(સપ્ટેમ્બરથી આગળ…)

સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત વ્યક્તિત્વ દ્વારા ઈલાજ ન કરી શકાય તેવો કોઈ ઘા નથી, તે પૂરી ન કરી શકે તેવી જરૂરિયાત નથી અને તે ભરપાઈ ન કરી શકે તેવી હાનિ નથી. આથી જીવનના રચનાત્મક પુરુષાર્થાેમાં સૌથી અગત્યની વસ્તુ છે કેવી રીતે પોતાના સંકલિત વ્યક્તિત્વનું ઘડતર કરવું અને આપણો જે લોકો સાથે સંબંધ હોય તેવા અન્ય લોકોના સંકલિત વ્યક્તિત્વના ઘડતરમાં સહાયરૂપ બનવું.

માબાપની અસર

હિન્દુ માનસશાસ્ત્ર સાક્ષી પૂરશે કે બાળકના વ્યક્તિત્વનું ઘડતર તેના જન્મ પહેલાં ઘડાવાનું શરૂ થઈ જાય છે. હજી સુધી નહીં ઘડાયેલા બાળકના વ્યક્તિત્વ-દ્રવ્ય પર માબાપના સંસ્કાર પાડવા માંડે છે. માબાપ જાણતાં કે અજાણતાં પોતાના વિચારો તથા કાર્યો દ્વારા બાળકના વ્યક્તિત્વને ઘાટ આપવા માંડે છે. શરૂઆતમાં કહીએ તો બાળક નિષ્ક્રિય રહીને સારી કે ખરાબ વર્તણૂકના સંસર્ગને ગ્રહણ કરવા માંડે છે. તે સારા-ખરાબનો વિવેક કે વિરોધ કરતું નથી, તે બાળક જ્યારે મોટું થશે ત્યારે ક્યા પ્રકારનું સંકલિત વ્યક્તિત્વ પ્રકટ કરશે તેનો આધાર સંપૂર્ણ રીતે કુટુંબ પર રહે છે.

જ્યારે બાળક સભાન રીતે અવલોકન કરવા માંડે છે, ત્યારે તે પોતાનું સંકલિત વ્યક્તિત્વ જોઈજોઈને, નિરીક્ષણ કરીને અને માબાપની નકલ કરીને ઘડવા માંડે છે. આથી જો તેને સારી, ઉમદા અને યોગ્ય વસ્તુઓ સમજવા, અવલોકન કરવા અને અનુકરણ કરવા મળે, તો આપણે વત્તેઓછે અંશે ખાતરી રાખી શકીએ કે સમય જતાં બાળક સુયોગ્ય ચારિત્ર્ય પ્રકટ કરશે. સંકલિત વ્યક્તિત્વ ઘડતરનો મોટો મદાર વિકસતા બાળકના મનને માબાપ ક્યા પ્રકારનો ખોરાક પૂરો પાડે છે તેના પર રહે છે, વળી કુટુંબમાં પણ માનો પ્રભાવ બાળકના ઘડતરમાં બહુ જ મોટા પ્રમાણમાં રહે છે.

સામાન્ય રીતે સંતો મોટું ચારિત્ર્ય ધરાવતાં સ્ત્રીપુરુષોમાંથી જન્મતા હોય છે. સંકલિત વ્યક્તિત્વના ઘડતર માટે આપણે જેટલું વહેલું કરીએ તેટલું વધારે સારું. આવાં બાળકોને આપણે વહેલાં કબજામાં લઈ શકીએ અને આ કબજો મેળવવાની શરૂઆત બાળકના જન્મ પહેલાં મેળવી શકાય છે, શરત એટલી કે માબાપ સારું મન અને મદદ કરવા ઉત્સુક વિચારો કેળવે. જે માબાપ પોતાના જીવન દરમિયાન ક્રમશ : પોતાના ચારિત્ર્યનું ઘડતર કરતાં રહે છે, તેઓ જ પોતાનાં સંતાનોનું ચારિત્ર્ય ઘડતર કરી શકે છે.

શિક્ષકોનો પ્રભાવ

બાળકોના ચારિત્ર્યનું ઘડતર કરવામાં માબાપ પછીનો ક્રમ શિક્ષકોનો આવે છે. જો માબાપ અને શિક્ષકો નક્કર ઉમદા ચરિત્ર્યવાળાં હોય તો જ તેમના કબજાનાં નાનાં બાળકો અચૂક રીતે તેમની એ છાપ ધારણ કરી રાખશે. આથી જ પ્રાચીન ભારતમાં શિક્ષણનું કાર્ય આદર્શ માનવો, સંતોના હાથમાં સોંપવામાં આવ્યું હતું. તેમની પાસે શિક્ષિત થવું એ વાત આશીર્વાદરૂપ બની રહેતી હતી.

