(ગયા અંકમાં હિંદુધર્મમાં પ્રણાલિકારૂપ કીર્તન, મેળો, ઉત્સવ, કથાસત્ર, તીર્થયાત્રા – આ બધાની સાર્થકતા વિશે વાંચ્યું, હવે આગળ…)

પ્રકરણ – ૬

ધર્મ : આધુનિકીકરણ પામેલ હિન્દુધર્મ

ગમે તે કારણ હોય, કોઈપણ ધર્મ તેનાં શાસ્ત્રોનું સંપાદન અને પુનર્લેખન કરવાની પરવાનગી આપે નહીં. અને હિન્દુધર્મ તેમાં અપવાદરૂપ નથી. વેદો એ શ્રુતિઓ છે-ઉપનિષદો સમાવિષ્ટ કરતાં અપૌરુષેય શાસ્ત્રો છે- અને એટલે જ અતિ પવિત્ર છે. તેવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના શિષ્ય વચ્ચેના સંવાદરૂપ શ્રીમદ્ ભગવદ્ગીતા પણ ન બદલી શકાય. જો એમાંનું કથાવસ્તુ આધુનિક જગતમાં અપ્રસ્તુત કે અસંગત આદર્શાેવાળું જણાય તો વ્યવહારુ ન લાગે તેવી સ્થિતિમાં તેનો ત્યાગ કરી શકાય, સદ્ભાગ્યે બદલાતા જતા સમયને અનુકૂળ થવા સુજ્ઞ વ્યક્તિઓ દ્વારા સ્મૃતિઓ નવેસરથી સંપાદિત કરી શકાય તેવી છે. તેથી ૧૮મી થી ૨૦મી સદી દરમિયાન કાળજીપૂર્વક થયેલ નૈતિક પરિવર્તનને નવા સામાજિક – નૈતિક નિયમોના(સ્મૃતિ) વિકાસ તરીકે જોઈ શકાય છે. આ નવી સ્મૃતિ વિજ્ઞાન ટેકનોલોજી, ઔદ્યોગિકીકરણ તથા મુક્ત બજારવાળી લોકશાહી દ્વારા પણ પરિવર્તન પામેલ જગતને માટે બંધબેસતી છે. ચાલો હવે આપણે આધુનિકીકરણ પામેલ હિન્દુ ધર્મના હાર્દરૂપ મૂળ ખ્યાલો એને તેની નવી સ્મૃતિઓ તરફ વળીએ. આ બંને આગામી સૈકાઓ માટે ન્યાયોચિત અને યોગ્ય ગણાશે.

હાર્દરૂપ મૂળ ખ્યાલો

૧. આત્મા, બ્રહ્મ કે પરમાત્મા, કર્મ, પુનર્જન્મ, સંસાર અને મોક્ષ એ બધા હિંદુધર્મના મૂળભૂત ખ્યાલો છે. આત્મા અમર છે, આદિ-અંતરહિત છે અને પરમાત્મા કે બ્રહ્મ સાદૃશ છે. તે બ્રહ્મ નિરાકાર-અવર્ણનીય સત્તા છે અને સંસારનું સર્જન કરે છે. આત્મા સજીવ રૂપે દેહ ધારણ કરે છે, દેહનાં કર્મો દ્વારા બદ્ધ થાય છે અને જ્યારે દેહનું મૃત્યુ થાય છે ત્યારે તે અન્ય દેહમાં પ્રવેશવા બંધાયેલ છે. દેહના જન્મ-મરણના આ ચક્ર અને આત્માના સાતત્યપણાને સંસાર તરીકે ઓળખવામાં આવે છે. મોક્ષ (મુક્તિ) અર્થાત્ આત્માને સંસારમાંથી મુક્તિ. એટલે કે જન્મ-મરણના ફેરામાંથી છુટકારો. જન્મ-મરણના ઘણા બધા ફેરા પછી માત્ર અતિ ઉત્ક્રાંત જીવો માનવદેહ ધારણ કરે છે. માનવોએ વિવેકબુદ્ધિ દ્વારા સન્માર્ગે વર્તતા રહીને, મોક્ષની સ્થિતિની નજીકને નજીક પહોંચવા માટે પૂર્વજીવનનાં કર્મફળોનો ક્ષય થાય તેવાં સત્કર્મો કરવાની જરૂર છે. જ્યારે આત્માને બદ્ધ ન કરે તેવાં કર્મો માણસ કરે છે ત્યારે તે તરત જ સંસારબંધનથી મુક્ત બને છે. દરેક માનવનો જીવન-ઉદ્દેશ આવી મુક્તિ છે.

