(ગતાંકથી આગળ…)

प्रजहाति यदा कामान्, मनोगतान्, ‘મનની બધી કામનાઓ, તૃષ્ણાઓ તજી દેવાય ત્યારે.’ આ કથન છે અને શંકરાચાર્ય પોતાની ટીકામાં કહે છે કે માત્ર એટલાથી તમે સ્થિતપ્રજ્ઞ નથી થઈ જતા. ‘મારે કોઈ કામના નથી’, માત્ર રોગસ્થિતિ હોઈ શકે; એમાં કશું આધ્યાત્મિક હોય પણ નહીં. તમે મનોરોગીઓની હોસ્પિટલમાં જાઓ તો ‘મારે કંઈ જ ન જોઈએ’, એમ પહેલા ચરણ પ્રમાણે કહેતા કેટલાક લોકો તમને ત્યાં જોવા મળશે; પણ એ વૃત્તિ ઉદાસીનતામાંથી જન્મી છે એમ માનસશાસ્ત્ર કહે છે. એ હોસ્પિટલમાં આવા દર્દીઓ હોય છે; એક ખૂણામાં એ પડયા હોય, એમને કશું જ ના જોઈતું હોય. એ બધો વખત જાતમાં જ ડૂબેલા હોય. શું એ સ્થિતપ્રજ્ઞો છે ? બિલકુલ નહીં. એટલે પ્રથમ પંક્તિ પૂરતી નથી. શંકર કહે છે કે કંઈક વિશેષ એમાં ઉમેરવાનું છે. એ બીજી પંક્તિમાં કહેવાયું છે. आत्मन्येव आत्मना तुष्टः, ‘આત્મામાં આત્મા વડે જ એ પૂર્ણ આનંદ પામે છે.’ એ કારણે, ‘મારે કશું જોઈતું નથી.’ સાચા અને ભાવાત્મક ત્યાગનું સ્વરૂપ એ છે. મારામાં કશુંક અનંત વસેલું છે. આ ક્ષુલ્લક વસ્તુઓ મને શું આપી શકશે? એ તો ખોટી ઝમક છે, એનું કશું જ મૂલ્ય નથી, રમકડાં કે પરપોટા પાછળની બાળકની દોટ જેવું એ છે. આપણે પુખ્ત વયના થઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ, ‘મારે આ બધી ચીજો જોઈતી નથી.’ એ પ્રમાણે માનવચિત્ત શ્રેષ્ઠ પરિપકવતાની દશાએ પહોંચે પછી બહારની વાંછિત વસ્તુઓની ઝંખનાથી એ આકર્ષાતું નથી. પ્રયત્નથી નહીં પણ પોતાના અનંત સ્વરૂપના જ્ઞાનથી ફલિત થતા સ્વયંભૂ વ્યાપાર વડે. હું અનંત આત્મા છું. આ વસ્તુઓ મને શું કરી શકે? એ ત્યાગ છે, સ્વાભાવિક અને સહજ.

