(ગતાંકથી આગળ…)

‘ધર્મ-અધર્મ, શુચિ-અશુચિ’ વગેરે

ધર્મ અને અધર્મ વિશે શ્રીરામકૃષ્ણ કહે છે : ‘ધર્મ એટલે દાન વગેરે કર્મ. ધર્મને લેવાથી અધર્મને પણ લેવો પડે. પુણ્યને લેવાથી પાપ પણ લેવું પડે.’ સારું -ખરાબ, ધર્મ-અધર્મ, શુચિ – અશુચિ આ બધી પરસ્પર વિરોધી બાબત છે. એકને લેવાથી બીજાને પણ લેવું પડે. એટલે જ તેઓ કહે છે, ‘આ બધાંનો પરિત્યાગ કરવાથી જ તત્ત્વનું આસ્વાદન થાય છે.’ જેમ એમણે પહેલાં કહ્યું – જ્ઞાન અને અજ્ઞાન કાંંટા છે – આ બન્ને ભગવાનના માર્ગમાં બાધક છે. બન્નેને ફેંકી દેવાથી તેનું (ભગવાનનું) આસ્વાદન થાય છે.

હવે શુચિ-અશુચિ વિશે કહે છે, ‘સૂવરનું માંસ ખાઈને પણ જો કોઈને ઈશ્વરનાંં ચરણોમાં ભક્તિ રહે, તો એ પુરુષ ધન્ય છે અને જો હવિષ્ય ભોજન કરીને પણ સંસારમાં આસક્તિ રહે -’ એમનું વાક્ય પૂરું થાય તે પહેલાં ડાૅક્ટર કહે છે, ‘તો તે અધર્મ છે.’ ભગવાન બુદ્ધના નિર્વાણ વિશે જે હાસ્યાસ્પદ વ્યાખ્યા છે, તેનો ડાૅક્ટર સરકારે ઉલ્લેખ કર્યો. એમનો ઉદ્દેશ્ય હતો, ગંભીરભાવને થોડો હળવો કરવો. શ્રીરામકૃષ્ણ પણ વચ્ચે વચ્ચે એવું કર્યા કરતા. શ્યામ બસુ ગૃહસ્થ છે. એમના મનમાં સંશય છે કે ક્યાંક સંસાર ઈશ્વરના માર્ગમાં વિઘ્નરૂપ ન બની જાય. આ પ્રશ્ન ઘણાના મનમાં ઊભો થાય છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘સંસાર-ધર્મમાંં દોષ નથી, પરંંતુ ઈશ્વરનાં ચરણકમળમાં મન રાખીને, કામનાશૂન્ય બનીને કર્મ કરવું જોઈએ.’

મનને કેવા ભાવમાં રાખવું પડે તે વાત ફોડલાનું ઉદાહરણ આપીને સમજાવે છે. પીઠમાં ફોડલો થયો છે. બધા કામ તો કરે છે, પણ મન ફોડલાની પીડા તરફ જ લાગેલું રહે છે. એવી જ રીતે બધાં જ કાર્યોની ભીતર મન ઈશ્વર તરફ ખેંચાયેલું રહેશે, બધાં કાર્યો દરમિયાન મનમાંં વારંવાર એ જ ઊઠવાનું. એક અંતર્પ્રવાહ ચાલશે, ભગવાનનું વિસ્મરણ નહીં થાય. કામ-કાજ જોઈને લોકોને આભાસ નહીં થાય. કામ બરાબર જ ચાલે છે, પણ મન ભગવાન તરફ લાગેલું છે. મન ચંચળ થાય તો પણ પ્રારંભિક અવસ્થમાં આ કરવું પડે છે. પછીથી મન પૂરેપૂરું એમનામાં મગ્ન થઈ જતાં એવું થઈ શકે કે કોઈ કામ-કાજ સંભવ જ ન બને; પરંંતુ તે ઘણી દૂરની વાત છે. પહેલેથી જ આપણે એવું ન વિચારી બેસીએ કે ઈશ્વરનું ચિંતન કરવાથી સંસારનું કામ-કાજ કેવી રીતે કરીશું. એટલે શ્રીરામકૃષ્ણ કહે છે કે ઈશ્વરમાં મન રાખીને બધાં કાર્ય કરી શકાય છે. અહીં જેમ ફોડલાનું ઉદાહરણ આપ્યું, એવી જ રીતે તેઓ ક્યાંક દાંંતના દર્દનું, તો વળી ક્યાંંક બદચલન સ્ત્રીનું દૃષ્ટાંંત આપે છે. આ બધાં એવાં દૃષ્ટાંત છે કે જે સામાન્ય લોકોની પણ સમજમાં આવી જાય.

થિયોસોફી અને શ્રીરામકૃષ્ણ

શ્યામ બસુએ ફરીથી થિયોસોફીનો પ્રશ્ન ઉપાડયો. એવું લાગે છે કે તેઓ વ્યર્થ પ્રશ્નો ઊભા કરે છે. પરંંતુ શ્રીરામકૃષ્ણ એમના પર નારાજ ન થઈને તેનો ઉત્તર દેતા રહે છે. તેમણે કહ્યું કે વાંચીને કે શાસ્ત્રની વ્યાખ્યા સાંંભળતી વખતે તેમણે આ વિશે કંઈ સાંંભળ્યું નથી. શાસ્ત્રમાં થિયોસોફી નથી, આ એક નવી લહેર છે – નવો પ્રવાહ છે. શ્રીઠાકુરે દર્શાવી દીધું કે તેઓ એ વિશે કંઈ જાણતા નથી. ‘જે લોકો ચેલા મૂંડતા ફરે છે, તેઓ હલકા દરજ્જાના છે.’ જે બીજાને પોતાના મતમાંં લાવીને પોતાનું દળ વધારે છે, તેઓ પણ હલકી જાતના લોકો છે.

અલૌકિક શક્તિઓ ઈશ્વરના માર્ગમાં કોઈ મદદ કરતી નથી. ઊલટાની તે બાધારૂપ બને છે. ‘આવા બધા લોકોની ઈશ્વરમાં શ્રદ્ધા-ભક્તિ થવાં ઘણાં કઠિન છે.’ સિદ્ધિના ચક્કરમાં મન બેકાર વેડફાઈ જાય છે, એટલે ઈશ્વરમાંં ભક્તિ થતી નથી. વ્યર્થ વાતો તથા વિચારોમાંં વ્યસ્ત રહેવાથી ભગવત્ ચિંતન માટે સમય મળતો નથી.

એકવાર સ્વામી વિવેકાનંદની એવી અવસ્થા થઈ હતી કે ધ્યાન કરતાં કરતાં તેઓ ઘણા દૂરની વાતો સાંભળી શકતા હતા. ત્યારે રામકૃષ્ણે એમને ધ્યાન બંધ કરવાનો નિર્દેશ આપ્યો, જેથી એમનું મન ક્યાંક એ બાજુ ચાલ્યું ન જાય. દૂર – બીજા લોકો શું બોલી રહ્યા છે, તે સાંભળ્યા બાદ શોધ કરીને સ્વામીજીએ જોયું, તો તે મળી ગયું. શ્રીરામકૃષ્ણ વિચાર કરે છે કે એના દ્વારા શું ભગવાન મળશે ? શું આપણે ઈશ્વર તરફ આગળ વધી શકીશું ? શું એના દ્વારા આપણે એમનું સ્વરૂપ સમજી શકીશું ? જો એવું થઈ શકતું હોય તો પછી એનું મૂલ્ય શું ? ત્યાર પછી શ્યામ બસુ કહે છે કે મૃત્યુ પછી જીવાત્મા ક્યાં જાય છે એ વાતનો થિયોસોફી દ્વારા ખ્યાલ આવે છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘‘થશે ! મારો ભાવ કેવો છે, એ જાણો છો ? કોઈએ હનુમાનજીને પૂછ્યું, ‘આજે કઈ તિથિ છે ?’ હનુમાનજીએ કહ્યું, ‘હું વાર, તિથિ, નક્ષત્ર એ બધું જાણતો નથી. હું તો બસ શ્રીરામચંદ્રજીનું સ્મરણ કર્યે જાઉં છું.’’ શ્રીરામકૃષ્ણનો આ જ ભાવ છે. એક માત્ર ભગવાન સિવાય તેઓ બીજું કંઈ જાણતા નથી અને એ જાણવાની જરૂર જ શું છે ? એમને (ઈશ્વરને) જાણી લીધા પછી મન એવું અભિભૂત થઈ જાય છે કે બીજું કંંઈ જાણવાની ઇચ્છા જ રહેતી નથી.

આપણે લોકો જ્યારે ધર્મની ચર્ચા કરીએ છીએ, ત્યારે જાત-જાતના વિષય જાણવાની આપણને ઇચ્છા થાય છે. પરંતુ ઈશ્વર સિવાય બીજું કંઈ જાણવું એ આપણા જીવનનો હેતુ નથી. ઉપનિષદ કહે છે : तमेवैकं जानथ आत्मानं अन्यावाचो विमुञ्चथ अमृतस्यैष सेतुः (મુંડક : ૨.૨.૫) ‘અન્ય વિચારો છોડીને એક માત્ર એમને જ જાણો.’ નક્ષત્રલોક ક્યાંં છે? ત્યાંં જઈ શકાય કે નહીં ? આ બધું જાણવાથી શું ઈશ્વરપ્રાપ્તિમાં મદદ મળે ખરી ? ભિન્ન ભિન્ન પ્રકારની અલૌકિક શક્તિઓ, વિભૂતિઓ, પછી ભલે તે વાસ્તવિક હોય કે કલ્પિત, સાચી હોય કે આભાસી – ગમે તે હોય, શું તેના દ્વારા જીવનનો હેતુ સિદ્ધ થાય ખરો ? આ વિશે વિચાર કરવાથી મનુષ્ય સમજી શકે છે કે ધર્મ સાથે એ બધાને કોઈ સંંબંધ નથી. ધર્મનો ઉદ્દેશ્ય છે – ભગવાનને જાણવા, તેમનું રસાસ્વાદન કરવું. અલૌકિક શક્તિઓ ભગવાનના માર્ગમાં બાધા બનીને ઊભી રહે છે. ‘કથામૃત’માંં શ્રીઠાકુર વારંંવાર કહે છે કે આ બધી શક્તિઓ સાધક માટે અત્યંત અનિષ્ટકારી છે. ભગવાને અર્જુનને કહ્યું હતું, ‘હે અર્જુન, જો કોઈની પાસે આ વિભૂતિઓમાંંથી એક પણ હોય, તો એટલું સમજી લેજે કે તે મને પામી શકતો નથી. આ વિભૂતિ – ઐશ્વર્ય સાધકની ઉન્નતિનું પરિચાયક છે, પરંંતુ આધ્યાત્મિક જગતના સ્તરનું નિર્ણાયક નથી, ઊલટાનું તે અવનતિનું ચિહ્ન છે.’

આ વિશે શ્રીરામકૃષ્ણની કેટલીયે કથાવાર્તા છે. એક ભક્તને કોઈએ પૂછ્યું કે આટલા દિવસ સુધી સાધન-ભજન કરીને તેને કંઈ મળ્યું કે નહીં ? ભક્તે કહ્યું, ‘હું કર્યે જાઉં છું, એમની કૃપા થશે તો મળશે.’ – ‘કંઈ મળ્યું કે નહીં, એ બધી વ્યર્થ વાતો છે.’ ભક્તે પેલાને પૂછ્યું, ‘સારું, શું તમને મળ્યું છે ?’ – ‘હા, મળ્યું છે, જુઓ.’ એમ કહીને એણે રસ્તે જતા હાથીને કહ્યું, ‘મરી જા.’ હાથી તત્કાલ મરી ગયો. તેણે વળી પાછું કહ્યું, ‘હાથી, તું જીવતો થઈ જા.’ હાથી જીવતો થઈ ગયો. થોડીવાર માટે તો પેલો ભક્ત સ્તબ્ધ થઈ ગયો, પછી કહ્યું, ‘સારું ભાઈ, હાથી મરી ગયો અને જીવતો થયો, પણ તેનાથી તમને શું મળ્યું ?’ વળી અહીં બાર વર્ષ સુધી તપ-સાધના કરીને પાણી પર ચાલીને નદી પાર કરવાની અલૌકિક શક્તિ મેળવવાની કથા પણ યાદ રાખવા જેવી છે. એટલે શ્રીરામકૃષ્ણ કહે છે : આ જ પ્રશ્ન છે. કોઈ નક્ષત્રલોક, કોઈ ચંંદ્રલોક, કોઈ ઈન્દ્રલોક જાય, પણ એનાથી તમને શું મળ્યું ? જે માનવદેહ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે, તેને મેળવીને લક્ષ્યથી ભ્રષ્ટ થવું ઉચિત નથી. આ બધી શક્તિઓ મનને આધ્યાત્મિક પથનો માર્ગ ભુલાવીને બીજી બાજુએ લઈ જાય છે.

આ રીતે ઐૈશ્વર્ય જોતાં શ્રીરામકૃષ્ણ ભક્તોને સાવધાન કરી દેતા છે, વધારે કૃપા થાય તો તે શક્તિનું પોતે હરણ કરી લેતા, જેથી તે પોતાના સાધના-પથ પર આગળ વધી શકે. એમની પાસે ચંદ્ર અને ગિરિજા આવ્યા કરતા. એમના અલૌકિક ઐશ્વર્ય વિશે શ્રીઠાકુર કહેતા રહેતા. ગિરિજા પીઠમાંથી પ્રકાશની જ્યોતિ કાઢી શકતા હતા. એકવાર શંભુ મલ્લિકના ઘરેથી પાછા ફરતી વખતે જ્યારે શ્રીરામકૃષ્ણ અંધારામાં રસ્તો જોઈ શકતા ન હતા, ત્યારે ગિરિજાએ એમને થોભી જવા કહ્યું. અને પોતાની પીઠમાંથી પ્રકાશ બહાર કાઢીને રસ્તાને પ્રકાશિત કરી દીધો. શ્રીરામકૃષ્ણ નિરાંંતે ચાલ્યા ગયા. એમણે કહ્યું હતું, ‘એટલું અજવાળું હતું કે હું દક્ષિણેશ્વરનો દરવાજો પણ બહુ સારી રીતે જોઈ શકતો હતો.’

પરંંતુ એનાથી એમને પોતાના જીવનમાં શું લાભ મળ્યો ? આ શક્તિ જ એમના પતનનું કારણ સિદ્ધ થઈ. શ્રીરામકૃષ્ણ પોતાના અંતરંગ શિષ્યો સમક્ષ આ બધાંની કઠોર નિંદા કરતાં બોલ્યા હતા, ‘આ બધું કેવું છે એ તમે જાણો છો, વેશ્યાની વિષ્ટા સમાન. મા કાલીએ મને આ બતાવી દીધું છે.’ એમણે વારંવાર કહ્યું છે, ‘આ બધી ઘૃણાસ્પદ વસ્તુઓ છે, એનાથી સાવધાન રહેવું.’

ત્યાર પછી, મહાત્મા છે કે નહીં, એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો તમે મારી વાત પર વિશ્વાસ કરો તો – હા છે. પરંતુ એ બધી વાતો અત્યારે રહેવા દો. મારી માંદગી કંઈક સુધરે પછી આવજો. જો તમને મારા પર શ્રદ્ધા-વિશ્વાસ છે તો તમારા માટે એવો કોઈક માર્ગ નીકળી આવશે, જેનાથી તમને મનની શાંતિ મળશે.’ મુખ્ય પ્રશ્ન એ છે કે તમે શાંતિ ઇચ્છો છો કે ઐશ્વર્ય ? ઐશ્વર્ય ઇચ્છતા હોય તો બીજે જાઓ. અભિપ્રાય કે મત એ છે કે હું પોતે પોતાનો રોગ દૂર કરી શકતો નથી, તો તમને શું આપી શકું? શાંતિ ઇચ્છતા હોય તો આવજો, ઉપાય મળી જશે. રસ્તો બતાવી શકીશ. વળી પાછા તેઓ કહે છે, ‘તમે તો જુઓ જ છો કે હું ધન કે વસ્ત્રની કોઈ ભેટ સ્વીકારતો નથી. અહીં કોઈ બીજો ચઢાવો પણ આપવો પડતો નથી. એટલે આટલા લોકો આવ્યે રાખે છે.’ તેમને આશ્વાસન આપે છે કે કંઈ દેવું નહીં પડે.

ડાૅક્ટર સાથે ઘનિષ્ઠતા વધારે છે એટલે કહે છે, ‘જો તમે માઠું ન લગાડો તો એક વાત કહું. આ બધું – રૂપિયા, માન, લેક્ચર ઘણું કર્યું, હવે થોડા દિવસ મનને ઈશ્વરમાં લગાડો અને વચ્ચે વચ્ચે અહીં આવજો, ભગવાનની વાતો સાંભળીને મનમાં ઉદ્દીપન થશે !’

આ સાર વાત છે. સાધુસંગ તથા ભગવત્ ચર્ચા અને તે પણ શ્રીરામકૃષ્ણના મુખેથી કે જેઓ ઈશ્વર સિવાય બીજું કંંઈ જાણતા નથી. વસ્તુત : આપણે લોકો સંસારના બાહ્ય વિષયોેને લઈને એવા મત્ત રહીએ છીએ કે ભગવાનની વાતો વિચારવાનો સમય જ નથી મળતો. દૈવયોગે જો એવા લોકો સાથે સંપર્ક થઈ જાય કે જે ઈશ્વર સિવાય બીજું કંઈ જાણતા નથી તો તેઓ જાણે કે ચુંબકની જેમ પ્રબળરૂપે આકર્ષિત કરે છે. મનમાં ઈશ્વરને જાણવાની ઇચ્છા રહે તો તેઓ એને સો ગણી વધારી દે છે. એમના પ્રભાવથી જીવન રૂપાંતરિત થઈ જાય છે. (ક્રમશ 🙂

Total Views: 315

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.