અતિ પ્રાચીનકાળમાં દક્ષ પ્રજાપતિ નામના રાજા હતા. તેમણે મનુની પુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે ૧૬ પુત્રીઓને જન્મ આપ્યો. એમનાં સૌથી નાનાં પુત્રી સતી શિવનાં અર્ધાંગિની બન્યાં. તેમના પિતાને આ લગ્નસંબંધ પસંદ ન હતો. એનું કારણ તેમની અશિષ્ટ ટેવો જ નહીં પરંતુ જ્યારે શિવને એક યજ્ઞપ્રસંગે દક્ષ તરફથી આમંત્રણ મળ્યું હતું ત્યારે શિવે દક્ષ પ્રત્યે કોઈ આદરભાવ ન આપ્યો હતો. આ કારણે દક્ષે શિવજીને શાપ આપ્યો કે હવેથી તેમને બીજા દેવોની જેમ યજ્ઞભાગ મળશે નહીં. સામે શિવપક્ષના એક બ્રાહ્મણે શાપ આપ્યો કે દક્ષનું જીવન ભૌતિક સુખભોગો અને નિરર્થક વિધિવિધાનોમાં વેડફાઈ જશે અને તેને બકરાનું મુખ મળશે.

થોડા સમય પછી સતી મોટાં થયાં અને પોતાનાં મનહૃદય શિવમાં લગાડીને છાનાંમાનાં શિવજીની આરાધના કરવા લાગ્યાં. લગ્નની વય થતાં દક્ષે સતીનાં લગ્ન માટે સ્વયંવર યોજ્યો. આ સ્વયંવરમાં ભાગ લેવા શિવ સિવાય દૂરસુદૂરના દેવો અને રાજકુમારોને આમંત્રણ મોકલ્યાં. હાથમાં વરમાળા લઈને સતી વિશાળ રાજસભામાં પ્રવેશ્યાં. દેવો અને માનવોમાં સતીએ શિવને ક્યાંય જોયા નહીં. હતાશામાં માળાને હવામાં ફેંકીને શિવને તે વરમાળા સ્વીકારી લેવાનો પોકાર કર્યો. પોતાના ગળામાં વરમાળા રાખીને પછી શિવજી રાજદરબારના મધ્યમાં આવીને ઊભા રહ્યા. હવે લગ્નવિધિ પતાવ્યા સિવાય દક્ષ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. અને પછી શિવજી સતી સાથે પોતાના નિવાસસ્થાન કૈલાસધામ ચાલ્યા ગયા.

આ કૈલાસ પર્વત શુભ્ર હિમાલયથી ઘણો દૂર હતો અને શિવજી ત્યાં રાજવી ઠાઠથી રહેતા હતા. દેવો અને ઋષિઓ તેમની પૂજા કરતા હતા. પોતાના શરીરે ભસ્મ લગાડીને અને સતીને ફાટેલાં તૂટેલાં વસ્ત્રોમાં સાથે રાખીને તેઓ અવારનવાર એ પર્વત પર ભિક્ષુકની જેમ ફરતા રહેતા. ક્યારેક ક્યારેક તેઓ સ્મશાનભૂમિમાં ભૂતડાઓથી ઘેરાયેલા અને ભયંકર વિધિઓમાં પણ ભાગ લેતા જોવા મળતા હતા.

એક વખત દક્ષે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. એમાં શિવ સિવાય બીજા બધા દેવોને યજ્ઞભાગ લેવા આમંત્રણ આપ્યું. મુખ્ય યજ્ઞભાગ વિષ્ણુ માટે રખાયો હતો. દક્ષના યજ્ઞમાં જવા નીકળેલા દેવોને સતીએ નિહાળ્યા અને પછી પોતાના પતિ તરફ ફરીને પૂછ્યું : ‘દેવાધિપતિ ઇન્દ્ર સાથે આ બધા દેવો ક્યાં જઈ રહ્યા છે? આ બધું શું થઈ રહ્યું છે- એ જોઈને મને આશ્ચર્ય થાય છે.’