આરંભની સદીઓના કોઈ કેથલિક ખ્રિસ્તી સંતની વાર્તા મેં એકવાર વાંચી હતી. એ સંતનો એક મિત્ર ન્યાયાધીશ હતો. એ ન્યાયાધીશ બીજા કોઈ મિત્રને કહેતો હતો, ‘મૃત્યુ પહેલાં, મારી બધી મિલકત હું મારા મિત્ર આ સંતને આપવા માગું છું.’ પેલા માણસે આ વાત સંતને કરી. એટલે એ સંતે પૂછયું, ‘એણે શું કહ્યું?’ ‘હું મૃત્યુ પામું તેની પૂર્વે મારી બધી મિલકત હું સંતને આપવા માગું છું.’ ‘એણે એમ કહ્યું?’ ‘જી હા.’ ‘એ જાણતો નથી કે હું એની પહેલાં કયારનો મૃત્યુ પામ્યો છું?’ કેટલા સુંદર બોલ! આ બધી વસ્તુઓ માટે હું મરી ગયેલો છું. મારે એમાંની કોઈ જ વસ્તુ જોઈતી નથી. હવે એ સ્વાભાવિક દશા છે. એ ભાવના ખીલવવા માટે પૂંછડું આમળવાની જરૂર નથી. કારણ કે એ માણસે કશુંક મોટેરું, પ્રભુ પ્રત્યે પ્રેમ, ભક્તિ વિકસાવેલ છે. ભક્તિથી સાંપડે તેની તોલે કઈ સંસારી જણસ આવી શકે? એટલે બીજી પંક્તિ કહે છે, आत्मन्येवात्मनातुष्टः ‘પોતાના અનંત આત્માથી જ જે સંતોષ પામેલ છે તે.’ પછી જ, स्थितप्रज्ञः तदा उच्यते, ‘એને સ્થિતપ્રજ્ઞ કહી શકાય.’ મારું હૈયું ખાલી નથી. બધી સાન્ત બાહ્ય તૃષ્ણાઓ મેં એમાંથી ખાલી કરી નાખી છે. પણ એને મેં ખાલી રહેવા દીધું નથી, અનંત આત્મા વડે મેં એ ભર્યું છે. પછી કોઈ તૃષ્ણા પ્રવેશી શકતી નથી.

આ બાબત ઉપનિષદોમાં વિવિધ રીતે કહેવાઈ છે, ખાસ કરીને બૃહદારણ્યક ઉપનિષદમાં; એ ઉપનિષદ આપ્તકામ, આત્મકામ અને અકામ એ ત્રણ શબ્દો આપે છે. ત્રણ વાતોની માંડણી છે. પહેલી આપ્તકામ છે, ‘બધી ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે’, પૂરો સંતોષ છે, તે આપ્તકામ કહેવાય છે. કેવી રીતે? આપ્તકામ; ‘તમે આત્માનો સાક્ષાત્કાર કરો ત્યારે જ’, તે સ્થિતિ આવી શકે ને એ દશામાં તમે અકામ પણ બની શકો, એટલે કામના વિનાના. પોતાના સત્ય સ્વરૂપને અનંત, અમર અને દૈવી જાણીને કોઈપણ મનુષ્ય તે સ્થિતિને વિવેકથી પ્રાપ્ત કરી શકે. હું આ નગણ્ય દેહમન સંકુલ નથી. હું ક્ષુદ્ર પ્રાણી નથી. જિંદગીની મર્યાદિત કક્ષાઓએ પણ આ પ્રકારની વિચારણા ખૂબ સહાયરૂપ બને છે. ‘ગામડાની નિશાળનો હું મામૂલી શિક્ષક છું.’ આવી વિચારણાથી, વ્યક્તિ પોતાની જાતને ક્ષુદ્ર બનાવે છે ને ખોટો અભિગમ અપનાવે છે. કોઈએ આમ કરવું જોઈએ નહીં. માણસ એમ કહી શકે કે ‘હું સ્વતંત્ર ભારતનો નાગરિક છું, કારકુન તરીકે, શિક્ષક તરીકે કામ કરું છું.’ અહીં તમે તમારા અસ્તિત્વને પ્રથમ અને તમારા કાર્યને બીજે ક્રમે મૂકો છો. પણ સામાન્ય રીતે આપણે આપણા કાર્યને પ્રથમ ક્રમે મૂકીએ છીએ અને અસ્તિત્વનો ખ્યાલ કરતા જ નથી ! તમે જે નાનું કાર્ય કરો છો તેની સાથે તમે એકરૂપ થઈ જાઓ છો. જાતને ક્ષુલ્લક બનાવે નહીં ત્યાં સુધી કોઈ જ ક્ષુલ્લક નથી. સ્વતંત્ર ભારતના નાગરિક તમે છો. એના કરતાં વધારે મોટો મોભો કયો હોઈ શકે ? એટલે સામાજિક – રાજકીય જીવનમાં પણ માનવીના મોભામાં આ વલણથી મોટો ફરક પડે છે ને આધ્યાત્મિક જીવનમાં એ કમાલ કરે છે. હું અનંત આત્મા છું, હું ઈશ્વરનું સંતાન છું. તૃષ્ણાઓનો ત્યાગ કરવો આસાન નથી; તમારા સાચા સ્વરૂપને જેમ જેમ વધારે ઓળખતા જાઓ તેમ તેમ, એ સરળ બને છે. એમને હાંકી કાઢવાની કોશિશ જ ન કરો. ‘મને એમની આવશ્યકતા નથી’, એ અભિગમ આવશે. હું તૃપ્ત છું. કેવો અદ્‌ભુત વિચાર છે આ? સ્થિતપ્રજ્ઞ આ બોધની નીપજ છે, આ સ્થિતપ્રજ્ઞ દશાના પાંચ ટકા પણ તમને પ્રાપ્ત થાય તો તમારું જીવન અને કાર્ય ખૂબ સમૃદ્ધ અને આનંદમય બની જાય. લાખ્ખો લોકો આવા પૂર્ણ સ્થિતપ્રજ્ઞો થાય તેવી આશા આપણે નહીં રાખવી. પરંતુ આ આદર્શ તરફ આપણે સૌ જઈ શકીએ. કોઈ એક પગલું લે તો તે પણ આશીર્વાદ થશે, વધારે પગલાં ભરશે તો વધારે સારું થશે.