જો માબાપ અને શિક્ષક ભિન્ન અને અસ્તવ્યસ્ત ચરિત્ર્યનાં હોય તો તેમનાં સંતાનો અને વિદ્યાર્થીઓ મોટે ભાગે એવા જ ચારિત્ર્યવાળા થવાનો સંભવ રહેશે. પરંતુ જો બાળકો સારા ચારિત્ર્યવાળાં માબાપો અને વળી શંકાસ્પદ ચારિત્ર્યવાળા શિક્ષકો દ્વારા કેળવાશે અથવા એથી ઊલટું હોય તો તેમનાં વ્યક્તિત્વો આ પ્રભાવોની વચ્ચે સંઘર્ષ અનુભવશે.

માહોલનો પ્રભાવ

જાણતાં અજાણતાં બાળકો પર ચોક્કસ રીતે પડેલા પ્રભાવો સારાનરસાં માબાપ અને શિક્ષકો દ્વારા પડેલા હોય છે, તદુપરાંત સામાજિક માહોલનો પ્રભાવ પણ જોરદાર હોય છે. આ પ્રભાવને રચનાત્મક રીતે ચારિત્ર્ય ઘડતર માટે હાથ ધરી શકાય, પણ માત્ર કુટુંબો દ્વારા.

સંકલિત વ્યક્તિત્વના ઘડતર માટે બીજા પણ કેટલાક શિસ્તના નિયમો છે તેમને જાણી જોઈને કેળવી શકાય.

સંકલિત વ્યક્તિત્વ વિકસાવવા માટેનાં

સહાયક પરિબળો

૧) સંકલિત રીતે શરીરનાં તથા મનનાં તંત્રો વિશે જ્ઞાન મેળવવું તથા તાલીમ લેવી.

૨) ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે ઉપદેશેલાં શરીરના, વાણીના અને મનનાં ત્રિવિધ તપને કાર્યાન્વિત કરવાં.

૩) દૈવી સંપદ્ના ગુણોની સાધના કરવા માટે તાલીમ લેવી.

૪) પતંજલિએ નક્કી કરી આપેલા યમ, નિયમના શિસ્તના નિયમોને કાર્યાન્વિત કરવા.

૫) નૈતિક રહેણીકરણી અથવા સમાજમાન્ય વર્તણૂક કેળવવી.

૬) ઉચ્ચતર મૂલ્યોની યોજના માટે કમર કસવી.

૭) વિવેક, એકાગ્રતા, અનાસક્તિ અને ઇચ્છા શક્તિનું સામર્થ્ય વિકસાવવું.

૮) સાચા શિષ્યની પાંચ શક્તિઓ વિકસાવવા માટેની તાલીમ.

સાધી લેવામાં આવેલું સંકલિત વ્યક્તિત્વ વ્યવહારુ ભાષામાં કહીએ તો પોતા પરનું પ્રભુત્વ છે. પોતા પરનું પ્રભુત્વ જ્ઞાન અને શરીર તથા મનરૂપી સાધનો પરના પ્રભુત્વને માની લઈને આગળ ચાલે છે. ચાલો આપણે થોડી વિગતોમાં ઊતરીએ.

શરીર, વાણી અને મનનાં ત્રણ તપ કેવી રીતે કરવાં તે વાત શ્રીકૃષ્ણે આ રીતે ભગવદ્ગીતામાં શીખવી છે :

દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું પૂજન; પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. (૧૭.૧૪)

કોઈને આઘાત ન પહોંચે એવી, સાચી, મીઠી, હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનું સાતત્ય એ વાણીનું તપ કહેવાય છે. (૧૭.૧૫)

મનની પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસંયમ અને મનોભાવની નિર્મળતા એ મનનું તપ કહેવાય છે. (૧૭.૧૬)

શ્રીકૃષ્ણે પ્રબોધેલાં આ ત્રણ પ્રકારનાં તપનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાથી માલૂમ પડશે કે અસરકારક રીતે ઉચ્ચતર જીવન જીવવા માટેની મનોદૈહિક કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે આ પાયાની ભલામણ છે.

શ્રીકૃષ્ણે ગીતામાં વિગતવાર રજૂ કરેલ દૈવી સંપદ્ અથવા દિવ્ય ખજાનો :

નિર્ભયતા, અન્ત :કરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં સ્થિરતા-નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય અને તપ તથા સરળતા (૧૬.૧)

અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળત્યાગ, શાંતિ, પરનિંદાનો અભાવ, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, કોમળતા, લાજમર્યાદા, અચંચળતા (૧૬.૨)

તેજ, ક્ષમા, ધીરજ, પવિત્રતા, દ્રોહનો અભાવ અને નિરભિમાનીપણું (આ છવ્વીસ ગુણો) હે અર્જુન! દૈવીસંપત્તિ તરફ ઢળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.(૧૬.૩)

આપણામાંના મોટાભાગના ભલે આ દૈવી-સંપદા સાથે ન જન્મ્યા હોઈએ, તે છતાંય તેને પ્રાપ્ત કરી શકાય છે. કઈ રીતે ? પ્રથમ તો ફરી ફરીને ઊંડી વિચારણા દ્વારા આપણે આ શબ્દોના આંતરિક અર્થ માટે અંતર્દૃષ્ટિ વિકસાવવી જોઈએ. આ પ્રક્રિયા ચાલુ રાખીને આપણે સમજી શકીશું કે આ સદ્ગુણોને ‘દૈવી સંપદા’ શા માટે કહેવામાં આવે છે.

