(ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ પ્રયત્ન કરવાનો છે, એ વિશે માર્ગદર્શન મેળવ્યું, હવે આગળ…)

या निशा सर्वभूतानां तस्यां जागतिर् संयमी।

यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः।।69।।

‘બધાં ભૂતો (પ્રાણીઓ)ની જે રાત હોય છે તેમાં સંયમીઓ જાગતા હોય છે. જેમાં બધાં ભૂતો જાગતાં હોય છે તે જ્ઞાની – મુનિની રાત હોય છે.’

‘નિશા’ શબ્દનો અર્થ, સંસ્કૃતમાં ‘નિદ્રા’ અથવા ‘રાત્રી’ થાય છે. जागतिर्, એટલે ‘જાગતા’. આમ આ શ્લોક રસિક વિરોધાભાસ રજૂ કરે છે : या निशा सर्वभूतानां, ‘સત્યના જે પાસાને બધાં ભૂતો અંધકાર તરીકે જુએ છે’ તેને યોગીઓ તેજસ્વી પ્રકાશરૂપે જુએ છે, અને यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ‘સત્યના જે પાસાંમાં બધાંને પુષ્કળ પ્રકાશ દેખાય છે ત્યાં, યોગીને માત્ર અંધકાર નજરે પડે છે.’ આ બે વચ્ચેની તુલના છે. જે એકને માટે નિશા છે તે બીજાને માટે નિશા નથી; એને માટે એ જાગ્રત છે. એથી ઊલટું પણ સાચું છે. આત્માનો સાક્ષાત્કાર કરનાર યોગી પૈસો, મોજશોખ કે સત્તાની પાછળ દોટ મૂકતો નથી. અને સંસારીજનને એવી ઊંચેરી બાબતોમાં રસ નથી; એ તો ઊલટો કહેશે, ‘લોભથી પ્રેરાઈ હું પૈસા પાછળ દોડીશ, લોકોને છેતરીશ પણ અને હિંસા પણ આચરીશ’; આમાં જ એ સુખી થાય છે. યોગીને એમાં અંધકાર સિવાય કશું નથી દેખાતું.

બાળક રમકડે રમે છે; એમાં એને અતિ સુખ છે. પરંતુ માબાપને રમકડાંમાં રસ નથી. એમને રમવા માટે બીજાં ‘રમકડાં’ છે. આપણે બાળક તરીકે રમીએ છીએ ત્યારે રમતમાં આપણે એકદમ રમમાણ થઈ જઈએ છીએ; એ સમયે એ જ આપણું સર્વસ્વ છે; છોકરા તરીકે હું ફુટબોલ રમતો ત્યારની વાત મને યાદ છે કે રાત પડે અને બોલ દેખાય નહીં તો પણ અમે સૌ રમવાનું ચાલુ જ રાખતા; અમારા જીવનની સૌથી અગત્યની વસ્તુ ત્યારે એ જ હતી. માનવજીવનનું એ લક્ષણ છે; આપણે એક આનંદેથી બીજે આનંદે જઈએ છીએ ને વધારે ઊંચેરે આનંદે જઈએ છીએ. એટલે વેદાંત કહે છે કે આનંદનાં વિવિધ પરિમાણો છે; એક પછી બીજાને આપણે શોધવું પડે; એક જ જગ્યાએ ચીટકી ન રહો. કોઈ કક્ષાનો તિરસ્કાર કરવાનો નથી; દરેક કક્ષાને એનું પોતાનું મૂલ્ય છે. પણ આગે બઢો, આગે બઢો, આગે બઢો – વેદાંતનું એ મહાવાકય છે. चरैवेति, चरैवेति, चरैवेति, ‘આગે બઢો’, એમ યજુર્વેદ કહે છે; એક કક્ષાએ પડયા ન રહો.

સભ્યતાઓ ઇન્દ્રિયકક્ષાએ અટકી જાય છે ત્યારે સડીને નાશ પામે છે. એક સુંદર દૃષ્ટાંતમાં શ્રીરામકૃષ્ણ કહેતા, ‘એગિયે જાઓ, એગિયે જાઓ’. બંગાળીમાં ‘એગિયે જાઓ’ એટલે આગે બઢો, આગળ ધપો. એક કઠિયારો જંગલમાં જઈ થોડાં લાકડાં કાપી લાવતો, હાટ ભરાયું હોય ત્યાં એ વેચતો અને નિર્વાહ કરતો; આમ લાંબો વખત ચાલ્યું; એક દિવસે એ માર્ગે એક સાધુ પસાર થયો. એણે કઠિયારાને પોતાનું કામ કરતો જોયો. એણે કઠિયારાને માત્ર એટલું જ કહ્યું : ‘એગિયે જાઓ.’ શરૂઆતમાં તો કઠિયારાએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં. પણ એક દિવસ એને વિચાર આવ્યો કે ‘હું અહીં જ લાકડાં કાપું છું. પેલા સાધુએ તો મને આગળ ધપવા કહ્યું છે. શા માટે એમ ન કરવું ?’ જંગલમાં એ જરા આગળ વધ્યો; ત્યાં એને વધારે ઊંચી જાતનું લાકડું મળ્યું અને એ વધારે કમાયો; પછી એને વિચાર આવ્યો : ‘મારે અહીં જ શા માટે અટકી જવું ? હજી વધારે ઊંડા જંગલમાં શા માટે ન જવું ?’ પછી એને તાંબાની ખાણ મળી, પછી સોનાની ખાણ અને અંતે હીરાની ખાણ; એ ખૂબ શ્રીમંત થઈ ગયો.