એ નોંધપાત્ર છે કે જૈનધર્મ, બૌદ્ધધર્મ અને શીખધર્મમાં પણ કર્મ, સંસાર અને મોક્ષ અંગે આવી ઘણી જ માન્યતાઓ છે, પરંતુ તેઓ વેદોને તેમના પવિત્ર ધર્મગ્રંથ તરીકે માનતા નથી. આમ હિંદુધર્મ વેદ-પ્રામાણ્ય (વેદોને પ્રમાણભૂત શાસ્ત્રો માનીને) દ્વારા તે બધાથી પોતાને જુદો તારવે છે.

૨. કર્મયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગ એ મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગાે છે એ હિંદુધર્મનો બીજો હાર્દરૂપ ખ્યાલ છે. આવો હિંદુધર્મ જગતનો સૌથી વિશેષ લોકનિયંત્રિત ધર્મ છે. વ્યક્તિગત પ્રકૃતિ અનુસાર ગમે તે સ્ત્રી કે પુરુષ આ પૈકીના કોઈપણ યોગ કે તેના ઉપ-માર્ગ પસંદ કરી શકે છે. તેઓમાં રહેલ એકરૂપતાને કારણે આ મૂળ ખ્યાલો (પ્રકરણ-૩) માં કોઈપણ જાતના પરિવર્તનની જરૂર ન હતી. કર્મયોગને અનુસરનારા (ભોક્તા કે કર્તા) માટે પોતાના સંસારના સ્વરૂપમાં વિચાર કરવાનું કે નહીં કરવાનું જરૂરી છે. સમગ્રતયા કર્મમાં મન પરોવીને માત્ર કર્મ કરતાં જતા રહીને અને સમત્વભાવે અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામોનો સ્વીકાર કરીને તેમનાં કર્મોનાં ફળમાં આસક્ત થયા વિના જીવનમાં પોતાનું કર્તવ્યકર્મ સારી રીતે બજાવતા રહીને પરમાનંદ પ્રાપ્ત કરે. જેઓ ચિંતક અને વિચારક પ્રકારના જ્ઞાનમાર્ગીઓ છે તેઓ માટે સંસારનો ખ્યાલ અપેક્ષણીય છે કેમ કે તે આ જ જીવનમાં મોક્ષપ્રાપ્તિનું અંતિમ ધ્યેય સિદ્ધ કરવાની વિશેષ તક પૂરી પાડે છે. તેમની દૃષ્ટિએ મોક્ષ એટલે આત્મા અને પરમાત્માનું મિલન અથવા તો આત્મા એ પરમાત્મા છે એવી અનુભૂતિ. કર્મયોગ અને ધ્યાનયોગ પૈકીના એક પણને સાકાર ઈશ્વરની આવશ્યકતા નથી. જેઓ ભક્તિમાર્ગને અનુસરનારા છે તેઓ બ્રહ્મના સગુણરૂપનું પ્રગટીકરણ પસંદ કરે છે, એટલે સગુણ ઈશ્વર સર્વજ્ઞ, સર્વવ્યાપી અને દયાળુ છે.

