શ્રીરામકૃષ્ણને ગળામાં કેન્સર થયું હતું એટલે ભક્તોએ નક્કી કર્યું કે કોલકાતામાં લઈ જવાથી ત્યાં તેમની સારી સારવાર થશે. એટલાં માટે શ્રીરામકૃષ્ણને કાશીપુર લઈ જવામાં આવ્યાં. તેમના ગળામાં એટલો મોટો ઘા થયો હતો કે તેઓ જે ખાતા એ બધું ગળાના આ ઘા માંથી બહાર નીકળી જતું. ખાવાનું કશું જ પેટમાં જતું ન હતું. તેને પડખુ ફેરવતા પણ ઘણું કષ્ટ થતું. એ વખતે નરેન્દ્રનાથ અને બીજા શિષ્યો તેમની સેવા કરવા માટે કાશીપુરમાં જ રહેતા હતા. એકવાર નરેન્દ્રનાથના મનમાં વિચાર આવ્યો કે આને બધા અવતાર કહે છે. અવતારને કંઈ ગળામાં કેન્સર થાય? જો અત્યારે આ અવસ્થામાં પોતે કહે તો વિશ્વાસ કરીશ કે એ અવતાર છે. નરેન્દ્રનાથના મનમાં આ વિચાર આવ્યો કે તરત જ શ્રીરામકૃષ્ણે પડખુ ફેરવીને કહ્યું, ‘હજું પણ તને સંદેહ છે. જે રામ હતા, જે કૃષ્ણ હતા એ જ અત્યારે રામકૃષ્ણ છે, અને એ પણ તારા વેદાંતની દૃષ્ટિથી નહીં.’ વેદાંતથી નહીં એટલે વેદાંતની દૃષ્ટિથી જોઈએ તો બધામાં ઈશ્વર છે. સૌ પ્રાણીમાં ઈશ્વર છે. અહીં શ્રીરામકૃષ્ણ કહેવા માગે છે કે વેદાંતની દૃષ્ટિથી નથી કહેતો કે બધામાં ઈશ્વર છે એટલે મારામાં ઈશ્વર છે. પરંતુ હું ખરેખર ઈશ્વર છું.

જેવી રીતે શ્રી રામની સાથે હનુમાનજી આવ્યા હતા. શ્રી કૃષ્ણની સાથે અર્જુન આવ્યા હતા એવી જ રીતે શ્રીરામકૃષ્ણની સાથે સ્વામી વિવેકાનંદ આવ્યા હતા.

અર્જુન અને શ્રી કૃષ્ણને નરનારાયણનો અવતાર કહેવામાં આવે છે. શ્રીરામકૃષ્ણ પણ સ્વામી વિવેકાનંદને કહેતા- તમે નર રૂપી નારાયણ છો. વળી આપણે જોઈશું હનુમાનજી અને સ્વામી વિવેકાનંદના જીવનમાં ઘણો મેળ છે.

હનુમાનજીનો જન્મ શિવજીના અંશથી થયો હતો. સ્વામી વિવેકાનંદનાં માતા ભુવનેશ્વરી દેવીએ કાશીમાં વિરેશ્વર શિવની પાસે પ્રાર્થના અને પૂજાનું આયોજન કર્યું હતું અને એના પ્રસાદ રૂપે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો.

કાશીપૂરમાં એક દિવસ શ્રીરામકૃષ્ણદેવના શરીરમાંથી જ્યોતિ નીકળીને નરેન્દ્રનાથમાં સમાઈ ગઈ.

શ્રીરામકૃષ્ણદેવે કહ્યું – ‘આજે તને મારી બધી શકિત આપીને હું ફકીર થયો છું.’ શ્રીરામકૃષ્ણદેવ નરેન્દ્રનાથની સાથે બારણાં બંધ કરીને વાતો કરતા. એમને ખબર હતી કે મારું કામ નરેન્દ્રનાથથી જ થશે. બધા સંન્યાસી શિષ્યોને કેવી રીતે એકત્ર રાખવાના છે, આ બધો ઉપદેશ નરેન્દ્રનાથને આપતા. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રનાથને ભાવિ સ્વામી વિવેકાનંદના હિસાબે ઘડતા હતા. તેના દ્વારા જ રામકૃષ્ણ સંઘની સ્થાપના થવાની છે એ શ્રીરામકૃષ્ણદેવ જાણતા હતા.

