ગયા અંકમાં આધ્યાત્મિક પરિવર્તન અને સ્પૃહા એક દુર્લભ સદ્ભાગ્ય વિશે વાંચ્યું, હવે આગળ…

સંસારમાં ચિરશાંતિ સંભવ નથી

કોઈવાર જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે એને ક્યારેય ચાહતા ન હતા. આપણને એની લાલસા રહી હોય, પરંતુ તેના મળવાના સમયે આપણે વસ્તુત : એવો અનુભવ કરીએ છીએ કે તેની ઇચ્છા સમાપ્ત થઈ ગઈ છે અને એનું સ્થાન બીજી કોઈ ઇચ્છાએ લઈ લીધું છે. ઘણા લોકો પોતાની અભિલાષાઓના સ્વરૂપને બરાબર ન જાણી-સમજીને તેને સાંસારિક દિશામાં લગાડી દે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે માનવની કોઈપણ અભિલાષા કે લાલસા કોઈપણ અનિત્ય અને પરિવર્તનશીલ વસ્તુ દ્વારા પૂર્ણ થઈ શકતી નથી; ભલેને એ વિષયમાં જે તે વ્યક્તિ પોતાને છેતરવાનો ગમે તેટલો પ્રયત્ન કરે. જૂનું ખાલીપણું ફરી ફરીને લગભગ પહેલાં કરતાં વધારે ભયાનક અને નિષ્ઠુર રૂપે એમની સાથે બની રહે છે, એનો પીછો કરતું રહે છે. લોકો બાહ્ય પદાર્થાેમાં, સ્ત્રી અને પુરુષનાં ભૌતિક રૂપોમાં સુખ શોધે છે. પરંતુ સાચું સુખ તો આપણી ભીતર જ રહેલું છે. તે આપણી એવી ધરોહર છે કે જેને આપણાથી અલગ કરી શકાતી નથી. બાહ્ય પદાર્થ ક્યારેય વાસ્તવિક સુખ આપી ન શકે અને જે થોડુંઘણું સુખ આપણને મળે છે તે અલ્પ સમયમાં નાશ પામે છે. આપણે પોતાના સમગ્ર જીવનકાળ પર નજર રાખવાને બદલે, કાળના એક અંશવિશેષ પર જ દૃષ્ટિને બાંધી રાખવાની ભૂલ કરીએ છીએ. એમાં કોઈ શક નથી કે સાંસારિક સંબંધોમાં, માનવીય પ્રેમ અને સ્નેહમાં સુખ મળે છે પરંતુ એ અસ્થાયી છે. એ સુખ ક્યારેય સાચું સુખ બની શકતું નથી. એટલું જ નહીં તે તો એનાથી ઊલટું છે. સાચું સુખ અંતરાત્માનું નૈસર્ગિક સ્વરૂપ છે. આપણને પોતાના સ્વરૂપને જાણવાની, પોતાના વાસ્તવિક આત્માને જાણવાની ઇચ્છા હોવી જોઈએ. આત્મસાક્ષાત્કારમાં જ સાચો આનંદ રહેલો છે.

આત્મા પરમાત્માનો અંશ તેમજ તેનાથી અભિન્ન છે. છતાં પણ ભક્ત પોતાના આત્મા કરતાં પરમાત્માને અધિક મહત્ત્વ આપે છે. તે એક માત્ર પરમાત્માને જ સમસ્ત શાંતિ અને આનંદનું નિધાન માને છે. આપણે પોતાની ભીતર દૃષ્ટિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને હૃદયસ્થિત ઈશ્વરને નિહાળવો જોઈએ. આપણો દેહ ભગવાનનું જીવંત મંદિર છે. બધાં શાસ્ત્રોમાં આ માન્યતા પર વારંવાર ભાર દેવાયો છે. પરંતુ મહાન અવતાર તથા ઋષિગણ ભગવાનનાં શ્રેષ્ઠ મંદિર છે. એટલે એમનો પ્રભાવ સર્વાધિક હોય છે. જે લોકોએ પોતાના આત્મામાં સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, તેઓ જ બીજાને સાક્ષાત્કારનો માર્ગ શીખવી શકે. પરમાત્મા સદા આપણા અંત :કરણના આપણા વ્યક્તિત્વની પશ્ચાદ્ભૂમિમાં જ વિદ્યમાન છે અને આંતરિકભાવે પ્રાર્થના કરવાથી જ પ્રાર્થના સંભળાય છે, બીજી કોઈ રીતે નહીં. પ્રાર્થના કરતી વખતે ક્યારેય સાંસારિક સુખની વાત વિચારવી ન જોઈએ. સામાન્યત : જેને આપણે સુખ સમજીએ છીએ તેને આધ્યાત્મિક જીવનનો માપદંડ, તેની પ્રગતિ અને અનુભૂતિનું પ્રમાણ ક્યારેય માની ન શકાય. આધ્યાત્મિક આનંદ જુદા જ પ્રકારનો હોય છે, તે તો ‘પરમાત્માની શાંતિ છે જે બુદ્ધિથી પર છે.’ (બાઈબલ, ફિલીપિયન્સ, ૪.૭)

ભગવાન પાસે સાંસારિક વસ્તુઓની યાચના કરવી ન જોઈએ. ધારો કે, આ બધું આપણને આપી દે, પરંતુ ભૌતિક વસ્તુઓની સાથે સમસ્યાઓ પણ આવી શકે છે. આ મહાન વરદાતાની નિકટ જઈને વ્યક્તિગત ઇચ્છાઓ અને કામનાઓ વિશેની સાંસારિક વસ્તુઓ ક્યારેય ન માગવી જોઈએ.

આપણે ભગવાનની સમક્ષ કેવળ ભૌતિક પદાર્થાેના મોહથી બચવા તથા સંસારસાગરમાં ડૂબવામાંથી પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી શકીએ છીએ. સામાન્યત : જ્યારે આપણે દુ :ખી હોઈએ છીએ ત્યારે પોતાની જીવનપદ્ધતિમાં પરિવર્તન લાવીને સત્ય અને આનંદ સ્વરૂપ પરમાત્મા તરફ જવાને બદલે પોતાની વાસનાઓ અને મનોરાજ્યમાં વળગેલા રહીને પોતાના દુ :ખની સાથે મનમનામણાં કરી લઈએ છીએ. આપણે એટલા દેહાસક્ત છીએ કે આપણે દેહસુખને બીજી બધી વાતોથી વધારે મહત્ત્વ આપીએ છીએ અને તેને ત્યજવા તૈયાર થતા નથી. એટલું જ નહીં વારંવાર ફટકો પડવા છતાં આપણે એનાં વિવિધરૂપોને હઠપૂર્વક પકડી રાખીએ છીએ. અવિદ્યા કે માયાની આવી મહાન શક્તિ છે.

જગન્માતા કે જગત્પિતા બાળકોના ખેલ જોઈ રહ્યાં છે. બાળક રમકડાંથી અને બાળસુલભ પ્રવૃત્તિઓથી કંટાળી જાય છે ત્યારે ભગવાન વસ્તુત : તેની પાસે આવીને માયાના લીલાક્ષેત્રમાંથી એને ખેંચીને દૂર લઈ જાય છે.

બાળકો મીઠાઈઓ, ઢીંગલીઓ, રમકડાના સિપાઈ, ઘર, મોટર વગેરેથી રમતાં હોય છે અને જ્યારે તેનાથી તેઓ થાકી કંટાળીને પૂરેપૂરી વિતૃષ્ણા સાથે એમનાથી મોઢું ફેરવી ન લે ત્યાં સુધી ભગવાન કંઈ કરી શકતા નથી. ભગવાનને આ ઘણું રોચક લાગે છે અને વળી, એક દિવસ બાળક થોડું મોટું થઈને કહી ઊઠે છે,

‘મેં આખું જીવન શું કર્યું?’ અને ભગવાન પણ કહે છે, ‘હા, પુત્ર! તંે આખું જીવન શું કર્યું? તને આવું કરવાનું કોને કહ્યું હતું? આ રીતે અનિશ્ચિતકાળ સુધી મૂર્ખતાપૂર્વક રમતાં રહેવાનું તને કોણે કહ્યું હતું? પોતાનાં રમકડાંમાં ફસાઈને ઘાતપ્રતિઘાત સહન કરવાનુંં તને કોણે કહ્યું? આ બધું કોણે કર્યું?’ ત્યારે મોટાભાગના લોકોને ઘણું મોડું થઈ ગયું હોય છે, તેમજ બાળક પોતાના ધ્વંશ જીવનનાં ખંડેરોમાં બેસીને વિલાપ કરે છે. (ક્રમશ 🙂

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.