(ગતાંકથી આગળ…)
પ્રકરણ : ૧૦

જરૂરતમંદોને સહાય

સ્વામી વિવેકાનંદ બીજાને કેવી રીતે મદદ કરતા હતા એ વાત ખુશે પોતાના પિતાજી પાસેથી શીખી.

એ રવીવારનો દિવસ હતો અને ખુશ ઘરે હતો. એના પિતાજી સ્વામી વિવેકાનંદનાં જીવન અને કવન વિશેનાં અનેક પુસ્તકો વાંચતા રહેતા. એટલે ખુશે તેમને સ્વામી વિવેકાનંદ વિશે કંઈક કહેવાની વિનંતી કરી. ખુશ બીજાને સહાયતા કરવાની ટેવ પડે એમ એના પિતાજી ઇચ્છતા હતા એટલે તેમણે સ્વામી વિવેકાનંંદના બાળપણની ઘટના વર્ણવી. એના પરથી બાળક નરેન્દ્ર કેવી રીતે દીનદુ :ખિયા અને જરૂરતમંદની સહાયતા કરતા હતા એનો ખ્યાલ આવે. તેમણે કહ્યું, ‘નરેન્દ્ર જન્મથી જ દયાળુ અને કરુણામય હૃદયવાળા હતા. ઘણા સાધુ, સંન્યાસી અને યાચક સહાય મેળવવા નરેન્દ્રનાં બારણાંં ખખડાવતા. જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેમના હાથમાં જે કંઈ આવે તે બધું આપી દેતા. આ બધી વસ્તુઓ એમના પિતાએ કેટલીક કિંમત ચૂકવીને મેળવી હતી તેનો એમને જરાય ખ્યાલ ન હતો. ક્યારેક ક્યારેક તો અત્યંંત કિંમતી વસ્તુ પણ તેઓ આપી દેતા. નરેન્દ્રનો સ્વભાવ બધું આપી દેવાનો હતો એટલે એમનાં માતા એને સજા કરવા ઉપરના ઓરડામાં પૂરી દેતાં. નરેન્દ્ર એકલો ઉપર બેસીને ઘણો ઉદાસ થઈ ગયો. એવામાં એક ભિખારી ભીખ માગતો શેરીમાંથી નિકળ્યો. એ નરેન્દ્ર ભિખારીને કંઈક ભીખ આપવા ઇચ્છતા હતા. એમણે ચારે તરફ નજર દોડાવી અને એક અધખુલ્લી પેટી જોઈ, તેમાંથી કેટલીક કિંમતી સાડીઓ કાઢીને બારીમાંથી નીચે ભિખારી તરફ ફેંકી. તે ગરીબ ભિખારી આ નાના બાળકની દયા જોઈને અભિભૂત થઈ ગયો.’ ખુશ પોતાના પિતાજીને બરાબર ધ્યાનપૂર્વક સાંંભળતો હતો. એના પિતાએ વાત આગળ ચલાવી :

‘એકવાર ઠંડીના દિવસોમાં સ્વામી વિવેકાનંદ સ્વામી નિરંજનાનંદ સાથે દેવઘરમાં શ્રીપ્રિયનાથ મુખરજીના ઘરે ગયા હતા. એક દિવસ પોતાના ગુરુભાઈની સાથે ભ્રમણ કરતાં કરતાં સ્વામી વિવેકાનંદે સડકના કિનારે એક વ્યક્તિને અત્યંત અસહાય અવસ્થામાં દુ :ખથી કરાંજતો જોયો. સ્વામી વિવેકાનંદે પાસે જઈને જોયું કે એ વ્યક્તિને ખૂબ ઝાડા થયા હતા. એમને લાગ્યું કે એને તરત જ ચિકિત્સા સેવાની જરૂર છે. પરંતુ સૌથી પહેલાં તો એને આ સડકના કિનારેથી ક્યાંક બીજા સુરક્ષિત સ્થાને લઈ જવો જરૂરી હતું. હવે પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો કે એને આખરે લઈ ક્યાં જવો ? એમણે પ્રિયનાથ મુખરજીના ઘર વિશે વિચાર કર્યો. આમ તો તેઓ પોતે જ એમને ઘરે એક અતિથિને રૂપે હતા, તો કોઈ આવા અજાણ્યા વ્યક્તિને એમને ઘરે કેવી રીતે લઈ જાય ? કદાચ પ્રિયનાથ મુખરજીને ખરાબ લાગે એવું પણ બની શકે. તેઓ કંઈક મૂંઝવણમાં પડ્યા, પણ વળી નિર્ણય કર્યો કે કોઈપણ હાલતમાં એ અસહાય વ્યક્તિને મદદ કરવી અત્યંંત જરૂર છે. એટલે પોતાના ગુરુભાઈની મદદથી એ વ્યક્તિને તેઓ પ્રિયનાથ મુખરજીને ઘરે લઈ ગયા. તેને પથારીમાં સૂવડાવ્યો, એની બરાબર સાફસફાઈ કરી, તેને કપડાંં પહેરાવ્યાં અને સારી રીતે ગરમાવો આપ્યો. પરિણામે એ વ્યક્તિ તરત જ સ્વસ્થ થઈ ગયો. માઠું લગાડવાને બદલે પ્રિયનામ મુખરજીએ સ્વામી વિવેકાનંદના અદ્‌ભુત સેવાભાવ અને એમના પ્રેમને જોઈને અભિભૂત થઈ ગયા.’