આપણે રામચરિત માનસમાં જોઈએ છીએ કે બધા વાનરો સીતાદેવીની શોધ માટે નીકળે છે. બધાની પાછળ હનુમાનજીએ શ્રીરામનાં ચરણોમાં પ્રણામ કર્યા.

પાછેં પવનતનય સિરુ નાવા ।
જાનિ કાજ પ્રભુ નિકટ બોલાવા ।

શ્રીરામને ખબર હતી કે સીતાની શોધ હનુમાનજી જ કરશે. એટલે ભગવાને હનુમાનજીને નજીક બોલાવ્યા. ત્યાર પછી શું કર્યું?

પરસા સીસ સરોરૂહ પાની ।
કર મુદ્રિકા દીન્હિ જન જાની ।।

હનુમાનજીના મસ્તક ઉપર ભગવાને હાથ રાખ્યો અને પોતાની મુદ્રિકા હનુમાનજીને આપીને કહ્યું :

બહુ પ્રકાર સીત હિ સમુજાએહુ ।
કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ ।।

સીતાને બહુ પ્રકારથી સમજાવજે. મારા બળની કથા, મારા વિરહની કથા સીતાને કહીને જલદી પાછો આવજે.

અહીં શ્રીરામ હનુમાનજીના મસ્તક ઉપર હાથ રાખીને જાણે શકિતસંચાર કરે છે અને જે મુદ્રિકા હનુમાનજીને આપે છે એમાં રામનું નામ લખેલું છે. કથામૃતમાં શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘નામ-નામી અભેદ છે’ ઈશ્વર અને નામમાં કંઈ ભેદ નથી, એક જ છે.

સ્વામી વિવેકાનંદ વિદેશમાં ગયા ત્યારે શ્રીરામકૃષ્ણ સૂક્ષ્મ શરીરે સાથે રહીને તેમની રક્ષા કરતા હતા. એવી જ રીતે શ્રીરામ પણ પોતાના નામની સાથે હનુમાનજીની સાથે યાત્રા કરે છે.

પ્રભુમુદ્રિકા મેલિ મુખ માહીં ।
જલધિ લાંધી ગયે અચરજ નાહી ।।
(હનુમાન ચાલીસા)

હનુમાનજીએ મુદ્રિકા મુખમાં રાખી કારણ કે ભગવાનનું નામ સર્વદા મુખમાં રાખવું જોઈએ.

સ્વામી વિવેકાનંદે બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિષ્ઠા કરી હતી. ‘સ્વામી-શિષ્ય-સંવાદ’માં શરતચંદ્ર ચક્રવર્તીએ વર્ણન કર્યું છે કે નિલાંબર બાબુના બગીચામાં ભાડાનાં મકાનમાં મઠ છે. સવારે ગંગાસ્નાન કરીને સ્વામીજીએ ઠાકુર-ઘરમાં પ્રવેશ કર્યો. પૂજારીના આસન પર બેસીને પુષ્પપાત્રમાં જેટલાં ફૂલ-બીલીપત્ર હતાં, તે બધાં એક સાથે હાથમાં લઈને શ્રીરામકૃષ્ણદેવની પાદુકા ઉપર પુષ્પાંજલિ આપીને ધ્યાન મગ્ન બની ગયા. અપૂર્વ દર્શન! તેમની ધર્મપ્રભા-વિભાસિત સ્નિગ્ધોજ્જવલ કાંતિથી ઠાકુર ઘર જાણે એક અદ્‌ભુત જ્યોતિથી પૂર્ણ થયું. પ્રેમાનંદ અને અન્ય સ્વામીઓ ઠાકુર ઘરના દ્વારે ઊભા રહ્યા.

