સ્વામી પૂર્ણાત્માનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ માંથી ગુરુબંધુ સ્વામી સારદાનંદજીનાં સ્વામીજી વિશેનાં સંસ્મરણોનો સ્વામી નંદિકેશાનંદ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.

હું ‘સા રે ગ મ’ કરીને ગીત શીખ્યો નથી. સ્વામીજીએ જેવું શીખવ્યું એવું જ શીખ્યો છું. મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) ના કાન નરવા હતા. હું સ્વામીજી પાસેથી શીખીને સ્વામી બ્રહ્માનંદજી સમક્ષ એને ફરીથી સંભળાવતો. જ્યાં સુધી તેઓ અનુમોદન ન આપે ત્યાં સુધી એમને સંભળાવતો.

ભારત અને ભારતની બહાર અનેક જગ્યાએ હું અને સ્વામીજી ફર્યા હતા. જો કોઈ અમને પૂછતું કે એ જગ્યા વિશે કંઈક બોલો તો હું ઝાઝું કહી ન શકતો. પણ સ્વામીજી પાંચ મિનિટ માટે પણ ક્યાંય ગયા હોય તો તેઓ એકી સાથે એ જગ્યા વિશે અડધો કલાક બોલી શકતા.

કાશીપુરમાં શ્રીઠાકુરે સ્વામીજીને નિર્દેશ આપીને ભક્તિમાર્ગ અને અન્ય બીજા પથોની સાધના કરાવી લીધી. સ્વામીજી તો અસાધારણ શક્તિવાળા અને ગ્રહણ કરવાના સામર્થ્યવાળા. અલ્પસમયમાં ત્વરાથી એકે એક પથનું ફળ પ્રાપ્ત કરી લીધું. સ્વામીજી આવી અનેક પ્રકારની પ્રાપ્તિઓ કરીને બીજાને એ વક્તવ્યથી સમજાવી દેતા. શ્રીઠાકુરનું દૃષ્ટાંત દઈને અને માત્ર બુદ્ધિથી સમજીને નહીં પણ એનો અનુભવ કરીને બીજાને એ વાત કહેતા. એ સમયે અમે શ્રીઠાકુર પાસે જતા આવતા. સ્વામીજી પહેલેથી જ શ્રીઠાકુર પાસે આવતા. એકવાર જોયું તો પોતાના સિમુલિયાના ઘરે આનંદમગ્ન બનીને બેઠા છે. વાતચીત કરવાથી ખ્યાલ આવ્યો કે શ્રીઠાકુરની કૃપાથી એમને શ્રીરાધાનાં દર્શન થયાં હતાં. દેવદેવીનાં દર્શન સ્વામીજીને અનેકવાર થયાં હતાં. છતાં પણ તેઓ આ વાત કોઈને કહેતા નહીં.

પરિવ્રાજક અવસ્થામાં પશ્ચિમભારતમાં પરિભ્રમણ કરતાં કરતાં પશ્ચિમના વિશ્વમાં જવા માટેનો સ્પષ્ટ નિર્દેશ શ્રીઠાકુર પાસેથી એમને સાંપડ્યો હતો. શ્રીમાને લખેલા એક પત્રમાં આ વાતનો ઉલ્લેખ એમણે કર્યો છે કે મને આ રીતે શ્રીઠાકુરનો નિર્દેશ મળ્યો છે એ વિશે આપનું શું કહેવું છે. સ્વામીજીએ આ પત્ર શ્રીમાને મારા મારફત મોકલાવ્યો અને કહ્યું, ‘તું આ પત્ર લઈને મા પાસે જજે અને શ્રીમાને વાંચીને સંભળાવજે અને માનો અભિપ્રાય મને જણાવજે.’

આદેશ પ્રમાણે શ્રીશ્રીમાને એ પત્ર વાંચી સંભળાવ્યો અને એમણે ઘૂંઘટમાંથી કહ્યું, ‘બે દિવસ પછી એનો ઉત્તર આપીશ.’ બે દિવસની ધ્યાનાવસ્થામાં શ્રીશ્રીમાએ શ્રીઠાકુરની ઇચ્છાને જાણી અને કહ્યું, ‘એને લખી જણાવો કે શ્રીઠાકુરે કહ્યું છે કે એણે એ દેશમાં જવું પડશે.’

સ્વામીજી હતા ત્યારે અમારામાંથી જ કેટલાક એમનાં (મિશનના) કામકાજને કોઈ બીજા ભાવે જોવા લાગ્યા. હું એ વખતે પશ્ચિમના દેશોમાં હતો. આવીને સાંભળ્યું તો એક દિવસ બલરામબાબુના ઘરે યોગેનસ્વામી વગેરે આ જ વાત કરતા હતા. એ વખતે સ્વામીજીએ અપ્રસન્ન થઈને કહ્યું, ‘આ દેહ છોડી દઈશ, આ દેહ છોડી દઈશ !’ આમ કહીને તેઓ એકાંતમાં બેસી ગયા. કોઈની સાથે વાતચીત ન કરી. અંતે સ્વામી બ્રહ્માનંદે આવીને બીજાને આ વિશે ઠપકો આપ્યો અને એ બધાને ચૂપ કરી દીધા. અને સાચી વાત તો એ છે કે જેમણે એમની ટીકાનિંદા કરી એમાં એમનો ય શો દોષ. એમનું કહેવાનું એવું હતું કે સ્વામીજી અમેરિકા ગયા ત્યાં પોતાનાં વક્તવ્યોમાં શ્રીઠાકુર વિશે કંઈ બોલ્યા જ નથી.

