સંપાદકીય નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’ માંથી.

સત્યની શોધ માટેની સાચી ઝંખનાએ એમને જંપવા ન દીધાં. તેથી તેમણે તે માટેના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. તેમને ધર્મના બાહ્ય માળખામાં સત્યનાં દર્શન ન થયાં. પ્રાકૃતિક વિજ્ઞાન પણ સત્યના સમગ્ર દર્શનને આવરી શકતું ન હતું, તેની પણ મર્યાદા હતી. માર્ગરેટનું હૃદય તો કંઈક એવી વસ્તુની શોધ કરતું હતું, જેમાં તેમની ઝંખનાની તૃપ્તિ થાય. એક દિવસ અચાનક એમના હાથમાં આવ્યું ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર.

ભગવાન બુદ્ધના જીવનચરિત્રે એમના ઉપર પ્રબળ અસર કરી. કુમાર સિદ્ધાર્થ પાસે તો અખૂટ સંપત્તિ હતી, સ્વર્ગીય વૈભવ હતો. છતાં પણ કેવી ક્ષણોમાં સિદ્ધાર્થના હૃદયમાં સત્યની ઝંખના જાગી અને એ ઝંખનાએ જ તેમને મહાભિનિષ્ક્રમણ કરાવ્યું! અને કુમાર સિદ્ધાર્થને બુદ્ધ બનાવ્યા! આ કથા માર્ગરેટના જીવનમાં જડાઈ ગઈ. તેમને કુમાર સિદ્ધાર્થ અને બાળ ઈસુના જીવનમાં ઘણું સામ્ય જણાયું. જગતના કલ્યાણ માટે, દુ:ખી લોકોના ઉદ્ધાર માટે, આ બંને મહાપુરુષોએ કેટકેટલું સહન કર્યું હતું, કેટકેટલી યાતનાઓ ઉઠાવી હતી! હવે માર્ગરેટના અશાંત હૃદયમાં થોડી શાંતિનો પ્રવેશ થયો.

હવે તેમણે બૌદ્ધધર્મનો ઊંડો અભ્યાસ કરવાનો નિશ્ચય કર્યો. બૌદ્ધધર્મના અધ્યયનમાં તેમણે ત્રણ વર્ષ ગાળ્યાં. તેમને બુદ્ધના સિદ્ધાંતોમાં શ્રદ્ધા જાગી. બૌદ્ધધર્મનો એમના ઉપર ઘણો પ્રભાવ પડ્યો. તેમના હૃદયમાં થોડી ખાતરી થઈ કે ભગવાન બુદ્ધે દર્શાવેલ નિર્વાણપંથમાં સત્ય સાથે વધુ સુસંગતતા છે. આથી તેઓ આ ધર્મમાં વધુ ને વધુ ઊંડાં ઊતરવા લાગ્યાં. છતાં તીવ્ર બુદ્ધિનો પ્રભાવ હજુ સંપૂર્ણપણે ઓસરી નહોતો ગયો. એમની અંદર પ્રશ્નો તો ઊઠતા જ હતા કે શું જીવનનો ઉદૃેશ માત્ર નિર્વાણ-પ્રાપ્તિ જ છે? શું સંપૂર્ણ સત્ય અને પરમશાંતિની પ્રાપ્તિ આ દ્વારા થશે ખરી? એમના મનમાં દ્વિધા હતી. આંતરિક મનોમંથન ચાલુ જ હતાં. તેની સાથે સાથે શૈક્ષણિક કાર્યમાં તેમના નૂતન પ્રયોગો પણ ચાલુ રહ્યા.

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.