પછી મહાદેવે જવાબ આપ્યો : ‘હે દેવી, આદરણીય દક્ષ રાજાએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું છે અને તેમાં ભાગ લેવા બધા દેવો જઈ રહ્યા છે.’ સતીએ પૂછ્યું : ‘તો પછી તમે પણ આ મહાયજ્ઞમાં કેમ જતા નથી?’ શિવે ઉત્તર આપ્યો : ‘દેવસભામાં એવી પ્રયુક્તિ ઘડાઈ હતી કે યજ્ઞ કાર્ય દરમ્યાન મારો યજ્ઞભાગ ન રખાય.’ પછી દેવી ક્રોધે ભરાયાં અને આશ્ચર્ય સાથે કહ્યું : ‘જે સર્વ જીવોમાં રહેલા છે તથા શક્તિ અને ગરિમામાં અનન્ય છે, શું એમને આ યજ્ઞભાગમાંથી બાકાત રાખવા જોઈએ? જે બધા વિચારતત્ત્વથી પર છે, એવા મારા પ્રભુને આપવા મારે કયાં તપ-પ્રાયશ્ચિત્ત કરવાં જોઈએ, કેવા ઉપહાર આપવા જોઈએ કે જેથી તેમને યજ્ઞભાગનો ત્રીજો કે અડધો અંશ મળી રહે?’

પછી સતીનાં હેત-વહાલથી ખુશ થઈને શિવજીએ દેવી તરફ જોઈને સ્મિત કર્યું. પરંતુ તેમણે કહ્યું : ‘મારા માટે આ બધા યજ્ઞભાગો નગણ્ય છે, કારણ કે સામવેદનું મંત્રગાન કરનારા બ્રાહ્મણો મને જ યજ્ઞભાગ સમર્પે છે વળી, જે અનુષ્ઠાનમાં બ્રાહ્મણની આવશ્યકતા નથી તેવા પ્રસંગમાં પુરોહિતો મને સદ્જ્ઞાનની આહુતિ આપે છે. દેવીએ જવાબ આપ્યો : ‘સ્ત્રીઓ સમક્ષ બહાનાં બતાવવાં એ કંઈ મુશ્કેલ નથી. મારા પિતાના ઘરે આ પ્રસંગે જવા માટે તમારે મને સંમતી આપવી જોઈએ.’

શિવજીએ પૂછ્યું : ‘વગર આમંત્રણે?’ દેવીએ જવાબ આપ્યો, ‘પોતાના પિતાને ઘેર જવા માટે પુત્રીને કોઈ આમંત્રણની જરૂર નથી.’ શિવે ઉત્તર આપ્યો, ‘એમ જ કરો, દક્ષ તમારી હાજરીમાં મારું અપમાન કરશે તેથી જાણી લો કે કંઈક અશુભ બનશે.’

પછી તો દેવી તેમના પિતાને ઘરે ગયાં. તેમણે શિવના વાહન વૃષભ પર સવારી કરી હતી અને ભિક્ષુકો જેવાં વસ્ત્રો પહેર્યાં હતાં તેથી તેમને માનપાન વિનાનો આવકારો આપવામાં આવ્યો. શિવની અવજ્ઞાના વિરોધમાં તેમણે પિતાનો વિરોધ કર્યો. પરંતુ દક્ષ ક્રોધિત થઈ ઊઠ્યા અને તિરસ્કારભર્યા ઉપહાસમાં શિવ પ્રત્યે આવા શબ્દો બોલ્યા – ‘નાચતાં ભૂતોનો રાજા’, ‘ભિખારી’, ‘ભસ્માંગ’, ‘લાંબી જટાવાળો યોગી’. સતીએ પોતાના પિતાને જવાબ આપ્યો :

‘શિવ બધાના સુહૃદ છે. બીજા કોઈ નહીં પણ તમે એક જ એમના માટે આવા અપશબ્દો બોલો છો. તમે જે કંઈ કહ્યું તે બધું દેવો જાણે છે અને છતાં પણ તેમને પૂજે છે. પણ એક પત્ની પોતાના પતિની નિંદા થાય ત્યારે જો તે અશુભ બોલનારનો વધ કરી શકતી નથી તો તેને એ સ્થાન છોડી દેવું જોઈએ. બંને હાથથી કાન બંધ કરી દેવા જોઈએ અથવા જો તેનામાં સામર્થ્ય હોય તો તેણે આત્મત્યાગ કરવો જોઈએ. હું આવું જ કરીશ, કારણ કે હવે મને આ દેહધારણ કરવામાં લજ્જા આવે છે.’

પછી સતીએ યોગાગ્નિ પ્રગટ કર્યો અને દક્ષના ચરણમાં મૃત થઈને પડ્યાં.

Total Views: 81
By Published On: January 1, 2016Categories: Bhagini Nivedita0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram