(ગતાંકથી આગળ…)

ખુશને એકાગ્રતાના મહત્ત્વ વિશે સમજાવવા સ્વામીજીએ પોતાના જીવનની એક ઘટના કહી. એમણે કહ્યું :

‘બેટા, એક દિવસ હું અમેરિકાની એક નદીના કિનારે ચાલી રહ્યો હતો. મેં જોયું કે કેટલાક જુવાનીયાઓ બંદૂક વડે નદીમાં તરતાં ઇંડાનાં કોચલાં પર નિશાન તાકતા હતા. મને એ જોઈને આશ્ચર્ય થયું કે એક પણ જુવાનીયો સાચું નિશાન તાકી ન શક્યો. હું હસવું ન રોકી શક્યો. મને હસતો જોઈ એક યુવાને મને પડકારતાં કહ્યું: ‘આ નિશાન તાકવું જેટલું દેખાય એટલું સહેલું નથી. તમે કરીને બતાવો તો !’ મેં એ યુવાનના હાથમાંથી બંદૂક લઈ બાર વખત ગોળીબાર કર્યો. પ્રત્યેક ગોળી નિશાનને લાગી. આ જોઈ જુવાનીયાઓ આભા બની ગયા. એમણે વિચાર્યું કે હું એક પાકો નિશાનબાજ છું. એમનું આશ્ચર્ય જોઈને મેં કહ્યું કે મેં આજે મારા જીવનમાં પહેલી જ વાર બંદૂક હાથમાં પકડી છે અને નિશાન સાધ્યું છે. મારી સફળતાનું રહસ્ય છે – એકાગ્રતા.’

હવે વિમાન ખુશના ઘરે પહોંચ્યું. સ્વામીજીએ ફરીથી દોરડાની સીડી નીચે ફેંકી અને ખુશ વિમાનમાંથી નીચે ઊતર્યો.

આ સમયે ખુશનું સપનું તૂટ્યું અને નિદ્રામાંથી ઊભો થયો. એણે પોતાના દાદીને મોટેથી બોલતા સાંભળ્યા : ‘ખુશ, ઉઠ ! શાળાએ જવાનું મોડું થાય છે.’

પોતાના દાદીનો અવાજ સાંભળીને ખુશને સમજાણું કે હવે એ સપનામાંથી સાચા જગતમાં આવી ગયો છે. એ તરત જ પોતાની પથારીમાંથી ઊભો થયો અને શાળાએ જવાની તૈયારી કરવા માંડ્યો.

પરંતુ સ્વામીજીના ઉપદેશો જેમ કે – શિક્ષક જ્યારે શીખવાડતા હોય ત્યારે સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળવું અને જ્યારે અભ્યાસ કરતો હોય ત્યારે પૂરા ધ્યાનથી અભ્યાસ કરવો – ખુશના મનમાં રમી રહ્યા હતા. એ દિવસથી જ ખુશના વર્તનમાં બદલાવ આવી ગયો. એણે પૂરી એકાગ્રતાથી વર્ગમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. ઘણા શિક્ષકોએ ખુશમાં આવેલ આ પરિવર્તનની નોંધ કરી અને બીજા વિદ્યાર્થીઓ સામે એની પ્રશંસા પણ કરી. ઘરે પણ ખુશે ગૃહકાર્ય એક મનથી કરવાનું શરૂ કરી દીધું.

એક રવિવારે ખુશ ધ્યાનથી પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો. એ દરમિયાન એની માએ એને વારંવાર બોલાવવા છતાં પણ અભ્યાસમાં ઊંડા ઊતરી ગયેલ ખુશથી એનો અવાજ સાંભળી શકાયો નહિ. એના મા દોડી આવ્યાં અને એનું ધ્યાન દોરવા માટે હાથમાંથી પુસ્તક છીનવી લીધું. પરંતુ જ્યારે એમને સમજાયું કે અભ્યાસમાં એકાગ્ર હોવાથી જ ખુશ એમને સાંભળી નહોતો શક્યો ત્યારે તેઓ રાજી થઈ ગયાં.

થોડા દિવસો બાદ ખુશનો માસિક વિકાસ પત્ર આવ્યો. એના શિક્ષકે પ્રશંસાજનક નોંધમાં લખ્યું હતું કે ‘ખુશની વર્ગમાં એકાગ્રતાથી શીખવાની ક્ષમતા અદ્‌ભુત છે. એની યાદશક્તિ પણ આશ્ચર્યજનક છે.’ એ દિવસે ખુશના પરિવારજનોએ ભેગા મળીને એને ઘણા ધન્યવાદ આપ્યા. આ ઘટનાથી ખુશનો આત્મવિશ્વાસ અત્યંત વધી ગયો અને એણે સ્વામી વિવેકાનંદનો પોતાના અંતરથી આભાર માન્યો.

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.