સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન

શ્રીરામકૃષ્ણ – આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે નિરાકાર ?

મણિ – જી, હમણાં સાકારમાં મન જતું નથી. તેમ વળી નિરાકારમાંય મન સ્થિર કરી શકતો નથી.

શ્રીરામકૃષ્ણ – જોયું ને ? નિરાકારમાં મન એકદમ સ્થિર થાય નહિ. શરૂશરૂમાં તો સાકાર જ સારું.

મણિ – શું આ બધી માટીની મૂર્તિનું ચિંતન કરવું ?

શ્રીરામકૃષ્ણ – કેમ ? ચિન્મય મૂર્તિ.

મણિ – જી, તો પણ હાથપગનો તો વિચાર કરવો પડે ને ? પરંતુ એ પણ જોઉં છું કે પ્રથમ અવસ્થામાં રૂપનું ચિંતન કર્યા વિના મન સ્થિર થાય નહિ, એમ આપે કહ્યું છે. વારુ, ઈશ્વર તો જુદાં જુદાં રૂપ ધારણ કરી શકે. પોતાની માના સ્વરૂપનું ધ્યાન કરી શકાય કે નહિ ?

શ્રીરામકૃષ્ણ – હા. તે (મા) ગુરુ – બ્રહ્મમયીસ્વરૂપા. (મણિ ચૂપ રહ્યા છે.)

થોડી વાર પછી વળી ઠાકુરને પૂછે છે :

મણિ – જી. નિરાકાર કેવું દેખાય ? શું એનું વર્ણન કરી શકાય નહિ ?

શ્રીરામકૃષ્ણ (જરા વિચાર કરીને) – એ શેના જેવું ખબર છે ?

એટલું કહીને ઠાકુર જરા શાંત રહ્યા. ત્યાર પછી સાકાર નિરાકાર દર્શનનો કેવો અનુભવ થાય એ વિષે એક વાત કહી. ફરી થોડીવાર મૌન.

‘વાત એમ છે કે આને બરાબર સમજવા માટે સાધના જોઈએ. જો તાળાબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઇચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યાર પછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહિ તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઊભા ઊભા વિચાર કરીએ કે આ મેં બારણું ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઊભા ઊભા વિચાર કરવાથી કાંઈ વળે નહિ. સાધના કરવી જોઈએ.’

(શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૮૮-૮૯)

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.