પછી આપણો આંતરિક સંઘર્ષ ચાલુ થશે. આ સંઘર્ષનો સામનો માનસિક રીતે નિર્બળ તેમજ હતોત્સાહ થયા વિના કરવો જોઈએ અને પાર ઊતરવું જોઈએ. આપણા પોતાના પૂર્વ સંસ્કારો, ભૂતકાળમાં જે વલણો કે વૃત્તિ આપણે મેળવેલ હોય તે, ખાસ કરીને દુર્વૃત્તિઓ જોરદાર પ્રતિકાર કરશે. પરંતુ જો આપણને દૃઢ પ્રતીતિ થઈ ગઈ હોય કે દૈવી સંપદાને મેળવ્યા વિના જીવન ધિક્કારપાત્ર બનશે અને જો આપણે મક્કમ નિર્ધાર કર્યો હોય કે એને મેળવીશું જ, તો જરૂરી સંઘર્ષ દ્વારા ભગવાનની કૃપાથી તેને મેળવી શકાય છે.

યમ અને નિયમના શિસ્તના નિયમોની સાધના

વિકસવા યોગ્ય સંકલિત વ્યક્તિત્વનો પાયો નાખવા માટે મહર્ષિ પતંજલિ પોતાના ગ્રંથ યોગસૂત્ર (૨.૩૦-૩૨)માં યમ અને નિયમ કહેવાતી શિસ્તના આચરણનો આદેશ કરે છે. જીવનનો સમય ટૂંકો છે અને માણસના સંકલિત વ્યક્તિત્વનું ઘડતર કરવું એ લાંબી પ્રક્રિયા છે; કોઈએ સમય બગાડવો ન જોઈએ.

યમ એટલે શું ? પતંજલિ કહે છે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલાંને યમો કહેવામાં આવે છે.

આ (યમો) જ્યારે જાતિ, દેશ, કાળ અને પરિસ્થિતિથી બંધાયા વિના લાગુ પાડવામાં આવે ત્યારે એ મહાવ્રતો કહેવાય છે. તે પછીના સૂત્રમાં મહર્ષિ પતંજલિ કહે છે : (બાહ્ય અને આંતર) શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજન એ નિયમો છે.

ચાલો હવે આપણે છેલ્લા મુદ્દા વિષે અર્થાત્ શિષ્યની પાંચ શક્તિઓ વિશે વિચારણા કરીએ : બુદ્ધ પોતાના શિષ્યો સાથે પાંચ શક્તિઓ વિશે વિચારણા કરે છે. બુદ્ધ પોતાના શિષ્યોને પાંચ શક્તિઓ કેળવવા માટે અંગુત્તર નિકાયમાં ઉપદેશે છે :

૧. શ્રદ્ધાની શક્તિ : સાચા શિષ્યને પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય છે અને તેના ગુરુ પાસે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે અને તેઓ પરમ સત્યનો બોધ આપી શકે એમ છે તેવું માનતો હોય છે.

૨. અંતરનો અવાજ સાંભળવાની શક્તિ : સાચો શિષ્ય કુદરતી રીતે જ અંતરનો અવાજ સાંભળનારો હોય છે અને તેથી જ્યારે તે વિચાર, વાણી કે કાર્યની બાબતમાં ખોટી રીતે વર્તે છે ત્યારે તેને મનમાં ખટકો થાય છે.

૩. ડર લાગવાની શક્તિ : સાચા શિષ્યને ખોટી રીતે વિચારતાં, બોલતાં કે કાર્ય કરતાં જે અપકીર્તિ મળે છે, તેની બીક લાગે છે.

૪. ઊર્જાની શક્તિ : સાચા શિષ્ય પાસે બધી ખરાબ (ખોટી) વસ્તુને નકારી કાઢવાની ટકાઉ શક્તિ હોય છે. સાથે સાથે તેની પાસે સાચી વસ્તુઓને આત્મસાત્ કરવાની પણ શક્તિ હોય છે.

૫. અંતર્દૃષ્ટિની શક્તિ : સાચા શિષ્ય પાસે વસ્તુઓના સાચા સ્વભાવને પારખવાની આંતરિક દૃષ્ટિ હોય છે અને તેથી વિકાસની અંદર રહેલા સડાને તે જોઈ શકે છે અને તેથી તે પોતાની જાતને શોકના મૂળ કારણનો નાશ કરવા સજ્જ કરે છે.

અહીં આપણને મહાન સંકલિત વ્યક્તિત્વના ઘડતર માટે પુષ્કળ અણમોલ સામગ્રી આપવામાં આવી છે. હવે શિલ્પીને તેની કલ્પના, ઇચ્છાશક્તિ, ઊર્જા અને ઉત્સાહનો ઉપયોગ કરીને સંકલિત વ્યક્તિત્વરૂપી જીવનની ભવ્ય ઈમારતનું નિર્માણ કરવા દો.

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.