક કાર્યો પણ કરે, દા.ત. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અથવા અન્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત રાહતકાર્યો કે સર્વનિદાન કૅમ્પોમાં સહાયરૂપ થવું, ગ્રામ્યસેવા કરવી વગેરે.

Total Views: 5,425

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.