‘એગિયે જાઓ’ની શ્રીરામકૃષ્ણની આ દૃષ્ટાંતકથા છે. આધ્યાત્મિક જીવનનું પણ તેવું જ છે. ‘એગિયે જાઓ, એગિયે જાઓ’, સમૃદ્ધતર અનુભવો તમારી વાટ જુએ છે; આધ્યાત્મિક સંપૂર્ણ વિકાસ સૌ લોકો માટે વાટ જુએ છે. પછી એક જોરદાર કથન આવે છે. જે મન અડગ છે, જે પોતાની આસપાસનાં દબાણોને વશ નથી થતું તે મનનું સ્વરૂપ કેવું છે ? જે માત્ર એક રીતે ગીતા એને વર્ણવી શકે. તે પછીના શ્લોકમાં આવે છે :

आपूर्यमाणमचलप्रतिष्ठं

समुद्रमापः प्रविशन्ति यद्वत्।

तद्वत्कामा यं प्रविशन्ति सर्वे

स शान्तिमाप्नोति न कामकामी।।70।।

‘ભરપૂર અને શાંત સમુદ્રમાં બધી નદીઓનાં (પૂરનાં) પાણી (સમુદ્રને ખળભળાવ્યા વિના) પ્રવેશે છે તેમ, જે મુનિમાં કામનાઓ પ્રવેશે છે તે ખળભળતો નથી, કામનાઓ ઇચ્છનારનું તેવું નથી.’

જુદી જુદી કામનાઓ અને ઇન્દ્રિય સુખો પાછળ દોડનાર મનુષ્ય તે એક પ્રકારનું; બીજા પ્રકારનો માનવી પણ છે – એના ચિત્તમાં અનેક કામનાઓ ભલે પ્રવેશે, પણ એનું ચિત્ત જરાય ચલાયમાન થતું નથી; એ પૂર્ણપણે શાંત અને સ્થિર રહે છે. પોતાની કામનાઓ, બીજાઓની કામનાઓ બધી એના ચિત્તમાં પ્રવેશે છે પણ એનું ચિત્ત જરાય ક્ષોભ પામતું નથી.

એ ચિત્તનું સ્વરૂપ કેવું છે ? એ મહાસાગર જેવું છે – आपूर्यमाणम् अचलप्रतिष्ठम् समुद्रम्, समुद्र એટલે મહાસાગર, आपूर्यमाणम्, ‘છલોછલ ભરેલો’ અને अचलप्रतिष्ठम्, ‘પહાડની જેમ અડગ’ आपः प्रविशन्ति, ‘પાણી પ્રવેશે છે’; तद्वत्, ‘તેમ જ’ कामा यं प्रविशन्ति सर्वे, ‘જેનામાં બધી કામનાઓ (કશો ક્ષોભ પેદા કર્યા વિના) પ્રવેશે છે’; स शान्तिमाप्नोति, ‘એ શાંતિ મેળવે છે’; न कामकामी, ‘અને કામનાઓનો કામી – ઇચ્છા રાખનાર – નહીં.’ બૌદ્ધ ભાષામાં, એ લોકો बोधिचित्तम् કહે છે, બુદ્ધનું ચિત્ત.

બોધિચિત્ત અદ્‌ભુત ચિત્ત છે. એ ચિત્તની શાંતિમાં ખલેલ પાડયા વિના એમાં કશું પણ પ્રવેશી શકે. આમ જે માનવીએ અસાધારણ શક્તિ અને સ્થિરતા પ્રાપ્ત કર્યાં હોય અને આજુબાજુનાં આ બધાં આકર્ષણો જેનામાં કશો ફેરફાર ન કરતાં હોય તેવા માનવીના ચિત્તનું આ વર્ણન છે. કઠ ઉપનિષદ પરની પોતાની ટીકામાં શંકરાચાર્યે વર્ણવ્યા પ્રમાણે, महाहृदवत् अक्षोऽभ्यमानः, ‘ચલાયમાન નહીં થતા મોટા સરોવરની માફક’ આ વ્યક્તિ એકદમ શાંત અને સ્થિર હોય છે. આમ આ શ્લોક પૂર્ણતા પ્રાપ્ત થયેલી સ્થિતિને વર્ણવે છે. (ક્રમશ 🙂

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.