(ગયા અંકમાં સંસારમાં ચિરશાંતિ સંભવ નથી એ વિશે વિશ્લેષણ વાંચ્યું, હવે આગળ…)

સર્વોચ્ચ લક્ષ્ય માટે સંઘર્ષ કરો

આપણને બધાંને સમતોલ અને શ્રેષ્ઠતર પથના સ્વીકારનો અવસર મળ્યો છે, પરંતુ આપણે પોતાના વિશિષ્ટ રમકડાં સાથે વળગી રહીએ છીએ અને એમને છોડતા નથી એટલે આપણે દુ :ખ ભોગવવાં પડે છે. જ્યાં સુધી જીવન દ્વારા વારંવાર અસંખ્ય ઉપાયોથી શીખવવામાં આવતા પાઠને શીખીને બુદ્ધિમત્તા સાથે આચરણ કરવા માંડતા નથી ત્યાં સુધી આપણે કષ્ટ ભોગવતાં રહીએ છીએ.

જે રીતે મોટાભાગના લોકો પોતાની સાંસારિક કામનાઓ અને લક્ષ્યોની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે, તે રીતે આપણે આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ અને સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરવા જોઈએ પરંતુ અધિકાંશ લોકો એવું કરતા નથી. આપણે આધ્યાત્મિક જીવનને સ્વીકારીએ કે સાંસારિક જીવન, ભય અને ગુલામીનું જીવન વિતાવીએ કે નિભર્યતાનું અને મુક્તિનું, આ બધું પૂરેપૂરી રીતે આપણી પસંદગી પર નિર્ભર રહે છે.

આપણે જે અપરિવર્તનશીલ અને અક્ષર હોય, એવી કોઈ ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આપણે મોટે ભાગે જાણી સમજીને તથા સ્વેચ્છાપૂર્વક અવિદ્યાનો માર્ગ પસંદ કરીએ છીએ, કારણ કે આપણે પોતાના ભૌતિક તેમજ ભાવનાત્મક ભોગોની કલ્પનાના રાજ્ય સાથે વળગી રહીએ છીએ, જેને આપણે પહેલાં કે પછી ત્યજવો પડે.

આપણે બધાએ એક દિવસ પોતાની પકડ ઢીલી કરવી પડશે અને જો એ સ્વેચ્છાએ ન કરીએ તો આ રમકડાં આપણી પાસેથી છીનવાઈ જશે, જે અત્યંત કષ્ટકર અને ઘણા લોકો માટે હૃદયવિદારક બની જશે. મોટા ભાગના લોકો માટે બોધપાઠ શીખવાનો આ જ એક માત્ર ઉપાય છે, પરંતુ એ ઘણો કષ્ટપ્રદ છે અને એમાં કેટલાય જન્મ લાગે છે. આપણે સજાગપણે, જાણી-સમજીને તથા વિચારપૂર્વક સમર્પિત બુદ્ધિથી એકનિષ્ઠ આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ. આપણી આ ઇચ્છાશક્તિને જીવનની ઉચ્ચ કે નિમ્ન દિશાઓમાં આપણે જેમ ઇચ્છીએ તેમ પ્રવાહિત કરી શકીએ છીએ.

લક્ષ્યપ્રાપ્તિ માટે પોતાનામાં પ્રચંડ ઉત્સાહ જગાડવાથી જ આપણે એ પ્રયાસ માટે આવશ્યક શક્તિ પ્રાપ્ત કરીને પૂરો પરિશ્રમ કરી શકીએ છીએ. અધ્યાત્મ જગતમાં પ્રાય : અવ્યવસ્થિત મસ્તિષ્કવાળા લોકો જોવા મળે છે. તેઓ કોઈ નિશ્ચિત પદ્ધતિનું અનુસરણ કરવા ઇચ્છતા નથી અને પોતાનાં ભાવનાઓ તથા મનોવેગોના અસીમ સાગરમાં વહેતા રહેવાનું ઇચ્છે છે.

એટલે વાસ્તવિક રીતે જોઈએ તો તેઓ કંઈ પ્રાપ્ત કરતા નથી અને સંપૂર્ણ સાંસારિક મનોવૃત્તિવાળા લોકોની જેમ થોડું ઘણું જ મેળવે છે. અવ્યવસ્થિત મસ્તિષ્કવાળી કોઈપણ વ્યક્તિ સંસારમાં સફળ થઈ શકતી નથી. આધ્યાત્મિક જગતમાં તો એનાથીયે ઓછી સફળતા મળે છે. તમે શું ઇચ્છો છો, એ હંમેશાને માટે નક્કી કરી રાખો. મોટે ભાગે આપણે શાંતિ તો ઇચ્છીએ છીએ, પરંતુ એવા પથનું અનુસરણ કરીએ છીએ કે જેના પરિણામે અંતે તો અશાંતિ અને કષ્ટ ઉપજે છે.

