મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યોથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ – એવી આગાહી કરનાર સ્વામી વિવેકાનંદે પોતાની આકરી જીવનસાધના દ્વારા કોણ જાણે કેટલીયે સદીઓ સુધી પહોંચે એવું વિરાટ કાર્ય આપણા માટે કરી રાખ્યું છે અને આ બધું કેવળ દોઢેક દાયકા જેટલા અલ્પ સમયાવધિમાં!

ભારતના ઇતિહાસને નવાં પરિમાણો આપનારી વિરલ વિભૂતિઓમાં તેઓ ગૌરવપૂર્વક પોતાનું સ્થાન લઈ શકે. આથી તો રવીન્દ્રનાથ ટાગોરે યોગ્ય જ કહ્યું છે, ‘‘અગર કોઈ ભારતને સમજવા માગે તો તેણે વિવેકાનંદનો અભ્યાસ કરવો જોઈએ.’’

પ્રાચીન અને અર્વાચીન, પૂર્વ અને પશ્ચિમ, વ્યવહાર અને પરમાર્થ, સંન્યાસ અને સંસાર એવાં-એવાં તો કેટલાંયે દ્વંદ્વો વચ્ચે નવયુગના આ મહાન ‘‘સમન્વયાચાર્યે’’ પોતાની અપૂર્વ સાધનાથી એક અતૂટ સેતુ બાંધ્યો અને ભાવિ પેઢીઓ માટે જીવનનો ધોરીમાર્ગ – રાજમાર્ગ રચી આપ્યો. ‘‘અચલાયતન’’ બની રહેલા રાષ્ટ્રને એમણે ‘‘ઊઠો, જાગો’’નો મહામંત્ર સંભળાવ્યો અને સૈકાઓ જૂના વેદાન્તના પડઘમમાંથી અભિનવ સૂરાવલિઓનું, સંપ્રદાયોની દીવાલો ભેદતું મહાસંગીત સંભળાવ્યું.

ભારતીય નવજાગૃતિના બે પ્રવાહો છે. એક પાંડિત્યયુગ અને બીજો જનસમાજને માટે સર્વસ્વ ન્યોછાવર કરી તેનો જ ઉત્કર્ષ કરવો તે યુગ. એક યુગના પ્રતિનિધિ તરીકે આપણે જોઈએ છીએ રાજા રામમોહન રાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી વગેરે, ત્યારે બીજા યુગના પ્રતિનિધિ તરીકે આવે છે લોકમાન્ય તિલક, ગોખલે, મહાત્મા ગાંધી વગેરે. આ બે પ્રવાહોને જોડતી ધ્રુવ-કડી છે સ્વામી વિવેકાનંદ.

ધર્મને સંકુચિત વાડામાંથી મુક્ત કરી વ્યાપક બનાવવાનું કાર્ય દયાનંદ સરસ્વતી વગેરેએ કર્યું, પરંતુ એ ધર્મને જનસમાજને સમજાવવાનું, રાષ્ટ્રના દરિદ્રનારાયણની સેવાના સંકલ્પરૂપે મૂકવાનું કાર્ય વિવેકાનંદે કર્યું. ધર્મને એમણે વિશાળ પાયા પર અપનાવ્યો, પરંતુ એનાં મૂળ એમણે વેદાન્તમાં જ રાખ્યાં, વેદાન્તને વ્યાવહારિક સ્વરૂપ આપ્યું અને આ વિવેકાનંદના પગલે જ ભારતીય આમજનતાનો યુગ શરૂ થાય છે.

નવજાગરણનું આ ઉજ્જ્વળ સોપાન શરૂ થાય છે. નવજાગરણની જાહ્નવી વિદ્વાનોના કમંડળમાં બદ્ધ હતી. એ સગરપુત્રોરૂપી ભારતીય જનતાના ઉદ્ધાર માટે આવી હતી, પણ અટવાઈ પડી હતી આ વિદ્વાનોના શુષ્ક તર્કવાદની અંદર. એ પ્રવાહને નીચે લાવવાનું કાર્ય ભગીરથ બની વિવેકાનંદે કર્યું. ભારતીય નવજાગરણના એ ભગીરથ છે.

ધાર્મિક દૃષ્ટિ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક અનુભવોથી ભરપૂર એવા પ્રાચીન ભારતવર્ષના શ્રી રામકૃષ્ણદેવ મૂર્ત સ્વરૂપ હતા. નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)નું ચિત્ત આધુનિક યુગના સંશયોથી ભરેલું હતું. પ્રત્યક્ષ પ્રમાણ વગર ધર્મનાં ઉત્તમ સત્યોને પણ સ્વીકારવા એ તૈયાર ન હતા. પરંતુ સત્ય સમજવા માટેની એમની ઇચ્છા અત્યંત તીવ્ર હતી. નરેન્દ્રને હજી એટલું સમજવાનું બાકી હતું કે આ સાપેક્ષ જગતમાં બુદ્ધિ એ ભલે શ્રેષ્ઠ સાધન હોય, પરંતુ એનાથી પર એવા તત્ત્વનો સાક્ષાત્કાર એ કરાવી શકે નહીં.