બીજા વિશ્વયુદ્ધ પછીના પોતાના પુસ્તક, ‘ઇમ્પેકટ ઓફ સાયન્સ ઓન સોસાયટી’માં (પૃ. ૧૨૦-૨૧ પર) અજ્ઞેયવાદી બ્રિટિશ ચિંતક સ્વ. બર્ટ્રેન્ડ રસેલ લખે છે :

‘સાધન પૂરતા માનવીના જ્ઞાન અને સાધ્ય પૂરતા માનવીની મૂર્ખાઈ વચ્ચેની દોડમાં આપણે અટવાયાં છીએ. જ્ઞાનમાં વધે છે એટલો મનુષ્ય શાણપણમાં નહીં વધે તો જ્ઞાનની વૃદ્ધિ શોકવૃદ્ધિમાં પરિણમશે.’

માનવ ઉત્ક્રાંતિનું એ ધ્યેય છે. પોતાની માલમત્તા કરતાં મનુષ્ય વધારે મહાન છે. જીવનમાં કટોકટીની વેળાઓએ આ સત્ય આપણને સમજાય છે.

ગયા વિશ્વયુદ્ધ વેળાએ બ્રહ્મદેશ ખાલી કરીને ભારત આવતી વેળા મને આ સત્યનાં દર્શન થયાં. ૧૯૩૯થી ૧૯૪૨ હું રંગુન હતો; ૧૯૪૨માં જાપાને બ્રહ્મદેશ પર હલ્લો કરી બોમ્બવર્ષા કરી. ત્યારે એ શહેરનું જીવન સાવ ખોરવાઈ ગયું અને લોકો એ ખાલી કરી ભારત આવવા મંડયા. એ લોકો આંધ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને તામિલનાડુનાં હતાં; પોતાની જેટલી માલમત્તા સાથે લઈ અવાય તેટલી લઈને એ સૌ ભારત આવવા ઇચ્છતાં હતાં. એટલે એમણે પોતાનાં ઘરમાંથી મોટા રેડિયાઓ, ગાદલાઓ, ધાબળાઓ અને એવી બીજી મોંઘી ચીજવસ્તુઓ સાથે લીધી. પણ દૂર ભારતમાં એ બધું શી રીતે ઉપાડી લાવી શકાય? થોડું અંતર કાપ્યા પછી એ ચીજને રસ્તા પર જ રાખી દીધી, પછી બીજી કોઈ ચીજવસ્તુ, પછી એ વ્યક્તિ અને એની જરૂરિયાતની ચીજો જ એની સાથે રહી. અને ભારત તો એ વ્યક્તિ જ પહોંચી! દુનિયાના બીજા ભાગોમાં પણ આવા સંજોગોમાં આવા અનુભવો થતા જ હશે.

(ક્રમશ 🙂

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.