અવર્ણનીય બ્રહ્મના ઈશ્વરરૂપે પ્રગટિત થવાની વિભાવના સ્વીકારવામાં આવતાં હિંદુધર્મ શુદ્ધ તાર્કિકપણે આવા પ્રગટીકરણમાંના વૈવિધ્યનો સ્વીકાર કરે છે. તેથી હિંદુધર્મમાં ઘણાં બધાં દેવ-દેવીઓ છે અને તે પ્રત્યેક ભિન્નભિન્ન વૃત્તિ-પ્રવૃત્તિવાળાં જણાય છે. ભક્ત સ્ત્રી કે પુરુષ ‘અંતિમ આશ્રય’ માટેની તેની આતુરતા સંતોષાતી જણાય તેવાં દેવ કે દેવીની પસંદગી કરે છે. ભક્તિ એકલ અભિરુચિવાળી નથી : તે એક અથવા વધારાના અન્ય દેવ-દેવીઓ પ્રત્યે પણ વિસ્તરી શકે. હિંદુઓનો બહુમતી વર્ગ ભક્તિમાર્ગનું અનુસરણ કરે છે અને વળી અન્ય બે માર્ગાે પૈકીના કર્મ અને ધ્યાનમાર્ગને અનુસરનારા ભક્તિમાર્ગ પ્રત્યે અણગમો દર્શાવતા નથી. બધા માર્ગો મોક્ષ પ્રતિ દોરી જાય છે તે બાબતે બધા સુમાહિતગાર છેે. આપણે આગળ ઉપર પ્રકરણ સાતના ‘હિંદુધર્મનું આચરણ’ શિર્ષકવાળા ભાગમાં ભક્તિમાર્ગની પરોક્ષ સૂચકતા અંગે જોઈશું.

જો કે બ્રહ્મનું સાકારરૂપમાં પ્રગટીકરણ સર્વ દેવોનું એકત્વ, વૈદિક દેવનું એકત્રિકરણ અને સગુણ ભક્તિપથના દેવોના ખ્યાલો એ ધર્મ ઉપદેશતા ગુરુઓના માત્ર સિદ્ધાંતદર્શક નિયમો જેવા ન હતા. આ બધા ખ્યાલો કોઈપણ દેવતા માટેની પ્રાર્થનાઓ કે મંત્રો સ્વરૂપના છે. ચાલો, આપણે દૃષ્ટાંત તરીકે હિંદુધર્મના વિશ્વભરમાં પ્રસિદ્ધ ગજાનન ગણેશનું અતિ વિલક્ષણ પ્રગટીકરણ લઈએ. ગણેશ એ શિવ-પાર્વતીના પુત્ર અને કાર્તિકેય (દક્ષિણભારતમાં સુબ્રમણિયમ્)ના ભાઈ છે. ગણેશ (ગણપતિ, સંસ્કૃતમાં અથર્વશીર્ષ)ના મંત્રો-સ્તોત્રોનો ધાર્મિક રીતે બહોળી સંખ્યામાં શિક્ષિત હિંદુઓ દ્વારા નિયમિતરૂપે પાઠ કરાય છે. ગણેશને રક્ષણ, બૌદ્ધિક શક્તિ અને પરમાનંદની યાચના કરતી વખતે પાઠ કરનાર વિવિધ પ્રકારે સંબોધિત કરે છે. કેટલાંક ઉદાહરણો નીચે આપ્યાં છે. આવા જ પ્રકારની ફિલસૂફી દરેક સાકાર દેવસ્વરૂપના સંબંધની છે.

‘તમે બ્રહ્મ પોતે જ સાકાર બન્યા છો; તમે સર્જક (બ્રહ્મા), પોષક (વિષ્ણુ) અને સંહારક (મહેશ) છો; તમે જ આત્મા સાકાર સ્વરૂપે બ્રહ્મ છો; તમે ઇન્દ્ર, રુદ્ર, વરુણ, વાયુ, અગ્નિ (પ્રકૃતિના બધા વૈદિક દેવો) છો; તમે જ્ઞાન સ્વરૂપ છો, તમે ત્રિગુણાતીત છો, તમે શાશ્વત આનંદ છો.’