હવે ખુશના પિતાજીએ તેને સ્વામી વિવેકાનંદના કર્મયોગના સિદ્ધાંતને સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, ‘‘સ્વામી વિવેકાનંદ એ ઘણા મહાન કર્મયોગી હતા. એમણે માનવને આ મહાન સંદેશ આપ્યો છે, ‘માનવ સેવા જ ઈશ્વરની સેવા છે.’’ એમણે આ આદર્શને પોતાના જીવન દ્વારા વ્યવહારમાં મૂકીને એ બતાવ્યું હતું અને સમર્ગ સંસારમાં આ અદ્‌ભુત સિદ્ધાંતનું અનુકરણ કરવા માટે લોકોને પ્રેર્યા હતા કે જરૂરતવાળાની સેવા કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ કરવી પણ સંભવ છે.

ખુશે સ્વામી વિવેકાનંદનું અનુસરણ કર્યું

એ દિવસે જ્યારે સંધ્યા સમયે ખુશ શાળામાંથી બહાર આવ્યો ત્યારે એણે જોયું કે એક ગરીબ મજૂર રસ્તાની એક બાજુએ અત્યંત દયનીય દશામાં પડ્યો હતો, તે મજૂરને કેટલાક દિવસથી કંઈ કામ મળ્યું ન હતું. ભૂખ્યો તરસ્યો બેભાન અવસ્થામાં સડકની એક બાજુએ પડ્યો હતો. પોતાનાં બાળકોને શાળામાંથી લેવા આવનાર બધા પાલકો ઝડપથી એ સ્થાનથી પોતાનાંં બાળકોને દૂર રાખવા અને લઈ જવા ઇચ્છતા હતા. ખુશે એ ગરીબ વ્યક્તિની સહાયતા કરવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની પાણીની બોટલ ખોલી અને એમાંથી થોડુંક પાણી એ મજૂરના મોં પર છાંટ્યું. એનાથી એ ભાનમાં આવી ગયો. બાજુની દુકાનમાંથી થોડી બ્રેડ અને સમોસાં લાવીને તેને ખાવા આપ્યાં. તે મજૂર ખરેખર ખૂબ ભૂખ્યો હતો એટલે એ બધું ઝડપથી ખાઈ ગયો. ખુશ એના માટે પાણી પણ લઈ આવ્યો. એકવાર તે મૂજરનું પેટ ભરાઈ ગયું એટલે સ્વસ્થ અવસ્થામાં આવી ગયો. ખુશ ત્યારે પોતાના ખર્ચના રૂપિયામાંથી થોડાક રૂપિયા તે મજૂરને આપ્યા.

