(ગતાંકથી આગળ…)

સ્વામીજી હેલ પરિવારમાં રહેતા હતા. નજીકમાં જ લિંકન પાર્ક હતો. સ્વામીજી પાર્કમાં ચાલતા જતા અને પછી ત્યાં ખુલ્લા તડકામાં બેસતા. એક અમેરિકન મહિલા દરરોજ આ પાર્કમાં થઈને ખરીદી કરવા જતી. તેની સાથે છ વરસની નાની દીકરી પણ જતી. બજારમાં ખરીદી કરવી અને દીકરીને સાચવવી એ બન્ને કામ સાથે કરવામાં મહિલાને તકલીફ પડતી હતી. તેણે જોયું કે આ ભારતીય સાધુ દરરોજ આ સમયે અહીં બેઠેલા હોય છે. આથી તેણે સ્વામીજી પાસે જઈને સીધું પૂછ્યું કે ‘આપ દરરોજ અહીં આવો છો તો તમે થોડો સમય મારી આ દીકરીને સાચવશો ? ખરીદી કરતી વખતે તેને સાચવવામાં મારું ધ્યાન તેનામાં જ રહે છે. સરખી ખરીદી પણ કરી શકતી નથી.’ તદ્દન અપરિચિત એવા આ સાધુમાં એવું તે શું હતું કે અમેરિકન મહિલા પોતાની છ વરસની બાળકીને તેમના ભરોસે એકલી મૂકવા તૈયાર થઈ ? સામાન્ય રીતે કોઈ માતા પોતાના સંતાનને અજાણ્યાના હાથમાં મૂકે જ નહીં. પણ સ્વામીજી તો આત્મવત્ સર્વભૂતેષુ ય : પશ્યતિ – એવા બ્રહ્મજ્ઞ સાધુ હતા. તેમને તો મનુષ્યોની અંદર વસેલા પરમાત્મા સાથે એકાત્મભાવ હતો. આથી તેમને માટે કોઈ અજાણ્યું નહોતું. બધા જ બ્રહ્મનાં વિવિધરૂપો હતાં. એ જ રીતે તેઓ પોતે પણ બધા માટે આત્મીય હતા – કેમ કે દેખીતી રીતે ગમે તેવો અજાણ્યો કે વિદેશી મનુષ્ય હોય તો પણ આત્માથી તે સ્વામીજી સાથે જોડાયેલો હોવાથી તેને પણ આત્મીયતાની અનુભૂતિ થાય જ. સ્વામીજીએ સંમતિ આપી. એ મહિલા રાજી થઈ ગઈ અને સ્વામીજીને પોતાની દીકરી સોંપીને આનંદથી ખરીદી કરવા ચાલી ગઈ. પછી તો દિવસો સુધી આ ક્રમ ચાલતો રહ્યો. સ્વામીજી એ છ વરસની બાળકીના આત્મીય દોસ્ત બની તેની સાથે રમ્યા, તેની વાતો સાંભળી, તેને વાર્તાઓ કહી ! બાળકી સાથે રમી રહેલા સ્વામીજીને જોઈને કોઈ ભાગ્યે જ માની શકે કે શિકાગોની ધર્મસભામાં હજારો લોકોને પોતાની જ્ઞાનધારાથી મંત્રમુગ્ધ કરી દેનાર એ આ જ સ્વામી વિવેકાનંદ છે !

એકાદ દાયકા પછી જ્યારે એ બાળકી સોળ વર્ષની તરુણી બની ગઈ હતી ત્યારે તેના હાથમાં સ્વામીજીનો ફોટો મૂકીને કોઈએ તેને પૂછ્યું, ‘ઓળખે છે, તારા આ દોસ્તને ?’ સ્વામીજીને કોઈ એકવાર પણ મળ્યું હોય તો તે ભૂલી શકે નહીં. તો આ ભલે નાની વયની બાળકી હતી, પણ લિંકન પાર્કમાં એના દોસ્ત સાથેની રોજેરોજની રમતો, વાર્તાઓ કેવી રીતે ભૂલી શકે ? અને વળી સ્વામીજીએ એ નિર્દાેષ બાળકીની આંતરચેતનામાં જે ભરી દીધું હતું, તે સમયે સમયે પ્રગટ થતું રહેતું, એ કેવી રીતે ભૂલી શકે ? લગ્ન પછી તે ફિલાડેલ્ફિયા સાસરે ગઈ અને ત્યાં રામકૃષ્ણ મઠના સાધુ પાસેથી મંત્ર દીક્ષા લીધી ! સ્વામીજીએ વાવેલાં બીજ યથાસમયે અંકુરિત થઈને જ રહ્યાં.

