(ગતાંકથી આગળ…)

પ્રકરણ – ૪

ખુશ વક્તૃત્વમાં પ્રથમ ઈનામ મેળવે છે

સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી. રાજકોટની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંતરશાળાકીય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. તેનો વિષય હતો ‘સ્વામી વિવેકાનંદનો વિદ્યાર્થીઓને સંદેશ’. વિવિધ વયજૂથના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓ હતી. ખુશ સ્વામી વિવેકાનંદના સંદેશને બધાં બાળકોમાં સ્પષ્ટ અને સહજસરળ રીતે આપવા ઇચ્છતો હતો, જેથી દરેકે દરેક બાળક એમના સંદેશને જાણે, માણે અને એ સંદેશનું અનુસરણ કરે. તેણે આ સ્પર્ધામાં સૌ કોઈનું ધ્યાન ખેંચાય એટલા માટે પ્રથમ પારિતોષિક મેળવવાનું સ્વપ્ન પણ સેવ્યું હતું.

વક્તૃત્વ સ્પર્ધા માટેની ખુશની તૈયારી

ખુશે વક્તૃત્વ સ્પર્ધાની તૈયારી ગંભીરતાથી આરંભી. તેમણે પોતાનાં સગાંવહાલાં, શિક્ષકો, મિત્રોનાં માતપિતા તેમજ તેનાં દાદાદાદીનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું. પુસ્તકાલયમાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવામાં તે ઘણો સમય ગાળતો. તેનું મન સ્વામી વિવેકાનંદના વિચારોથી ભર્યું ભર્યું રહેતું. તેણે પોતાની જાતને યોગ્ય ઉમેદવાર સાબિત કરવા પ્રયત્ન કર્યો. તે પોતાના સ્વપ્નની દુનિયામાં સ્વામીજીને મળવા આતુર હતો, એને લીધે આ વક્તૃત્વ સ્પર્ધામાં કેવી રીતે બોલવું તે વિશે તેમની પાસેથી ઘણું ઘણું શીખી શકે તેમ હતો.

ખુશ સ્વપ્નની દુનિયામાં પ્રવેશે છે

એક રાત્રે ખુશ વહેલો ઊંઘી ગયો. ઊંઘમાં તે સ્વામી વિવેકાનંદની સ્વપ્નભૂમિકામાં સરી પડ્યો. એકાએક એનું ઘર અદૃશ્ય થઈ ગયું, એને સ્થાને એક ગાઢ જંગલ આવી ગયું. એકાએક તેણે એક સિંહને પોતાની સામે આવતો જોયો અને એ ભયભીત થઈ ગયો. પણ જેવો એ સિંહ તેની નજીક આવ્યો કે તરત જ ખુશને સમજાયું કે આ તો સ્વામી વિવેકાનંદ પોતે જ સિંહરૂપે આવ્યા હતા. ખુશનો ભય દૂર થયો. ખુશના હર્ષનો પાર ન રહ્યો. તે આવી ઘટનાની આતુરતાથી રાહ જોતો હતો. સ્વામી વિવેકાનંદે ખુશને તેમને અડકવા કહ્યું. ખુશે જેવો તેમને સ્પર્શ કર્યો કે તરત જ તે સિંહ બની ગયો.

હવે ખુશની ઉત્તેજના અસીમ હતી. બીજા લોકો પોતાને એક પુખ્ત વયનો માને એમ ખુશ હંમેશાં ઇચ્છતો હતો. પણ એ હજી નાનો છે એટલે કોઈ એને યોગ્ય મહત્ત્વ આપતું નહીં. પોતાના શરીરનું કદ વિવેકાનંદરૂપે રહેલા સિંહ સમું થયેલું જોઈને ખુશ રાજી રાજી થઈ ગયો. અંતે શરીરનું કદ મળતાં હવે એને સૌ સમાન માનશે એવી તક મળી ગઈ.

ખુશને જંગલના ઊંડાણમાં લઈ જઈને સિંહના મહત્ત્વના ગુણો સમજાવતાં સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘સિંહ મા દુર્ગાનું વાહન છે. સિંહની શક્તિને સાહસનું પ્રતિક માનવાં. જ્યારે કોઈ પણ માણસ હિંમતવાન અને બળવાન હોય ત્યારે તેને સિંહમર્દ કહે છે અને એ જ રીતે એનાં ગુણગૌરવ વધે છે. એટલે હું તને કહું છું તું બળવાન બન, બહાદુર બન; શક્તિ જ એકમાત્ર જરૂરી વસ્તુ છે, શક્તિ જ જીવન છે ! નિર્બળતા મૃત્યુ છે ! ઊભા થાઓ ! હિંમતવાન બનો! બળવાન બનો!’