ધ્યાન-પૂજા પછી મઠભૂમિમાં જવાનું આયોજન થવા લાગ્યું. તાંબાના કળશમાં રક્ષિત શ્રીરામકૃષ્ણદેવનાં ભસ્માસ્થિ સ્વામીજી સ્વયં દક્ષિણ સ્કંધે લઈને અગ્રસર થયા. અન્ય સંન્યાસીગણ સાથે શિષ્ય પણ તેમની પાછળ પાછળ ચાલ્યો. શંખ-ઘંટ નાદે તટભૂમિ મુખરિત થવાથી ભાગીરથી જાણે ઢળતી ઢળતી નૃત્ય કરવા લાગી. જતાં જતાં પથમધ્યે સ્વામીજીએ શિષ્યને કહ્યું, ‘ઠાકુરે મને કહ્યું હતું, તું મને તારા ખભા પર બેસાડીને જ્યાં લઈ જઈશ હું ત્યાં જ રહીશ-વૃક્ષની છાયામાં અથવા કુટિરમાં.’ એટલા માટે હું પોતે તેમને સ્કંધે બેસાડીને નવી મઠભૂમિમાં લઈ જાઉં છું. નિશ્ચય જાણજે-ઘણા કાળ સુધી બહુજનહિત માટે ઠાકુર આ સ્થાને સ્થિર થઈને રહેશે.

આપણે જોયું, સ્વામી વિવેકાનંદે જગતના કલ્યાણ માટે શ્રીરામકૃષ્ણદેવને પોતાના સ્કંધે બેસાડીને બેલુર મઠમાં તેમની પ્રતિષ્ઠા કરી. હનુમાનજી પણ શ્રીરામ અને લક્ષ્મણને પોતાના સ્કંધે બેસાડીને સુગ્રીવની પાસે લઈ ગયા હતા. સુગ્રીવ સાધારણ જીવ છે, ડરપોક છે, દુ :ખ કષ્ટમાં ભગવાનને યાદ કરે છે. પરંતુ જ્યારે રાજ્ય અને સ્ત્રી મળી ત્યારે ભગવાનને ભૂલી જાય છે. એવા સાધારણ જીવની પાસે હનુમાનજી શ્રીરામને લઈ જાય છે. હનુમાનજી શ્રીરામને કહે છે, તમે સુગ્રીવની સાથે મિત્રતા કરો. હનુમાનજી સુગ્રીવને નથી કહેતા કે તમે ભગવાનની સાથે મિત્રતા કરો. કારણ કે હનુમાનજીને ખબર છે કે સાધારણ જીવ જો કોઈની સાથે મિત્રતા કરે તો એ કેટલા દિવસ ટકશે એ કહેવું મુશ્કેલ છે. આજે આપણી જેની સાથે ખૂબ સારી મિત્રતા છે, એવું બની શકે કે થોડા દિવસ પછી એ મિત્રતા શત્રુતામાં રૂપાંતર થઈ જાય. પરંતુ ભગવાન જો કોઈની સાથે મિત્રતા કરે તો એ કોઈ દિવસ છોડશે નહીં. શ્રીરામકૃષ્ણદેવ કથામૃતમાં કહે છે : ‘જો પિતા છોકરાનો હાથ પકડે તો ખોવાઇ જવાનો ડર નથી. પરંતુ જો છોકરો પિતાનો હાથ પકડે તો આજુબાજુ જોતાં જોતાં ક્યારે છોડી દેશે એ તેને ખબર જ નહીં રહે.’ અહીં હનુમાનજી અને સ્વામી વિવેકાનંદ એક જ કામ કરે છે. જગતના કલ્યાણ માટે ભગવાનને પોતાના સ્કંધે બેસાડીને સાધારણ જીવની પાસે પ્રતિષ્ઠા કરે છે.

હનુમાનજી સાથે શ્રીરામનો જ્યારે મેળાપ થયો, ત્યારે હનુમાનજી કહે છે :
તવ માયા બસ ફિરઉં ભુલાના ।
તા તે મૈ નહિ પ્રભુ પહિચાના ।।

જગ કારન તારન ભવ ભંજન ધરની ભાર ।
કી તુમ્હ અખિલ ભુવન પતિ લીન્હ મનુજ અવતાર ।।

સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણદેવ વિશે લખે છે :
ખંડન ભવ બંધન જગ વંદન વંદિ તોમાય ।
નિરંજન નર રૂપ ધર, નિર્ગુણ ગુણ મય ।।

હનુમાનજી શ્રીરામને પોતાનો પરિચય આપતાં કહે છે :
એકુ મૈં મંદ મોહબસ કુટિલ હૃદય અગ્યાન ।
પુનિ પ્રભુ મોહિ બિસારેઉ દીનબંધુ ભગવાન ।।

સ્વામી વિવેકાનંદ લખે છે.
મોહંકષં બહુકૃતં ન ભજે યતોઽહં ।
તસ્માત્ત્વમેવ શરણં મમ દીનબંધો ।

હે પ્રભુ, હું મોહજાળમાં ફસાઇને તમારું ભજન કરતો નથી. હે મારા દીનબંધુ, તમે જ એક માત્ર મારું શરણ છો.

શ્રીરામ હનુમાનજીને કહે છે,
સો અનન્ય જાકેં અસિ મતિ ન ટરઇ હનુમંત ।
મૈં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત ।।

હે હનુમાન, જે ભકતની મતિ (બુદ્ધિ) ક્યારેય અસ્થિર થતી નથી, જે હું સેવક છું અને આ જગતના બધાં પ્રાણી (જડ-ચેતન) મારા સ્વામી ભગવાનનાં જ રૂપ છે.

શ્રીરામકૃષ્ણદેવે પણ સ્વામી વિવેકાનંદને એક જ વાત કહી કે ‘શિવજ્ઞાનથી જીવસેવા’. પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વર છે એવા ભાવથી સેવા કરવાની.

તુલસીદાસ હનુમાન ચાલીસામાં લખે છે :
જૈ જૈ જૈ હનુમાન ગોસાંઈ ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાંઈ ।।

હે હનુમાનજી, તમે ગુરુદેવની જેમ અમારા ઉપર કૃપા કરો. ગુરુદેવ શિષ્યનો ઈશ્વર સાથે મેળાપ કરાવી આપે છે. હનુમાનજીએ તુલસીદાસ, સુગ્રીવ અને વિભીષણનો મેળાપ ભગવાન શ્રીરામ સાથે કરાવી આપ્યો.

સ્વામી વિવેકાનંદે પણ આપણને એવો સરળ માર્ગ બતાવ્યો છે જેથી આપણે ઈશ્વરલાભ કરી શકીએ. બધા મનુષ્યોમાં ઈશ્વર છે. મનુષ્યની સેવા કરવાથી ઈશ્વરની સેવા થશે. રામચરિત માનસમાં પણ તુલસીદાસ લખે છે :

સીયારામમય સબ જગ જાની ।
કરહું પ્રણામ જોરી જુગ પાની ।।

સીતારામ જ બધાં સ્ત્રી-પુરુષોમાં વસે છે એમ જાણીને બધાને પ્રણામ કરો.

ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ‘યત્ર યત્ર નેત્ર પડે, તત્ર તત્ર કૃષ્ણ સ્ફુરે’ જ્યાં જ્યાં મારી દૃષ્ટિ જાય છે ત્યાં ત્યાં શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે. બધા મહાપુરુષો એક જ વાત કહે છે. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ, આપણી દૃષ્ટિ પણ એવી બની જાય કે જેથી બધામાં ઈશ્વરનાં દર્શન કરીને આપણે ધન્ય બનીએ.

Total Views: 1,297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.