તે વખતે સ્વામીજી ડેટ્રોઈટમાં હતા. ભગિની ક્રિસ્ટીન તે વખતે ત્યાં હતાં. તેમણે ત્યારે સ્વામીજીનું એકે એક પ્રવચન સાંભળ્યું હતું. તેમણે લખ્યું છે કે, ‘દૈવીશક્તિથી સંપન્ન આ મહાપુરુષમાંથી જે શક્તિ પ્રગટ થતી હતી તે એટલી તો પ્રબળ હતી કે લોકો સ્વામીજીનો સીધો સ્પર્શ કરતાં ડરતા હતા. જાણે કે એ શક્તિનો પ્રચંડ પ્રવાહ એકદમ તાણી જશે !

ડેટ્રોઈટની એક ઉચ્ચ માધ્યમિક સ્કૂલનાં શિક્ષિકા શ્રીમતી કુકે સ્વામીજીના પ્રભાવ અંગે વાત કરતાં અમેરિકાની કવયિત્રી સારા વોર્ડફિલ્ડને કહ્યું હતું કે તેઓ ડેટ્રોઈટમાં સ્વામીજીનાં ભાષણો સાંભળવા જતાં હતાં. એક દિવસ ભાષણ પૂરું થયા પછી તેમના મનમાં વક્તાને અભિનંદન આપવાની ભાવના જાગી અને તેમને થયું કે સ્વામીજીનાં આવાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન વિશે તેઓ તેમને કશું કહેશે. તેઓ સ્વામીજી પાસે ગયાં અને અભિનંદન માટે હાથ મિલાવ્યો. પણ સ્વામીજીના હાથનો સ્પર્શ થતાં જ એમણે બોલવા ધારેલા શબ્દો ક્યાંય અદૃશ્ય થઈ ગયા. તેઓ એક શબ્દ પણ બોલી શક્યાં નહીં. સ્વામીજીની દૃષ્ટિ એમનાં અંતરતમ સુધી ઊતરીને તેમના અસ્તિત્વને રણઝણાવી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘એમની સૂક્ષ્મ આંતરદૃષ્ટિને હું કદી ભૂલી શકીશ નહીં, એમના એ પવિત્ર સ્પર્શનાં આંદોલનો મારા સમગ્ર અસ્તિત્વના અણુએ અણુમાં છવાયેલાં રહે એ ભાવનાથી ત્રણ દિવસ સુધી તો મારા હાથને મેં ધોયો નહીં !’ સ્વામીજીનો અંતરાત્માને જગાડી દેતો વિદ્યુત સમો સ્પર્શ જેમને જેમને મળ્યો તેઓ જીવનભર એ સ્પર્શને પોતાની આંતરચેતનામાં અનુભવતાં રહ્યાં. જેઓએ એમની વાણીનું શ્રવણ કરતા તેમના વિચારો બદલાઈ જતા, તેમનામાં આધ્યાત્મિકતાનું બીજ રોપાઈ જતું અને પછી ધીમે ધીમે એ પાંગરીને વૃક્ષ બની રહેતું !

‘મારાં અમેરિકન બહેનો અને ભાઈઓ’ આ સંબોધનના ઉચ્ચારણ માત્રથી જેમણે વિશ્વધર્મમહાસભાના અસંખ્ય પ્રેક્ષકોને, આત્માની એકતાની અનુભૂતિમાંથી ઉદ્ભવેલા સામાન્ય શબ્દોમાં પણ સર્વનાં હૃદયો સુધી પહોંચીને તેમને રણઝણાવી દેવાની કેવી તો પ્રચંડ શક્તિ રહેલી છે, તેની નક્કર અનુભૂતિ કરાવી દીધી હતી. એ સ્વામીજીએ પોતાની આત્મશક્તિથી પ્રજ્વલિત વાણી દ્વારા યુરોપ અને અમેરિકામાં ભારતની આધ્યાત્મિકતાનો પ્રકાશ રેલાવ્યો હતો. અમેરિકામાં ભાષણો આપવા તેઓ જ્યાં જ્યાં ગયા, ત્યાં અનેક અમેરિકન પરિવારોના સંપર્કમાં આવ્યા. તેમના સંપર્કમાં આવનાર સહુને સ્વામીજી પાસેથી ઉચ્ચ આધ્યાત્મિક પાથેય મળ્યું, સાથે સાથે સ્વામીજીના સરળ, સહજ, બાળક જેવા નિર્દાેષ અને સદાય આનંદમય જીવનવ્યવહાર દ્વારા ઉચ્ચ આધ્યાત્મિક જીવન કેવું હોય તેનું સ્પષ્ટ પ્રત્યક્ષ દર્શન પણ મળ્યું. એથી જ તો શ્રીમતી ફંકી જેવાં અનેક અમેરિકનોએ અનુભવ્યું કે ‘સ્વામીજીમાં એવું કંઈક હતું કે જે આ દુનિયાનું નહોતું.’

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.