સ્વામી વિવેકાનંદે જોયું કે ખુશ વક્તૃત્વસ્પર્ધામાં વિજય મેળવવા આતુર છે. એની તૈયારી માટે તેને સૂચનો આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે :

‘સાંભળ, ભાઈ ખુશ, વક્તૃત્વસ્પર્ધામાં વિજેતા બનવા માટે તારે ઘણી બાબતો પર ધ્યાન દેવું જોઈએ. એક તો જે વિષય પર તું બોલવાનો છો એને માટે દૃઢ સંકલ્પ અને શ્રદ્ધાની જરૂર છે. આવા ખાતરીપૂર્વકના સંકલ્પને લીધે સાંભળનારા મંત્રમુગ્ધ બનીને સાંભળે. તારો અવાજ સ્પષ્ટ અને આત્મશ્રદ્ધાવાળો હોવો જોઈએ. તું જ્યારે વિષયની રજૂઆત કરતો હોય ત્યારે પૂરેપૂરો સ્વસ્થ રહેવો જોઈએ. એટલે કે સહજસરળ રીતે તારે વાતની રજૂઆત કરવી જોઈએ. શ્રોતાજનો તરફ અને તેમની આંખોમાં જોતા રહેવું જોઈએ. શરીરના યોગ્ય અને સ્વાભાવિક હાવભાવથી તારે તારી લાગણીઓને વ્યક્ત કરવી જોઈએ.’

પછી સ્વામીજીએ ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ૧૧મી સપ્ટેમ્બરે આપેલા પોતાના વ્યાખ્યાનનો ઉલ્લેખ કર્યો. સ્વામીજીના આ વ્યાખ્યાને એમને વિશ્વવિખ્યાત વક્તા બનાવી દીધા.

આ વાત ખુશને એટલા માટે કરી કે તે વકતૃત્વને અસરકારક રીતે રજૂ કરવાની કળામાં સાચી આંતર્દૃષ્ટિ મેળવી શકે.

સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મપરિષદની એ સ્મૃતિઓને ફરીથી ઢંઢોળીને કહ્યું, ‘વિશ્વધર્મપરિષદમાં બીજા ધર્મના બધા સારા વક્તાઓ તૈયાર લખેલ સંભાષણ વાંચી ગયા. એ રીતે હું મૂર્ખ ગણાઉં કારણ કે મારી પાસે આવું કંઈ ન હતું. પછી મેં મા સરસ્વતીને વંદન કર્ર્યાં અને વ્યાસપીઠનાં પગથિયાં ચડી ગયો. મેં ત્યાં એકઠા થયેલા સભાજનોને આ રીતે સંબોધન કર્યું, ‘‘અમેરિકાનાં મારાં બહેનો અને ભાઈઓ, આ શબ્દો સાંભળતાંની સાથે જ બે મિનિટ સુધી કાનને બહેરા કરી દે તેવો તાળિયોનો ગડગડાટ થયો. એ શમ્યા પછી મેં મારું વક્તવ્ય આગળ ચલાવ્યું.’’ ભાઈ ખુશ, સભાજનોનું ધ્યાન ખેંચવાનું સૌથી મોટંુ ગહન રહસ્ય હતું વક્તવ્યમાં સાદી, સહજસરળ ભાષાનો ઉપયોગ કરવાની શક્તિ. આ વાત કરવાની રીત હું મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યો છું. તેઓ અત્યંત સાદીસીધી ભાષામાં કોઈ પણ વાત કે વિચારને એટલી અસરકારક રીતે રજૂ કરતા અને સમજાવતા કે જેથી સાંભળનાર એમણે જે કંઈ કહ્યું હોય તે ક્યારેય ભૂલી ન જતા.’

ખુશ પોતાના સ્વપ્નજગતના જંગલમાંથી

ઘરે પાછો ફરે છે

ગાઢ જંગલમાં ફરતાં ફરતાં લાંબી ચર્ચા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ રાજકોટમાં ખુશના ઘરે ફર્યા. જેવા તેઓ એ ઘરની અગાસીમાં પહોંચ્યા કે તરત જ સ્વામી વિવેકાનંદ ફરીથી માનવ રૂપમાં આવી ગયા. પછી ખુશે સ્વામીજીને સ્પર્શ કર્યો અને તે પણ પોતાના મૂળ માનવરૂપમાં આવી ગયો. વિદાય લેતી વખતે સ્વામી વિવેકાનંદે ખુશને કહ્યું, ‘ખુશ, મારી બધી હાર્દિક કામનાઓ તને પાઠવું છું. જ્યારે તું વક્તૃત્વ સ્પર્ધામાં બોલે ત્યારે સાદી, સહજ, સરળ ભાષમાં બોલજે અને ધીરસ્થિર રહીને સ્પષ્ટ રજૂઆત કરજે. નિર્ણાયકો અને સભાજનો તરફ નજર રાખીને બોલજે.’ આમ કહીને સ્વામી વિવેકાનંદ ફરી પાછા આકાશ માર્ગે ઊડી ગયા અને થોડા જ સમયમાં વિલીન થઈ ગયા.

(ક્રમશ 🙂

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.