(ગતાંકથી આગળ…)

શ્રીઅમરનાથ મહાદેવની યાત્રા

સ્વામી વિવેકાનંદે ખુશને અમરનાથ મહાદેવના મંદિરે જવા, તેમને અનુસરવા કહ્યું. રસ્તામાં આ મંદિરના મહત્ત્વની વાત કરતાં સ્વામીજીએ કહ્યું, ‘અમરનાથની ગુફા એ કાશ્મીરમાં આવેલું સુખ્યાત મંદિર છે. અંદરથી આ ગુફા ૧૩૦ ફૂટ ઊંચી છે. ગુફાની છતમાંથી જમીન પર પડતા પાણીનો પ્રવાહ થીજી જવાથી શિવલિંગ બને છે. તે ગુફાના તળિયાથી લંબાકારે ઉપર સુધી જાય છે. મે થી ઓગસ્ટ મહિના દરમિયાન ધીમે ધીમે આ હિમલિંગ ઓગળતું જાય છે અને તેનું કદ ઘટતું જાય છે.’

અમરનાથ મંદિરના પોતાના પૂર્વ અનુભવની વાત કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘પશ્ચિમના દેશોની મારી પ્રથમ યાત્રામાંથી પાછા ફર્યા બાદ જુલાઈ ૧૮૯૮માં મેં અમરનાથ મહાદેવની યાત્રા કરી હતી. આ મંદિરમાં ભગિની નિવેદિતા સાથે હતાં. જેવો હું મંદિરમાં પ્રવેશ્યો કે કબૂતરનું એક જૂથ મારા માથા ઉપરથી ઊડીને ગયું. મને અહીં ભગવાન અમરનાથનાં દર્શન થયાં હતાં. તેમણે મને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. ઇચ્છામૃત્યુ એટલે મારી ઇચ્છા પ્રમાણે મારા આ સ્થૂળદેહને ત્યજીને હું મૃત્યુ પામી શકું. અહીં મને એક અજબનો અનુભવ થયો. મેં એવું અનુભવ્યું કે ભગવાન અમરનાથ મહાદેવ આઠેય દિવસ, ચોવીસેય કલાક મારા માથા પર બેઠા હતા અને મારી સામે જોઈને હસતા હતા. મેં ભગવાન અમરનાથ મહાદેવને કહ્યું કે મારો દેહ બળી રહ્યો છે અને એ વાત સાંભળીને એમને હસવું આવ્યું.

કન્યાકુમારીના મંદિરની મુલાકાત

ત્યાર પછી સ્વામી વિવેકાનંદ ખુશ સાથે દક્ષિણનાં મંદિરો તરફ ઊડ્યા. દક્ષિણનાં મંદિરોનું શિલ્પસ્થાપત્ય આગવી ભાતનું હતું અને વિશેષ આનંદ સાથે મંદિરોના ઊંચા ગોપુરમ્નું આતુરતા સાથે નિરીક્ષણ કર્યું. માતા કન્યાકુમારીને પ્રણામ કરીને સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘વત્સ, સાંભળ, મેં ડિસેમ્બર, ૧૮૯૨માં કન્યાકુમારીની મુલાકાત લીધી હતી. મારી પાસે બોટમાં બેસીને જવાના પૈસા ન હતા, એટલે હું સમુદ્રમાં બે કી.મી. સુધી તરીને ગયો અને ત્યાં આવેલી એક એકાકી શિલા પર ધ્યાન ધર્યું. હું ત્રણ દિવસ અને ત્રણ રાત ગહન ધ્યાનમાં લીન રહ્યો અને મને અમેરિકા જવાનો વિચાર ત્યાંથી જ સ્ફૂર્યો.’

મદુરાઈના મંદિરની મુલાકાત

પછી સ્વામી વિવેકાનંદ અને ખુશે મદુરાઈના મીનાક્ષી મંદિરની મુલાકાત લીધી. સ્વામી વિવેકાનંદે કહ્યું કે તેમણે આ મંદિરની મુલાકાત ડિસેમ્બર, ૧૮૯૨માં લીધી હતી અને તે સમયે તેઓ રાજા ભાષ્કર સેતુપતિને મળ્યા હતા અને ભારતના ગરીબ લોકોનું જીવનધોરણ સુધારવા વિશેની ઘણી બાબતોની ચર્ચા કરી હતી. આ મંદિરનો ઇતિહાસ સમજાવતાં તેમણે આગળ કહ્યું, ‘દેવી પાર્વતી અહીં મીનાક્ષીના રૂપે પ્રગટ થયાં હતાં. એ વખતે એમના પતિરૂપે સુંદરેશ્વર હતા. આ મંદિરને ૧૪ દરવાજા ટાવર સાથેના હતા. એને ગોપુરમ્ કહે છે અને તેની ઊંચાઈ ૪૫ થી ૫૦ મીટર છે. આ મંદિરમાં આશરે ૩૩૦૦ શિલ્પો છે.

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.