શ્રીરામકૃષ્ણ – જેમ કે ઓશીકું અને તેની ખોળ, તેમ દેહી અને દેહ. શું ઠાકુર એમ કહી રહ્યા છે કે ‘દેહ નાશવંત – રહેશે નહિ, દેહની અંદર જે દેહી તે જ અવિનાશી, એટલે દેહનો ફોટો લીધે શું વળે ? – દેહ અનિત્ય વસ્તુ, એનું સન્માન કર્યે શું વળે ? – તેના કરતાં જે ભગવાન અંતર્યામી, મનુષ્યના હૃદયમાં બિરાજી રહ્યા છે, તેમની જ પૂજા કરવી યોગ્ય.’

શ્રીરામકૃષ્ણ જરા સ્વસ્થ થયા છે. તે બોલવા લાગ્યા :

‘પણ એક વાત છે; ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું. ભગવાન સર્વભૂતમાં છે ખરા, પણ ભક્તના હૃદયમાં વિશેષરૂપે છે. જેમ કે કોઈ જમીનદાર પોતાની જમીનદારીમાં બધી જગાએ રહી શકે, પણ તેના માણસો કહે કે મોટે ભાગે તેઓ તેના દીવાનખાનામાં મળશે. ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું ! (સૌને આનંદ).

(ઈશ્વર એક છે – તેમનાં ભિન્ન ભિન્ન નામ – જ્ઞાની, યોગી અને ભક્ત)

‘જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે, યોગીઓ તેને જ આત્મા કહે છે અને ભક્તો તેને જ ભગવાન કહે છે.

જેમ કે એક જ બ્રાહ્મણ, જ્યારે પૂજા કરે ત્યારે તેનું નામ પૂજારી; રસોઈ કરે ત્યારે રસોઈયો. જે જ્ઞાનયોગને અનુસરે તે ‘‘નેતિ નેતિ’’ એમ વિચાર કરે. બ્રહ્મ આ વસ્તુ નથી, તે વસ્તુ નથી, જીવ નથી, જગત નથી, એમ વિચાર કરતાં કરતાં જ્યારે મન સ્થિર થાય, મનનો લય થાય, સમાધિ થા ય, ત્યારે બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાનીની પાકી ધારણા હોય કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નામ-રૂપમય આ બધું સ્વપ્નવત્. બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ. એ એક વ્યક્તિ યાને સગુણ ઈશ્વર (Personal God) એમ પણ કહી શકાય નહિ.

જ્ઞાનીઓ એ પ્રમાણે કહે, જેમ કે વેદાંતવાદીઓ. પરંતુ ભક્તો બધી અવસ્થાઓને સાચી તરીકે સ્વીકારે. જાગ્રત અવસ્થાને પણ સાચી કહે, જગતને સ્વપ્નવત્ કહે નહિ. ભક્તો કહે કે આ જગત ભગવાનનું ઐશ્વર્ય; આકાશ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, પર્વત, સમુદ્ર, જીવ-જંતુ એ બધું ઈશ્વરે બનાવ્યું છે. આ બધું તેમનું ઐશ્વર્ય. એ ઈશ્વર હૃદયની અંદર તેમજ બહાર છે. ઉત્તમ ભક્ત કહેશે કે ભગવાન પોતે જ આ ચોવીસ તત્ત્વરૂપે, જીવ-જગતરૂપે થયા છે. ભક્ત ખાંડ ખાવાનું ઇચ્છે, તેને પોતાને ખાંડ થવું ગમે નહિ. (સૌનું હાસ્ય). (શ્રીરામકૃષ્ણ કથામૃત -૧ : પૃ. ૯૮-૯૯)

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.