આ બે મહાન વ્યક્તિઓ – શ્રી રામકૃષ્ણદેવ અને નરેન્દ્રનાથના સમાગમનું શ્રેષ્ઠ ફળ તે સ્વામી વિવેકાનંદ. આધુનિક વિદ્યાઓનો સમાવેશ કરવા માટે વધુ ઉચ્ચ, ઉદાર અને સંગીન બનેલી પ્રાચીન-આધ્યાત્મિક દૃષ્ટિથી સંપન્ન એવા નૂતન ભારતવર્ષનું એ હૃદય બની રહેવાના હતા. પશ્ચિમની ઉત્કટ પ્રવૃત્તિશીલતા સાથે પૂર્વની ઊંડી ચિંતનશીલતાનો સંયોગ થવાનો હતો. તપશ્ચર્યા અને નિવૃત્તિની ભાવનામાં શ્રમ અને સેવાનો આદર્શ ભળવાનો હતો. આ બે ભાવના-પ્રવાહોના સમન્વયમાંથી જ સનાતન હિંદુધર્મનું નવીન રૂપ પ્રકટ થયું.

‘તમે ઈશ્વરને જોયો છે?’ એવા મહર્ષિ દેવેન્દ્રનાથને પૂછેલા પ્રશ્નથી નરેન્દ્રના આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થયો અને શ્રી રામકૃષ્ણદેવના તેજોમય સાન્નિધ્યમાં એ જીવન વધારે અને વધારે વિકાસ પામતું ગયું.

નરેન્દ્રનાથની યુવાવસ્થાનું નિરીક્ષણ કરતાં જણાય છે કે એમના ચારિત્ર્યનું ઘડતર કરવામાં ત્રણ પરિબળોએ ભાગ ભજવ્યો છેઃ (૧) કૌટુંબિક સંસ્કાર, (૨) બહુમુખી અધ્યયન અને (૩) રામકૃષ્ણદેવનું માર્ગદર્શન.

શ્રી રામકૃષ્ણદેવે જ એમને સંતાપ અને સંશયરૂપી કળણભૂમિમાંથી ઊંચકીને શાંતિ અને શ્રદ્ધાને પંથે વાળ્યા.

હર્બર્ટ સ્પેન્સરની કૂટ અને ઊંડી ફિલસૂફીએ નરેન્દ્રનાથને ખાસ આકર્ષ્યા અને આગળ જતાં ઉપનિષદો અને વેદાંતની વધુ ચર્ચાવિચારણામાં એમણે સ્પેન્સરના જેવી દલીલ-પદ્ધતિ અપનાવી હતી. એમણે વિચાર-સામર્થ્ય, વેધક વિવેકબુદ્ધિ અને વૈજ્ઞાનિક ભૂમિકા શોધી કાઢવાની શોધકવૃત્તિ પ્રાપ્ત કર્યાં અને આ જ પ્રાપ્તિઓ વર્ષાે પછી પોતાનો સંદેશો જગતને સંભળાવવા માટે એમને ઉપયોગી થઈ પડી.

કાન્ટ અને શોપનહોરના તેમ જ જોન સ્ટુઅર્ટ મિલ અને આૅગસ્ટ કોમ્તેના તત્ત્વજ્ઞાનનો એમણે અભ્યાસ કર્યાે. અૅરિસ્ટોટલના ગૂઢ અને પૃથક્કરણશીલ વિચારોમાં પણ એમણે ડૂબકી મારી. થોડા સમય સુધી તો કોમ્તેની ઉદાર અને નીતિલક્ષી પ્રત્યક્ષવાદી ફિલસૂફીમાં એમણે સમાધાન શોધ્યું. કોઈપણ નવા મતનો સ્વીકાર કરતાં પહેલાં એમની સૂક્ષ્મ બુદ્ધિ એને બરાબર બારીકાઈથી તપાસી જવાનું ચૂકતી જ નહીં. ભૌતિકવિજ્ઞાન બુદ્ધિ અને ઇન્દ્રિયોનાં ક્ષેત્રથી પર જઈ શકતું નથી, એટલે આ સર્વ પ્રપંચના પાયામાં રહેલા શાશ્વત સત્યની ઝાંખી જિજ્ઞાસુને એ કરાવી શક્તું નથી. આમ છતાંય પશ્ચિમના જડવાદી વિજ્ઞાન માટે અને એની પૃથક્કરણાત્મક પદ્ધતિ માટે નરેન્દ્રનાથ માન ધરાવતા હતા.

આ મહાન દેશને સમજવા માટે તેઓએ એક પરિવ્રાજક તરીકે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશાટન આદર્યું. રાષ્ટ્રજીવનની એકેય બાજુ એમને માટે અજાણી રહી ન હતી. દેશનું દૈન્ય, ધર્માેપદેશકોની ધૂંધળી દૃષ્ટિ, નાતજાતના જુલમો, રાષ્ટ્રના જીવનને છિન્નભિન્ન કરી રહેલી અનેક પેટાજ્ઞાતિઓ, પંથો અને સંપ્રદાયો – આ બધું એમણે એ કન્યાકુમારીના ખડક ઉપર ધ્યાનમગ્ન રહીને વેદનાભર્યે હૈયે પ્રત્યક્ષ અનુભવ્યું. શું લોકોની યાતનામાં પોતાનો હિસ્સો ન હતો? શું રાષ્ટ્રના પતનમાં પોતાની પ્રતિષ્ઠાનું પતન ન હતું?

Total Views: 193
By Published On: July 1, 2012Categories: Gulababhai Jani0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram