શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગરે ભક્તોને) – મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ- રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. એંડેદાના કૃષ્ણકિશોરની પાસે અધ્યાત્મ-રામાયણ સાંભળવા જતો.

કૃષ્ણકિશોરમાં કેવી શ્રદ્ધા હતી! તે વૃંદાવન ગયો હતો. ત્યાં એક દિવસ પાણીની તરસ લાગી. કૂવા પાસે જઈને જોયું તો એક જણ ઊભો હતો. કૃષ્ણકિશોરે તેની પાસે પાણી માગતાં પેલાએ કહ્યાું કે હું હલકી જાતનો છું, આપ બ્રાહ્મણ. હું કેવી રીતે આપને પાણી કાઢી આપું ! કૃષ્ણકિશોરે કહ્યું કે ‘તું બોલ ‘શિવ, શિવ’; શિવ બોલીશ એટલે શુદ્ધ થઈ જઈશ. પેલાએ ‘શિવ’ ‘શિવ’ ઉચ્ચાર કરીને પાણી કાઢી આપ્યું. એવો આચારી બ્રાહ્મણ, તેણે એ પાણી પીધું, કેવી શ્રદ્ધા !

એંડેદાના ઘાટ પર એક સાધુ આવ્યો હતો. અમે એક દિવસ તેનાં દર્શને જવાનો વિચાર કર્યો. મેં કાલીમંદિરમાં હલધારીને કહ્યું, ‘કૃષ્ણકિશોર અને હું સાધુનાં દર્શને જવાના છીએ, તમારે આવવું છે ?’ હલધારીએ કહ્યું, ‘એક માટીના પિંજરાને જોવા જઈને શું વળવાનું ?’ હલધારી ગીતા, વેદાંત વાંચતો ને, એટલે સાધુને કહે છે માટીનું પિંજરું. કૃષ્ણકિશોરને જઈને મેં એ વાત કરી. એથી એ બહુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે ‘શું હલધારીએ એવી વાત કરી ? જે ઈશ્વર ચિંતન કરે, અને ઈશ્વર સારુ જેણે સર્વત્યાગ કર્યો છે, તેનો દેહ માટીનું પિંજરું ? તેને ખબર નથી કે ભક્તોનો દેહ ચિન્મય ? તેને એટલો ગુસ્સો ચડેલો કે કાલીમંદિરે ફૂલ તોડવા આવતો ત્યારે હલધારી સામે આવતાં મોઢું ફેરવી લેતો, કે જેથી તેની સાથે બોલવું ન પડે. મને કહે કે જનોઈ કાઢી નાખી શા માટે ? મારી જ્યારે આવી અવસ્થા થઈ ત્યારે ચોમાસાના તોફાનની પેઠે કંઈક આવીને એ બધું ક્યાંયનું ક્યાંય ઉડાવીને લઈ ગયું. આગળનું ચિહ્ન એકેય રહ્યું નહિ. હોશ નહોતા. ધોતિયું જ નીકળી જાય તો જનોઈ તો રહે શેની ? મેં તેને કહ્યું, ‘તમને એક વાર ઉન્માદ થાય તો ખબર પડે !’

અને એમ જ થયું. તેને પોતાને જ ઉન્માદ થયો. ત્યારે એ માત્ર ૐ, ૐ બોલતો અને એક ઓરડામાં ચૂપચાપ બેસી રહેતો. સૌએ તેનું માથું ભમી ગયું છે જાણીને વૈદને તેડાવ્યો. નાટાગઢનો રામ વૈદ્ય આવેલો. કૃષ્ણકિશોરે વૈદને કહ્યું, અરે વૈદરાજ, મારો રોગ મટાડો ભલે; પણ જો જો, મારો ૐકાર મટાડતા નહિ ! (સૌનું હાસ્ય.)

‘એક દિવસ જઈને જોયું તો એ ચિંતા કરતો બેઠો છે. મેં પૂછ્યું : ‘શું થયું છે ?’ તેણે જવાબ આપ્યો કે ટેકસવાળો આવ્યો હતો, એટલે ચિંતામાં પડ્યો છું. એ કહી ગયો છે કે ટેકસના રૂપિયા નહિ ભરો તો ઘરનાં વાસણકુસણ વેચીને વસૂલ કરવામાં આવશે. મેં કહ્યું, અરે, ચિંતા કર્યે શું વળવાનું હતું ? બહુ તો લોટા-વાટકા લઈ જશે. જો બાંધીને લઈ જવા ઇચ્છે તો તમને તો લઈ જઈ શકવાનો નથી ને ? તમે તો ‘ખ’. (નરેન્દ્ર વગેરેનું હાસ્ય). કૃષ્ણકિશોર કહેતો હતો કે હું ‘ખ’, એટલે કે આકાશ જેવો, અધ્યાત્મ- રામાયણ વાંચતો ને એટલે. વચ્ચે વચ્ચે હું ‘તમે ખ’ કહીને તેની મજાક કરતો. એટલે મેં હસીને કહ્યું કે તમે તો ‘ખ’. તમને ટેકસ ખેંચી જઈ શકવાનો નથી ?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૭૬)

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.