બંગાળીમાં એેક કહેવત છે જેનો ભાવાર્થ આવો છે, ‘કેટલાક લોકો એવા હોય છે કે જે પૂર્વ તરફ જવા ઇચ્છે છે, પરંતુ પશ્ચિમ તરફ આગળ ધપવા લાગે છે અને જો કોઈ એનું કારણ પૂછે તો કહે છે, હું ઉત્તર તરફ જવા ઇચ્છું છું.’

સત્યની કસોટી

પ્રેમી પોતાના પ્રેમાસ્પદની કલ્પનામાં જેમનું અસ્તિત્વ નથી એવી વાતોની કલ્પના કરે છે. પાગલ માણસ પણ જે સત્ય નથી એવી વાતોની કલ્પના કરે છે. આધ્યાત્મિક જગતમાં મનના વિભ્રમો અને કલ્પનાઓને સ્થાન નથી. આપણે સાધનાની એક સુનિયોજિત વિધિનું અવલંબન કરીને સત્યની એક ઝલક મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો આવી ઝલક અચાનક મળી જાય તો આપણે દીર્ઘ, નિયમિત સાધના દ્વારા તેને માટે તૈયાર ન હોઈએ તો તેની તીવ્ર પ્રતિક્રિયા થઈ શકે છે અને તે આપણા સમગ્ર જીવનને અસ્થિર પણ બનાવી શકે છે. એટલે પ્રથમ તો આપણે આ ઝલકોના અધિકારી બનતાં શીખવું જોઈએ, જેથી આપણા કલ્યાણાર્થે એમને સદાને માટે પોતાની બનાવી શકીએ.

પ્રારંભમાં આધ્યાત્મિક વિકાસ સાધક માટે સુખપ્રદ નથી, પરંતુ તે વધારે પ્રમાણમાં કષ્ટપ્રદ હોય છે. મધ્ય અવસ્થાઓમાં તેનું જીવન ઘણું કઠિન બની જાય છે ત્યારે સંસાર પ્રત્યે તેની વાસ્તવિક રુચિ રહેતી નથી અને એને આત્મસાક્ષાત્કાર પણ થતો નથી. એ એની પહોંચની બહાર રહી જાય છે. જાણે કે તે વચ્ચે આકાશમાં લટકી રહેવા જેવું છે, તે ઉપર જઈ શકતો નથી અને નીચે પણ. સત્યની કસોટી આ છે : સાંસારિક વસ્તુઓ અને સાંસારિક સંબંધોમાં તમે ક્યારેય પણ શાશ્વત સુખ અને સંતોષ મેળવી શકતા નથી. આનાથી ઊલટું અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવનમાં બધી બાહ્ય વસ્તુઓથી નિરપેક્ષ પૂર્ણ સંતોષ મેળવી શકાય છે.

એટલે મહાન ઋષિ નારદ (ભક્તિસૂત્ર ૧.૪)માં કહે છે, ‘યલ્લબ્ધ્વા પુમાન્ સિદ્ધો ભવતિ, અમૃતો ભવતિ, તૃપ્તો ભવતિ’ અર્થાત્ તે ભગવદ્ ભક્તિનો લાભ મેળવીને મનુષ્ય સિદ્ધ, અમર અને તૃપ્ત બની જાય છે.

જે વ્યક્તિને ખરેખર તરસ લાગે છે, તે પાણી જ ઇચ્છે છે. પરંતુ જે તરસ્યા નથી, તેઓ પાણી વિના લાંબા સમય સુધી રહી શકે છે. એક સાચો નિષ્ઠાવાન સાધક બધાં પ્રાપ્ત નિર્દેશોનું પાલન કરશે, પરંતુ લોકો એટલા ઢીલા તથા ઓછી નિષ્ઠાવાળા હોય છે કે એમને આપેલા નિર્દેશોના પાલનની એમને કોઈ વ્યગ્રતા કે આતુરતા હોતી નથી.

આપણે વળી, શુદ્ધતમ પાણી ઇચ્છીએ છીએ, ભેળસેળવાળું કે ખૂબ જ ગંદુ પાણી નહીં. આપણામાં સાચી પિપાસા હોવી જોઈએ, પરંતુ આપણે એવી કોઈ વસ્તુઓનો સ્વીકાર ન કરવો જોઈએ કે જે શુદ્ધ અને શુભ ન હોય. સંઘર્ષ વિના સત્યનો સાક્ષાત્કાર કરી ન શકાય.

ખરેખર આખું જીવન એક સંઘર્ષ છે. પ્રત્યેક વ્યક્તિ કંઈ ને કંઈ પ્રાપ્ત કરવા સંઘર્ષરત રહે છે. પરંતુ આધ્યાત્મિક સંઘર્ષ એક ઉચ્ચતર કોટિનો સંઘર્ષ છે. તે ચેતના માટે સંઘર્ષ છે. સંઘર્ષ, સંઘર્ષ, સંઘર્ષ! બીજો કોઈ માર્ગ જ નથી. ચાલો, આપણે પણ સંઘર્ષથી ભયભીત ન બનીએ. (ક્રમશ 🙂

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.