૩. ખાસ કરીને ઉપનિષદોમાં વારંવાર દોહરાતા હિંદુધર્મની મૂળભૂત પ્રર્થનાઓ બે પ્રકારની છે : એક વ્યક્તિ દ્વારા પોતે જ કરાતી તેમજ ગુરુ-શિષ્ય દ્વારા સંયુક્તપણે કરાતી.

‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા,

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા’

ॐ सह नाववतु । सह नौ भुनक्तु ।

सह वीर्यं करवावहै। तेजस्वि नावधीतमस्तु।

मा विद्विषावहै ।

ॐ शान्तिः शान्तिः शान्तिः ।।

‘આપણા બન્નેની રક્ષા થાઓ. આપણે બન્ને સાથે મળીને (જીવનને) માણીએ, આપણે બન્ને વીરતાનાં કાર્યો કરીએ, આપણા બન્નેનું અધ્યયન કરાયેલું જ્ઞાન ઉજ્જવળ બનો, આપણે બન્ને એકબીજાનો તિરસ્કાર ન કરીએ.ત્રિતાપથી શાંતિ પ્રાપ્ત થાઓ.’

આ પ્રત્યેક પ્રાર્થના (કે શાંતિમંત્ર)નો આરંભ પવિત્ર ‘ૐ’ પદથી થાય છે અને સમાપ્તિ શાંતિ, શાંતિ, શાંતિ એવા પદથી ભારપૂર્વક કહેવા માટે ત્રણ વખત ઉચ્ચારીને કરાય છે. હિંદુધર્મના હાર્દરૂપ મૂળભૂત ખ્યાલોને સુસંગતપણે આ પ્રાર્થનાઓમાં સદંતરપણે એક પણ દેવનો ઉલ્લેખ કરાયો નથી. ત્રણ પૈકીના કોઈપણ માર્ગના અનુયાયીઓ બંધબેસતી રીતે આ પ્રાર્થનાઓનો ઉપયોગ કરી શકે છે.

તદ્ઉપરાંત આમાં જેની યાચના કરાય છે તે છે મનુષ્યની કલ્યાણકારી જીવન વિષયક સર્વ સામાન્ય ઇચ્છા-જ્ઞાનોપલબ્ધિ, શાંતિપૂર્ણ સમૂહજીવન, અને જીવનના અનિવાર્ય અંગભૂત ગણાતા એવા મૃત્યુના ભયથી મુક્તિ. (ખરુ જોતાં, કોઈપણ ધર્મની કોઈપણ વ્યક્તિ આ પ્રાર્થનાઓ કરી શકે છે – જાણે કે તે સ્ત્રી કે પુરુષ તેના ધર્મના ઈશ્વરને જ કરતી હોય!)

૪. અન્ય પૂર્ણત : સાંપ્રદાયિક શ્લોક પણ ઘણા લાંબા કાળથી હિંદુધર્મમાં નિત્ય પ્રાર્થનાના ભાગરૂપે ગવાતો આવ્યો છે 

ॐ सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ।।

‘(આ જગતમાં) અહીં બધા સુખી થાઓ, બધા નિરામય થાઓ, બધા (જીવન અને લોકોનાં સ્થિતસ્થાન) શુભ થાઓ અને કોઈપણ વિષાદ ન પામો.’

એક વ્યક્તિનું સુખ અનિવાર્યપણે બીજા પર અવલંબિત છે તે સ્મરણમાં રાખવા માટે માનવજાત માટેની આ શુભકામનાઓ (પ્રાણીઓ અને વનસ્પતિ સહિતનાં સઘળાં સજીવો) દરેક વ્યક્તિએ દરરોજ કરવાની હોય છે. બીજાઓનું અને આપણી આજુબાજુનું ‘બુરું’ જોવું એ સરળ છે, વિવિધ પ્રકારે આપણી આસપાસ વ્યાપ્ત રહેલું શુભ જોવું વધુ કઠિન છે. આપણે નોંધીએ કે અહીં કોઈ પરમસત્તાને પ્રાર્થના કરાઈ નથી. (ક્રમશ 🙂

Total Views: 387

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.