સતીના દેહત્યાગના સમાચાર નારદે શિવને આપ્યા. શિવ અત્યંત ક્રોધાવિષ્ટ થયા, તેમની જટામાંથી ઊર્જાથી ઝળહળતી વાળની લટ ઉખેડી અને પૃથ્વી પર ફેંકી. તેમાંથી વીરભદ્ર નામનો ભયંકર ગણનાયક ઉત્પન્ન થયો. તેનો ઊંચો દેહ આકાશને સ્પર્શતો હતો, તે મેઘ સમાન શ્યામ હતો, તેને હજાર હાથ હતા, તેને અગ્નિ સમાન ત્રણ આંખો હતી અને વાળ વિખરાયેલા હતા; તેણે ખોપરીઓની માળા પહેરી હતી અને ભયાનક આયુધો ધારણ કર્યાં હતાં. તે ગણનાયકે શિવનો ચરણસ્પર્શ કર્યો અને તેમને આદેશ આપવા કહ્યું. શિવે આજ્ઞા કરી, ‘દક્ષનો નાશ કરવા મારા સૈન્યનું અધિપતિપણું સ્વીકાર કર અને તેના યજ્ઞને ભસ્મીભૂત કરી નાખ, બ્રાહ્મણોથી ડરીશ નહીં કારણ કે તું મારો જ અંશ છે.’ પછી દક્ષની રાજસભામાં શિવગણો સહિતનું આ ભયાનક સૈન્ય જઈ પહોંચ્યું. તેઓએ યજ્ઞ-આહુતિનાં ઉપકરણોનો નાશ કર્યો, યજ્ઞ-આહુતિને ભ્રષ્ટ કરી, પુરોહિતોનું અપમાન કર્યું અને અંતે વીરભદ્રે દક્ષનું મસ્તક છેદી નાખ્યું, ઇન્દ્રનો ઘાણ વાળ્યો, યમનો દંડ તોડી નાખ્યો અને દેવોને અહીંતહીં ફેંકી દીધા પછી કૈલાસ પાછો ફર્યો. ત્યાં શિવ સર્વ વૃતાંત્તથી જાણે સાવ અજાણ્યા હોય તેમ નિર્વિકાર અને ગહન સમાધિમાં મગ્ન બનીને બેઠેલા હતા.

પરાજિત દેવોએ બ્રહ્માનું શરણ લીધું અને તેમની સલાહ માગી. બ્રહ્મા અને વિષ્ણુ તે મહોત્સવમાં ભાગ લેવામાંથી દૂર રહ્યા હતા કેમ કે શું બનવાનું છે તે તેઓએ અગાઉથી જાણી લીધું હતું. બ્રહ્માએ દેવોને શિવ સાથે સુલેહ-શાંતિ સ્થાપવાની સલાહ આપી કે જે શિવ પોતાના સંકલ્પથી સંસારનો નાશ કરી શકે છે. બ્રહ્માજી સ્વયં દેવોની સાથે કૈલાસ ગયા. તેઓએ શિવને ‘સૌગંધિક’ નામના કિન્નરોના ઉદ્યાનમાં, સો યોજન ઊંચા અને બન્ને તરફ ચાલીસ યોજન સુધી ફેલાયેલ ડાળીઓવાળા પીપળાની નીચે ગંભીર સમાધિમાં ડૂબેલા જોયા. દક્ષને માફી બક્ષવા માટે અને દેવો તેમજ ઋષિઓનાં ભાંગેલાં અંગોને સારાં કરવા બ્રહ્માએ શિવને પ્રાર્થના કરીને કહ્યું, ‘યજ્ઞ-આહુતિ આપની જ છે, એનો સ્વીકાર કરો અને યજ્ઞ-અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવાની અનુમતિ આપો.’ પછી શિવે ઉત્તર આપ્યો, ‘દક્ષ તો બાળક છે, હું તેને પાપી ગણતો નથી. જો કે તેનું મસ્તક બાળી નાખ્યું છે પણ હું તેના સ્થાને બકરાનું મસ્તક આપું છું. વળી તેનાં તૂટેલાં અંગો પણ સારાં થઈ જશે.’ ત્યાર પછી દેવોએ શિવનો તેમની સૌમ્યતા બદલ આભાર માન્યો અને યજ્ઞ માટે નિમંત્ર્યા. દક્ષે શિવ પ્રત્યે માન-આદર દાખવ્યાં, અનુષ્ઠાન સુચારુરૂપે સંપન્ન થયું અને ગરુડ પર સવાર થઈને ત્યાં વિષ્ણુ પધાર્યા. વિષ્ણુએ દક્ષને કહ્યું, ‘માત્ર અજ્ઞાનીઓ મારા અને શિવમાં ભેદ જુએ છે; સંસારનાં સર્જન, પોષણ અને સંહારના ઉદૃેશથી જુદાં જુદાં રૂપ ધારણ કરી રહેલ શિવ, હું અને બ્રહ્મા એક જ છીએ. અમે, ત્રિમૂર્તિ, સર્વજીવોમાં વ્યાપ્ત છીએ એથી જ્ઞાનીજનો બીજાં બધાંને પોતાની જેમ જુએ છે.’

પછી બધા દેવોએ શિવ, વિષ્ણુ અને બ્રહ્માને વંદનાદિ કર્યાં અને પોતપોતાના લોકમાં વિદાય થયા. શિવ કૈલાસ પર પાછા આવ્યા અને વળી ફરી વખત પાછા સ્વ-સ્વરૂપમાં લીન થઈ ગયા.

Total Views: 271

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.