જ્યારે ખુશ આ રીતે તે વ્યક્તિની સેવા કરતો હતો ત્યારે બધાએ તેનાં આ સત્કાર્યની પ્રસંશા કરી. તેની શાળાના અધ્યાપકોએ પણ આ વાત પર ધ્યાન આપ્યું કે અનેક લોકોએ એ વ્યક્તિની દયનીય અવસ્થા જોઈ હતી, પરંતુ એને મદદ કરવા કોઈ આગળ ન આવ્યું. ખુશ હિંમત કરીને આગળ આવ્યો અને પોતાની બધી મુશ્કેલીઓને એકબાજુએ મૂકીને તેણે એ વ્યક્તિને મદદ કરી. ખુશના આ અદ્‌ભુત સત્કાર્યની ખબર થોડાજ સમયમાં તેની કોલોનીમાં ફેલાઈ ગઈ અને બધાએ સ્વામી વિવેકાનંદના આ નાના ભક્તની ખૂબ પ્રસંશા કરી.

પિતાજીએ ખુશની પ્રસંશા કરી

એ રાત્રે જ્યારે ખુશ પરિવારના બધા સભ્યો સાથે ભોજન કરતો હતો ત્યારે તેના પિતાજીએ કહ્યું કે તેઓ ખુશના સ્વામી વિવેકાનંદના સંદેશને ફેલાવવાની એની વિલક્ષણ યોગ્યતા પર આજે ખૂબ ગર્વ અનુભવ કરે છે. પરંતુ આ વખતે પણ ખુશના ભાઈને તેની સફળતા પર થોડી ઈર્ષ્યા થઈ. તેણે કહ્યું, ‘એવું તે શું થઈ ગયું છે કે એક મજૂરને બે્રડના થોડા ટુકડા અને કેટલાક રૂપિયા આપી દેવાથી ખુશના આ સામાન્ય કાર્યને મહાન કાર્ય કહી રહ્યા છો ?’ ખુશના પિતાજીએ તેને વચ્ચે રોકીને કહ્યું, ‘જો આ ખરેખર સામાન્ય કાર્ય હોય તો બીજું કોઈ આ કાર્ય કરવા માટે આગળ કેમ ન આવ્યું ? ખુશ આ કાર્ય હિંમતપૂર્વક કરી શક્યો. ખુશ તેંં ઘણું સારું કામ કર્યું છે. ભવિષ્યમાં પણ આવું જ કરજે.’ આ સાંંભળીને તેનો ભાઈ શાંત થઈ ગયો અને ખુશને ભવિષ્યમાં પણ એવાં મહાન કામ કરવાની વિશેષ પ્રેરણા મળી.

ખુશ સ્વપ્નજગતમાં પહોંચ્યો

ખુશ પોતાની આ સફળતા વિશે સ્વામી વિવેકાનંદને કહેવા ઇચ્છતો હતો. સાથે ને સાથે તેમનાં દર્શનની તે પ્રાર્થના કરતો હતો. તે રાત્રે ખુશ વહેલો સૂઈ ગયો અને થોડી જ વારમાં સ્વપ્નલોકમાં પહોંચી ગયો. તેણે જોયું તો બે ઘોડા તેની તરફ આગળ વધી રહ્યા છે. જેવા તે નજીક આવ્યા અને તેણે જોયું કે એક ઘોડા પર સ્વામી વિવેકાનંદ વિરાજમાન છે અને બીજા ઘોડા પર કોઈ સવાર ન હતું. સ્વામી વિવેકાનંદે ખુશને એ બીજા ઘોડા પર સવાર થવા કહ્યું અને એને સમજાવ્યું કે ઘોડા પર સવારી કેવી રીતે કરી શકાય. તેમણે કહ્યું, ‘લગામને ડાબા હાથે લગામ પકડો અને પોતાના આસનને જમણા હાથે પકડી રાખો. ડાબા પગને નીચે પેગડા પર રાખો અને જમણા પગને ઘોડાના પાછલા ભાગ પર લઈ જાઓ. હવે લગામ ખેંચો અને તેને ઘોડાના ગળા પાસે જ રહેવા દો. જેથી ઘોડાનું માથું એકદમ સામે આવી જાય. પોતાના બન્ને પગથી ઘોડાની બન્ને બાજુઓને હળવેકથી દબાવીને તેને આગળ ચલાવવાનો પ્રયત્ન કરો. ઘોડાને આગળ ચાલ, ઊભો રહે વગેરે કહેવાથી એ તમારું કહ્યું સમજી લેશે.’