સ્વામીજી વિશે શ્રીઠાકુરે કંઈક કહ્યું હતું. એ સમયે કેટલીયે રાત શ્રીઠાકુરને ઊંઘ ન આવી. મોં લાલ લાલ થઈ ગયું. ઓરડામાં અમે બધા હતા. સ્વામીજી ઓરડામાં પ્રવેશ્યા કે એમના તરફ આંગળી ચીંધીને જોરથી કહ્યું, ‘હા, આના જેવું કોઈ નથી.’ પછી સ્વામીજીને ઉદ્દેશીને કહ્યું, ‘તને હમણાં કોઈ સમજી નહીં શકે, તું બરાબર સાચવીને રહેજે.’

સ્વામીજી જ્યારે દેવઘરમાં માંદા પડ્યા ત્યારે હું એમની સેવા કરતો હતો. તેઓ ખૂબ નબળા પડી ગયા હતા. એ વખતે પડખાં ફેરવતાં ફેરવતાં કહ્યું , ‘જુઓ, આને કહે છે ગરુડાસન અને આ વળી બીજું એક આસન,’ વગેરે.

એક દિવસ તેઓ ઘણ્ા ઉત્તેજીત થઈ ગયા હતા. એ વખતે એમની સાથે ચર્ચા કે વાતચીત કરવાની કોની હિમ્મત ચાલે ? પછી એમણે કહ્યું, ‘અમુક તમુકે આપણા કાર્યમાં માથું મારવાની શી જરૂર હતી ?’ (જેટલા એમને હું શાંત કરવાનો પ્રયત્ન કરતો હતો તેટલા જ તેઓ મોટા અવાજે બોલતા હતા.) તેમણે કહ્યું, ‘શ્રીઠાકુરના ઉદારભાવને જોઈને રૂઢિવાદીઓએ એને બીજી રીતે સમજાવવાની શી જરૂર હતી ? તેઓ (બીજા લોકો) કહે છે કે શ્રીઠાકુર અવતાર છે એ પહેલાં કહો. પરંતુ અમારી રીત તો જુદી જ છે. એમના ચારિત્ર્ય પર જ ભાર દેવો પડે. પછી લોકો એને પોતપોતાની રીતે ભલે અવતાર કહે.’

એક વાર સ્વામીજીના શિષ્ય શાંતિરામ (સ્વામી પ્રેમાનંદજીના નાના ભાઈ) ખૂબ માંદા પડ્યા. એ વખતે એમની માતાએ સ્વામીજીની પાસે ખૂબ વિનવણી કરી કે એમને ગમે તેમ કરીને ઝડપથી સાજા કરી દો. અમારી નજર સામે જ એક વાટકીમાં સ્વામીજીએ થોડું ગંગાજળ લાવવા કહ્યું. પછી એ જળ તરફ થોડીક વાર જોતા જ રહ્યા. કેવું આશ્ચર્ય, વાટકીનું પાણી ગરમ થઈ ગયું અને એમાંથી વરાળ નીકળવા માંડી ! પછી કહ્યું, ‘જાઓ, આ પાણી થોડું થોડું કરીને એને પિવડાવી દેજો. જે વધે એને ઘરમાં રાખજો. ઘરમાં કોઈ માંદું પડે તો એ પાણીનો ઉપયોગ કરજો.’ એમનામાં ઘણી સિદ્ધિઓ હતી, પણ એનો બધે ઉપયોગ ન કરતા. શ્રીઠાકુરે પણ એમને આવી સિદ્ધિઓનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી હતી.

દેહત્યાગ કરતાં પહેલાં થોડા દિવસ પૂર્વે સ્વામીજીએ મને કહ્યું, ‘અરે, એ છોકરી (શ્રીમા કાલી) તો હમણાં દેખાતી નથી. એ દીકરીએ મારો હાથ છોડી દીધો છે.’ મેં ત્યારે એમને કહ્યું, ‘ભાઈ, એવું તો કાંઈ હોઈ શકે ? માએ તો તમારો હાથ હંમેશ્ાને માટે પકડી રાખ્યો છે.’ એ દિવસથી હું સમજી ગયો કે સ્વામીજીના દેહ દ્વારા શ્રીજગદંબાનું જે કાંઈ કામ કરવાનું હતું તે પૂર્ણ થઈ ગયું છે.

ઠાકુરની તો વાત જ જવા દો, સ્વામીજી સ્વયં એક અવતાર છે. એકવાર શ્રીઠાકુરે સ્વામીજીને ત્રણ વાર કહ્યું હતું, ‘તું બરાબર જાળવજે, તને હમણાં કોઈ સમજી શકશે નહીં.’

Total Views: 205

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.