જ્યારે ખુશનો આ આત્મવિશ્વાસ પાકો થયો કે હવે ઘોડાની સવારી કરી શકશે ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘ઘોડાની સવારી કરવાનો એક અનોખો આનંદ છે. હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે મારા પિતાજીએ મારા માટે બે ટટ્ટૂ લાવ્યા હતા. હું એ નાના ટટ્ટૂ પર ઘણીવાર સુધી આનંદપૂર્વક સવારી કરતો. અમેરિકા જતા પહેલાં જ્યારે હું રાજસ્થાનમાં ખેતડીના રાજાને ત્યાં અતિથિ હતો ત્યારે હું અને રાજા ઘોડા પર સવાર થઈને લાઢ જંગલમાં અવાર નવાર જતા. પશ્ચિમના દેશોની યાત્રા કરીને જ્યારે હું ભારત પાછો ફર્યો ત્યારે હું મારા સ્વાસ્થ્યને સુધારવા માટે આલમોડાના પહાડી વિસ્તારમાં ગયો હતો. એ સમયે પણ મેં ઘોડે સવારી કરી હતી અને એનાથી મારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો હતો.’

બન્ને ઘોડેસવારી કરતાં કરતાં ગાઢ જંગલમાં પહોંચ્યા. સ્વામી વિવેકાનંદની ઇચ્છા હતી કે તે ખુશને ‘કર્મયોગ’ નો બોધ આપે. એટલે તેમણે કહ્યું, ‘બેટા સાંભળ, જરૂરતવાળાની સેવા શા માટે કરવી જોઈએ ? એની પાછળ રહેલા સિદ્ધાંત વિશે હું તને સમજાવીશ. ઈશ્વર તરફ જવાના અનેક પથ છે. એમાંથી એક છે એમની ભક્તિ કરવી. બીજો પથ છે ગરીબ અને જરૂરતવાળામાંં એ ઈશ્વરને જ જોવો અને તેમને સાક્ષાત ઈશ્વર સમજીને સેવા કરવી. અસહાય લોકોની સેવા કરતી વખતે અહંકાર જરાય ન કરવો જોઈએ. સાથે ને સાથે પોતાના માટે નામ-યશ કમાવા એમની સેવા ન કરવી જોઈએ. જે લોકો ગુપ્ત રીતે ગરીબોની સેવા નામ-યશ મેળવવા કરે છે, તે અવશ્ય પોતાનાં સેવાકાર્યનાં ફળ મેળવે છે. પરંતુ જે લોકો દરિદ્ર લોકોમાં ઈશ્વરને જ જુએ છે અને ઈશ્વરના ભાવે જ એમની સેવા કરે છે અને પોતાના માટે નામ-યશની ખેવના રાખતા નથી, તેઓ અંતે હૃદયની પવિત્રતા મેળવે છે. ઈશ્વર એવા પવિત્ર હૃદયવાળા લોકોનાં મનમાં વશે છે. અને ઈશ્વર એમને પોતાના હાથમાં લે છે. કોઈને માટે કોઈ નાનું કામ કરવાથી પણ આપણી ભીતરની શક્તિ જાગૃત થઈ જાય છે. અરે, કોઈ બીજાના કલ્યાણનો વિચાર કરવાથી પણ આપણા હૃદયમાં સિંહ સમી શક્તિ આવી જાય છે… એને પોતાના મનમાં ધારણ કરી લો અને સદા જરૂરતવાળાની સેવા કરવા પ્રયાસ કરો. આને ‘કર્મયોગ’ કહે છે. તથા હું તને આશીર્વાદ આપું છું કે જેમ જેમ તું મોટો થઈશ તેમ તેમ તું એક મહાન કર્મયોગી બની જઈશ.’

થોડા સમય સુધી ઘોડે સવારી કરીને તેઓ ખુશના ઘરે પાછા ફર્યા અને ખુશની વિદાય લેતા સ્વામી વિવેકાનંદ અચાનક આકાશમાં વિલીન થઈ ગયા. ખુશ પણ પોતાના સ્વપ્નલોકમાંથી સામાન્ય ભૂમિ પર પાછો આવ્યો અને એણે જોયું તો તે પથારીમાં પડ્યો હતો. આ ઘટનાએ ખુશના આત્મવિશ્વાસને વધુ વધારી દીધો અને તેણે એ પણ નિર્ણય કર્યો કે કર્મયોગના સિદ્ધાંત અને વ્યવહાર બન્નેમાં પારંગત થવાનો તે પ્રયત્ન કરશે. (ક્રમશ 🙂

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.